આપણા નેતાઓમાં કેમ જરાયે
સહજતા નથી દેખાતી?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
ભારતની મુલાકાતે આવેલા કેનેડાના
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તાજમહાલની મુલાકાત
વખતે બાળકો સાથે ધમાલ-મસ્તી કરતા હતા.
આપણા નેતાઓમાં એવી હળવાશ, નિર્દોષતા
અને સરળતા શોધવા ગયે પણ મળે એમ નથી.
કોઈ પ્રોટોકોલ પ્રેમ કરવાની ના નથી પાડતો.
ગમે તેવા મોટા, મહાન કે ધનવાન
થઈ જઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે
સૌથી પહેલાં આપણે માણસ છીએ.
ના હોં, હું રોડ પર ઊભો રહીને પાણીપૂરી ન ખાઉં, કોઈ જુએ તો કેવું લાગે? મારે તો એકદમ વેલ ડ્રેસ્ડ થઈને જ બહાર નીકળવું પડે, યુ સી, આપણી એક ઇમેજ છે, એ ઇમેજને જરાયે આંચ ન આવવી જોઈએ. આપણે આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો જોયા હોય છે જે કંઈક બની જાય પછી ભારમાં રહેવા લાગે છે. કોઈ ચૂંટણી જીતી જાય પછી ભાઈના કે બહેનના રંગઢંગ બદલાઈ જાય છે. પોતે પોતાની મેળે જ નક્કી કરી લે છે કે આ કરાય અને આ ન કરાય. સીન પાડવા કે વટ જમાવવાની એવી વૃત્તિ સવાર થઈ જાય છે કે વાત જવા દો. લોકો એવું કહેતા હોય છે કે જો તો, જરાક મેળ પડ્યો કે ભાઈસાબ પોતાને કોણ જાણે શુંયે સમજવા લાગ્યા છે. થોડાક રૂપિયા કમાઈ લે, વિદેશમાં એક-બે ચક્કર મારી આવે, એકાદો એવોર્ડ મળી જાય એટલે બધા જ રંગઢંગ બદલી જાય છે. આપણા નેતાઓ, ધનવાનો, સેલિબ્રિટિઝને જોઈને તો ક્યારેક દયા આવી જાય કે, આ બિચારા સામાન્ય માણસની જેમ જીવતા જ નથી. એને કોઈ ના પાડતું નથી કે કોઈ રોકતું નથી કે ભાઈ તમારાથી આવું ન કરાય, પણ એ પોતે જ પોતાની આજુબાજુમાં એવું જાળું રચી દે છે કે એ એમાંથી બહાર જ નીકળી નથી શકતા.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હમણાં પત્ની સોફિયા અને ત્રણ સંતાન ઝેવિયર, ઇલાગ્રેસ અને હદરીન સાથે આપણા દેશની મુલાકાતે આવી ગયા. તાજમહાલની મુલાકાત વખતે એ પોતાનાં સંતાનો સાથે ધીંગામસ્તી કરતા હતા. તેમની આજુબાજુમાં ઘણા સિક્યોરિટીમેન અને મીડિયાકર્મીઓ હતા, પણ એમને કશો જ ફેર પડતો ન હતો. સામાન્ય પિતા એમનાં બાળકોને લાવી જે રીતે એન્જોય કરતા હોય એ રીતે જ આ વડાપ્રધાન મજા કરતા હતા. તમે આપણા દેશના કોઈ નેતા કે મહાન માણસને આ રીતે મસ્તીમાં જોયા છે? અમદાવાદ એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે ટ્રુડોએ પોતાની બેગ પણ જાતે કેરી કરી હતી. આપણા કોઈ નેતાને આવી રીતે જોયા છે? હા, થોડાક લોકો કદાચ નોર્મલ માણસોની જેમ જીવતા હશે, બાકી મોટા ભાગના લોકો પોતાના જ ભારમાં એટલા બધા દબાયેલા હોય છે જાણે આખી દુનિયાના ભાર એની માથે જ ન હોય!
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પણ ફેમિલી સાથે હોટેલ અને બુક શોપમાં જતા હતા. દુનિયાના ઘણા દેશોના નેતાઓ સામાન્ય માણસની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરે છે. આપણે ત્યાં આવાં દૃશ્યો બહુ રેર છે. ક્યારેક કોઈને એવી રીતે જોવા મળે તો બધાને આશ્ચર્ય થાય છે. એની ફોટો સ્ટોરી બની જાય છે. મોટા માથાની તો વાત જવા દો, આપણે ત્યાં તો માણસ જરાકેય આગળ વધી જાય એટલે લોકોથી દૂર થઈ જાય છે.
દુનિયાનો કોઈ પ્રોટોકોલ પ્રેમ કરવાની ના પાડતો નથી. સાચો મહાન કે મોટો માણસ એ જ છે જે દરેકની સાથે માણસની જેમ વર્તે છે. આમ તો એવું કહેવાય છે કે માણસ જેમ આગળ વધે એમ વધુ નમ્ર બનવો જોઈએ. આપણે દાખલાઓ પણ એવા આપીએ છીએ કે ફૂલ આવે પછી છોડ જરાક નમે છે. થોડીક પ્રસિદ્ધિ મળી જાય એટલે અમુક લોકો હવામાં આવી જાય છે. દુનિયા સાથે તો ઠીક, પોતાના પરિવારજનો અને સંતાનો સાથે પણ માણસનો વર્તાવ જુદો થઈ જતો હોય છે! એક સેલિબ્રિટીના સંતાને કહેલી આ વાત છે કે અમારે તો ડેડીને મળવું હોય તો પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે એવી હાલત છે. સ્વજનોને દૂર કરી દે એવી સફળતાનો કોઈ મતલબ ખરો?
માણસની પ્રકૃતિ કેવી થતી જાય છે! એ પોતાના સ્વાર્થ માટે અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે આખી દુનિયાને સારું લગાડશે, પણ પોતાના લોકોની જરાયે દરકાર નહીં કરે! માણસ આગળ આવે તેમાં તેના નજીકના લોકોનો બહુ મોટો ફાળો હોય છે. કેટલા લોકો પોતાની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવનારાને ક્રેડિટ આપતા હોય છે? આપણા માટે ઘણાયે પ્રાર્થનાઓ કરી હોય છે, ઘણાએ ઉજાગરા કર્યા હોય છે. આપણી સફળતા માટે માત્ર આપણે જ કારણભૂત નથી હોતા, બીજા ઘણા લોકોની મહેનત પણ હોય છે.
46 વર્ષના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પહેલી વખત તાજમહાલ જોવા નહોતા આવ્યા. એ જ્યારે 11 વર્ષના હતા ત્યારે ઈ.સ. 1983માં તેમના પિતા સાથે ઇન્ડિયા આવ્યા હતા. તેમના પિતા પિયરે ટ્રુડો પણ કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર હતા. તેઓ બીજા કાર્યક્રમોમાં વ્યસ્ત હતા એટલે દીકરા જસ્ટિન ટ્રુડો સાથે તાજમહાલ જઈ શક્યા ન હતા. ટ્રુડોને એ વખતે પિતાની ગેરહાજરી ખૂંચી હશે? એમને થયું હશે કે બધા સાથે હોત તો કેવી મજા આવત! એટલે જ આ વખતે એ ફેમિલી સાથે તાજમહાલ આવ્યા હશે? ખબર નહીં, જે હોય તે પણ ટ્રુડો તો ફેમિલી સાથે હોલિડે પર આવ્યા હોય એ રીતે જ મજા કરતા હતા. આપણા નેતાઓએ જ નહીં, દરેક માણસે તેમની પાસેથી એ શીખવા જેવું છે કે તમારા માટે ફેમિલી એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. જે ઘરના લોકો સાથે સારી રીતે રહેતા ન હોય એ બહાર મોટાભાગે સારા હોવાનું નાટક જ કરતા હોય છે. આપણે ત્યાં તો ધનિકો પણ પોતાનાં સંતાનોને શહેરના બગીચામાં લઈ જતા નથી, ત્યાં તો બધા કોમન માણસો હોયને! એ લોકો ભૂલી જાય છે કે સંતાનો પાસે તો આપણે માત્ર ને માત્ર તેના ફાધર-મધર જ હોઈએ છીએ, બીજું કંઈ જ નહીં. જે લોકો કંઈક બની ગયા પછી માણસની જેમ નથી રહી શકતા એ લોકો દયાપાત્ર હોય છે અને જતે દહાડે એ સાવ એકલા પડી જતા હોય છે. તમારા લોકોને જ્યારે જરૂર હોય ત્યારે તમે જો એને સમય નહીં આપો તો તમને જ્યારે તેની જરૂર હશે ત્યારે એ લોકો ગેરહાજર હશે. આપણું વર્તન જ છેલ્લે તો આપણા લોકો માટે સંસ્કાર કે કુસંસ્કાર બનતું હોય છે.
પેશ-એ-ખિદમત
ઉજાલા ઇલ્મ કા ફૈલા તો હૈ ચારો તરફ યારોં,
બસીરત આદમી કા કુછ મગર કમ હોતી જાતી હૈ,
બડા ઘાટે કા સૌદા હૈ ‘સદા’ યે સાંસ લેના ભી,
બઢે હૈ ઉમ્ર જ્યું-જ્યું જિંદગી કમ હોતી જાતી હૈ.
(બસીરત=સમજણ) – સદા અમ્બાલવી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 25 ફેબ્રુઆરી 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com