તારી લાઇફ છે, તારે
જેમ કરવું હોય એમ કર!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નદી, પહાડ બધું છે અને તમે જ નથી,
તમારી પાસે ઘણું છે અને તમે જ નથી,
કદીય એવું વિચાર્યું છે જઈને મંદિરમાં?
તમારી સામે પ્રભુ છે અને તમે જ નથી!
-ભરત વિંઝુડા
આપણી જિંદગી કોની હોય છે? આપણે કહીએ છીએ કે, ઇટ્સ માય લાઇફ! આમ તો દરેકની જિંદગી પોતાની જ હોય છે. જો આવું જ હોય તો આપણે કેમ બીજાનો વિચાર કરીએ છીએ? કેમ કોઈની ચિંતા કરીએ છીએ? એવા વખતે આપણને કેમ એમ નથી થતું કે, એની લાઇફ છે, એ ફોડી લેશે! આપણે એવું નથી કરતાં. જરૂર હોય ત્યારે તેની પડખે હોઈએ છીએ! ક્યારેક કોઈ આપણી પડખે હોય એવું પણ ઇચ્છીએ છીએ! આપણે આપણા નિર્ણયો માત્ર આપણને ધ્યાનમાં રાખીને નથી લેતા, આપણા લોકોનો પણ આપણે વિચાર કરીએ છીએ. આપણે આપણા લોકોના ભલા ખાતર આપણી ઇચ્છાઓનું પણ બલિદાન આપીએ છીએ. ક્યારેક એ નક્કી કરવું અઘરું બને છે કે, જિંદગી વ્યક્તિગત છે કે સામૂહિક છે? આપણને બધાને ખબર છે કે, એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે. કોઈ સાથે આવવાનું નથી અને કંઈ સાથે આવવાનું નથી! આમ છતાં જિંદગીની છેલ્લી ક્ષણ સુધી આપણે આપણા લોકો સાથે જોડાયેલા હોઈએ છીએ. એ જ તો જિંદગી છે. એ ન હોય તો પછી જિંદગીમાં બાકી શું રહેવાનું છે?
માણસ માત્ર પોતાના માટે જીવતો હોતો નથી. એ બીજા માટે પણ જીવતો હોય છે. માણસને માત્ર પોતાને સુખી થવું હોતું નથી, પોતાના લોકોને પણ સુખી કરવા હોય છે. તમે વિચાર કરજો, તમે કોના માટે જીવો છો? થોડાક ચહેરાઓ નજર સામે આવી જશે. એના માટે તમે બધું જ કરવા તૈયાર હશો. મા-બાપ પોતાનાં સંતાનો માટે જાત ઘસી નાખે છે. પોતાનાં સંતાનોના ચહેરા ઉપર ચમક જોવા માટે એ કંઈ પણ કરવા તૈયાર હોય છે. એક પતિ-પત્નીની આ સાવ સાચી ઘટના છે. એને એક દીકરી. કમનસીબે એ દીકરી માનસિક રીતે અસ્થિર હતી. પતિ-પત્નીની જિંદગીનો એક જ ઉદ્દેશ બની ગયો હતો કે, એનું ધ્યાન રાખવું. પાગલ દીકરી હસતી તો પણ બંનેના ચહેરા પર રોનક આવી જતી. એ વળગીને સૂઈ જતી ત્યારે આખી રાત એના માથે હાથ ફેરવ્યાં રાખતાં. ધીમે ધીમે દીકરી મોટી થઈ. એને દુનિયાદારીનું કોઈ ભાન ન હતું. મા-બાપ પણ વૃદ્ધ થતાં જતાં હતાં. મોટી ઉંમર થઈ પછી બંનેને એક ચિંતા સતાવવા લાગી કે, આપણે મરી જશું પછી આ દીકરીનું શું થશે? કોણ એને સાચવશે? મોટી ઉંમરે પત્ની બીમાર પડી. મરણ પથારીએ હતી ત્યારે પણ એ જ ચિંતા કે, દીકરીનું શું થશે? પતિ સાંત્વના આપતો કે, ચિંતા ન કર, હું એનું ધ્યાન રાખીશ. પત્ની ચાલી ગઈ. બાપ એ પછી ગાંડી દીકરીનું બહુ જ ધ્યાન રાખતો. ધીમે ધીમે એ પણ બીમાર રહેવા લાગ્યો. એને પણ એ જ ચિંતા હતી કે, હું મરી જઈશ પછી દીકરીનું શું થશે?
જ્યારે એને એવું લાગ્યું કે, હવે જિંદગીનો વધુ સમય નથી એટલે તેણે એક વિચાર કર્યો. દીકરીને ઝેર આપી મારી નાખું પછી હું પણ ઝેર ખાઈ લઉં, એટલે દીકરીની ચિંતા નહીં. જે દિવસ નક્કી કર્યો હતો એના આગલા દિવસે એ એક સંત પાસે ગયો. વાતવાતમાં સંતના મોઢે સાચું બોલાઈ ગયું કે, હું આવું કરવાનો છું. દીકરીને મારીને મરી જઈશ. આ વાત સાંભળીને સંત ખડખડાટ હસવા માંડ્યા! પેલા માણસે કહ્યું, આવી ગંભીર વાતે તમે હસો કેમ છો? સંતે કહ્યું, મને હસવું એટલા માટે આવે છે કે, પાગલ તારી દીકરી નથી, પાગલ તો તું છે! તારે જો એને મારી જ નાખવી હતી તો એ નાની હતી ત્યારે જ મારી નાખવી હતી ને? કમ સે કમ તું અને તારી પત્ની તો શાંતિથી જીવી શકત. પેલા માણસે કહ્યું, એવું તો કેમ થઈ શકે? એ અમારો જીવ હતી! સંતે કહ્યું કે, આપણો જીવ હોય એનો જીવ લેવાનો અધિકાર પણ આપણને હોતો નથી. તું પણ તારી પૂરી જિંદગી જીવ અને દીકરીને પણ જીવવા દે. તેં તારું કર્તવ્ય બજાવ્યું છે. થોડુંક કુદરતને પણ એની ફરજ નિભાવવા દે. આપણે ક્યારેક બધું આપણા હાથમાં રાખવા ઇચ્છતા હોઈએ છીએ. જિંદગીને સમજવા માટે એ પણ જરૂરી છે કે, જ્યાં સુધી હાથમાં રાખી શકાય એમ હોય ત્યાં સુધી રાખવું અને પછી છોડી દેવું!
આપણી લાઇફ વિશે ક્યારેક આપણને જ સવાલ થાય છે! હું શું કરું છું? હું કરું છું એ વાજબી છે? મારે શું કરવું હતું? શું ધાર્યું હતું અને શું થઈ ગયું? આપણને આપણા વિશે જ જવાબો મળતા નથી. આપણે મનોમન નક્કી કરીએ છીએ કે, હવે આમ જ કરવું છે! એ પણ લાંબું ટકતું નથી! આપણને જિંદગીમાં જ દોષ દેખાવવા માંડે છે. આપણી લાઇફમાં આપણા જ ઘણા લોકો દખલ કરતા રહે છે. તારે આમ કરવાનું છે. તારે આમ તો કરવાનું જ નથી. કોઈ વળી ટોણા મારે છે કે, તું લાઇફ પ્રત્યે સિન્સિયર જ નથી! આપણને સમજાતું નથી કે, આપણે ક્યાં ભૂલ કરીએ છીએ! એક પ્રેમી અને પ્રેમિકાની આ વાત છે. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ લાગણી. પ્રેમિકા પ્રેમીને કહેતી રહે કે, તું આમ કર. મિત્રોમાં અને ફોનમાં વધુ સમય ન બગાડ. તારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર. પ્રેમી પોતાનાથી બને એટલી વાત માનતો પણ ખરો. એક વખત પ્રેમીથી ન રહેવાયું. તેણે કહ્યું, તું બધી વાતોમાં મને ટોક ટોક ન કર! આ વાત સાંભળી પ્રેમિકા ઉશ્કેરાઈ ગઈ! તો હવે તારે જેમ કરવું હોય એમ કર! તારી લાઇફ છે. મારે શું? હું તો તારા ભલા માટે કહું છું! હવે તને કંઈ નહીં કહું! તારી મરજી હોય એમ જ કરજે! આમેય તું ક્યાં કોઈની વાત માને છે! આવું દરેકની જિંદગીમાં થતું હોય છે!
આપણે પણ ઘણી વખત કહી દેતા હોઈએ છીએ કે તારી લાઇફ છે, તને ઠીક લાગે એમ કર. આવું આપણે કેમ કરતા હોઈએ છીએ? એનું કારણ એ પણ હોય છે કે એની લાઇફ સાથે આપણી લાઇફ જોડાયેલી હોય છે. એની આપણને પરવા હોય છે. પ્રેમ થોડીક ચિંતા પણ સાથે લઈને આવતો હોય છે. ચિંતા અને આધિપત્ય વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. આપણે ચિંતાના નામે હક પણ જતાવવા લાગતા હોઈએ છીએ. એ આપણે કહીએ એમ જ કરે. આપણે ઇચ્છીએ એની સાથે જ વાત કરે. સોશિયલ મીડિયા પરની એક્ટિવિટી ઉપર પણ કંટ્રોલ કરવા લાગીએ છીએ. આવા ફોટા શું મૂકે છે? એના વિશે તેં આવું કેમ લખ્યું છે?
ગમે એવી નજીકની વ્યક્તિ હોય તો પણ એક હદથી વધારે ચંચુપાત કોઈનાથી સહન થતો નથી. આત્મીયતામાં આઝાદી હોવી જોઈએ. માણસની જિંદગી વધુ ખુલ્લી થઈ છે. હવે માણસ માત્ર ચાર દીવાલો વચ્ચે જીવતો નથી. ટેક્નોલોજીએ આપણા બધાની જિંદગી જાહેર કરી દીધી છે. બધાને પોતાના વિચારો વ્યક્ત કરવા છે. દરેકનો પોતાનો એક અભિપ્રાય છે. એ સાચો હોઈ શકે અથવા ખોટો હોઈ શકે, એ સારો હોઈ શકે અથવા ખરાબ હોઈ શકે! હવેના સંબંધોમાં માણસને એના અભિપ્રાયો, એની માન્યતાઓ અને એની માનસિકતા સાથે સ્વીકાર કરવો પડે છે.
આપણે ક્યારેક એવું કહી દેતા હોઈએ છીએ કે, હવે હું મને જે વાજબી લાગે એ જ કરીશ! આફ્ટર ઓલ, ઇટ્સ માય લાઇફ! એક પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે સામાન્ય ઝઘડો થયો. પતિએ નારાજ થઈને કહ્યું કે, મારે હવે કોઈનું નથી સાંભળવું, મારી જિંદગી જીવવી છે. ઇટ્સ માય લાઇફ! પત્ની હળવેકથી નજીક આવી, હાથમાં હાથ લઈને કહ્યું કે, આમ તો તું એવું કહેતો હોય છે કે, તું મારી જિંદગી છે! તો પછી તારી લાઇફ એ તારી એકલાની કેમ થાય? મારી ન થાય? પત્નીએ કહ્યું, પ્રેમ હોય ત્યારે જિંદગી કોઈ એકની નથી રહેતી, એકબીજાની પણ થઈ જાય છે! તને મારી ચિંતા નથી? જરાકેય કંઈ થાય તો કેટલી વખત પૂછે છે કે તને કેમ છે? ત્યારે કેમ એમ નથી થતું કે, એની લાઇફ છે. ભોગવે એ! એવું નથી થઈ શકતું!
સંબંધોને સમજવાની એટલે જ જરૂર પડે છે, કારણ કે આપણે એકલા હોતા નથી, આપણે જોડાયેલા હોઈએ છીએ. આપણે એટેચ હોઈએ છીએ! તમને કોની ચિંતા થાય છે? જો તમને કોઈની ચિંતા, કોઈની પરવા, કોઈની ફિકર હોય તો એને પણ તમારી ચિંતા હોવાની જ છે. આપણી ઉપાધિ કરે એ બધા આપણી લાઇફમાં એન્ક્રોચમેન્ટ કરતા હોતા નથી. આપણા જીવ સાથે એમના જીવ જોડાયેલા હોય છે. ક્યારેક તો આપણે જ ઇચ્છતા હોઈએ છીએ કે, આપણને કોઈ પૂછે કે શું કરે છે! આપણી વ્યક્તિ આપણને પૂછતી બંધ થઈ જાય તો પણ આપણને એવું લાગે છે કે, આને તો મારી કંઈ પડી જ નથી! સંબંધોને સમજવા માટે સ્વભાવ, સંવાદ અને સંવેદનાને સમજવા પડે છે. સ્નેહ હોય ત્યાં બધું સામટું જ હોય છે!
છેલ્લો સીન :
આપણી જિંદગી આપણી જ હોય છે, પણ આપણા લોકો એને વધુ જીવવા જેવી બનાવતા હોય છે. એટેચમેન્ટ માટે એટેચ રહેવું જરૂરી છે. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 જુલાઇ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com