તારા દુ:ખનું કારણ તું અને તારો ગુસ્સો છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારા દુ:ખનું કારણ તું

અને તારો ગુસ્સો છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

એટલા સહેલાઈથી બદનામ પણ ન થઈ શકો,

એના માટે પણ જગતમાં નામના કરવી પડે,

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,

સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે.

કિરણકુમાર ચૌહાણ

પ્રેમ વિશે એવું કહેવાયું છે કે, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. ગુસ્સામાં પણ અઢી અક્ષર છે. આ અઢી અક્ષર જે સમજી શકતા નથી એ મૂરખ હોય. કોઈ માણસ જો એમ કહે કે એને ક્યારેય ગુસ્સો નથી આવતો તો એ ખોટું બોલતો હોય છે. ગુસ્સો એક સહજ વર્તન છે. જેમ હસવું અને રડવું આવે છે, એમ ગુસ્સો આવે છે. ધર્મગ્રંથો જોઈ જજો. ભગવાનને પણ અનેક વાર ગુસ્સો આવ્યો છે. કુરુક્ષેત્રમાં શસ્ત્ર ન ઉપાડવાના સોગંધ લેનાર ભગવાન શ્રીકૃષ્ણે પણ સુદર્શન ચક્ર ચલાવ્યું હતું. શિવજીનું તાંડવ ગુસ્સાનું જ રૌદ્ર સ્વરૂપ હતું. ભલભલા તપસ્વીઓ અને મુનિઓને ગુસ્સો આવી ગયાના કિસ્સાઓ છે. તપસ્યા ભંગ થાય અને ભયંકર ગુસ્સો આવી જાય એ તપસ્વી કહેવાય? તપાવી દે એ તપસ્યા કેવી? ઘણા લોકો તો વાતવાતમાં તપી જતા હોય છે. જરાક અમથી વાત હોય તો પણ એની કમાન છટકે છે. ગુસ્સામાં માણસ બીજાનું નુકસાન તો કરતો જ હોય છે, પણ સૌથી મોટું નુકસાન તો પોતાનું જ કરે છે. ઘણા એકલા હોય છે એનું કારણ કાળઝાળ ગુસ્સો હોય છે. એવા લોકો એટલા બધા સળગતા હોય છે કે એની નજીક જવામાં ડર લાગે. દઝાડે એવી પ્રકૃતિ આપણને પણ અંદરથી બાળતી હોય છે.

એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને સવાલ કર્યો. ગુસ્સો ખરાબ ચીજ છે? સાધુએ કહ્યું, ના, ગુસ્સો જરાયે ખરાબ નથી. બસ, આપણને એટલી ખબર હોવી જોઈએ કે ગુસ્સો ક્યાં કરવો? ક્યારે કરવો? કેટલો કરવો અને શા માટે કરવો? સાધુએ કહ્યું, તકલીફ એ છે ને કે ગુસ્સો આવે ત્યારે આપણને આવા પ્રશ્નો યાદ જ નથી આવતા. પ્રશ્નો જ ન સૂઝે તો જવાબ ક્યાંથી મળવાના છે? ગુસ્સો આવે ત્યારે મગજ કામ કરવાનું બંધ કરી દે છે. આપણને એમ જ થાય છે કે, આમ કરી નાખું, તેમ કરી નાખું, થપ્પડ મારી દઉં, હાથમાં આવે એ તોડી નાખું અને બધાને બતાવી દઉં કે મારો ગુસ્સો કેવો ખરાબ છે!

ગણતરીપૂર્વકનો ગુસ્સો એ ગુસ્સો હોતો નથી, એમાં ક્યાંક થોડુંક ડહાપણ પણ હોય છે. કોઈએ કંઈ અયોગ્ય કર્યું હોય ત્યારે આપણને થાય છે કે એના પર હવે ગુસ્સે થવું પડશે. એને ખખડાવવાની જરૂર છે. આવું કરીએ ત્યારે આપણા ગુસ્સા પાછળ કંઈક સારું કરવાની ગણતરી હોય છે. અવળી લાઇને ચડી ગયેલાને સીધી લાઇને લાવવાની વાત હોય છે. ગુસ્સો ક્યારેક કરો તો હજુ એને કોઈ ગંભીરતાથી લે. એ માણસ ગુસ્સે થાય નહીં હોં, એ ગુસ્સે થયો મતલબ કે એની વાતમાં કંઈક દમ હશે. ગુસ્સો પણ તમારી કક્ષા નક્કી કરે છે. દરરોજ અને વાતવાતમાં ગુસ્સે થનારા વિશે સરવાળે તો એમ જ કહેવાય છે કે, એને તો આદત પડી છે. તમારા ગુસ્સાને ગંભીરતાથી લેવામાં ન આવે ત્યારે માનજો કે તમારી ક્યાંક ભૂલ થાય છે.

એક બાપ-દીકરાની આ સાવ સાચી વાત છે. એક વખત બાપે દીકરાને પૂછ્યું કે, તને મારો ડર લાગે? દીકરાએ કહ્યું, હા, ડર લાગે છે. પિતાને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે, હું તો તને ક્યારેય કોઈ વાતમાં ખિજાયો નથી. ક્યારેય તારા પર ગુસ્સે થયો નથી. દીકરાએ કહ્યું, એટલે જ ડર લાગે છે. ક્યાંક તમે કોઈ વાતે હર્ટ ન થઈ જાવ. તમે ક્યારેય ગુસ્સો નથી કરતાને એટલે કંઈ પણ કરતી વખતે એવો વિચાર આવી જાય છે કે ક્યાંક તમને ન ગમે એવું તો મારાથી કંઈ થઈ નહીં જાય ને. જે લોકો ગુસ્સો નથી કરતા એના લોકો એ ગુસ્સે થાય એવો મોકો જ ન આપવાની દરકાર રાખતા હોય છે.

ઘણાં ઘરોમાં અશાંતિનું મૂળ માત્ર એક વ્યક્તિનો ગુસ્સો હોય છે. એક વૃદ્ધ વ્યક્તિની આ વાત છે. એ હાયર પોસ્ટ પરથી રિટાયર થયા હતા. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. એક વખત તેણે દીકરા પાસે કંઈક માગ્યું. દીકરાએ બહુ સહજતાથી કહ્યું કે, પાપા, મારા હાથ એંઠા છે, પ્લીઝ, તમે લઈ લો ને! આટલું સાંભળતાં જ પિતાનો પિત્તો ગયો. તારાથી મને આવું કહેવાય જ કેમ? તને બાપની કંઈ પડી નથી. તારે તારું ધાર્યું જ કરવું છે. દીકરો પણ સામું બોલ્યો કે તમને એમાં મેં ખરાબ કે ખોટું શું કહી દીધું? પિતાએ કહ્યું, હવે તું મને શિખવાડીશ કે મારે શું કરવું અને કેમ બોલવું! વાત વણસી ગઈ. પિતાએ કહ્યું કે, હવે તારું બકબક બંધ કર, નહીંતર એક ફડાકો ઝીંકી દઈશ! દીકરાએ કહ્યું કે, મારો જોઈએ! પિતાએ ફડાક દઈને તમાચો ઝીંકી દીધો. છોકરો ઘર મૂકીને ચાલ્યો ગયો. સાવ નાની વાતે બાપ-દીકરામાં જિંદગીભર ન ભુલાય એવી ખાઈ બનાવી દીધી.

એ વૃદ્ધના મિત્રએ કહ્યું કે, ગમે તે હોય તારે જુવાનજોધ દીકરાને મારવું ન જોઈએ. પેલા ભાઈએ કહ્યું, તને તો ખબર છે ને મારી ઓફિસમાં મારો કેવો રોફ હતો. કોઈની મજાલ છે કે મારો પડ્યો બોલ ઉથાપે? એક માણસને બોલાવું ત્યાં ત્રણ હાજર હોય. મને ના સાંભળવાની આદત જ નથી. તેના મિત્રએ કહ્યું, એ તારું ઘર છે, ઓફિસ નહીં. ઘરની દુનિયા અલગ હોય છે. બહારથી ઘરમાં આવીએ ત્યારે બહારનું બધું બહાર મૂકીને આવવું જોઈએ. ઘણા લોકો ઘર અને બહારમાં તફાવત નથી કરતા, એ ઘરના પણ નથી રહેતા અને બહારના પણ નથી રહેતા. હકીકતે તો એ પોતાના જ નથી હોતા. વૃદ્ધાશ્રમમાં રહેતા ઘણા વડીલો ગુસ્સાનાં જીવતાં-જાગતાં પ્રતીક હોય છે.

શાંતિના પ્રતીક હોય એવા વૃદ્ધાશ્રમો કેટલા? વૃદ્ધાશ્રમમાં રહેતાં એક માજીની આ વાત છે. તમે શા માટે અહીં આવ્યાં એવું તેમને પૂછવામાં આવ્યું ત્યારે એ માજીએ કહ્યું કે, ગુસ્સામાંથી મુક્તિ મેળવવા માટે. તેમણે કહ્યું, મારો દીકરો મગજનો ફાટેલ છે. બાકી હતું તે એને વહુ પણ એનું માથું ભાંગે એવી મળી. વાતવાતમાં ધડાધડી બોલી જાય. રોજની માથાકૂટ. મને કોઈએ ઘરમાંથી કાઢી નથી મૂકી, હું તો મારી મેળે અહીં આવી ગઈ છું. એક દિવસ બંનેને બેસાડીને કહ્યું કે, તમારા બંનેના ઝઘડાથી હું તંગ આવી ગઈ છું. તમારી જિંદગી છે, તમારે જેમ રહેવું હોય એમ રહો. હું તો વૃદ્ધાશ્રમમાં જાઉં છું. ઘર કરતાં અહીં શાંતિ છે. ઘર કરતાં જ્યારે બહાર શાંતિ લાગવા માંડેને ત્યારે માણસે વિચાર કરવો જોઈએ કે આવું કેમ થાય છે? વાંક આપણો જ હોય એવું જરૂરી નથી. આપણા લોકો પણ ક્યારેક એવા હોય છે. એક હદથી વાતાવરણ બગડે ત્યારે માણસે શાંતિ આપે એવો રસ્તો શોધી લેવાનો હોય છે.

નારાજગી અને ગુસ્સામાં બહુ મોટો ફરક છે. દરેક નારાજગીમાં ગુસ્સો નથી હોતો. અમુક નારાજગીમાં વેદના અને પીડા હોય છે. ક્યારેક થોડીક ચિંતા પણ હોય છે. ગુસ્સો એ નારાજગીનું વિકૃત સ્વરૂપ છે. નારાજગીનું કારણ બીજી વ્યક્તિ હોય છે, ગુસ્સાનું કારણ તો માણસ પોતે જ હોય છે. ગુસ્સો ન આવવો એ સહજ હોવું જોઈએ. ઘણા લોકો ગુસ્સો દબાવી રાખે છે. ગુસ્સો દબાવવો એ પણ પોતાના પર કરાતું દુષ્કૃત્ય જ છે. ગુસ્સો દબાવી રાખવા કરતાં તો ગુસ્સો કાઢી નાખવો સારો. સારી અને સાચી વાત તો એ છે કે ગુસ્સાને આવવા જ ન દેવો.

એક માણસે સંતને પૂછ્યું કે, ગુસ્સાને કંટ્રોલ કરી શકાય ખરો? સંતે કહ્યું, આપણે કંઈક કંટ્રોલ ત્યારે જ કરવું પડે છે જ્યારે એ વધારે પડતું હોય. આપણે ક્યારેય એવું કેમ નથી પૂછતા કે શાંતિને કંટ્રોલ કરવી જોઈએ કે નહીં? ગુસ્સાનું કોઈ માપ નથી હોતું, ગુસ્સાની કોઈ માત્રા નથી હોતી. આટલો ગુસ્સો સારો અને આટલો ખરાબ એવું કેવી રીતે કહી શકાય? ઝેરનો પ્યાલો પીએ તો મરી જઈએ, થોડુંક ઝેર પીએ તો મરી ન જવાય, પણ એ નુકસાન તો કરે જ. આપણે કહીએ છીએ કે, ઝેરનાં પારખાં ન હોય. ગુસ્સાનાં પણ પારખાં ન હોય! ગુસ્સો આવતો હોય તો તેને કંટ્રોલ કરો, પણ ગુસ્સો ન જ આવે એવું કરશો તો એને કંટ્રોલ કરવાની ફિકર નહીં રહે.

વાવાઝોડું એ પવનનો ગુસ્સો છે. વાવાઝોડું આવે ત્યારે વંટોળ સર્જાય છે. વંટોળની અડફેટે આવે એ બધાને તે ખેદાનમેદાન કરી નાખે છે. ગુસ્સાનું પણ એવું જ છે. વાવાઝોડામાં વળ હોય છે, વાવાઝોડું જો વળ છોડી દે ને તો એ હવા જ છે. ગુસ્સો એ શાંતિની ગેરહાજરી છે. ગુસ્સો એ શાંતિની હત્યા છે. ઘણા લોકો એવા હોય છે કે એ વળી જશે, પણ વળ નહીં છોડે. પોતાના ગુસ્સાના કારણે જ ઘણા લોકો દુ:ખી હોય છે. એક પતિ-પત્નીની વાત છે. પત્ની વાતવાતમાં ગુસ્સે થઈ જાય. પતિ તેને સમજાવે કે ગુસ્સે થઈને તને મળી શું જાય છે? તું તો દુ:ખી જ હોય છે. પત્નીએ કહ્યું, મને ગુસ્સો આવેને ત્યારે હું કોઈની હોતી નથી. પતિએ કહ્યું, તારી વાત સાચી છે, તને ગુસ્સો આવે ત્યારે તું કોઈની નથી હોતી. કોઈની તો નથી જ હોતી, પણ તને ખબર છે તું તારી પણ નથી હોતી!

ગુસ્સે હોય ત્યારે માણસ આખેઆખો ઉકળતો હોય છે. શાંત અને સ્થિર પાણી હોય એમાં જ ચહેરો દેખાય, એમાં જ પ્રતિબિંબ પડે. ઉકળતા પાણીમાં ચહેરો દેખાતો નથી. ઉકળતા પાણીમાં ચહેરો તો નથી દેખાતો, પણ ઝાળ લાગતી હોય છે. ગુસ્સે હોય ત્યારે માણસ પોતાને જ નથી ઓળખી શકતો. ગુસ્સાની તકલીફ એ છે કે એ જાય પછી જ આપણને સમજાય છે કે ખોટું થયું. તારાજીનો અંદાજ તોફાન પૂરું થાય પછી જ મળતો હોય છે. આપણને પણ ક્યારેક સમજાતું હોય છે કે, ખોટો ગુસ્સો થઈ ગયો. સમજાઈ ગયા પછી આપણે માફી પણ માગી લેતા હોઈએ છીએ.

એક પતિ-પત્ની હતાં. પતિનો સ્વભાવ એકદમ ગુસ્સાવાળો. વાતવાતમાં એનો પારો સાતમા આસમાને પહોંચી જાય. હાથમાં આવે એનો છુટ્ટો ઘા કરે. આજે મોબાઇલ એ હાથવગું સાધન છે. ગુસ્સો આવે ત્યારે મોબાઇલનો છુટ્ટો ઘા કરી ટુકડા કરી નાખ્યા હોય, એવા ઘણા કિસ્સાઓ આપણી આજુબાજુમાં હોય છે. એક યુવતીએ કબૂલેલી આ વાત છે કે હું મારા ઘરમાં એક એક્સ્ટ્રા મોબાઇલ રાખું જ છું. આનું મગજ ગમે ત્યારે છટકે છે અને એ ઘા કરે છે. પતિથી ગુસ્સો થઈ જાય પછી મગજ શાંત થાય ત્યારે એ સોરી કહે. એક વખત પત્નીએ કહ્યું કે, આવી સોરીનો કોઈ અર્થ ખરો? તું દર વખતે ગુસ્સે થાય છે અને પછી સોરી કહી દે છે. સોરી કહી દે એટલે મારે તને સારો માની લેવાનો? તું તો સોરીનું પણ અપમાન કરે છે. સાચી સોરી એ છે કે બીજી વખતે એ જ બાબતે સોરી ન કહેવી પડે.

ગુસ્સો એવી ચીજ છે કે, ગુસ્સે થઈને માણસ કંઈક ને કંઈક ગુમાવે છે. એનાથી કંઈ જ મળતું નથી. ઘણા કિસ્સામાં તો પોતાનાં સ્વજન પણ ગુમાવે છે. આપણે કહીએ છીએ કે એ માણસ સારો, પણ એનું મગજ છટકેને ત્યારે એનો કોઈ ભરોસો નહીં. તમારું મગજ છટકે છે? જો છટકતું હોય તો યાદ રાખજો કે તમારા હાથમાંથી પણ ઘણું બધું છટકી જશે. તમારો પ્રેમ, તમારી વ્યક્તિ, તમારા મિત્ર અને છેલ્લે તમે પણ તમારા નહીં રહો. તમે પણ પોતાના ઉપર ગુસ્સો ઉતારતા હશો. ઘણા લોકો એવા હોય છે જે દાંત કચકચાવતા રહે છે. દીવાલો પર માથાં પછાડે છે. ગુસ્સો ક્યારેક આવે એ સમજી શકાય, વારંવાર આવતો અને વધુ પડતો ગુસ્સો એ માનસિક વિકૃતિ છે. કોઈ પણ વિકૃતિ વિકરાળ થઈ જાય એ પહેલાં તેને વશમાં કરવી પડતી હોય છે.

છેલ્લો સીન :

માણસે ગુસ્સો કરી કોઈને ડરાવવા જોઈએ નહીં, પણ પોતાના ગુસ્સાથી પોતે જ ડરવું જોઈએ. ગુસ્સો કરે એણે જ બધું ગુમાવવું પડે છે.       -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 જુન 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *