તું પહેલાં હતો એના
કરતાં સારો થયો છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ!
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ!
ટાઢક વળે છે દિલને મહોબતની આગથી,
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
-અમર પાલનપુરી
તમને કોઈ એવો સવાલ કરે કે તમે અગાઉ સારા હતા કે અત્યારે સારા છો તો તમે શું જવાબ આપો? મોટા થઈએ એમ આપણામાં અનુભવો ઉમેરાય છે. એ અનુભવો સારા પણ હોય અને નરસા પણ હોય. દરેક ઘટના આપણામાં એક અસર છોડી જતી હોય છે. આપણે થોડા બદલીએ છીએ. બદલાવ સ્વાભાવિક છે, એ તો આવવાનો જ છે, એને આપણે રોકી પણ નહીં શકવાના. સવાલ એ હોય છે કે એનાથી આપણામાં કેવો બદલાવ આવે છે? આપણે સારા થઈએ છીએ કે ખરાબ થઈએ છીએ? આપણે પોઝિટિવ થઈએ છીએ કે નેગેટિવ? આપણામાં જે ઉમેરાઈ રહ્યું છે એ કેવું છે? બદલાવને બારીક નજરથી જોવો પડે, કારણ કે આપણને આપણો બદલાવ સારો જ લાગવાનો. જે કરતા હોઈએ એ યોગ્ય જ લાગવાનું. પોતાની જાત સાથે તટસ્થ રહેવું એ સૌથી મુશ્કેલ કામ છે. આખી દુનિયાને સમજી શકનારાઓ પણ ઘણી વખત પોતાને સમજવામાં થાપ ખાઈ જતા હોય છે. જજ જ જ્યારે આરોપી હોય અને પોતાનો ચુકાદો પોતે જ આપવાનો હોય ત્યારે સાચું જજમેન્ટ બહુ અઘરું બનતું હોય છે.
જેલમાં કેદીઓને જઈને પૂછીએ કે તારો વાંક હતો કે નહીં તો કદાચ એ ક્યારેય હા નહીં પાડે. એ બચાવ રજૂ કરશે કે તેણે શા માટે ક્રાઇમ કર્યું. મેં જો આમ ન કર્યું હોત તો એણે મારી સાથે તેમ કર્યું હોત. પોતે જે કર્યું છે એ સાચું જ છે એવું કહેવા માટે બધા જ લોકો ધમપછાડા કરતા રહે છે. ઘણી વખત તો આપણને ખબર હોય છે કે વાંક આપણો હતો છતાં પણ આપણે સ્વીકારી શકતા નથી. વૃદ્ધાશ્રમમાં રહેતાં કેટલાં મા કે બાપ એમ સ્વીકારવા તૈયાર હોય છે કે અમારો પણ થોડો ઘણો વાંક તો હતો જ.
આપણને આપણો ક્યાંય વાંક દેખાતો જ નથી. બીજામાં આપણને વાંક સિવાય કંઈ દેખાતું નથી. એણે આમ કરવું જોઈતું ન હતું, આ વાતે એ ખોટો હતો, ભૂલ તો તેની જ હતી. પ્રેમમાં કે દાંપત્યમાં તો આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે હવે તું પહેલાં જેવો નથી રહ્યો કે હવે તું પહેલાં જેવી નથી રહી. આવું બોલતી વખતે દરેક માણસે એ વિચાર કરવાની જરૂર હોય છે કે હું પહેલાં જેવો રહ્યો છું ખરા? આપણે પણ અગાઉ હતા એવા નથી તો પછી આપણી વ્યક્તિ પહેલાં જેવી ક્યાંથી રહેવાની છે?
આપણે વળી સારી વાતને માર્ક જ નથી કરતા. નબળી વાત યાદ રાખીને સંભળાવીએ છીએ. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને વચ્ચે અનહદ આત્મીયતા. એકબીજાની બહુ કેર કરે. છોકરો તેની લવર માટે નિયમિત રીતે ફ્લાવર્સ અને ચોકલેટ્સ લાવે. છોકરી પણ પોતાના પ્રેમીનું બહુ ધ્યાન રાખે. બંનેને થયું કે આપણે સારા લાઇફ પાર્ટનર્સ બની શકીએ એમ છીએ એટલે ઘરના લોકોની મંજૂરી લઈ બંનેએ મેરેજ કરી લીધા. બંને લાઇફમાં બિઝી રહેવા લાગ્યાં. ઘણા દિવસ થઈ ગયા, પણ પતિ પત્ની માટે ફૂલ કે ચોકલેટ લાવ્યો ન હતો. અચાનક એક દિવસ એ પત્ની માટે ગિફ્ટ અને ફૂલ લઈને ઘરે ગયો. પત્ની બહુ ખુશ થઈ. પતિએ કહ્યું કે મને એમ હતું કે તું મને સંભળાવીશ કે બહુ દિવસે યાદ આવ્યું આવું બધું. પહેલાં તો બધું બહુ નિયમિત રીતે થતું હતું. હવે તું પહેલાં જેવો નથી રહ્યો. પત્નીએ પતિનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે હા, તું હવે પહેલાં જેવો નથી રહ્યો, પણ સાચું કહું, તું પહેલાં કરતાં વધુ સારો થયો છે. હવે તું બહુ મેચ્યોરલી બિહેવ કરે છે. બધાને આદર આપે છે. ઘરની જવાબદારી સમજે છે. મને તો લગ્ન અગાઉ એ વાતનો ડર હતો કે તું જવાબદારીઓ વહન કરી શકશે કે કેમ? માણસ માત્ર એ ગિફ્ટ, ફૂલ કે ચોકલેટ્સ લાવે તેનાથી જ નથી ઓળખાતો, એ કેવો થયો છે એ મહત્ત્વનું છે. ગાંડા કાઢવાનો પણ એક સમય હોય છે, જિંદગીમાં બદલાવ આવે એ મુજબ બદલાવું જોઈએ. તું ભલે ફૂલ નથી લાવતો, પણ ઘરે આવતી વખતે દરરોજ પૂછે છે કે કંઈ લેતો આવું? તારે કંઈ ખાવું છે? રસોઈ બનાવવાનો મૂડ છેને? મૂડ ન હોય તો ચાલ બહાર જમવા જઈએ. માત્ર ચોકલેટ કે ફૂલ લાવીને તારી જવાબદારી પૂરી થઈ ગઈ હોય એવું તું નથી સમજતો. તું ચોકલેટ નથી લાવતો પણ એ સિવાય બીજું ઘણું કરે છે. સાચું કહું છું, તું વધુ સારો થયો છે. તમે ક્યારેય નિહાળ્યું છે કે તમારી વ્યક્તિમાં સારું શું થયું છે? ખરાબ શોધતા રહેશો તો એક-બે મળી આવશે, સારું શોધવા જશો તો ઘણું મળી આવશે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે એક ખરાબ વાત શોધીને એને એવડું મોટું રૂપ આપી દઈએ છીએ કે સારું હોય એ બધું દબાઈ જાય છે.
માણસમાં આવતા દરેક પરિવર્તન ખરાબ નથી હોતા, ઘણા ચેન્જીસ સારા પણ હોય છે. એ બદલાવની આપણે નોંધ લેવી જોઈએ. બદલાવને બિરદાવવાની ફાવટ બહુ ઓછા લોકોને હોય છે. એક વાત યાદ રાખજો, પ્રશંસા બધાને ગમતી હોય છે. તમે કોઈનું સારું બોલશો તો એને થશે કે તેણે મારી નોંધ લીધી છે.
એક ઓફિસની આ વાત છે. એક કર્મચારી કામમાં વેઠ ઉતારતો હતો. બોસ તેને ખખડાવતા રહેતા. એનામાં કંઈ સુધારો આવતો ન હતો. બોસની બદલી થઈ. નવા બોસ આવ્યા. તેમણે એ કર્મચારીને બોલાવીને સમજાવ્યો કે તું આ રીતે કામ કર. રોજ તેને પૂછે કે શું કર્યું? જે કર્યું હોય તેને એપ્રિસિએટ કરે. એક વખત બોસે તેને કહ્યું કે હવે તું સરસ કામ કરવા લાગ્યો છે. એ કર્મચારીની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું મારે કામ તો કરવું જ હતું, પણ મને કોઈએ આ રીતે સમજાવ્યો જ ન હતો. મારી સાથે એવો વર્તાવ થતો જાણે હું સાવ નક્કામો ન હોઉં. આપણે પણ ક્યારેક અમુક લોકો ઉપર ચોકડી મૂકી દેતા હોઈએ છીએ. જે ભૂંસવાનું હોય એ ભૂંસીએ નહીં અને ઊલટું આપણે કોઈના પર અણસમજુ, અસભ્ય કે અયોગ્યનું લેબલ મારી દઈએ છીએ.
દરેક માણસને ઓળખ જોઈતી હોય છે. દરેકને પોતાની જાત પ્રૂવ કરવી હોય છે. એના માટે એ ખરા દિલથી પ્રયાસ પણ કરતા હોય છે, એમાં જો પોતાની વ્યક્તિનો સાથ અને શાબાશી મળે તો એનો ઉત્સાહ બેવડાઈ જાય છે. આપણે કેટલી બધી બાબતોમાં કંજૂસ હોઈએ છીએ? કોઈ પાછળ રૂપિયા ન વાપરો તો કંઈ નહીં, સંવેદનામાં બોળેલા થોડાક શબ્દો વાપરી જોજો, એ સંબંધ સદાને માટે સજીવન રહેશે. બધા લોકોમાં બધી ખૂબી નથી હોતી, પણ દરેક વ્યક્તિમાં કંઈક ખૂબી તો હોય જ છે. જો આપણે ખામીઓ શોધવાનું બંધ કરીએ તો જ આપણને ખૂબીઓ નજરે પડે. આપણે આપણી નજર બદલવાની જરૂર હોય છે.
કોઈ માણસ રાતોરાત કે એકઝાટકે બગડતો નથી. જેમ સારા થવામાં સમય લાગે છે તેમ બગડવામાં પણ વાર લાગે છે. આપણી વ્યક્તિ કોઈ આડા માર્ગે બહુ આગળ ચાલી જાય એ પછી તેને પાછી વાળવી બહુ અઘરી હોય છે. આપણને જો જરાકેય પ્રેમ હોય તો ખબર પડવી જોઈએ કે કેમ એ કંઈ જુદો કે જુદી લાગે છે? પ્રેમ હોય ત્યારે છીંક આવે તો પણ એવો વિચાર આવી જાય છે કે કેમ તને છીંક આવી, શરદી થઈ ગઈ નથીને. પ્રેમ ન હોય ત્યારે આખેઆખો માણસ બદલાઈ જાય તો પણ આપણને ખબર પડતી નથી. આપણા સંબંધોમાં આપણી વેવલેન્થ કેવી હોય છે? આપણે આપણી વ્યક્તિની રેન્જમાં હોઈએને તો જ વેવ્ઝ ઝિલાય. નિકટતા હોય તો જ ઉત્કટતા મહેસૂસ થાય. બાય ધ વે, કોઈ તમને પૂછે કે તમારી વ્યક્તિમાં બેસ્ટ વાત કઈ છે, તો તમે શું કહો? વિચારો, અને તમને જે સારી વાત યાદ આવે એ તમારી વ્યક્તિને મોઢામોઢ કહો કે તારામાં આ ખૂબી છે. ક્યારેક તો આપણે એવું પણ કરતા હોઈએ છીએ કે આખા ગામ મોઢે આપણી વ્યક્તિનાં વખાણ કરતા હોઈએ છીએ, પણ જેને કહેવાનું હોય એને કંઈ જ કહેતા નથી. પોતાની વ્યક્તિના મોઢે બોલાયેલા શબ્દોમાં માણસને બદલી નાખવાની તાકાત હોય છે, એનો જરાક ઉપયોગ તો કરી જુઓ, એનું પરિણામ જોઈને તમને પોતાને જ આશ્ચર્ય થશે.
છેલ્લો સીન :
નાની નાની વાતમાં જે વખાણ કરી શકતાં નથી, એ મોટી વાત હોય ત્યારે સૌથી પહેલાં શાબાશી આપવા દોડી જતા હોય છે. મંજિલે પહોંચ્યા પછી તો આખું ગામ બિરદાવવાનું છે. સફર સમયે જે સાથે હોય એ જ સાચો સંબંધ છે. – કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 માર્ચ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com