જરાક કહો તો, તમને
છીંક ખાતા આવડે છે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
છીંક દરેક માણસ ખાતો હોય છે,
કોઇને વધુ તો કોઇને ઓછી છીંકો આવતી
હોય છે. છીંકો આવવા પાછળ અનેક કારણો
જવાબદાર હોય છે. છીંકના કારણે ડિવોર્સ
થવાના કિસ્સાઓ પણ છે!
કોઇપણ સંજોગોમાં છીંકને રોકવાનો ક્યારેય
પ્રયાસ ન કરવો, એ ઘાતક નીવડી શકે છે.
તમે છીંક કેવી રીતે ખાવ છો? આમ તો આ સવાલ હાસ્યાસ્પદ લાગે. આપણને થાય કે છીંક ખાવામાં વળી શું છે? એ તો અચાનક આવે છે અને થોડીક સેકન્ડમાં આપણે પાછા નોર્મલ થઇ જઇએ છીએ. સાચી વાત છે પણ છીંક જો બરાબર ન ખવાય તો એનાથી ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે. ત્યાં સુધી કે છીંકના કારણે બ્રેકઅપ કે ડિવોર્સ પણ થઇ શકે છે! હમણાં અમેરિકામાં એક કિસ્સો બન્યો. પતિને વારંવાર છીંકો આવે. એ એટલી જોરથી છીંક ખાય કે આજુબાજુનું વાતાવરણ ધ્રૂજી જાય. બધા લોકોને થાય કે આ શું થયું? પત્ની પતિની છીંકોના કારણે ઓકવર્ડ ફીલ કરતી. આખરે તેણે પતિથી ડિવોર્સ લઇ લીધા! વેલ, આવા કિસ્સા તો એકલ-દોકલ હોય છે, એને બહુ ગંભીરતાથી લેવાના ન હોય, પણ છીંકને તો ગંભીરતાથી લેવી જ પડે એવું છે.
કોઇ સારા કામે જતા હોઇએ અને છીંક આવે તો અપશુકન થાય છે એવું ઘણા માને છે. આ એટલી જ વાહિયાત વાત છે જેટલી બકવાસ વાત બિલાડીના આડા ઊતરવાથી થતા અપશુકનની છે. એમ તો એક એવી પણ માન્યતા છે કે છીંક આવે એટલે હાર્ટ અમુક સેકન્ડ બંધ થઇ જાય છે અથવા તો હૃદય ધબકારો ચૂકી જાય છે. આ વાત પણ સદંતર ખોટી છે. હા, છીંક આવે ત્યારે ધ્યાન જરૂર ચુકાઇ જાય છે. ફુલ સ્પીડમાં કાર ચલાવીને જતાં હોઇએ અને છીંક આવે ત્યારે કારને કંટ્રોલ કરવામાં ધ્યાન રાખવું પડે. સલાહ તો એવી અપાય છે કે કોઇપણ વાહન ચલાવતા હોવ અને છીંક આવે તો તરત જ સચેત થઇ જવું. એક્સીલેટર પરથી પગ લઇ લેવો. ન લો તો બનવાજોગ છે કે એક્સીલેટર વધુ દબાઇ જાય અને કંઇક ન થવાનું થઇ જાય. છીંક ખાવાની દરેકની પોતપોતાની આગવી સ્ટાઇલ હોય છે, જુદા જુદા અવાજ હોય છે. કોઇ એવી ધડાકાભેર છીંક ખાય કે પડોશીને પણ ખબર પડી જાય. કોઇ વળી સાવ ફૂસ્સ દઇને છીંક ખાતા હોય છે. ખેર, એ તો વ્યક્તિગત છે પણ તમને છીંક આવે અને બ્લેસ યુ કોણ કહે છે? તમને ખબર છે છીંક આવે ત્યારે બ્લેસ યુ કહેવાની પરંપરા યુરોપમાંથી આવી છે. આપણી એક સ્થાનિક પરંપરા પણ છે, એ છે ખમ્મા કહેવાની. છીંક આવે અને કોઇ ખમ્મા કહેવાવાળું ન હોય એની એક જુદા જ પ્રકારની વેદના છે. જેને છીંક આવી હોય એ પણ છીંક આવે પછી કંઇ ને કંઇ બોલતા હોય છે. મોટાભાગે દરેક પોતાના ભગવાનનું નામ કે માને યાદ કરે છે. છેલ્લે કંઇ નહીં તો આહ બોલે છે. કોઇ સાથે કે સામે હોય તો લોકો સોરી પણ બોલે છે. જે ઘરમાં વધુ પડતું દબાણ કે પ્રેશર રહેતું હોય એ ઘરનાં બાળકોની છીંક પણ દબાયેલી હોય છે. મતલબ એ કે છીંક સાથે માત્ર શારીરિક જ નહીં માનસિક કારણો પણ જોડાયેલાં હોય છે.
છીંક આવવાનાં ઘણાં બધાં કારણો છે. શરદી હોય ત્યારે છીંક આવે છે. નાકમાં પડદા જેવું પાતળું આવરણ આવેલું હોય છે જેને મ્યુકસ કહે છે. શરદી થાય ત્યારે એમાં સોજો આવે છે અને તેના કારણે છીંક આવે છે. એકસાથે બે કે બેથી વધુ છીંકો આવે એ પણ બહુ સાહજિક છે. છીંક આવતી હોય અને રોકાઇ જાય મતલબ કે છીંક અટકી જાય તો પણ થોડીવાર અનઇઝી લાગે છે. એમ થાય છે કે છીંક આવી ગઇ હોત તો સારું હતું. છીંક વિશે એવું પણ કહેવાય છે કે છીંકથી નાક ‘રિબૂટ’ થઇ જાય છે. આંખ ખુલ્લી રાખીને છીંક ખાઇ શકાતી નથી. છીંક આવે એટલે આંખ બંધ જ થઇ જાય છે.
શરદી હોય ત્યારે છીંકો આવવાથી નાક લાલચોળ થઇ જાય છે. જોકે છીંક માટે માત્ર શરદી જ કારણભૂત નથી. છીંક તો અનેક કારણોસર આવે છે. સૌથી મોટું કારણ એલર્જી છે. ધૂળની એલર્જી હોય તો ધડાધડ છીંકો આવવા લાગે છે. છીંક માટે બીજી એલર્જિસ પણ જવાબદાર હોય છે. આપણું નાક કોઇ ‘ફોરેન પાર્ટિકલ્સ’ એટલે કે શરીરને માફક ન આવે એવી બહારની વસ્તુ સ્વીકારતું નથી. નાકમાં વાળ કે બીજું કંઇ જાય તો પણ છીંકો આવે છે. ઘરમાં કોઇ વઘાર થાય તો પણ છીંકો આવે છે. તમને ખબર છે કે સીધા સનલાઇટમાં જવાના લીધે પણ ઘણાને છીંકો આવે છે. છીંકો આવવા પાછળ વ્યક્તિગત ટેન્ડેન્સી પણ જવાબદાર હોય છે. મતલબ છીંક આવવાનાં અનેક કારણો છે.
એક વાત તો છે જ કે છીંક આવે ત્યારે જો તમે બીમાર હોવ તો બીજા લોકોને અસર થાય છે. બીમાર હોવ કે સાજાનરવાં, છીંક આવે ત્યારે રૂમાલ કે ટિસ્યુ નાક આગળ રાખવું એ માત્ર એટિકેટ નથી, જરૂરી પણ છે. અને હા, જો બહુ છીંકો આવે તો એકનો એક રૂમાલ ન વાપરવો, એક જ ટિસ્યુ વારંવાર ન વાપરવું. ટિસ્યુ એક જ વાર વાપરી બદલાવી નાખવું. છીંક આવે પછી હાથ પણ ધોઇ નાખવા. આપણી છીંકથી કોઇને નુકસાન ન થાય કે કોઇ ઇરિટેટ ન થાય એની પણ કાળજી રાખવી.
છેલ્લે એક મહત્ત્વની વાત. ગમે એ સંજોગ હોય પણ ક્યારેય છીંક રોકવાનો પ્રયાસ ન કરવો. સેન્ટ લુઇસ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનના હેડ એન્ડ નેક સર્જન પ્રો. એલન વાઇલ્ડ એક અભ્યાસ કર્યા પછી કહે છે કે જો છીંક દબાવવામાં આવે કે છીંક બહારને બદલે અંદર ખાવામાં આવે તો કાનને નુકસાન થઇ શકે છે, મગજની નસો પણ ફાટી જઇ શકે છે અને શરીરની બીજી બ્લડ વેસલ્સ પણ ફાટી જવાની શક્યતા રહે છે. ઘણા લોકો મિટિંગમાં કે કોઇ જરૂરી કામ માટે મહત્ત્વના લોકો સાથે બેઠા હોય ત્યારે છીંક રોકવાની કે છીંક અંદર ખાવાની કોશિશ કરે છે. આવું કરવું જોખમી છે. છીંક આવે તો બિન્ધાસ્ત ખાઇ લેવાની, બને એટલું બીજાનું ધ્યાન રાખવું, બાકી છીંક પાસે ક્યાં કોઇનું ચાલ્યું છે કે આપણું ચાલે!
પેશ-એ-ખિદમત
સુનો! અબ હમ મોહબ્બત મેં બહુત આગે નિકલ આયે,
કિ ઇક રસ્તે પે ચલતે ચલતે સો રસ્તે નિકલ આયે,
મોહબ્બત કી તો કોઇ હદ, કોઇ સરહદ નહીં હોતી,
હમારે દરમિયાં યે ફાસલે કૈસે નિકલ આયે.
-ખાલિદ મોઇન
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 03 જુન 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com