મેં તારા માટે કેટલું કર્યું,
પણ તને કદર નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નજીવી વાત છેલ્લે ખાસ થઈ ગઈ’તી,
અમુક મુદ્દે જરા તકરાર થઈ ગઈ’તી,
રહ્યો નહીં રંજ કંઈ એકેયના મનમાં,
જતું કરવાથી હૈયે હાશ થઈ ગઈ’તી.
-ડૉ. મહેશ રાવલ
દરેક માણસ પોતાની વ્યક્તિ માટે એનાથી બને એ બધું જ કરતો હોય છે. એનું ધ્યાન રાખતો હોય છે, કેર કરતો હોય છે, સાંત્વના આપતો હોય છે, એનકરેજ કરતો હોય છે, એને જરૂર હોય ત્યારે જ નહીં, પણ દરેક સમયે હાજર હોય છે. માણસ કોઈ પણ માટે શા કારણે બધું કરતો હોય છે? ફરજ હોય એટલા માટે? લાગણી હોય એટલા માટે? એ વ્યક્તિ ગમતી હોય એટલા માટે? કે પછી પોતાને પોતાની વ્યક્તિ માટે કંઈક કરવું ગમતું હોય છે એટલા માટે? તને ખુશ રાખવામાં મને આનંદ થાય છે. તારી સાથે હોઉં ત્યારે મને મારી સાથે હોવાનો અહેસાસ થાય છે. તારી સાથે મને ગમે છે. તું ઉદાસ હોય ત્યારે તને હસાવવામાં મને મજા આવે છે. તું રડે ત્યારે છાના રાખવું મને ગમે છે. તું મજામાં ન હોય ત્યારે મને એવું થાય છે કે શું કરું તો તને જિંદગી સુંદર લાગે?
આપણને પણ ખબર હોય છે કે આપણા હોવાથી એને ફેર પડે છે. જિંદગીમાં અમુક વ્યક્તિઓ સ્પેશિયલ હોય છે. આપણી જિંદગીમાં થોડાક લોકો આપણા માટે અપવાદ હોય છે. અપવાદમાં વાદવિવાદ ન હોય. અમુક લોકો માટે આપણે એવું કહેતા હોઈએ છીએ કે એની બહુ નજીક જવામાં માલ નથી. એની સાથે ‘સેફ ડિસ્ટન્સ’ રાખવા જેવું છે. જે આપણી નજીક હોય છે એની સાથે આપણું ‘અનસેફ ડિસ્ટન્સ’ હોય છે? સંબંધમાં ‘સેફ્ટી’ વિચારવાની હોય? સંબંધ તૂટે કે ઘટે ત્યારે આપણે કેમ અસહાય, અસુરક્ષિત કે અપ્રિય બની જઈએ છીએ? આપણી અપેક્ષાઓ આપણને જ ઘેરી લેતી હોય છે. મેં તારા માટે આટલું કર્યું એટલે તારે પણ કરવું જોઈએ. અપેક્ષા જેટલી ઊંચી રાખીએ એટલા વધુ નીચે પછડાઈએ છીએ. અપેક્ષા જેટલી ઊંચી, આઘાત એટલો ઊંડો.
અપેક્ષા પાછી એવી ચીજ છે કે એ તો હોવાની જ છે. અપેક્ષા આપણી વ્યક્તિ પાસે ન હોય તો કોની પાસે હોય? અપેક્ષા વગરનો સંબંધ શક્ય નથી. અપેક્ષા સમજવાની જરૂર હોય છે. અપેક્ષા પૂરી થવાની કોઈ ગેરંટી નથી હોતી. અપેક્ષા ન પૂરી થવાની શક્યતા હંમેશાં હોય છે. અપેક્ષાઓને કંટ્રોલમાં રાખવી પડતી હોય છે. અપેક્ષા પૂરી થાય તો એને માણવાની. અપેક્ષા પૂરી ન થાય તો એને ટાળવાની. અધૂરી અપેક્ષા વેદના આપે છે. રાહ જોતા હોઈએ અને કોઈ ન આવે ત્યારે અંદરથી આપણે વલોવાતા હોઈએ છીએ. ક્યારેક તો કોઈ ‘આવું છું’ એમ કહીને આવતા નથી. આપણને એમ થાય છે કે એને મારી કંઈ પડી જ નથી. ક્યારેક તો આપણે આપણી જાતને જ મૂર્ખ સમજીએ છીએ. હું જ મૂર્ખ છું કે એની રાહ જોઉં છું. અમુક મૂર્ખતા એવી હોય છે જે આપણે જ સર્જી હોય છે. માત્ર સર્જી જ નથી હોતી આપણે આપણી ‘ઇડિયટનેસ’ને પેમ્પર પણ કરી હોય છે. જવા દેને, એના જેવું કોણ થાય. આપણે આપણી જાતને જ આશ્વાસન આપીએ છીએ કે, કંઈક પ્રોબ્લેમ થયો હશે, બાકી એ આવું ન કરે. બહુ થાય ત્યારે આપણે એને વગોવવા લાગીએ છીએ.
મારા સારાપણાનો ફાયદો લીધો. મારો યૂઝ કર્યો. કામ હતું ત્યાં સુધી મારી સાથે સંબંધ રાખ્યો. કોઈ નહોતું ત્યારે હું જ દેખાતો હતો કે દેખાતી હતી. હવે એ મોટો માણસ થઈ ગયો છે કે થઈ ગઈ છે. આપણે હર્ટ થઈએ છીએ અને ગમે તે વિચારીએ છીએ. એક છોકરો અને એક છોકરી બહુ સારા મિત્રો. બંને વચ્ચે એ ક્લેરિટી હતી કે આપણે સારા ફ્રેન્ડ્સ જ છીએ. બંને રોજ મળે. વાતો અને મસ્તી કરે. આ દરમિયાનમાં છોકરાની લાઇફમાં એક છોકરીનો પ્રવેશ થયો. એણે પોતાની ફ્રેન્ડને કહ્યું કે, હું એને પ્રેમ કરું છું. એ છોકરી પણ પોતાના ફ્રેન્ડ માટે બહુ રાજી થઈ. સમય જતો ગયો એમ છોકરો એની લવર તરફ વધુ ઢળ્યો. એને સમય આપતો. તેની ફ્રેન્ડથી આ સહન થતું ન હતું. તું મને સમય જ નથી આપતો. હવે તારા માટે બધું એ જ થઈ ગઈ છે. ખબર છે તું એને પ્રેમ કરે છે, પણ મારા પ્રત્યે કંઈ જ નહીં? મને ઇગ્નોર જ કરવાની? છોકરાએ કહ્યું કે, તને જરાયે ઇગ્નોર નથી કરતો. મારી લાઇફમાં બેસ્ટ ફ્રેન્ડ તરીકે તારું સ્થાન અકબંધ છે. છોકરી એ વાત માનવા તૈયાર ન હતી. એ મનમાં આવે એ બોલવા લાગી. તને અગાઉ મારી જરૂર હતી. હવે નથી. પહેલાં મારી સાથે મજા આવતી હતી, હવે તારું ધ્યાન જ નથી. છોકરાએ કહ્યું, હા મને તારી સાથે ગમતું હતું. મને એક વાતનો જવાબ આપ, તને નહોતું ગમતું? છોકરીએ કહ્યું, તું મારા માટે સતત હાજર રહેતો હતો! બંને ઝઘડ્યાં. જુદા પડી ગયાં. થોડા સમયમાં એ છોકરીની લાઇફમાં પણ એક અંગત વ્યક્તિ આવી. એ એના વિચારોમાં ખોવાયેલી રહેતી. એક દિવસ એણે પોતાના ફ્રેન્ડને ફોન કરીને કહ્યું કે તું સાચો હતો. મને હવે એના જ વિચાર આવે છે. જોકે, તને પણ યાદ કરું છું. તું મારો દોસ્ત છે. બંને મળ્યાં. છોકરાએ કહ્યું, સારું થયું કે તને સમજાયું, મને તો એક ફ્રેન્ડ ગુમાવી દીધી એવું થતું હતું. મને તારી કદર છે. આપણી દોસ્તીની કદર છે.
સંબંધોને પણ ક્યારેક ગંભીરતાથી સમજવા પડતા હોય છે. સંબંધમાં અણસમજ એ ગેરસમજમાં ફેરવાઈ જતી હોય છે. આપણે જ્યારે એમ કહીએ કે મેં એના માટે કેટલું કર્યું ત્યારે પોતાની જાતને પણ અમુક સવાલો પૂછવા જોઈએ. મને ગમતું હતું ને? મેં પણ તેનો સાથ એન્જોય કર્યો હતો. તેના માટે કંઈ પણ કરવામાં મને ખુશી થતી હતી. એની સાથે ગપ્પાં મારવાં ગમતાં હતાં. એ મારો બેસ્ટ સમય હતો. એ ન હોય ત્યારે આપણે કેમ સ્વાર્થી બની જઈએ છીએ? કેમ હિસાબ માંડવા લાગીએ છીએ કે તમે એના માટે શું કર્યું અને એણે તમારા માટે કેટલું કર્યું? નફા-તોટા કે ફાયદા-ગેરફાયદાનો વિચાર કેમ આવવા લાગે છે? કોઈ સંબંધ ક્યારેય કાયમી હોતો નથી અને આપણે ઇચ્છીએ એમ ચાલતો નથી. સ્વીકાર અને સમજણ હશે તો દૂર થઈ ગયા પછી પણ અમુક સંબંધ સજીવન રહેશે અને જ્યારે મળીએ ત્યારે એ જીવંત થઈ જશે. મરી ગયેલા સંબંધોમાંથી કોહવાઈ ગયેલી કટુતા જ પ્રગટતી હોય છે. સજીવન હોય તો જ સંબંધોમાંથી સુગંધ આવે.
આપણી તકલીફ જ એ હોય છે કે દરેક સંબંધમાં આપણો સ્વાર્થ હોય છે. સ્વાર્થ આપણો હોય છે અને આપણે સ્વાર્થી બીજાને કહેતા હોઈએ છીએ. પરમાર્થ પણ ક્યાં સ્વાર્થ વગરનો હોય છે? ફરજ નિભાવીને પણ આપણને અધિકાર જોઈતો હોય છે. સંતાનો પાસેથી પણ કઈ ઓછો સ્વાર્થ હોય છે? તમને ભણાવી-ગણાવીને મોટાં કર્યાં. તમે શું કર્યું? તમારો જ વિચાર કર્યો. જનરેશન ગેપ આવવાનું એક કારણ વધુ પડતી અપેક્ષાઓ પણ હોય છે. આપણાથી કંઈ છૂટતું નથી. છૂટે નહીં એ જ છટકી જતું હોય છે. મુક્ત હોય છે એ જ મજબૂત હોય છે. આપણી ગણતરીઓ અટકતી નથી. પેટે પાટા બાંધીને આપણા લોકો માટે કંઈ કર્યું હોય પછી આપણી દાનત એ જ હોય છે કે આપણા પેટે જે પાટા બાંધ્યા છે એ એ જ લોકો આવીને ઉખેડી નાખે. એ ન આવે ત્યાં સુધી પેટે પાટા બંધાયેલા જ રહે છે. એ પાટા જો આપણે આપણા હાથે જ ખોલી નાખીએ તો વહેલા મુક્ત થઈ જઈએ. ક્યારેક આપણા લોકો આપણને એટલા માટે ભૂલી જતા હોય છે, કારણ કે આપણે સતત તેને યાદ અપાવતા રહીએ છીએ! અમે છીએ હોં! એને ખબર જ હોય છે કે આપણે છીએ! આપણે યાદ કરાવીએ તેનું નહીં, પણ આપણે યાદ આવીએ એનું મહત્ત્વ હોય છે. લાંબા સમય પછી મળતા હોઈએ ત્યારે જો ‘હગ’માં ઉષ્મા હોય તો વચ્ચેનો તમામ સમય ઓગળી જતો હોય છે.
સંબંધો દૂર થતા રહે છે અને નજીક આવતા રહે છે. જેની સાથે રોજ વાતો થતી હોય એનો અવાજ પણ વિસરાઈ જાય એવું બનતું હોય છે. ફોનબુકમાં નંબર વધતા રહે ત્યારે અમુક નંબર પાછળ પણ ચાલ્યા જતા હોય છે. લાંબા સમય પછી એ નંબર અને નામ સ્ક્રીન પર ચમકે ત્યારે તમારી આંખોમાં અગાઉ જેવી જ ચમક આવે છે? તમારો ટોન એવો જ રહે છે? વાત કરતી વખતે જૂનો સમય જીવતો થઈ જાય છે? તો તમારા સંબંધમાં સત્ય છે. ક્યારેક તો આપણે કોઈને ફોન કરીએ પછી એવું સાંભળવા મળે છે કે બહુ દિવસ પછી યાદ આવ્યો. હવે તો મારી ક્યાં જરૂર જ છે! હવે તો તમે મોટા માણસ થઈ ગયા. અમારા જેવા લોકો ક્યાંથી યાદ આવે? સાંભળીને એમ થાય કે આને ક્યાં ફોન થઈ ગયો?
એક વખત એક છોકરીએ એના મેન્ટરને લાંબા સમય પછી ફોન કર્યો. છોકરીને હતું કે એ કદાચ કંઈક સંભળાવશે. સામે છેડેથી જવાબ મળ્યો. અરે વાહ! તેં ફોન કર્યો. બધું બરાબર છેને? તું ઓકે છેને? છોકરીએ હા કહ્યું ત્યારે મેન્ટરે કહ્યું કે, ભગવાનનો આભાર. તું ખુશ છે એ જાણીને આનંદ થયો. સાચું કહું તારો ફોન આવ્યો ત્યારે થોડી વાર વિચારમાં પડી ગયો હતો કે બધું બરાબર તો હશેને? છોકરીએ કહ્યું, મને તો એવો ડર હતો કે તમે મારાથી નારાજ હશો. મેન્ટરે કહ્યું, ના, જેને આપણે સીંચ્યા હોય, જેના માટે મહેનત કરી હોય એનાથી નારાજ નહીં થવાનું. ક્યારેક તારી યાદ આવી જાય છે ત્યારે તું ખુશ રહે એવી કામના કરું છું. તારા વિશે સારું સાંભળું છું ત્યારે આનંદ થાય છે.
એક બીજા કિસ્સામાં એક છોકરીએ કામ પડ્યું ત્યારે તેના એક સ્વજનને ફોન કર્યો. તેણે કહ્યું કે, તમને એમ થશે કે આજે કામ પડ્યું એટલે હું યાદ આવ્યો, બાકી તો કોઈ દિવસ ફોન કર્યો નહોતો. સ્વજને કહ્યું કે ના, મને એવું જરાયે નથી થતું. અમુક લોકો દીવા જેવા હોય છે. દીવો અંધારામાં જ યાદ આવે. લાઇટ જાય ત્યારે જ આપણે મીણબત્તી શોધીએ છીએ. આગિયા અજવાળામાં દેખાતા નથી. હું તો દીવો છું. અજવાળું થાય ત્યાં સુધી સાથ આપવો મારું કર્તવ્ય છે. સૂરજ ઊગે એટલે ભલેને ચાલી જાય. ઘરમાં ટ્યૂબલાઇટ્સ ઘણી બધી હોય છે, દીવો એક જ હોય છે. એક જ દીવો પૂરતો હોય છે. દરેક માણસમાં એક ‘દીવાપણું’ જીવતું હોય છે. એને જીવતું, જાગતું અને પ્રજ્વળતું રાખવું પડે. કદરની રાહ ન જુઓ, કદરની અપેક્ષા ન રાખો. કદર તો રહેવાની જ છે, કોઈના માટે કંઈ કરવાનું હોય ત્યારે તમારા માટે કરતા હોય એવું જ વિચારો. સુખી થવા માટે સંબંધોમાં પણ ‘સ્વનિર્ભર’ થવું પડે છે.
છેલ્લો સીન :
સંબંધમાં હિસાબ માંડીએ તો ખોટમાં જ રહેવાના, ગણતરી વગરના સંબંધો જ સાર્થક અને સજીવન રહે છે. – કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com