ડિજિટલ સંવેદનાઓ : સોશિયલ
મીડિયા પર શ્રદ્ધાંજલિનો મતલબ શું?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
ફિલ્મ અભિનેતા અને લેખક કાદરખાનનું નિધન થયું.
અમિતાભ, ગોવિંદા સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા
પર દુ:ખ વ્યક્ત કર્યું. કાદરખાનના દીકરાએ કહ્યું કે, કોઈએ
ફોન કરવાની તસ્દી પણ લીધી નથી!
સોશિયલ મીડિયા પર વ્યક્ત થતો શોક પણ પોતાની
પબ્લિસિટી માટે કરવામાં આવે છે? આપણી સંવેદનાઓ
પણ હવે સ્વાર્થી થવા લાગી છે?
આખી દુનિયા અત્યારે એક વિચિત્ર દોરમાંથી પસાર થઈ રહી છે. આપણા સંબંધો પાતળા પડી રહ્યા છે. લોકો હવે આભાસી સંબંધો જીવી રહ્યા છે. ફેસબુક પર હજારો ફ્રેન્ડ્સ અને ટ્વિટર પર લાખો ફોલોઅર્સ હોય છે. અંદરખાને માણસ એકલો પડતો જાય છે. સફળતા સુખ આપતી નથી. વેદના તો એકલાયે જ જીરવવી પડતી હોય છે. મન બેચેન હોય ત્યારે કોને ફોન કરીને વ્યક્ત થવું એ સવાલ પજવતો રહે છે. ગ્રૂપમાં ફોરવર્ડ્સ અપલોડ થતા રહે છે, થોડીક ચર્ચાઓ અને હસી-મજાક પણ ચાલતા રહે છે. દરેકની જિંદગીમાં એવું કંઈક ચાલતું રહે છે, જે કોઈને કહી શકાતું નથી અને સહી પણ શકાતું નથી. હમણાંના એક-બે બનાવ એવું વિચારતા કરી દે છે કે, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ? સંબંધો અંગે માણસે નવેસરથી વિચારવું પડે એવો આ સમય છે. અંતે તો બે-ચાર અને વધીને પાંચ-દસ લોકો જ એવા હોય છે જેને આપણાં સુખ-દુ:ખ, આપણી વેદના-સંવેદના અને આપણા ચડાવ-ઉતારથી ફેર પડતો હોય છે. સાથોસાથ એ પણ વિચારવા જેવું છે કે, હું કેવો છું? હું પણ ક્યાંક તમાશબીન બની ગયો નથીને?
કેનેડામાં દીકરા સરફરાઝ ખાન સાથે રહેતા ફિલ્મ અભિનેતા અને લેખક કાદરખાનનું હમણાં 81 વર્ષની વયે અવસાન થયું. ચાર મહિના કરતાં વધુ સમયથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. કાદરખાન ગુજરી ગયા એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો વરસાદ વરસાવી દીધો. અમિતાભ બચ્ચને સરસ પોસ્ટ લખી. ગોવિંદાએ તો ત્યાં સુધી લખ્યું કે, કાદરખાન મારા પિતા જેવા હતા. આવી બધી વાતો વાંચી અને સાંભળીને કાદરખાનના દીકરાએ કહ્યું કે, એકેય માણસે ફોન કરીને સાંત્વના પાઠવી નથી. ન તો અમિતાભે, ન ગોવિંદાએ કે ન તો બીજા કોઈએ. કોઈને એ પણ ખબર ન હતી કે, કાદરખાન કઈ હાલતમાં છે? ખેર, એનો કોઈ અફસોસ નથી. મારા પિતા કાદરખાન જ કહેતા હતા કે, બોલિવૂડ મને ભૂલી ગયું છે. એ દુનિયા જ એવી છે કે બધા ભૂલી જાય. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, કોઈની પાસેથી કંઈ અપેક્ષા જ ન રાખતા. તેમને પણ એવી અપેક્ષા ન હતી કે કોઈ તેમને યાદ રાખે, એમણે એ દુનિયા નજીકથી જોઈ હતી અને તેમને ખબર હતી કે એ દુનિયા કેવી છે!
આમ તો બોલિવૂડ કે શો બિઝેનેસ વર્લ્ડ માટે આ વાત કંઈ નવી નથી. અનેક કલાકારો સાથે આવું બન્યું છે. બોલિવૂડની એક આગળ પડતી વ્યક્તિએ એવું કહ્યું કે, હવે સ્ટાર્સ કોઈના વિશે સોશિયલ મીડિયા પર લખે ત્યારે પણ તેની દાનત તો પોતાની વાહવાહી કરાવવાની જ હોય છે! છેલ્લે તો એ જ જોવાતું હોય છે કે કેટલી લાઇક્સ મળી, કેટલી કમેન્ટ્સ આવી અને કેટલા ફોલોઅર્સ વધ્યા. લોકપ્રિયતાનું માપ હવે ફોલાઅર્સની સંખ્યાથી મપાવવા લાગ્યું છે. રેડિયોના આરજે અને બીજા અમુક લોકોને તો સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનો ટાર્ગેટ આપવામાં આવે છે, તેના આધારે તેમને પ્રમોશન આપવામાં આવે છે. અમુક લોકોને ન ગમતું હોવા છતાં તેમણે જાતજાતનાં ગતકડાં કરવાં પડે છે. એ દુનિયા વિશે તો બધાને ખબર છે કે તેમના સંબંધો કેવા સ્વાર્થી હોય છે! પીડા એ વાતની છે કે હવે આવું બધું સામાન્ય લોકો સુધી પહોંચી ગયું છે. આપણે પણ સોશિયલ મીડિયા પર લખીને સંતોષ માની લેવા માંડ્યા છીએ.
હમણાં અમદાવાદના યુવાન કવિ પાર્થ પ્રજાપતિનું અવસાન થયું. પાર્થે આત્મહત્યા કરી હતી. નોકરી નહોતી, આવક નહોતી એટલે એ હતાશ થઈ ગયો હતો. તેના વિશે સોશિયલ મીડિયામાં ઘણું લખાયું. તેની કવિતાઓ ફરી. પાર્થની રચનામાં તેની હતાશા ઊડીને આંખે વળગે એવી હતી. એકેય મિત્ર કે સ્નેહીને તેનો અંદાજ ન આવ્યો? સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકોએ તેમને સરસ શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપી. કેટલા લોકોએ એમના ઘરે જઈને તેનાં માતા, પિતા અને ભાઈના અવસાનથી ભાંગી પડેલી નાની બહેન પાસે જઈને સાંત્વના પાઠવી? બહુ થોડાએ! પાર્થના પિતા પ્રહલાદભાઈ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કોણે શું લખ્યું એની મને કંઈ ખબર નથી. પાર્થના બનેવી તેજસભાઈ પ્રજાપતિએ કહ્યું કે, મને કોઈએ કહ્યું કે પાર્થ વિશે ઘણાએ લખ્યું છે. જોકે, એ લોકો મારા ફેસબુક ફ્રેન્ડ ન હોવાથી અમને ખબર નથી. જેમના વિશે લખાયું એના પરિવારજનોને જ ખબર નથી એ કેવું કહેવાય?
સોશિયલ મીડિયા ઉપર લખ્યું એને લાગણી નહીં હોય એવું જરાયે નથી. સવાલ એ છે કે, જેમણે દીકરો ગુમાવ્યો છે એની પાસે જઈને સાંત્વના આપવી જોઈએ કે સોશિયલ મીડિયા પર લખીને? આપણે જેમના વિશે લખીએ છીએ એની સંવેદનાને કેટલી સ્પર્શીએ છીએ? આવી ઘટનાઓને થોડીક જુદી રીતે પણ જોવાની જરૂર છે. તમે સોશિયલ મીડિયા પર ભલે ગમે તે કરો, કંઈ વાંધો નથી, પણ તમારી નજીકના લોકો સાથેનો સંબંધ સજીવન રાખજો. છેલ્લે એ જ તમારી સાથે હશે. આપણા લોકોને ક્યારેક આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા લોકો પોતાના લોકો સાથે કેટલા લાઇવ હોય છે? એક સેલિબ્રિટીએ પોતાની સાથે સેલ્ફી લેનારા લોકો વિશે હળવાશમાં એવું કહ્યું હતું કે, હું ગુજરી જઈશને ત્યારે આ લોકો મારી સાથેની તસવીરો અપલોડ કરશે, મારા ઘરે ખરખરો કરવા કોઈ નહીં જાય! વાસ્તવિક અને વર્ચ્યુઅલ સંબંધો વચ્ચેનો ભેદ પારખવો હવે જરૂરી બની ગયો છે.
પેશ–એ–ખિદમત
ખુદ કો બિખરતે દેખતે હૈં કુછ કર નહીં પાતે હૈં,
ફિર ભી લોગ ખુદાઓં જૈસી બાતેં કરતે હૈં,
એક જરા સી જોત કે બલ પર અંધિયારોં સે બૈર,
પાગલ દીએ હવાઓં જૈસી બાતેં કરતે હૈં.
– ઇફ્તિખાર આરિફ
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 13 જાન્યુઆરી 2019, રવિવાર)
kkantu@gmail.com
સાચું કહ્યું તમે સર…બધા ને બસ દેખાડો જ કરવો છે…સાચું વ્યક્તિ તો એ કહેવાય જે સાથે નો રહીને પણ સાથે જ હોઈ…
Yes….