પ્રેમ કરવાની કિંમત જ્યારે
જીવ આપીને ચૂકવવી પડે છે
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
રાજસ્થાનમાં ઓનર કિલિંગ રોકવા માટે કાયદો
બનાવવામાં આવ્યો. સવાલ એ છે કે, શું કાયદો
બનાવવાથી પ્રેમના દુશ્મનો ઘટી જશે? લવ વિરૂદ્ધ
રેડાતું લોહી વહેતું અટકી જશે?
પ્રેમના સ્વીકાર માટે માનસિકતા બદલે એ જરૂરી છે.
હજુ ઘણાં પેરેન્ટ્સ પોતાનાં સંતાનોને
પોતાની જાગીર સમજે છે
દરેક પ્રેમકહાનીમાં એક વિલન હોય છે. મોટા ભાગે આ વિલન ઘરના લોકો જ હોય છે. એ લોકો જેણે પહેલાં અઢળક પ્રેમ આપીને મોટા કર્યા હોય છે. એ જ લોકો સંતાનોને પ્રેમ કરવાનો અધિકાર આપતા નથી. દીકરીને પ્રેમ કરતી રોકવા માટે ક્યારેક તેને એવું કહેવામાં આવે છે કે, જો તેની સાથે સંબંધ રાખ્યો છે તો તને જાનથી મારી નાખીશું. આવું જે મા-બાપ કહી શકતાં નથી એ, ઇમોશનલ બ્લેકમેઇલ કરે છે અને એવું કહે છે કે, તેં જો એની સાથે મેરેજ કર્યા છે તો અમે આપઘાત કરી લેશું. હમણાંનો આપણા રાજ્યનો જ એક કિસ્સો છે. એક છોકરીએ એના પ્રેમી સાથે લગ્ન કર્યાં એટલે તેના પિતાએ દીકરીનું રીતસરનું બારમું કર્યું અને જાહેર કર્યું કે, મારી દીકરી હવે મરી ગઇ છે. માનસિક ક્રૂરતા શારીરિક અત્યાચાર કરતાં વધુ ખતરનાક હોય છે.
‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ફેમ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ આજથી 60 વર્ષ પહેલાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના પોસ્ટરનો હમણાં રાજસ્થાનમાં ઓનર કિલિંગનો કાયદો બનાવ્યા બાદ ઉપયોગ થયો. રાજસ્થાન દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં ઓનર કિલિંગનો કાયદો બનાવવામાં આવ્યો. રાજસ્થાન પોલીસે મુગલ-એ-આઝમનો ફોટો મૂકી ટ્વિટર પર હાર્ટના ઇમોજી સાથે લખ્યું કે, પ્યાર કરના કોઇ ગુનાહ નહીં હૈ. પ્રેમ કરનારની હત્યા કે તેને માર મારવાના કિસ્સામાં આ નવા કાયદાનો ઉપયોગ થશે. આજીવન કેદ અને પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. સારી વાત છે. કંઇક તો થયું. આ કાયદો બની જવાથી હવે મા-બાપ પોતાનાં સંતાનોને મનગમતું પાત્ર પસંદ કરવાની અથવા તો જે વ્યક્તિ ગમી ગઇ છે, એની સાથે લગ્ન કરવાની છૂટ આપશે ખરાં?
કેટલી છોકરીઓ કે છોકરાઓમાં મા-બાપનો સામનો કરવાની હિંમત હોય છે? બધાં મા-બાપ મારતાં કે મારી નાખતાં નથી, એ સિવાય બીજો જે માનસિક ત્રાસ આપે છે એ સહન કરવો દુષ્કર હોય છે. ઉત્તરપ્રદેશના બરેલીના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષીએ તેના પ્રેમી અજિતેશકુમાર સાથે કરેલાં લગ્નનો કેસ થોડા દિવસ પહેલાં આખા દેશમાં બહુ ગાજ્યો હતો. સાક્ષી બ્રાહ્મણ છે અને અજિતેશ દલિત છે. સાક્ષી પિતા પાસે કરગરે છે એ વિડિયો વાઇરલ થયો હતો. અદાલત અને પોલીસના રક્ષણની ખાતરી છતાં અજિતેશ ઉપર અલાહાબાદ હાઇકોર્ટના પરિસરમાં હુમલાનો પ્રયાસ થયો હતો. આપણા નેતાઓ જ આવું કરતા હોય તો બીજાની તો વાત જ ક્યાં કરવાની? યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધારાસભ્યને સમજાવ્યા પછી તેણે એવું કહ્યું હતું કે, સાક્ષીએ જે કરવું હોય એ કરે. એની વાતમાં સ્પષ્ટ વર્તાતું હતું કે, એણે નછૂટકે આવું બયાન આપવું પડ્યું છે. એ સાક્ષીને ન તો માફ કરી શક્યા છે, ન તો એનો સ્વીકાર કર્યો છે. સાક્ષીએ સામે પડીને પોતાના પ્રેમ માટે પિતા અને પરિવાર સામે બંડ પોકાર્યું હતું. દરેક છોકરીઓમાં આવી હિંમત હોતી નથી. ઘણી છોકરીઓ પોતાનાં સપનાંઓને ધરબી દઇ ચૂપચાપ બેસી રહે છે.
દેશમાં ઓનર કિલિંગના કેસોમાં 2014-15માં 796 ટકાનો વધારો થયો હોવાનું લોકસભામાં જ જણાવાયું હતું. સૌથી વધુ કેસો ઉત્તરપ્રદેશ અને બિહારમાં બને છે. આપણા દેશમાં તો આવા ઓનર કિલિંગના ચોક્કસ આંકડાઓ પણ મળતા નથી. ખાપ પંચાયતો પણ પ્રેમી કપલને સજાઓ ફરમાવતા રહે છે. આપણે ત્યાં ઓનર કિલિંગના મામલાઓમાં બીજા ખૂન કેસની માફક જ હત્યાનો કેસ નોંધવામાં આવે છે. સવાલ એ પણ થાય કે, માત્ર રાજસ્થાનમાં જ કેમ આવો કાયદો બન્યો? બીજાં રાજ્યોમાં કેમ કંઇ થતું નથી? એ રાજ્યો વધુ મોતની રાહ જુએ છે?
એક વાત એ પણ છે કે, માત્ર કાયદાઓ બનાવી દેવાથી વાત ખતમ થતી નથી. લોકોની માનસિકતા બદલાય એ વધુ જરૂરી છે. એક અભ્યાસ એવું પણ કહે છે કે, ઓનર કિલિંગના કિસ્સાઓ શહેરો કરતાં ગામડાંઓ કે નાનાં શહેરોમાં વધુ બને છે. આશ્ચર્યની એક વાત એ પણ છે કે, જે લોકોએ લવમેરેજ કર્યા હોય એ લોકો પણ જ્યારે પોતાની દીકરી કે દીકરાના પ્રેમની વાત આવે ત્યારે વાંધો ઉઠાવતા હોય છે. સમયની સાથે થોડોક સુધારો ચોક્કસપણે થયો છે, છતાં હજુ ઘણું બદલે એ જરૂરી છે. આપણે ત્યાં હમણાં જ અમરેલીના ધારીનો એક કિસ્સો બહાર આવ્યો હતો. પ્રેમલગ્ન કરનાર એક કપલને છોકરીના પરિવારજનોએ પકડીને મારી નાખી, સળગાવી દીધા હતા. આવા કિસ્સાઓનું લિસ્ટ તો ખૂબ લાંબું છે. જે રીતે છોકરા-છોકરીને મારી નાખવામાં આવે છે એની વિગતો સાંભળીએ તો હાયકારો નીકળી જાય. પોતાને ગમતી વ્યક્તિ સાથે લગ્ન થવાનું સંભવ ન લાગતાં છોકરો કે છોકરીએ આપઘાત કરી લીધાના કિસ્સાઓ પણ બહાર આવતા રહે છે. કેવી કરુણતા છે કે, મારી નાખવા છે, પણ છોકરાંવને એની રીતે જીવવા દેવા નથી. આપણે બધા કેવા છીએ, કોઇ છોકરી અને છોકરો ગાર્ડનમાં કે બીજે ક્યાંય બેઠાં હોય તો પણ અને વંઠેલ કહી દઇએ છીએ. છોકરો અને છોકરી બેઠાં હોય તો પોલીસ પણ તેને ભગાડી દે છે. જાણે એ લોકો કોઇ મોટું પાપ ન કરતાં હોય! આપણે યંગસ્ટર્સને ક્યાં સુધી અણસમજુ સમજીશું? છોકરા કે છોકરીએ ભાગીને લગ્ન કરવાં પડે એ મા-બાપની નિષ્ફળતા છે. આપણે તો સંતાનો દિલની વાત કરી શકે એટલી મોકળાશ પણ આપતા નથી. બાકી પ્રેમીઓ તો પ્રાચીન સમયથી બગાવત કરતાં આવ્યાં છે અને હજુયે કરતાં રહેવાનાં છે. એ બગાવત કરે ત્યારે એના કરતાં વધુ જવાબદાર તેનાં પેરેન્ટ્સ અને સોસાયટી હોય છે. છેલ્લે, સાહિર લુધિયાનવીની ‘તકસૂઇ’ ગઝલની એક પંક્તિ, તુમમેં હિમ્મત હૈ તો દુનિયા સે બગાવત કર લો, વરના માં બાપ જહાં કહતે હૈ શાદી કર લો…
પેશ-એ-ખિદમત
જો વો મેરે ન રહે મૈં ભી કબ કિસી કા રહા,
બિછડ કે ઉનસે સલીકા ન જિંદગી કા રહા,
ગુજરને કો તો હજારોં હી કાફિલે ગુજરે,
જમીં પે નક્શે-એ-કદમ કિસી કિસી કા રહા.
– કૈફી આઝમી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 18 ઓગસ્ટ 2019, રવિવાર)
kkantu@gmail.com