મિડ લાઇફ ક્રાઇસિસ : એવો સમય જ્યારે ક્યાંય ધ્યાન ન પડે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

મિડ લાઇફ ક્રાઇસિસ : એવો

સમય જ્યારે ક્યાંય ધ્યાન ન પડે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી લગભગ અડધે પહોંચી હોય ત્યારે જ

એક એવો સમય આવતો હોય છે

જે અઘરો પડી જાય. આપણને સમજાય જ નહીં કે

શું થવા બેઠું છે!

22થી 30ની ઉંમરે ક્વાટર લાઇફ ક્રાઇસિસ અને

40થી 50ની ઉંમર દરમિયાન મિડ લાઇફ ક્રાઇસિસનો

અનુભવ થતો હોય છે

જિંદગીના અમુક તબક્કાઓ હોય છે. અમુક સમયે જિંદગી ટર્ન લેતી હોય છે. અમુક મોડ એવા હોય છે જે આપણને ચમત્કાર જેવા લાગે છે. અમુક વળાંક આઘાત આપે તેવા હોય છે. જિંદગી બદલતી રહે છે. અપ એન્ડ ડાઉન્સ એ જિંદગીની ફિતરત છે. બચપણનો સમય એટલે જ બધા માટે યાદગાર હોય છે કારણ કે એ સમયે કોઇ ચિંતા નથી હોતી. જિંદગીની એવી કોઇ સમજ નથી હોતી અને ભવિષ્યની કોઇ ચિંતા પણ નથી હોતી. સમજ ઉંમરની સાથે આવે છે અને એ સાથે જ જવાબદારીઓનું ભાન અને કરિયરની ચિંતા શરૂ થાય છે. દરેકની લાઇફમાં એક પિરિયડ સ્ટ્રગલનો હોય છે. આંખોમાં અમુક સપનાઓ તરવરતાં હોય છે. સફળ થવા માટે કંઇપણ કરી છૂટવાનું ઝનૂન હોય છે. એ સાથે જ રોમાન્સ અને રોમાંચ પણ છલોછલ જિવાતો હોય છે.

ભણતા હોઇએ ત્યારે સારા માર્ક્સે પાસ થવાનું પ્રેસર હોય છે. પહેલા ક્યાં એડમિશન મળશે અને પછી ક્યાં જોબનો મેળ ખાશે તેનું ટેન્શન હોય છે. એ સમયે મનમાં એવા સવાલ થાય છે કે હું શું કરીશ? મને ક્યાં કામ મળશે? જિંદગી કેવી રીતે સેટ થશે? પ્રેમ, રિલેશનશિપ અને મેરેજના પણ પ્રશ્નો હોય છે. જિંદગીનો ઘાટ ઘડાતો હોય છે. સ્ટડી પૂરી થાય પછી સ્ટ્રગલનો પિરિયડ શરૂ થાય છે. એક રીતે જોઇએ તો આ પિરિયડ સારો હોય છે, કારણ કે એમાં કંઇ ગુમાવવાનું હોતું જ નથી. કંઇ હોય જ નહીં તો ગુમાવવાનું શું આવે? જે કંઇ છે એ મેળવવાનું જ છે. જેટલી મહેનત કરીએ એટલું મળવાનું હોય છે. દરેક માણસે પોતાના પૂરતી સ્ટ્રગલ કરી જ હોય છે. ગમે તેને પૂછી જોજો એની પાસે પોતાના સંઘર્ષની એક રસપ્રદ વાર્તા હશે. તમે પણ સ્ટ્રગલ કરી હશે. મોટાભાગના લોકોને એમ પણ હોય છે કે મેં જે સ્ટ્રગલ કરી છે એવી તો કોઇએ નહીં કરી હોય. એ સમયમાં જિંદગીમાં ચમત્કાર લાગે એવું પણ થતું હોય છે. કંઇક એવું બને છે જેની આપણને કલ્પના પણ નથી હોતી. કોઇક તક સામે આવીને મળે છે. આપણને એ પડકાર ફેંકે છે કે આ મોકો છે, લડી લે અને તારાં સપનાઓને સાકાર કર. મોટાભાગના લોકોની જિંદગીમાં 22થી 30 વર્ષની ઉંમર વચ્ચે આવી ક્વાટર લાઇફ ક્રાઇસિસ આવતી હોય છે.

ચાલીસથી પચાસ વર્ષની ઉંમર દરમિયાન મિડ લાઇફ ક્રાઇસિસનો એક તબક્કો આવે છે. એ સમયે આપણને બધું સેટ થઇ રહ્યું હોય કે સેટ થઇ ગયું હોય એવું લાગે છે. હવે કંઇ વાંધો નહીં આવે એવું પણ લાગે છે. જોકે બરાબર મિડ લાઇફ આવે ત્યારે મોટા ભાગના લોકોમાં એક એવી ક્રાઇસિસ આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે આ બધું શું થઇ રહ્યું છે? ક્યાંય ધ્યાન પડતું નથી. એક એવો બ્રેક આવે છે જ્યારે આપણે અટકી જઇએ છીએ. એ સમય વિશે એવું કહેવામાં આવે છે કે એ જિંદગીનો સૌથી અઘરો સમય હોય છે. માણસે પોતે જે મહેનત કરી હોય છે એટલો સફળ થઇ ગયો હોય છે. સફળ થઇ ગયા પછી જ સફળતાને ટકાવી રાખવાનું દબાણ હોય છે. એ સમયે જે અવરોધ આવે એ હતાશા તરફ દોરી જાય છે. ત્યારે માણસે સૌથી વધુ ધ્યાન રાખવાનું હોય છે. મિડ લાઇફ ક્રાઇસિસ ઉપર ઢગલાબંધ સર્વે થયા છે. ધ ડાયરેક્ટ બેંક અને સાયકોલોજિસ્ટ ઓલિવર રોબિન્સને બે હજાર બ્રિટિશર પર આ વિશે સર્વે કર્યો હતો. તેમાં એવું જણાવાયું હતું કે મિડ લાઇફ ક્રાઇસિસમાં રિલેશનશિપ, ઇમોશનલ અને ફાઇનાન્શિયલના ઇસ્યુઝ ઊભા થાય છે. પચાસ ટકા લોકોની લાઇફમાં મિડ લાઇફ ક્રાઇસિસ આવે છે.

આપણે ત્યાં આ પ્રકારના સર્વે ઓછા થાય છે. બ્રિટન કે બીજા કોઇ દેશો કરતાં આપણા દેશની વાત જુદી છે. જોકે આપણે ત્યાં આવી ક્રાઇસિસ જોવા તો મળે જ છે. ખાસ તો જોબ કે બિઝનેસમાં અચાનક બ્રેક આવે છે. લાઇફ પાર્ટનર સાથે ઇમોશનલ ઇસ્યુઝ પણ થાય છે. જિંદગીનો રોમાંચ થોડોક ઘટ્યો હોય છે. દરેક માણસ એ મુશ્કેલી પોતપોતાની રીતે સોલ્વ કરે છે. અમુક લોકો હતાશ પણ થઇ જાય છે. એક ભાઇએ કરેલી આ વાત છે. 44 વર્ષના થયા ત્યારે તેને મળતું કામ અચાનક ઘટી ગયું. ઓફિસે કંઇ ખાસ કામ ન હતું. આમ છતાં એ રોજની જેમ જ ઘરેથી નીકળી જતા. ઓફિસે જઇ થોડીક વાર બેસીને લાઇબ્રેરી ચાલ્યા જતા અને સાંજ પડે એટલે ઘરે પહોંચી જતા. તે નહોતા ઇચ્છતા કે ઘરનાં સભ્યોને કે સંતાનોને તેની હાલત ખબર પડે. કોમ્પ્યુટર આવ્યા પછી એક મોટા વર્ગમાં મિડ લાઇફ ક્રાઇસિસ આવી હતી. નવા છોકરાઓ જોબ પર આવતા હતા એ કોમ્પ્યુટર શીખીને આવતા હતા. એ સમયે અડધી ઉંમરે પહોંચેલા લોકોને કોમ્પ્યુટર આવડતું ન હતું. એને એ ચિંતા પેઠી હતી કે હવે અમારું શું થશે? અમુક લોકો નાછૂટકે શીખ્યા પણ ખરા. મિડ લાઇફ ક્રાઇસિસના સમયે જરાયે મૂંઝાવવું નહીં એવી સલાહ મનોચિકિત્સકો આપે છે. એ સમયે આમ તો અડધી જિંદગીનું ભાથું આપણી પાસે હોય છે, આ સમય પણ ચાલ્યો જશે એવી સમજ પણ હોય છે, છતાં તેમાંથી પાર થવાનું અઘરું બની રહે છે. આવા સમયે પોઝિટિવિટીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. એક-બે સલાહ મનોચિકિત્સકો આપે છે. એક તો એ કે તમારી સરખામણી કોઇની સાથે ન કરો અને બીજું તમારી પોતાની જાત સાથે સહાનુભૂતિપૂર્વક વર્તો. તમારી સાથે કે કોઇની સાથે કઠોર ન બનો. મિત્રો અને સ્વજનો સાથે ખુલ્લા દિલે વાત કરો. હળવા રહો, પોતાની જાત પર શ્રદ્ધા રાખો અને પોતાને જરાય કમજોર કે અસહાય ન સમજો. આ સમય કાઢવો અધરો નથી, આપણે બસ એટલું જ વિચારવાનું હોય છે કે ક્રાઇસિસ તો આવે અને જાય, હું લડી લઇશ, મારી લડાઇ જીતીશ અને ટટ્ટાર ઊભો રહીશ.

પેશ-એ-ખિદમત

દાગ દુનિયા ને દિએ જખ્મ જમાને સે મિલે,

હમ કો તોહફે યે તુમ્હેં દોસ્ત બનાને સે મિલે,

એક હમ હી નહીં ફિરતે હૈં લિએ કિસ્સા-એ-ગમ,

ઉન કે ખામોશ લબોં પર ભી ફસાને સે મિલે

-કૈફ ભોપાલી

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 09 સપ્ટેમ્બર 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *