‘છુટકારો’ મળી ગયા પછી
પણ તું ખુશ છે ખરાં?
ચિંતનનીપળે : કૃષ્ણકાંતઉનડકટ
ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે,
દરિયો છે એટલે તો ભરતી અને ઓટ છે,
સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે,
એને ઓળખતા વર્ષોનાં વર્ષો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે.
-સુરેશ દલાલ
‘બહુ થાકી જાઉં છું. તંગ આવી જાઉં છું. હવે મને છુટકારો જોઈએ છે. આવું કંઈ થોડું હોય? પેઇન પણ એક હદથી વધુ સહન નથી થતું. વેદના પણ હવે વેતરી નાખે એવી થઈ ગઈ છે. મુક્તિ જોઈએ છે મારે. ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે. એક નાજુક હળવાશ માણવી છે. મને મારો જ ભાર લાગે છે. બધું જ છોડી દેવાનું મન થાય છે. મારે કોઈની સાથે રહેવું નથી. મારે મારી નજીક જવું છે. મારી જાતને માણવી છે. મારું અસ્તિત્વ જ સાવ ભુલાઈ ગયું છે. ઇનફ. બહુ થયું.’ દરેક માણસને ક્યારેક ‘છુટકારો’ મેળવવાનું મન થાય છે. માણસ કોઈ વ્યક્તિથી, કોઈ સંજોગથી, કોઈ પરિસ્થિતિથી, કોઈ વિચારથી અને ઘણી વખત કોઈ હકીકતથી મુક્તિ ઇચ્છતો હોય છે. ડિવોર્સ, બ્રેકઅપ, રેઝિગ્નેશન અને કટઓફ થઈ ગયા પછી આપણે કેટલા મુક્ત થઈએ છીએ? છેડો ફાડી નાખવાનું કામ મોબાઇલમાં કોઈને બ્લોક કરવા જેટલું ઇઝી ક્યાં હોય છે? બ્લોક કર્યા પછી સંવેદનાઓ ક્યાં ‘લોક’ થઈ જાય છે?
જિંદગી અને પ્રકૃતિમાં બહુ બધું સામ્ય છે. કુદરત બધું બદલતી રહે છે. મોસમ આવે છે. મોસમ જાય છે. જિંદગીમાં પણ મોસમ આવતી-જતી રહે છે. પ્રકૃતિમાં પાનખર છે એમ જિંદગીમાં પણ ઉદાસીની એક મોસમ આવે છે. આપણામાંથી પણ કંઈક ખરતું રહે છે. આંખ થોડીક વરસે છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ મોસમ પણ બદલવાની છે. બધું પૂરું થયા પછી કંઈક નવું શરૂ થતું હોય છે. એના માટે જે પૂરું થઈ ગયું છે તેમાંથી બહાર આવવું પડતું હોય છે. અમુક સંબંધો ઓછું આયખું લઈને આવતા હોય છે. સંબંધ તૂટે અને હાથ છૂટે ત્યારે વેદના થવાની જ છે, પણ આખરે તો એનાથી મુક્તિ મેળવવી જ પડે છે.
એક યુવાનની આ વાત છે. તેને એક છોકરી સાથે પ્રેમ થયો. બંને વચ્ચે ખૂબ આત્મીયતા હતી. શહેરના દરેક સ્થળે બંને ફરતાં. થોડા સમયની રિલેશનશિપ પછી બંને વચ્ચે પ્રોબ્લેમ્સ શરૂ થયા. બ્રેકઅપ થયું. છોકરાથી સહન થતું ન હતું. આખા શહેરમાં સ્મરણો વિખરાયેલાં હતાં. જ્યાં જાય ત્યાં એની સાથેની યાદો સળવળીને બેઠી થઈ જતી. આખરે તેણે નક્કી કર્યું કે હવે આ શહેર જ છોડી દેવું છે. એ બીજા શહેરમાં ચાલ્યો ગયો. નવા શહેરમાં પણ એનો જીવ તો લાગતો જ નહોતો. તેના મિત્રએ કહ્યું કે શહેર તો તેં છોડી દીધું, પણ તું છૂટ્યો છે ખરો? શહેરમાંથી તારે નીકળવાની જરૂર હતી એના કરતાં વધુ જરૂર તારામાંથી શહેર કાઢવાની છે. પાણી વહી ગયા પછી થોડો સમય ભીનાશ રહેતી હોય છે, પણ પછી તો ધરતી પાછી સૂકી થઈ જ જાય છે. આંખોની ભીનાશ પછી આંખોને લૂછવી પડે, તો જ દૃશ્ય સ્પષ્ટ દેખાય!
છુટકારા પછી ખરેખર કેટલા લોકો છૂટા થઈ શકતા હોય છે! આપણાં દુ:ખનું એક કારણ એ હોય છે કે આપણે જૂની વાતોને પકડી રાખીએ છીએ. ઘાને ખોતરતા રહીએ તો વેદના જ મળે. ઘાને રુઝાવવા દેવો પડે છે. એક છોકરીને અકસ્માતમાં ઈજા થઈ. સારવાર માટે ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે ડ્રેસિંગ કરી આપ્યું. લાંબો સમય થયો છતાં ઘા રુઝાતો ન હતો. ડોક્ટરને આશ્ચર્ય થતું હતું. એક દિવસ ડોક્ટરે એ છોકરીને કહ્યું કે તારો હાથ બતાવતો. છોકરીએ હાથ બતાવ્યો. ડોક્ટરે કહ્યું, આ નખ વધાર્યા છે ને એને કાપી નાખ. એનાથી જ વધુ ખોતરાય છે. ડોક્ટરે હસીને કહ્યું, જિંદગી માટે પણ આ નિયમ લાગુ પડે છે. બુદ્ધિની તીક્ષ્ણતા મનમાં લાગેલા ઘણા ઘાને રુઝાવવા નથી દેતી. નખ કાપવા પડે. તીક્ષ્ણતા ઘટાડવી પડે. ભૂલી જવાની ફાવટ બધાને નથી હોતી.
આજના સમયની એક સમસ્યા એ છે કે કોઈને પોતાના સંબંધોથી સંતોષ નથી. દરેકને સંબંધો સામે સવાલો છે. કોઈ સાથે ફાવતું નથી. દરેકને ‘પરફેક્ટ રિલેશન’ જોઈએ છે. કોઈ સંબંધ ક્યારેય સંપૂર્ણ હોતો નથી. સંબંધોમાં અપડાઉન આવવાના જ છે. રિલેશન પરફેક્ટ નથી રહેતા, કારણ કે માણસ જ પૂરેપૂરો પરફેક્ટ હોતો નથી. આપણા મૂડ બદલતા રહે છે. આપણી માનસિકતા પણ ચેઇન્જ થતી રહે છે. એક પ્રેમી-પ્રેમિકા હતાં. પ્રેમીનો સ્વભાવ વિચિત્ર હતો. મન થાય એવું વર્તન કરે. પ્રેમિકાને હંમેશાં તેનાથી ફરિયાદ રહેતી. બંને વચ્ચે એક વખત ઝઘડો થયો. પ્રેમીએ કહ્યું, હું આવો જ છું, તારે રિલેશન રાખવા હોય તો રાખ, બાકી તારી મરજી. પ્રેમિકાએ કહ્યું, હું તને જેવો છે એવો સ્વીકારવા તૈયાર છું, પણ તું મને જેવી છે એવી સ્વીકારી શકીશ? તું તો મારા માથે દાદાગીરી કરે છે. તું કહે એમ જ મારે કરવાનું? તમે એવું ઇચ્છતા હોવ કે તમે તમારું ધાર્યું કરો તો તમારે તમારી વ્યક્તિને એનું ધાર્યું કરવા દેવું પડે. એક બીજા પ્રેમી-પ્રેમિકાની વાત જુદી જ છે. બંને વચ્ચે એક વર્ષની રિલેશનશિપ હતી. એક દિવસ છોકરાએ કહ્યું કે, યાર આપણી રિલેશનશિપ લાંબી ચાલે એવું નથી લાગતું. તું બહુ જુદી છે. હું થોડોક વિચિત્ર છું. આ વાત સાંભળીને પ્રેમિકાએ કહ્યું, તું વિચિત્ર છે. મને ખબર છે. છતાં મને નથી લાગતું કે આપણા સંબંધમાં કોઈ પ્રોબ્લેમ થાય. સૌથી મહત્ત્વની વાત એ છે કે તને ખબર છે કે તું કેવો છે. તને એ પણ ખબર છે કે હું કેવી છું! થોડોક તું બદલજે, થોડીક હું બદલીશ, તો વાંધો નહીં આવે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આપણે બદલવું હોતું નથી, પણ આપણી વ્યક્તિને બદલાવી નાખવી હોય છે. સાચો પ્રેમ હોય તો માણસ બદલતો પણ હોય છે. એ બદલાવ સહજ હોવો જોઈએ. કોઈને ધરાર બદલવાનો પ્રયાસ કરીએ ત્યારે બગડવાના ચાન્સીસ વધી જાય છે.
સંબંધ લાંબો ચાલે તેમ ન હોય ત્યારે આપણું મન જ આપણને સિગ્નલ્સ આપવા માંડે છે કે આપણને આની સાથે ફાવવાનું નથી. સંબંધની બાબતમાં મનની વાત સાંભળવી જોઈએ. મનને એ પણ સવાલ પૂછવો જોઈએ કે આ સંબંધમાં સુધારો શક્ય છે ખરો? સંબંધને સુધારવાના બેસ્ટ પ્રયાસો પણ કરવા જોઈએ. એક તબક્કે આપણને જ ખબર પડી જતી હોય છે કે હવે આ સંબંધ આગળ વધી શકે એમ નથી. સતત દર્દ આપતા સંબંધોથી છુટકારો મેળવવામાં કંઈ જ ખોટું હોતું નથી. છૂટા પડવામાં બસ ગ્રેસ જળવાવો જોઈએ. એક પતિ-પત્ની હતાં. બંને ખૂબ ડાહ્યાં અને સમજુ. જોકે, બંને સાવ અલગ હતાં. ધીમે ધીમે બંનેને લાગ્યું કે એકબીજા સાથે મજા આવતી નથી. એક દિવસ બંનેએ વાતો કરી. પત્નીએ કહ્યું કે આપણે સાથે છીએ પણ સાથે હોઈએ એવું ફીલ થતું નથી. બહેતર છે કે આપણે છૂટાં પડી જઈએ. પતિએ કહ્યું કે તારી વાત સાચી છે. બંને છૂટાં પડી ગયાં. બેએક વર્ષ પછી બંને અચાનક એક જગ્યાએ ભેગાં થઈ ગયાં. પતિએ પૂછ્યું, તું ખુશ છે? પત્નીએ કહ્યું. હા, મજામાં છું. એ જ સવાલ પછી પત્નીએ પૂછ્યો કે તું ખુશ છે? પતિએ પણ કહ્યું કે ફાઇન છું. પત્નીએ હસીને કહ્યું કે, સારી વાત છે. આપણું જૂદું થવું લેખે લાગ્યું. પતિએ કહ્યું, ક્યારેય યાદ આવું છું? પત્નીએ કહ્યું, હા, ક્યારેક યાદ આવી જાય છે. ત્યારે હું તું ખુશ હોય એવી કામના કરું છું.
બહુ ઓછા લોકો સંબંધોનું સન્માન જાળવી શકે છે. આપણે તો કોઈ જુદું પડે એને દુશ્મન માની લઈએ છીએ. એનું બૂરું ઇચ્છીએ છીએ. કેટલા ડિવોર્સ ગ્રેસફુલી થાય છે? ડિવોર્સ પેપર પર સાઇન થઈ ગયા પછી પણ આપણે ક્યાં મુક્ત થઈ જતા હોઈએ છીએ? આપણે બતાડી દેવું હોય છે. ડિવોર્સના કેસો લાંબા ચાલે તેમાં માત્ર કોર્ટનો વાંક હોતો નથી, આપણે છોડવું હોતું નથી.
એક પતિ-પત્નીએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી. તારીખો પડતી હતી. છોકરીની એક દોસ્તે તેને કહ્યું કે તને એમ નથી થતું કે હવે આ વાતનો અંત આવે તો સારું? છોકરીએ હસીને કહ્યું કે, વાતનો અંત તો આવી ગયો છે. કોર્ટનો આદેશ નથી આવ્યો, પણ મારા મને તો મને મુક્ત થવાનો આદેશ ક્યારનો આપી દીધો છે. સહી તો થઈ જશે. પેપર્સ તો બની જશે. હું તો મુક્ત થઈ ગઈ છું. હવે મને કોઈ પેઇન નથી. કોઈ ફરિયાદ પણ નથી. ન એની સામે ન મારી સાથે. વિવાદ તો મનથી ખતમ થવા જોઈએ. પેપર્સ તો એક ફોર્માલિટી છે. છુટકારો મેળવનાર દરેક વ્યક્તિએ પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે છુટકારો મળી ગયા પછી પણ હું ખુશ છું ખરો? જો ન હોવ તો માનજો કે મને હજુ છુટકારો મળ્યો નથી. છુટકારો બહારથી મળતો નથી, ખરો છુટકારો તો આપણી અંદરથી જ મળતો હોય છે!
છેલ્લો સીન :
આઝાદી કે મુક્તિનો અંદરથી અહેસાસ ન થાય ત્યાં સુધી આપણે બંધન કે ગુલામીમાં જ હોઈએ છીએ. મોટાભાગની ગુલામી આપણે પોતે જ સર્જી હોય છે. મુક્ત થવા માટે અંદરની ઘણી જંજીરો પણ તોડવી પડે છે. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 19 ડિસેમ્બર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Nice sir
Thanks.
Super duper lekh truly..
Thanks.
Sir awespme….. Really
Thank you