દરેક માણસે નક્કી કરવું જોઇએ
કે મારે મારા જેવા જ બનવું છે
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
કોપી ક્યારેય ઓરિજિનલ હોય ન શકે. દરેક વ્યક્તિમાં
કંઇક યુનિક હોય છે. જે પોતાની આગવી કૂનેહનો ઉમદા
ઉપયોગ કરી જાણે છે, એ જ પોતાના ક્ષેત્રમાં નામના મેળવી શકે છે
અમેરિકાના નોઆહ લાયલ્સે 200 મીટર દોડમાં વર્લ્ડ કપ જીત્યો
એ પછી તેણે કહ્યું કે પ્લીઝ, મારી સરખામણી
બોલ્ટ સાથે ન કરો, હું લાયલ્સ છું
એક સ્કૂલમાં ટીચરે વિદ્યાર્થીઓને પૂછ્યું, તમારે કોના જેવા બનવું છે? દરેક વિદ્યાર્થી જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતો હતો તેણે એ ક્ષેત્રમાં નામના મેળવનાર વ્યક્તિનું નામ આપ્યું. મારે સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, પી.ટી. ઉષા કે નરેન્દ્ર મોદી જેવા બનવું છે. રોનક નામના એક સ્ટુડન્ટે ઊભા થઇને કહ્યું કે, મારે મારા જેવા એટલે કે રોનક જેવા જ બનવું છે. જિંદગીમાં કોઇ આદર્શ કે કોઇ રોલ મોડેલ હોય એમાં કંઇ ખોટું નથી પણ છેલ્લે તો દરેક વ્યક્તિએ પોતાના જેવા જ બનવાનું હોય છે. મહેન્દ્રસિંહ ધોનીએ ક્યારેય સચિન તેંડુલકર બનવાનો પ્રયાસ કર્યો નથી કે વિરાટ કોહલીએ ક્યારેય ધોનીની જેમ રમવાનો પ્રયત્ન કર્યો નથી. દરેકની રમવાની પોતાની સ્ટાઇલ છે. માત્ર ક્રિકેટની વાત નથી, દુનિયાનું કોઇપણ ક્ષેત્ર લઇ લો, જે લોકો મહાન સાબિત થયા છે એણે પોતાની આગવી ઓળખ અને આગવી પ્રતીભાથી જ નામના મેળવી છે.
હું હું છું. હું બીજા કોઇ જેવો હોય ન શકું. હું મારા જેવો જ હોય શકું. આવી જેને સમજ છે એના માટે પોતાની દિશા નક્કી કરવી આસાન બની રહે છે. આવી વાત કરવા પાછળ હમણાં જ બનેલી એક ઘટના કારણભૂત છે. અમેરિકાના 22 વર્ષના નોઆહ લાયલ્સે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પહેલી વખત ભાગ લીધો. તેણે 200 મીટરની દોડ 19.83 સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો. લાયલ્સ પહેલી જ ચેમ્પિયનશીપમાં નંબર વન આવ્યો એટલે દુનિયાનું મીડિયા તેના પર સમરકંદ બુખારા ઓવારી ગયું. મીડિયાએ ગાઇ વગાડીને એવું કહ્યું કે, દુનિયાને બીજો ઉસૈન બોલ્ટ મળી ગયો છે. સામાન્ય સંજોગોમાં કોઇ નવા ખેલાડીની ગણના કોઇ મહાન ખેલાડી સાથે થાય તો એને આનંદ થાય પણ લાયલ્સ જરાક જુદો નીકળ્યો. લાયલ્સે જાહેરમાં વિનંતી કરી કે, મહેરબાની કરીને મારી સરખામણી ઉસૈન બોલ્ટ સાથે ન કરો. હું લાયલ્સ છું. બોલ્ટનો દાયકો પૂરો થયો છે. હવે મારો સમય છે. મને એ વાતની ખબર નથી કે, પહેલી જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કોઇએ ક્યારેય ગોલ્ડ મેડલ જીત્યો છે કે નહીં, પણ મેં એવું કરી બતાડ્યું છે. કોણે શું કર્યું એનાથી મને કોઇ મતલબ નથી, મારે શું કરવાનું છે એ જ મને ખબર છે.
લાયલ્સની આ વાત કદાચ કોઇને અભિમાન પણ લાગે, કોઇ કદાચ એવું પણ બોલે કે, ભાઇ હજુ તો તેં એક જ ગોલ્ડ મેડલ મેળવ્યો છે, બોલ્ટથી તો તું ક્યાંય પાછળ છે. જે હોય તે, પણ લાયલ્સ એની જગ્યાએ સાચો છે. બનવા જોગ છે કે, લાયલ્સને ઉસૈન બોલ્ટ પ્રત્યે આદર હોય અથવા આદર ન પણ હોય, એ એની જગ્યાએ છે પણ એને એટલી ખબર છે કે, મારે લાયલ્સ જ બનવાનું છે.
ધ્યેય ઊંચું રાખો, સપનું કોઇએ અત્યાર સુધી ન કર્યું હોય એવું મહાન કામ કરવાનું રાખો, જે તે ક્ષેત્રમાં મહાન બનનારા વ્યક્તિની મહેનત કેટલી અને કેવી હતી એ પણ જાણો પણ છેલ્લે બનવાનું તો તમારા પોતાના જેવું જ રાખો. તમારા આદર્શો અને તમારા સિદ્ધાંતો તમે જ બનાવો. આઇએએસની પરીક્ષામાં ટોપ આવનાર એક વ્યક્તિ યંગસ્ટર્સના સેમિનારમાં ગયા ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે, તમે કેટલા કલાક મહેનત કરતા હતા? તમારી વાંચવાની અને યાદ રાખવાની રીત શું હતી? આઇએએસ ટોપરે કહ્યું કે, એ તો હું તમને કહીશ પણ એ પહેલા મારે તમને એક વાતની ચોખવટ કરવી છે કે, તમારામાંથી કોઇ મારી સ્ટાઇલને ફોલો કરતા નહીં, તમારી સ્ટાઇલ જ અપનાવજો. આવું કહેવાનું કારણ એ છે કે, મેં કોઇની સ્ટાઇલ અપનાવી નહોતી. મારી રીતે જ મહેનત કરી હતી. તમને મહેનત કરવાની ઇઝી લાગે અને મજા આવે એ રીતે જ પ્રયાસો કરજો. મારા જેવું કરવા જશો તો કદાચ તમે મારા જેવા તો નહીં બનો પણ તમારા જેવા પણ નહીં રહો.
ફિલ્મ કલાકાર નસીરૂદીન શાહે જ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, પુનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એકટિંગની ટ્રેનિંગ લીધા બાદ જ્યારે હું અરીસા સામે ઉભતો ત્યારે હતાશ થઇ જતો હતો. મને થતું કે, હું તો બાઠ્યો છું. મારી પાસે તો નથી અમિતાભ જેટલી હાઇટ કે નથી શાહરુખ જેવો દેખાવ, હું કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરીશ? એક દિવસ મેં જ વિચાર કર્યો કે, તારી પાસે જે દેખાવ છે અને જે હાઇટ છે એમાં તું કંઇ ફેરફાર કરી શકવાનો નથી. તારી પાસે જે એક્ટિંગની આર્ટ છે એનાથી જ તું કંઇક કરી શકીશ. એ પછી મેં બીજા કોઇ વિચાર કરાવનું છોડીને પૂરી મહેનત અને ધગશથી કામ કરવાનું શરું કરી દીધું.
આપણે ક્યારેક આપણામાંથી જ કોઇને કોઇ એવી ખામીઓ શોધી લેતા હોઇએ છીએ જે આપણો જ માર્ગ અવરોધે. આપણી જે પરિસ્થિતિ હોય, આપણા જે સંજોગો હોય અને આપણી પાસે જે અનુકૂળતા હોય એનાથી જ આપણે આપણો માર્ગ બનાવવાનો હોય છે. કોઇ પાસે ક્યારેય કંઇ સંપૂર્ણ હોતું નથી. જેને આગળ વધવું છે એને કોઇ રોકી શકતું નથી. આગળ વધવા માટે બે વાત સમજી લેવાની જરૂર છે. તમારી સ્થિતિ અંગે કોઇ ફરિયાદ ન કરો અને તમારી સરખામણી કોઇની સાથે ન કરો. માત્ર એટલું જ નક્કી કરો કે, મારે મારી રીતે જ મહેનત કરીને આગળ વધવાનું છે અને મારે મારા જેવું જ બનવાનું છે.
પેશ-એ-ખિદમત
એક મુદ્દત સે તેરી યાદ ભી આઇ ન હમેં,
ઔર હમ ભૂલ ગએ હોં તુજે એસા ભી નહીં,
અરે સય્યાદ હમીં ગુલ હૈં હમીં બુલબુલ હૈં,
તૂ ને કુછ આહ સુના ભી નહીં દેખા ભી નહીં.
-ફિરાક ગોરખપુરી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 10 નવેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com
👌👌👌👌👌
Thanks.