આપણે યંગસ્ટર્સને મોટિવેટ
કરવામાં ઊણાં ઊતરીએ છીએ?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આપણો દેશ યંગસ્ટર્સનો દેશ છે. આપણો યંગસ્ટર્સ સમજુ,
ડાહ્યો, હોશિયાર અને સંવેદનશીલ છે. એ કોઇનાથી ઓછો
ઊતરે તેમ નથી. તમે એના ઉપર થોડોક ભરોસો તો મૂકી જુઓ.
આપણે યંગસ્ટર્સની પીઠ થાબડવામાં લોભ કરીએ છીએ.
નાના-નાના અચીવમેન્ટને સેલિબ્રેટ કરવાની
આપણને આદત નથી. થોડોક પ્રયાસ તો કરી જુઓ.
તમને ખબર છે આપણા દેશ અને દુનિયામાં જે કંઇ માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડવામાં આવે છે એ યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. યંગસ્ટર્સને એટ્રેક કરવા માટે કંપનીઓ જાતજાતના નુસખા અપનાવે છે. આજનો યંગસ્ટર્સ તરત રિએક્ટ કરે છે. સોશિયલ મીડિયા પર એ એક્ટિવ છે. દરેક બાબતમાં એ પોતાનો બેબાક ઓપિનિયન આપે છે. કોઇ જો એવું સમજતું હોય કે, આજનો યંગસ્ટર્સ સમજતો નથી કે તે પોતાની લાઇફ અને કરિયર વિશે સભાન નથી તો એના જેવું મૂરખ બીજું કોઇ નથી. આજનો યુવાન ખૂબ જ ડાહ્યો, હોશિયાર, સમજુ અને સંવેદનશીલ છે. થોડાક યુવાનો કદાચ બેદરકાર કે બિન્ધાસ્ત હશે, પણ એ તો દરેક જમાનામાં હતા. થોડાકના કારણે બધા યંગસ્ટર્સને બેજવાબદાર સમજવા એ તો અન્યાય છે.
આપણા દેશની વાત કરવામાં આવે ત્યારે એક વાત વારંવાર કરાય છે કે, આપણો દેશ યંગસ્ટર્સનો દેશ છે. દુનિયાના કોઇપણ દેશ કરતાં આપણા દેશમાં યંગસ્ટર્સની સંખ્યા વધુ છે. ભારત જો સુપર પાવર બનવાનું સપનું જોતું હોય તો એક વાત સ્વીકારવી પડશે કે, આ યંગસ્ટર્સ જ દેશની સર્વશક્તિમાન બનાવી શકશે. આપણને આપણા દેશના યુવા ધનની કેટલી કદર છે? આપણે એ લોકોને કેટલા મોટિવેટ કરીએ છીએ? મોટાભાગે તો કોઇએ કોઇ મોટી સફળતા મેળવી હોય ત્યારે જ આપણે તેને બિરદાવીએ છીએ. નાની-નાની સફળતાને આપણે નજર અંદાજ કરતા હોઇએ છીએ. યુવાનોની પીઠ થાબડવામાં આપણા હાથ ઓછા ઊઠે છે. તમે વિચારજો કે છેલ્લે તમે કયા છોકરા કે છોકરીને એમ કહ્યું હતું કે, આઇ એમ પ્રાઉડ ઓફ યુ? ક્યારે કોઇની આવડત જોઇને કહ્યું હતું કે, તારામાં મહાન કે સફળ થવાની ક્ષમતા છે? તું થોડીક વધુ મહેનત કર. ક્યારે કોઇને તમે સફળ થવા માટે મદદ કરી છે? કરી હશે. બધા લોકો યંગસ્ટર્સને ઇગ્નોર જ કરે છે એવું કહેવાનો ઇરાદો નથી, જે ફ્રીક્વન્સી હોવી જોઇએ એ હોતી નથી.
કેનેડાની 19 વર્ષની છોકરી બિયાન્કા આન્દ્રેસ્કુએ હમણાં 23 વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સને હરાવીને યુએસ ઓપન ટાઇટલ જીત્યું. બિયાન્કા ભવ્ય જીત મેળવીને પોતાના વતન ગઇ. તે કેનેડાના મિસિસોગા શહેરમાં રહે છે. આ શહેરની વસ્તી સાડા આઠ લાખ લોકોની છે. બિયાન્કા પોતાના શહેરમાં આવી ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેના સ્વાગત માટે હાજર હતા. શહેરની મેયર બોની ક્રોમ્બીએ તેને શહેરની ચાવી આપી. આખા શહેરમાં તેને ફેરવવામાં આવી. બિયાન્કાને કદાચ ટાઇટલ જીત્યું ત્યારે જેટલી ખુશી થઇ હશે એના કરતાં અનેકગણી ખુશી પોતાના શહેરમાં મળેલા સન્માનથી થઇ હશે. યંગસ્ટર્સને પોતાના લોકો તરફથી એપ્રિસિએશન જોઇતું હોય છે. ઘરના લોકો વખાણે અને શહેરના લોકો સન્માન આપે એનાથી વધારે બીજું કંઇ જ હોતું નથી.
આપણે ત્યાં શું થાય છે? અમુક લોકો એરપોર્ટ પર જઇને વિજયી બનીને આવનારનું સ્વાગત કરી આવે છે. એમાં પણ ઘણો ખરો ઇરાદો તો પોતે મીડિયામાં દેખાય અને પોતાની પબ્લિસિટી થાય એવો જ હોય છે. ખરા દિલથી કેટલા લોકોને ગૌરવ થતું હશે એ સવાલ છે. પેરેન્ટિંગ સબ્જેક્ટના એક એક્સપર્ટે કહ્યું હતું કે, આપણા છોકરાઓ આગળ નથી આવતા એનું એક કારણ એ જ છે કે, એને ઘરમાંથી જ એપ્રિસિએશન મળતું નથી. જે મા-બાપ પોતાના સંતાનની નાની-નાની વાતોને વખાણે છે એ એના સંતાન માટે આગળ વધવાનો રસ્તો બનાવતા હોય છે. બીજી એક વાત યંગસ્ટર્સની નિષ્ફળતાને પણ ટેકલ કરવાની છે. સફળ થાય ત્યારે તો ઘણા લોકો સમરકંદ બુખારા ઓવારી જતા હોય છે, પણ નિષ્ફળ જાય ત્યારે ધ્યાન આપતા નથી. અત્યારના યુવાનોને સફળતા કરતાં નિષ્ફળતાના સમયે લોકોની વધારે જરૂર હોય છે. નિષ્ફળ ગયા હોય એની સાથે બેસીને આપણે કેટલી વાર એવું કહ્યું હોય છે કે, ઇટ્સ ઓકે. આવું થાય. તેં પ્રયાસ તો કર્યો. હજુ ક્યાં ઓછા ચાન્સ મળવાના છે. તું સફળ થવાનો જ છે.
આપણા દેશમાં યુવાનોની કાર્યક્ષમતા પર જ ડાઉટ કરવામાં આવે છે. દેશના શ્રમ અને રોજગારપ્રધાન સંતોષ ગંગવારે હમણાં એક નિવેદન આપ્યું કે, દેશમાં રોજગારીની કમી નથી, પણ સ્કિલ્ડ યંગસ્ટર્સની અછત છે. સંતોષ ગંગવારને કદાચ કોઇ રિક્રૂટરે આવી વાત કરી હશે. ચલો, બે ઘડી માની પણ લઇએ કે, આ વાત સાચી છે, તો પછી સરકારને એ કેમ વિચાર નથી આવતો કે, આવું શા માટે છે? યંગસ્ટર્સ પાસે ડિગ્રી છે, પણ આવડત નથી તો એ આપણી એજ્યુકેશન સિસ્ટમની ખામી ન ગણાય? સીધે સીધા યુવાનોને જ દોષી સમજવા કેટલા વાજબી છે? આપણે ત્યાં પોલીસમેનની ભરતી હોય તો પણ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવાનોની લાઇનો લાગે છે. શું એ બધા ભણેલાગણેલા લોકોમાં બીજી કોઇ આવડત નથી? દિલ્હી યુનિવર્સિટીના બે પ્રોફેસરે કરેલા સર્વેમાં એવી વાત બહાર આવી છે કે, ભારતના 33 ટકા સ્કિલ્ડ યંગસ્ટર્સ જોબલેસ છે. જે યંગસ્ટર્સ પાસે કામ નથી એની માનસિક હાલત જોઇ છે? એ નાનું-મોટું ગમે તે કામ કરવા તૈયાર થઇ જાય છે. આપણે ત્યાં ભણવા સિવાય બીજા કોઇ ક્ષેત્રમાં કરિયર બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આપણે ત્યાં કલા એ સાઇડમાં કરવાના કામ છે. સાચું કામ તો નોકરી કરીને પગાર આપે એને જ ગણવામાં આવે છે. કલા ક્ષેત્રે જે થોડુંક સારું કામ કરે છે એને પણ આપણે બિરદાવતા નથી. આપણાં કાટલાં દર મહિને એ કેટલું કમાય છે એનું જ માપ કાઢે છે. યંગસ્ટર્સ કંઇક ઢંગનું તો કરી જ લેશે, એને જરાક મોટિવેટ તો કરો. એને સહાનુભૂતિની નહીં, સાથની જરૂર છે. જે દેશ પોતાના યંગસ્ટર્સની કદર કરી શકતો નથી એ આગળ વધી શકતો નથી. આપણે જો આગળ વધવું હશે તો યંગસ્ટર્સ ઉપર ભરોસો મૂકતા અને તેની પીઠ થાબડતા શીખવું પડશે.
પેશ-એ-ખિદમત
યે જમાના કહીં મુજ સે ન ચુરા લે મુજકો,
કોઇ ઇસ આલમ-એ-દહશત સે બચા લે મુજકો,
ઇસ કદર મૈંને સુલગતે હુએ ઘર દેખે હૈં,
અબ તો ચુભને લગે આંખોં મેં ઉજાલે મુજકો.
– કામિલ બહજાદી
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com
Real truth In beautiful words
Thank you
Thank you Sir Amne Motivate Krva Badal Tmaro Khub Khub Aabhar . Amne Tmara Blogs Vachine Bhu j Nvu Janva ane Samjva Male che .
Wishing you great life.