ડિજિટલ ડિટોક્સ : આ દીવાળીએ
કરવા જેવું એક ઉમદા કામ!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આખી દુનિયામાં જે રીતે મોબાઇલ લોકો પર હાવી
થઇ રહ્યો છે એ જોતા દુનિયાના સાઇકિયાટ્રિસ્ટો
હવે લોકોને સાવચેત કરે છે કે, માનસિક રીતે
સ્વસ્થ રહેવું હોય તો નવી ટેકનોલોજીનો
સમજી વિચારીને ઉપયોગ કરો
કમ્યુનિકેશન ટેકનોલોજી બેશક આશીર્વાદરૂપ છે,
આપણે બસ તેનો સાચો અને સારો ઉપયોગ કરવાનો છે.
ડિજિટલ ડિટોક્સનો કન્સેપ્ટ અપનાવવા જેવો છે
આ દિવાળીની રજાઓમાં ફરવા જવા માટે એક ભાઇએ તેના પાંચ મિત્રોને એક ઓફર આપી. તેણે કહ્યું કે, દિવાળીની રજાઓમાં મારે તમને ચાર દિવસ એક હિલ સ્ટેશને ફરવા લઇ જવા છે. બધો ખર્ચ હું આપીશ. મારી બસ એક જ શરત છે. તમારે તમારો મોબાઇલ સાથે નહીં લઇ આવવાનો! એ ભાઇ મિત્રોના જવાબની રાહ જુવે છે. બાય ધ વે, તમને તમારો મિત્ર આવી ઓફર કરે તો તમે તેની સાથે ફરવા જાવ કે નહીં? હા પાડતા પહેલા એક પ્રયોગ કર જોજો કે, તમે કેટલો સમય તમારા મોબાઇલથી દૂર રહી શકો છો?
આપણને સહુને મોબાઇલની એટલી આદત પડી ગઇ છે કે, આપણે મોબાઇલ વગરની જિંદગીની કલ્પના પણ કરી શકતા નથી. આમ તો એવી કલ્પના પણ શા માટે કરવી જોઇએ? ગમે તેમ તોયે મોબાઇલ બહુ ઉપયોગી વસ્તુ છે. એક રીતે જુઓ તો, મોબાઇલ જેવી કામની ચીજ બીજી કોઇ જ નથી. એ કોઇપણ કામમાં તમારી મદદે આવે છે. સવાલ એ જ છે કે, આપણે મદદ કે કોઇના સંપર્કની જરૂર હોય ત્યારે મોબાઇલનો કેટલો ઉપયોગ કરીએ છીએ અને કામ વગર કેટલો સમય મોબાઇલ લઇને બેઠા રહીએ છીએ? આજના સમયમાં દરેકના મોઢે એક વાત સાંભળવા મળે છે કે, એટલા બિઝી રહેવાય છે કે પોતાના કે ફેમિલી માટે સમય જ નથી મળતો! વેલ, તમને પણ જો આવું થતું હોય તો એક વાર ચેક કરી લેજો કે, મોબાઇલને તમે કેટલો સમય આપો છો? માણસ મોબાઇલને જેટલો સમય આપે છે એટલો સમય પોતાની વ્યક્તિને આપેને તો રિલેશનશીપના ઘણા ઇસ્યૂઝ સોલ્વ થઇ જાય. હવે તો મોબાઇલ પર ખર્ચાતા સમયનો હિસાબ રાખે એવી અસંખ્ય એપ આવી ગઇ છે. એક વાર ટ્રાય તો કરી જોવો કે, તમારો ફોન તમારો કેટલો સમય ખાઇ જાય છે?
અમેરિકામાં આજકાલ ડિજિટલ ડિટોક્સનું ચલણ છે. આપણે ત્યાં પણ હવે ઘણા લોકો ડિજિટલ ડિટોક્સિફિકેશનનો પ્રયોગ કરવા લાગ્યા છે. આપણા શરીરમાં રહેલા ટોક્સિક એટલે કે ઝેરી તત્વોને દૂર કરવા આપણે ડિટોક્સિફિકેશન કરીએ છીએ. આપણે ત્યાં નિસર્ગોપચારની જે પધ્ધતિ છે એ ડિટોક્સિફિકેશન જ છે. શરીરમાંથી તો ઝેરી તત્વો દૂર થાય પણ મન અને મગજને બગાડે છે એ ડિજિટલ ટોક્સિકનું શું? એના માટે ડિજિટસ ડિટોક્સ છે. વેલ એમાં કરવાનું શું હોય? બહુ ઇઝી છે. સ્વૈચ્છિક રીતે અમુક સમય નક્કી કરવાનો કે, આટલો સમય હું મોબાઇલને હાથ નહીં લગાડું. એક-બે કલાકથી ચાલુ કરવાનું પછી સમય વધારતો જવાનો. અમેરિકામાં એવા ઘણા લોકો છે જે, રજાના દિવસે પોતાનો મોબાઇલ સંપૂર્ણપણે બંધ રાખે છે. આપણે તો રજાના દિવસે આખો દિવસ ફોન મચડ્યે રાખીએ છીએ.
મોબાઇલના કારણે માણસ પ્રકૃતિથી દૂર થવા લાગ્યો છે. કુદરતે આપણે ચારે તરફ વેરેલા સૌંદર્યને આપણે માણતા જ નથી. એ તો ઠીક છે, મોબાઇલના કારણે લોકો જાતજાતની માનસિક બીમારીનો ભોગ બનવા લાગ્યા છે. બધા લોકો એંગ્ઝાઇટીમાં જીવે છે. થોડી થોડી મિનિટોએ ફોન જોયા રાખે છે. સવારે ઉઠતા વેંત પહેલું કામ મોબાઇલ જોવાનું કરે છે. તમે રાતના મોબાઇલનો ડેટા ઓફ કરો છો? ઘણા લોકોનો ડેટા રાઉન્ડ ધ ક્લોક ચાલુ જ હોય છે. સવારે ઉઠીએ ત્યારે વોટસએપ પર ગુડ મોર્નિંગના અનેક મેસેજિસ પડ્યા હોય છે. એક કામ કરવા જેવું છે. રોજ સવારે તમે મેસેજ ચેક કરો એ પછી એટલું વિચારજો કે, આમાં એવો ક્યો મેસેજ છે જે ખરેખર મારા માટે ઇમ્પોર્ટન્ટ છે? મોટા ભાગે તો એકેય નહીં હોય!
માણસની જિંદગીમાં ચાર બાબતો મહત્વની હોય છે. ફેમિલી, ફ્રેન્ડસ, હેલ્થ અને વર્ક. આ ચાર બાબતોમાં મોબાઇલ ક્યાંય ઓડો આવવો ન જોઇએ. એક નિષ્ણાત એવું કહે છે કે, માણસે દિવસના 24 કલાકના ત્રણ ભાગ પાડવા જોઇએ. આઠ કલાક ઊંઘ, આઠ કલાક કામ અને આઠ કલાક ફ્રી. ફ્રી એટલે આપણને જે મનગમતું હોય એ કરવાનું. મોબાઇલ રાખો, સોશિયલાઇઝિંગ પણ કરો, પણ એક સમય નક્કી કરો. એક અભ્યાસ એવું કહે છે કે, જે લોકો સતત મોબાઇલ વાપરે છે એની એફિસિયન્સી ઘટે છે. જે લોકો ક્રિએટિવ વર્ક કરે છે એ લોકો માટે તો મગજ થોડુંક વધુ ફ્રી રહે એ જરૂરી હોય છે. માણસ એટલો મોબાઇલમાં એટલો બિઝી થઇ ગયો છે કે, એને શાંતિથી કંઇ વિચારવાની પણ ફૂરસદ મળતી નથી. મોબાઇલ જ આપણો મગજ ઓક્યુપાઇડ રાખે છે. કામ કરતા કરતા પણ લોકો દર પાંચ દસ મિનિટે ચેક કરતા રહે છે કે કંઇ મેસેજ નથીને?
આપણે લોકો એવી વાત પણ કરીએ છીએ કે, કંઇ ઇમરજન્સી હોય તો? તમને ખબર છે મોટાભાગની ઇમરજન્સી કાલ્પનિક હોય છે. તમે વિચારજો છેલ્લે તમને ક્યા એવા સમાચાર મળ્યા હતા જેને તમે ઇમરજન્સીની કેટેગરીમાં મૂકી શકો? અને ઇમરજન્સી હોય તો માણસ મેસેજ કરે કે સીધો ફોન જ કરે? બીજી એક વાત એ પણ છે કે, જેને તમારું કામ હશેને એ તમને શોધી જ લેવાના છે. દીવાળી આવે છે. નવા વર્ષમાં તમે કોઇ રિઝોલ્યુશન લેવાનું વિચારતા હોવ તો ડિજિટલ ડિટોક્સ કરવા જેવું કામ છે. આમાં સાવ કંઇ છોડવાનું જ નથી, બધું જ ચાલુ રાખવાનું છે. બસ મોબાઇલનો યુઝ થોડોક કંટ્રોલ કરવાનો છે. પોતાના માટે અને પોતાના લોકો માટે. તમારી જિંદગીમાં શુ મહત્વનું છે અને કોણ મહત્વનું છે એ નક્કી કરો અને તેને તમારો સમય આપો. બની શકે તો એક દિવસ ડિજિટલ ઉપવાસ પણ કરો. કંઇ અટકી નથી જવાનું, ઉલટું કંઇ અટકી ગયું હશે તો એ જીવતું થશે. પ્રયત્ન કરી જોજો, મજા આવશે. દીવાળી અને નવા વર્ષની અત્યારથી શુભકામનાઓ.
પેશ-એ-ખિદમત
ગૈર કો મુંહ લગા કે દેખ લિયા,
જૂઠ સચ આજમા કે દેખ લિયા,
‘દાગ’ને ખૂબ આશિકી કા મજા,
જલ કે દેખા જલા કે દેખ લિયા
-દાગ દેહલવી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 20 ઓકટોબર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com