દોસ્ત સારો કે ખરાબ નથી
હોતો, દોસ્ત દોસ્ત હોય છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
દોસ્તી ગજબની ચીજ છે. આ એવો સંબંધ છે જ્યાં માણસ
જેવો હોય એવો પેશ આવી શકે છે. સારો મિત્ર એ સારા
નસીબની નિશાની છે. દોસ્તી ઇશ્વરની દેન છે!
દોસ્ત ખોટા રસ્તે હોય છે ત્યારે દુ:ખ થાય છે, પણ
તેને છોડવાનું મન થતું નથી. કર્ણને ખબર જ હતી કે
તેનો મિત્ર દુર્યોધન કેવો છે!
દોસ્ત, દોસ્તાર, મિત્ર, યાર, ભાઇબંધ, બહેનપણી, સહેલી, ફ્રેન્ડ, સખો અથવા તો ગમે તે કહો, એ એક એવી વ્યક્તિ છે જે આપણા દિલની સૌથી નજીક હોય છે. બે ઘડી વિચાર કરો કે મિત્ર ન હોત તો? આ જિંદગી જીવવા જેવી જ ન હોત! આજકાલ ફ્રેન્ડ માટે સોશિયલ મીડિયા પર કંઇ લખતી વખતે ત્રણ શબ્દો બહુ વપરાય છે, પાર્ટનર ઇન ક્રાઇમ. મિત્ર કે બહેનપણી સાથે અમુક કારનામાં એવાં કર્યાં હોય છે, જે આખી જિંદગીનું અમૂલ્ય સંભારણું બની જાય છે. આપણી કુટેવો અને વ્યસનો માટે મોટા ભાગે આપણા દિલોજાન દોસ્તો જ જવાબદાર હોય છે, જે વાત માણસ કોઇને ન કરી શકે એ દોસ્તને કહી શકે છે.
દોસ્ત આપણો મૂડ પારખે છે. આપણે જરૂર હોય ત્યારે એને બોલાવવા પડતા નથી, એ આવી જ જાય છે. માણસ મિત્ર પાસે જ હળવો થઇ શકે છે. એની સાથે ગમે તે ભાષામાં વાત કરી શકાય છે. તેની સાથે ગાળો બોલવી સહજ છે. દોસ્તીમાં કોઇ જ શરમ આડે આવતી નથી. એ આપણને ખખડાવી શકે છે અને ફોસલાવી શકે છે. માણસને ઓળખવા માટે એમ કહેવાય છે કે, કોઇ કેવો છે એ જાણવું હોય તો એના મિત્રો કોણ છે એની તપાસ કરો. અલબત્ત, દરેક વખતે આ વાત સાચી જ હોય એવું જરૂરી નથી. દોસ્તી દરેક વખતે સ્ટેટસ જોઇને થતી નથી. દોસ્તીમાં ગરીબી કે અમીરી આડે આવતી નથી. એમાં પણ જે દોસ્તી બચપણની છે એની તો વાત જ નિરાળી હોય છે. મોટા થયા પછી માણસ હજુયે દોસ્તી બાંધતા પહેલાં વિચારતો હોય છે. બચપણની દોસ્તી તો એ સમયની હોય છે જ્યારે દોસ્તી એટલે શું એની પણ ખબર હોતી નથી. એ તો બસ થઇ જાય છે. અચાનક કોઇ ગમવા માંડે છે. એની સાથે મજા આવવા લાગે છે. એની વાતો સ્પર્શે છે. એની સાથે રખડવું ગમે છે. એની સામે કોઇ ફરિયાદ હોતી નથી. ક્યારેક નારાજગી થાય છે, પણ એ થોડા સમય પૂરતી જ હોય છે.
કોની દોસ્તી ચડે? કૃષ્ણ અને સુદામાની કે કર્ણ અને દુર્યોધનની? કર્ણને એ વાતની ખબર હતી જ કે મારો દોસ્ત દુર્યોધન કેવો માણસ છે! એ ગમે એવો હતો, એનામાં સો દોષ હતા, પણ એ મિત્ર હતો એટલે કર્ણે એનો સાથ છોડ્યો ન હતો. આપણી જિંદગીમાં પણ એવું બનતું હોય છે. અચાનક જ આપણો સારો મિત્ર અવળે રસ્તે ચડી જતો હોય છે. ક્યારેક ભૂલથી, ક્યારેક અકસ્માતે તો ક્યારેક ઇરાદાપૂર્વક એ ખોટી દિશામાં દોરવાઈ જાય છે. માણસ બદલે એટલે દોસ્તી પણ બદલતી હોય છે, પણ અમુક કિસ્સાઓમાં મિત્ર બદલતો નથી. એક સાવ સાચી ઘટના છે. બે મિત્રો હતા. બંને વચ્ચે ગાઢ દોસ્તી. નાનપણથી સાથે મોટા થયા હતા. એક મિત્રથી એક વખતે સિરિયસ ક્રાઇમ થઇ ગયો. એને જેલમાં જવું પડ્યું. તેનો ગુનો એવો હતો કે તેના પરિવારજનોને પણ નીચાજોણું થાય. ઘરના સભ્યો પણ તેનાથી દૂર થઇ ગયા. ખરાબ પરિસ્થિતિમાં પણ તેના મિત્રએ તેનો સાથ ન છોડ્યો. એ પોતાના મિત્રને જેલમાં ટિફિન આપવા જતો. એક સમયે એ મિત્રના બીજા મિત્રએ કહ્યું કે, તું શું કરે છે? હજુ તેં એની સાથે દોસ્તી રાખી છે? એ મિત્રે કહ્યું કે, તો શું હું એને છોડી દઉં? એણે ગુનો કર્યો છે. કાયદો એને એની સજા આપશે. હું શા માટે એને સજા આપું? એ મારો મિત્ર છે. મારી સાથે હસ્યો છે. મારી જોડે રડ્યો છે. દુનિયા માટે એ ખરાબ માણસ હશે, મારા માટે એ મિત્ર છે. મિત્ર સારો કે ખરાબ હોતો નથી. દોસ્ત દોસ્ત હોય છે. એ જેવો હોય એવો સ્વીકારવાનો હોય છે. જરૂર હોય ત્યારે જો આપણે ન હોઇએ તો એ દોસ્તી કેવી? અત્યારે તેની સાથે કોઇ નથી. મારી તેને સૌથી વધુ જરૂર છે. હું પણ ભાગી જાવ તો દોસ્તી લાજે. એણે ખોટું કર્યું છે એની ના નહીં, પણ મારા માટે એ ગૌણ છે. દોસ્તીથી વધુ કંઇ જ હોઈ ન શકે. દોસ્તીમાં ગણતરી હોતી નથી.
જેને સારા મિત્રો હોય છે એને ડિપ્રેશન આવતું નથી. પેલો જોક સાંભળ્યો છે? એક મિત્ર મુશ્કેલીમાં હતો. મિત્રોને વાત કરી તો એ બદમાશોએ એવા એવા રસ્તા બતાવ્યા કે મૂળ મુશ્કેલી જ ભુલાઇ ગઇ. હવે બીજી એક સાવ સાચી ઘટના. એક લેખક મિત્રની આ વાત છે. એને ડિપ્રેશન જેવું લાગતું હતું. એક મનોચિકિત્સકની તેણે મદદ લીધી. મનોચિકિત્સકે પૂછ્યું, તમારા મિત્રો કોણ છે? એ બુદ્ધિજીવી લેખકે કહ્યું કે, મારા બધા મિત્રો માથાફરેલા છે. એ રોજ સાંજે ભેગા થાય છે અને માથામેળ વગરની વાતો કરે છે. ડોક્ટરે કહ્યું કે, તમે એ લોકોને મળો અને એની સાથે ઇન્વોલ્વ થાવ. એક વાત યાદ રાખજો, તમારી બુદ્ધિને બાજુએ રાખજો. એ લોકો જેવા થઇને રહેજો. એ મિત્રએ ખરેખર એ પ્રયોગ કર્યો. પોતાના કામ અને નામનો ભાર રાખ્યા વગર એ લોકો સાથે ગપ્પાં અને ઠઠ્ઠા મશ્કરી કરતો. એણે પોતે કબૂલ્યું કે, મને એનાથી બહુ ફેર પડ્યો છે. દરેક પાસે એક ‘નોનસેન્સ ફ્રેન્ડસર્કલ’ હોવું જોઇએ. એ આપણને હળવા રાખે છે. જેને સારા મિત્રો નથી એ સૌથી કમનસીબ ઇન્સાન છે, જેની પાસે મિત્રો છે છતાં એ એનાથી દૂર રહે છે એ મૂર્ખ છે, જે સાચી મિત્રતા માણે છે એના જેવો સુખી બીજો કોઇ નથી. આજે ફ્રેન્ડશિપ ડે છે. ભલે આજે એક દિવસ દોસ્તીનો દિવસ કહેવાતો હોય, બાકી તો મિત્ર સાથે હોય એ બધા જ દિવસ ફ્રેન્ડશિપ ડે જ છે. હેપી ફ્રેન્ડશિપ ડે!
પેશ-એ-ખિદમત
મૈં તેરા દોસ્ત હૂં તૂ મુઝસે ઇસ તરહ તો ન મિલ,
બરત યે રસ્મ કિસી સૂરત-આશ્ના કે લિએ,
મેરા જમીર બહુત હૈ મુજે સજા કે લિએ,
તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિએ.
– શાઝ તમકનત
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 04 ઓગસ્ટ 2019, રવિવાર)
kkantu@gmail.com