બધાની અપેક્ષાઓ પૂરી
કરી કરીને હું થાકી જાઉં છું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો,
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
-અમૃત ઘાયલ
જિંદગી અપેક્ષાઓનું મોટું પોટલું લઈને આપણી સાથે ફરતી હોય છે. આપણી જાત પાસેથી પણ આપણને ઘણી બધી અપેક્ષાઓ હોય છે. મારે આમ કરવું છે. મારે આવા બનવું છે. દરેક માણસ પોતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે જાત સાથે સતત સંઘર્ષ કરતો હોય છે. કંઈક મેળવવા માટે કેટલું બધું જતું કરવું પડે છે? પોતાની જિંદગી સાથે પણ માણસ કોમ્પ્રોમાઇઝ કરતો રહે છે. આપણે પણ ક્યાં બધું આપણને ગમતું હોય એવું કરીએ છીએ? આપણે સફળ થવા માટે ઘણો ભોગ આપતા હોઈએ છીએ. ઘણા લોકો એવું બોલતા હોય છે કે, તમને ખબર નથી મેં કેટલો ભોગ આપ્યો છે! મારા જેટલો ભોગ તો કોઈ આપી ન શકે! કોઈ વળી સારા શબ્દોમાં એને ત્યાગ કહે છે. આપણે કોના માટે ભોગ આપતા હોઈએ છીએ? ઘણા બધા અંગત લોકો હોય છે જેના માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ! તારા માટે મેં મારી ખુશીઓનું બલિદાન આપ્યું છે! આપણે તો બલિદાનનો પણ બદલો માગીએ છીએ. મેં તારા માટે કર્યું એટલે તારે મારા માટે કરવાનું! અપેક્ષાઓ જ્યારે ગિવ એન્ડ ટેકનો વ્યવહાર બને ત્યારે એ વેદના આપતી હોય છે.
એક પિતા હતા. તેણે દીકરા માટે ઘણું બધું કર્યું. પોતાના માટે કંઈ ન કરે, પણ દીકરા માટે ગમે તે કરે. પિતા પછી નાની-નાની વાતે એમ કહે કે, મેં તારા મારે બલિદાન આપ્યું, ત્યાગ કર્યો. મારી ખુશીઓને પડતી મૂકી. દીકરો સમજુ અને ડાહ્યો હતો. પિતાએ જે કર્યું એની એને કદર હતી. આમ છતાં પિતાના આ શબ્દો એને વારંવાર ખટકતા હતા. પિતાએ એક વખત બલિદાનની વાત કરી ત્યારે તેનાથી ન રહેવાયું. તેણે પિતાને કહ્યું, મેં તમને બલિદાનો આપવાનું કહ્યું હતું? તમે તમારી મરજીથી બધું કર્યું છે ને? મેં તો ક્યારેય કોઈ પ્રેશર નથી કર્યું. તમને ખબર છે, બલિદાન અને ત્યાગની વાતો કરીને તમે જ તમારા ત્યાગનું મૂલ્ય ઘટાડો છો. તમે આવું ન કહો. આવું કહીને તો તમે મને ગિલ્ટમાં મૂકો છો. મારે પણ તમને સુખ આપવું છે. મને પણ એવા જ વિચારો આવે છે કે, મારા પિતાએ મારા માટે બધું જ કર્યું છે, તો હું પણ મારા પિતા માટે બધું જ કરી છૂટીશ. હું જે કરીશ એ તમારા માટે બલિદાન આપીશ એવું કહેવાશે? ના, હું તો એને મારી ફરજ પણ નથી સમજવાનો. મારા માટે તો એ તમારા પ્રત્યેનો પ્રેમ અને આદર હશે. આપણે ઘણી વખત બોલીને આપણે જે કર્યું હોય એના ઉપર પાણી ઢોળ કરી દેતા હોઈએ છીએ. આપણે કોઈના માટે કંઈ કરીએ એની એને સમજ હોય જ છે. જેને કદર હોતી નથી એને ક્યારેય કદર થવાની જ નહીં. એનો અફસોસ પણ નહીં કરવાનો.
‘તમે એના માટે આટલું બધું કર્યું અને એણે તમારી કોઈ કેર ન કરી!’ એક વડીલને તેના મિત્રએ આવી વાત કરી. વડીલે એક યુવાનને તમામ પ્રકારની મદદ કરી હતી. એ યુવાન પછી બધું જ ભૂલી ગયો. વડીલ બુદ્ધિશાળી હતા. તેણે કહ્યું કે, જો ભાઈ, એ મારી કેર કરે એ માટે મેં કંઈ કર્યું નહોતું, એટલે મને એ વાતનો જરાયે રંજ નથી. તમે એમ કહો છો ને કે, મેં એના માટે જે કર્યું છે એ બધું એ ભૂલી ગયો છે. તો હવે મારી વાત સાંભળો. મેં એના માટે જે કર્યું છે ને એને હું પણ ભૂલી ગયો છું. આપણે યાદ રાખીએ છીએ ને એ જ આપણો પ્રોબ્લેમ હોય છે. આપણે માત્ર યાદ જ નથી રાખતા, રાહ પણ જોતા હોઈએ છીએ. આપણી કદર કરે, આપણને ક્રેડિટ આપે, એવું કહે કે, હું જે કંઈ છું એમાં તમારો બહુ મોટો ફાળો છે. આવું થવું સ્વાભાવિક છે. ધ્યાન એટલું રાખવાનું કે, કોઈ આવું ન કહે કે ન કરે, ત્યારે દુ:ખી ન થવું! ફરિયાદો ન કરવી! આક્ષેપો ન કરવા!
એક બહેનની આ વાત છે. કંઈ વાત હોય એટલે એ એવું જ કહે કે, મેં તો હવે કોઈની પાસેથી કંઈ અપેક્ષાઓ રાખવાનું જ બંધ કરી દીધું છે. હું બહુ ઘસાણી પણ કોઈને કંઈ ફેર પડતો નથી. કોઈ પાસે અપેક્ષા રાખીએ તો જીવ બળે ને? ડાહ્યા લોકો કહે છે ને કે, અપેક્ષાઓ જ ઘણાં બધાં દુ:ખનું મૂળ છે. મેં હવે એ વાત ગાંઠે બાંધી લીધી છે. કોઈ પાસે અપેક્ષા જ નહીં રાખવાની. આ વાત સાંભળીને એક વખત એની દીકરીએ જ એવું કહ્યું કે, તેં અપેક્ષા રાખવાનું જ છોડી દીધું છે ને? તો હવે એક વધુ કામ કર, વારેવારે એવું કહેવાનું પણ બંધ કર કે, મેં અપેક્ષા રાખવાનું છોડી દીધું છે. તું બોલે છે ને એનાથી એવું જ લાગે છે કે, તારી અપેક્ષાઓ પૂરી નથી થઈને એનો આ બળાપો છે.
સંબંધોમાં વળતર કે કદરની અપેક્ષા વેદનાનું સૌથી મોટું કારણ હોય છે. આપણે અંદરથી જ ઘૂંટાતા રહીએ છીએ. મોટાભાગે આપણને બીજું કોઈ હેરાન કરતું હોય એના કરતાં આપણે જ આપણને વધુ પરેશાન કરતા હોઈએ છીએ. અનેક શંકા, ભ્રમ અને ઈર્ષા આપણે જ પાળી પોષીને મોટી કરતા હોઈએ છીએ. કોઈને કંઈ પ્રોબ્લેમ હશે, કોઈની કંઈ મજબૂરી હશે એવું આપણે વિચારી જ નથી શકતા. એણે આમ કરવું જોઈએ અને એણે આમ નથી કર્યું, એવું વિચારીને આપણે વલોવાતા રહીએ છીએ. આપણે ફક્ત આપણી સાઇડથી જ વિચારીને ઘણી વખત આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેને અન્યાય કરતા હોઈએ છીએ.
એક છોકરો અને છોકરી સાથે ભણતાં હતાં. બંનેના વિચારો બહુ મળતા હતા. ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થઈ. બંને વચ્ચેનો સંબંધ નખશિખ દોસ્તી જ હતો. પ્રેમ કે લગ્નની એમાં વાત જ ન હતી. દોસ્તી એટલી ગાઢ થઈ ગઈ કે બંને એકબીજાની નાનામાં નાની વાતથી વાકેફ હોય. આખા દિવસમાં વાત કર્યા વગર ન ચાલે. બંને મોટા થયા. છોકરીનાં માગાં આવવા લાગ્યાં. છોકરી તેના મિત્રને બધી જ વાત કરે. આખરે એક છોકરા સાથે તેનાં લગ્ન નક્કી થયાં. છોકરી પરણી ગઈ. મિત્રએ પણ એને પ્રેમથી વળાવી. સમય જવા લાગ્યો. છોકરી એની નવી લાઇફમાં સેટ થતી જતી હતી. સાથોસાથ છોકરા સાથેનો સંપર્ક ઘટવા લાગ્યો. અમુક દિવસો એવા આવ્યા જ્યારે બંને વચ્ચે આખા દિવસમાં સામાન્ય મેસેજની પણ આપ-લે ન થઈ હોય.
છોકરાથી આ વાત સહન થતી ન હતી. આપણી દોસ્તી પૂરી થઈ ગઈ? મારે તને બધું જ કહેવું હોય છે. તારે કંઈ નથી કહેવું? તારી જિંદગીમાં શું ચાલે છે એની કોઈ વાત કરવાનું તને મન નથી થતું? મને તો એમ હતું કે, આખી જિંદગી આપણી દોસ્તી રહેશે. તું મારી સાથે ખોટું કરે છે. એક દિવસ છોકરીએ શાંતિથી ફોન કર્યો. તેણે કહ્યું, કોણ કહે છે કે, હું તને ભૂલી ગઈ છું? તું તો મારો અંગત દોસ્ત છે. તને ક્યારેય નહીં ભૂલું. હું તારી સાથે વાત ન કરું એટલે એવું માની લેવાનું કે, બધું ખતમ થઈ ગયું? હા, તારી દરેક વાત સાંભળી નથી શકતી. તને ક્યારેક જવાબ આપી શકતી નથી, એનું કારણ જુદું છે. લગ્ન પછી મારી જવાબદારી વધી છે. મારો હસબન્ડ બહુ સારો વ્યક્તિ છે. મારે એને પણ સમય આપવાનો હોય ને? તારી અપેક્ષાઓ હું સમજુ છું. એ અપેક્ષાઓ પૂરી નથી કરી શકતી એનું પણ મને ભાન છે. એના માટે હું દિલગીર છું, પણ મારા દોસ્ત, તું મને સ્વાર્થી કે વિશ્વાસઘાતી ન સમજ. મારાં સારાં નસીબ હતાં કે તારા જેવો ઉમદા દોસ્ત મળ્યો. તું મારી દરેક સારીનરસી સ્થિતિમાં મારી સાથે રહ્યો છે. તારું મને ગૌરવ છે. તને એક જ વિનંતી છે કે, તું દુ:ખી ન થા! એટલું યાદ રાખજે કે, એક દોસ્ત છે જે તારું સદાયે સારું ઇચ્છે છે.
અંગત સંબંધોમાં પણ માણસની અપેક્ષાઓ ક્યારેક એવરેસ્ટ કરતાંયે વધી જતી હોય છે. એક માની આ વાત છે. તેની એકની એક દીકરી હતી. ખૂબ જ વહાલી. માતા માટે જીવવાનું એ એકમાત્ર કારણ હતી. પિતા સમજુ હતા. માતા દીકરી માટે પઝેસિવ હતી. દીકરી ભણવામાં ખૂબ હોશિયાર. મોટી થઈ. તેને મેડિકલમાં એડમિશન મળ્યું. સ્ટડી માટે દૂરના શહેરમાં ગઈ. માતાથી રહેવાતું નહીં. એ દીકરીને ફોન કર્યે રાખે. સમય હોય તો દીકરી મા સાથે વાત કરે. અભ્યાસ આગળ વધતો ગયો એમ એમ દીકરી સ્ટડીમાં વધુ બિઝી રહેવા લાગી. માનો ફોન મિસ થઈ જાય. મા ગુસ્સે થાય. તને હવે મારી સાથે વાત કરવાની પણ ફુરસદ નથી? તારો અવાજ સાંભળવા મારે તું નવરી પડે એની રાહ જોવાની? દીકરીએ કહ્યું, મા એવું નથી. તું મને બહુ વહાલી છે. પ્લીઝ, તું આવું ન કર. હું ક્યારેક ફોન નથી લઈ શકતી. ક્યારેક કામમાં હોઉં તો પણ તારો ફોન લઈને કહું છું કે, બિઝી છું. ફ્રી થઈને ફોન કરું છું. એમાં પણ તને ખોટું લાગી જાય છે. હવે તો મને દુ:ખ થવા લાગ્યું છે કે, હું તને સમય નથી આપી શકતી. તું મારી હાલત જો, મારી દાનત જો. મારે પણ તારી સાથે શાંતિથી વાત કરવી હોય છે. હું નથી કરી શકતી.
આપણી અપેક્ષાઓ આપણી વ્યક્તિને કેટલી પીડા આપી શકે એની આપણને કલ્પના જ નથી હોતી. આપણને અમુક લોકોનું ટેન્શન લાગવા માંડે છે. એને ફોન નહીં કરું કે એને કોઈ પ્રસંગો વિશ નહીં કરું તો મારું આવી બનશે. બોલવામાં કંઈ બાકી નહીં રાખે. હવે તું મોટી માણસ બની ગઈ છે. અમારા જેવા લોકો માટે તારી પાસે સમય ક્યાંથી હોય? અમુક વેણ આપણી આરપાર નીકળી જતાં હોય છે. એક યુવાન તેના એક વડીલને બર્થડે વિશ કરવાનું ભૂલી ગયો. આમ તો ભૂલી નહોતો ગયો, પણ ફોન કરવાનો મેળ જ પડ્યો ન હતો. બીજા દિવસે ફોન કરીને બિલેટેડ હેપી બર્થડે કહ્યું. બર્થડેના ફોન ન કરી શકવા બદલ સોરી કહ્યું. વડીલે કહ્યું, અરે દીકરા, હું તારી હાલત સમજુ છું. તારી લાગણીની પણ મને ખબર છે. બર્થડે પર જ નહીં, તું એમ પણ મને યાદ કરતો જ હોય છે. ડોન્ટ સે સોરી. લાગણી વધુ મહત્ત્વની છે એ વહેલી કે મોડી પ્રગટ થાય એનાથી કંઈ ફેર પડતો હોતો નથી. દરેક માણસે પોતાની અપેક્ષાઓ ઉપર નજર રાખવી જોઈએ. અપેક્ષાના કારણે માણસ પોતે પણ દુ:ખી થાય છે અને અપેક્ષાઓ જતાવીને પોતાની વ્યક્તિને પણ દુ:ખી કરતો રહે છે. સંબંધો સુખ આપવા જોઈએ. દિલથી નજીક હોય એ ગમે એટલા દૂર હોય તો પણ તેની સાથેની સંવેદના એવી ને એવી તરોતાજા રહેવી જોઈએ.
છેલ્લો સીન :
વાત ન થાય એટલે યાદ નથી કરતા એવું દરેક વખતે હોતું નથી. સાચા સંબંધો કોઈ વાત કે વર્તનના મહોતાજ નથી હોતા, એ એક અલૌકિક ધરી પર જિવાતા હોય છે. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 19 જૂન 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
બોવ બોવ બોવ જ મસ્ત 🙌👏👌👌👌👌👌👌👌👌👌👌
Thank you