તને ખબર છે આજે
મારી સાથે શું થયું?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ,
રોજના મેદાનમાં જો આવ તો સાચો કહું,
આ બધા મોઘમ ઇશારાને વિનવણી વ્યર્થ છે,
તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું.
-અશરફ ડબાવાલા
મારે હવેથી કોઈ માથાકૂટમાં પડવું નથી. આપણે બસ આપણા કામથી જ કામ રાખવું છે. કારણ વગર મગજ બગાડવાનો કોઈ મતલબ નથી. આપણે બીજાં ઘણાં કામ કરવાનાં છે. મગજ ફરી જાય છે બધાની વાતો સાંભળીને. આણે આમ કર્યું અને તેણે એમ કહ્યું. જેને જે કરવું હોય એ કરે અને જેને જે કહેવું હોય એ કહે. મારા વિશે પણ ભલે જે માનવું હોય એ માને. આવા વિચાર આપણને સહુને ક્યારેક ને ક્યારેક આવતા જ હોય છે. દરેક ઘટનાની આપણા ઉપર અસર થાય છે. ક્યારેક કંઈક સારું લાગે છે, તો ક્યારેક માઠું પણ લાગી જાય છે. દરેક માણસ ક્યારેક તો એવું બોલતો કે વિચારતો જ હોય છે કે, યાર આખરે હુંય માણસ છું. મારો કંઈ વાંક છે? મારે બધાને રાજી જ રાખવાના? ક્યારેક વળી એવું પણ થાય છે કે, મારે હવે બધાની સાથે સારી રીતે જ રહેવું છે. કોઈનું દિલ નથી દુભાવવું. ક્યારેક એમ થાય કે ચૂલામાં ગયું બધું, જેને જેવું લાગવું હોય એવું લાગે.
કોઈને કેવું લાગે છે એની સાથે આપણને કેટલું લાગેવળગે છે? આપણને કેટલો ફેર પડતો હોય છે? હા, ફેર પડે છે. એ વ્યક્તિ જેટલી વધુ નજીક હોય એટલો વધુ ફેર પડે છે. દૂરની વ્યક્તિ આપણા વિશે કંઈ બોલે તો બહુ ફેર પડતો નથી, પણ આપણી વ્યક્તિ એકાદ શબ્દ પણ ઘસાતો બોલે તો આપણને લાગી આવે છે. આપણને થાય કે કોઈને કંઈ કદર જ નથી. માણસ કદર વગર રહી નથી શકતો. આપણને દરેક એક્શનનું રિએક્શન જોઈતું હોય છે. આઇ લવ યુ કહ્યા પછી આપણી ઇચ્છા એવી તો હોય જ છે કે લવ યુ ટુ જેવું વાક્ય સાંભળવા મળે. મિસ યુ કહીએ અને સામેથી એવો જવાબ મળે કે હું તો જરાયે મિસ નથી કરતો કે નથી કરતી ત્યારે મિસ ન થવાની થોડીક ભીંસ તો અનુભવાતી જ હોય છે. ભલે આપણે એવું કહીએ કે તું મજા કરજે, તું ખુશ તો હું ખુશ, તારી ખુશીથી વધુ મને કંઈ જોઈતું નથી. આ વાત સાચી પણ હોય છે છતાં આપણે એવું તો ઇચ્છતા જ હોઈએ છીએ કે એ આપણને મિસ કરે, યાદ કરે! આપણે બધાને એમ પણ થતું જ હોય છે કે, તું ત્યાં ગયો કે તું તો ત્યાં ગઈ પછી મને ભૂલી જ ગઈ. જરાયે યાદ જ નથી કરતી! યાદ કરવા પડે એ સંબંધ સો ટકાનો હોતો નથી. સાચા સંબંધમાં તો યાદ આવી જાય. કંઈ ગમતું જોઈએ અને એમ થાય કે એ હોય તો! કંઈક ભાવતું મળે અને એને ચખાડવાનું મન થાય! આપણે કહીએ છીએ કે તું હવે ત્યાં જાય ત્યારે પેલી જગ્યાએ ચોક્કસ જજે હોં! આવું એટલા માટે થાય છે કે જ્યારે આપણે ત્યાં ગયા હોઈએ ત્યારે આપણે એ વ્યક્તિને મિસ કરી હોય છે! તેં પેલું ખાધું? ભૂલ્યા વગર ખાજે હોં!
એક યુવાનની પ્રેમિકા અમેરિકા ફરવા ગઈ. નાયગ્રા ફોલને નજીકથી જોવાની એની ઇચ્છા હતી. નાયગ્રા ગઈ ત્યારે એ ખુશખુશાલ હતી. એણે પોતાના પ્રેમીને વીડિયો કોલ કર્યો અને નાયગ્રા ફોલ બતાવું એમ કહી દરેક નજારો બતાવ્યો. એ બધું બતાવતા અને વર્ણન કરતાં બહુ ખુશ થતી હતી. જો તને રેઇનબો દેખાય છે? વીડિયો કોલમાં રેઇનબો સ્પષ્ટ રીતે દેખાતો ન હતો, પણ તે બોલતી જતી હતી, કેવો મસ્ત રેઇનબો છે નહીં? આપણે એક વખત સાથે અહીં આવશું! સુંદર જગ્યાએ જઈએ અને એવું થાય કે એની સાથે હું પાછી આવીશ કે પાછો આવીશ તો માનજો કે તમારી ખુશીમાં એ તમને સાથે જોઈએ છે.
વીડિયો કોલમાં નાયગ્રા ફોલ જોતો હતો ત્યારે એ યુવાનનો એક મિત્ર તેની સાથે હતો. તેણે કહ્યું, આમાં ક્યાં કંઈ ક્લિયર દેખાય છે અને તું હા એ હા કરે છે અને વખાણ કરતો રહે છે. નાયગ્રા ફોલ જોવો હોય તો યૂટ્યુબમાં જો, ઢગલાબંધ અને એકથી એક ચડે એવી ક્લિપ્સ છે. પેલા યુવાને કહ્યું કે, પણ એમાં મારી પ્રેમિકા નથી, એમાં એનો અવાજ નથી, એમાં એની લાગણી નથી. તને ખબર છે, બધું માત્ર જોવાનું હોતું નથી, ઘણું બધું અનુભવવાનું હોય છે. એ મને યાદ કરે છે, એ મને ઝંખે છે, એ મને મિસ કરે છે, એ મારા માટે મહત્ત્વનું છે. એ ઇચ્છત તો વીડિયો શૂટિંગ કરીને ક્લિપ પણ સેન્ડ કરી શકી હોત, પણ એણે વીડિયો કોલ કર્યો. પ્રેમ તો નાના-નાના વર્તનમાં ઝળકતો હોય છે. એના વગર એની ગમતી હોટલમાં જવાનું મન ન થાય એ પ્રેમ છે, એ ન મળવાની હોય ત્યારે એને ગમતું ટીશર્ટ પહેરવાની ઇચ્છા ન થાય એ પ્રેમ છે. ડ્રેસ લીધા પછી એવું થાય કે તું મળવાનો હોઈશ ત્યારે જ પહેલી વખત પહેરીશ! કંઈ નવું લે તો ફોટો પાડીને મોકલે કે જો તો કેવું છે? આ મેં લીધું!
તારા માટે તો હું ચાંદ-તારા તોડી લાવું એ વાતની બહુ મજાક થતી આવી છે, પણ પોતાની વ્યક્તિ માટે થોડુંકેય કરોને તો એને એ ચાંદ-તારા જેવું જ લાગતું હોય છે. ચાંદ-તારા તો પ્રતીક છે, દિલમાં જે થાય છે એ જ સાચું છે. પ્રેમમાં દરેક વાત કહેવી ઉચિત લાગે છે અને દરેક વાત સાંભળવી મહત્ત્વની લાગે છે. સામાન્ય વાત પણ બહુ અર્થવાળી લાગતી હોય છે. એક પ્રેમિકાએ પ્રેમીને ફોન પર કહ્યું કે, આજે હું પાણી પીવા જતી હતી ને ત્યારે લપસી જાત, પડતાં પડતાં બચી! આ સાંભળીને પ્રેમીએ કહ્યું, થેંક ગોડ! ધ્યાન રાખજે હોં! હવે પેલી બચી ગઈ છે તો પણ એ આ વાત કરે છે અને એને કંઈ થયું નથી છતાં પ્રેમીને ચિંતા થાય છે. પ્રેમ નાની-નાની વાતોને જીવતી રાખે છે! પ્રેમમાં દરેકે દરેક વાત કહેવાનું મન થાય અને તમામેતમામ વાત સાંભળવી ગમે છે.
પ્રેમમાં હોઈએ ત્યારે ઝીણામાં ઝીણી વાત અગત્યની બની જાય છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે અગત્યની વાત પણ ઝીણી લાગવા માડે. આમાં કહેવા જેવું શું છે? ન કહીએ તો શું ફેર પડે? ફેર પડતો હોય છે. પ્રેમીઓને વાતો કરતા જોઈને ઘણાં એવું બોલતાં હોય છે કે, આ બંને આખો દિવસ શું ઘુસપુસ કરતાં હોય છે? ફોન પર કલાકો સુધી વાતો થતી રહે છે. ચેટિંગ સતત ચાલતું રહે છે. રાત ટૂંકી લાગે છે. બિઝી હોઈએ તો એવું કહીએ છીએ કે, તને બધી વાત શાંતિથી કરીશ. કહી દીધા પછી હાશ થાય છે. પ્રેમમાં હોઈએ ત્યારે વાતો કરવા માટે વિષય શોધવા પડતા નથી. ફાલતું વાત પણ ફેબ્યુલસ લાગે છે.
આવી અવસ્થા કેટલી ટકે છે? એક બુઠ્ઠું દંપતી એકબીજાનો હાથ પકડીને જતું હતું. પગથિયું આવે એટલે એક કહે કે, સંભાળજે હોં! બરાબર એ જ સમયે એક યંગ છોકરો અને છોકરી એકબીજાનો હાથ પકડીને દોડતાં નીકળી ગયાં. વૃદ્ધ પત્નીએ કહ્યું કે આપણે આમ જ દોડ્યા છીએ નહીં! પતિએ કહ્યું, હા આમ જ દોડતાં હતાં, પછી એણે એવું કહ્યું કે આજે આપણે દોડી શકતાં નથી એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે, હજુ આપણો હાથ એકબીજાનાં હાથમાં છે. પડી ન જઈએ એની ખેવના એ જ પ્રેમ છે. હાથ હાથમાં હોય એ માત્ર સાથ નહીં, સહારો બનવો જોઈએ. ગતિ ભલે ઘટે, મતિ બદલવી ન જોઈએ. ધીમા ભલે પડીએ, ઢીલા ન પડવા જોઈએ. વૃદ્ધાના હાથની પકડ થોડીક મજબૂત થઈ અને એને લાગ્યું કે બીજું ભલે ગમે તે થયું હોય, પણ ઉષ્માને ઉંમરની અસર થતી નથી! શરીર નબળું પડતું હોય છે, પણ મનને તો આપણે રાખવું હોય એવડું રહે. ચામડી પર કરચલી પડે, પણ ચિત્ત તો ચેતનવંતું જ રહેવું જોઈએ.
એક દાદાને એની પૌત્રીએ એક વખત પૂછ્યું. દાદા, દાદીની કઈ વાત તમને સૌથી વધુ યાદ આવે છે. દાદી તમને ક્યારે યાદ આવે છે? દાદા હસવા લાગ્યા. તેમણે કહ્યું, રોજ સવારે અરીસામાં જોઈને માથું ઓળાવું છું ત્યારે તારી દાદી સૌથી વધુ યાદ આવે છે. તેને સંબોધીને કહું છું, જો હવે બધા જ વાળ ધોળા થઈ ગયા! અમારાં લગ્ન થયાં પછી મારા માથામાં પહેલો ધોળો વાળ આવ્યોને ત્યારે એ પોતાના હાથે ખેંચીને વાળ તોડી નાખતી. ધોળા વાળ વધવા લાગ્યા તો પણ ખેંચતી. પછી મારી પાસે વાળને કાળો કલર કરાવતી. એક વખત મૂછમાં ધોળો વાળ આવ્યો તો એ પણ ખેંચીને કાઢી નાખ્યો. મોટા થયા પછી નેણમાં સફેદ વાળ આવ્યો. એ પણ ખેંચીને કાઢી નાખ્યો. સફેદ વાળ વધતા ગયા. એક દિવસ એણે કહ્યું, આપણે બહુ મોટાં થઈ ગયાં નહીં? પછી એ વાળ ન ખેંચતી પણ સફેદ વાળ ઉપર હાથ ફેરવીને હસતી! એક સમયે એવું થયું કે, માથામાં બધા વાળ ધોળા થઈ ગયા. એક જ વાળ કાળો હતો. એણે હળવેથી એ કાળો વાળ પકડ્યો અને ખેંચી લીધો. હસીને બોલી, હવે બધા સરખા થઈ ગયા. સાચું કહું, વાળ ધોળા થતા હતા, પણ દિલ એવું ને એવું રંગીન હતું અને સાથ એવો ને એવો સંગીન હતો.
તમે તમારી વ્યક્તિ સાથે કેવી રીતે જીવો છો? તમારા સંબંધને ઉંમરની અસર તો નથી લાગી ગઈને? ઉંમર તો માત્ર એક આંકડો હોય છે જે દર વર્ષે બદલતો રહે છે, પ્રેમ વધતો રહે તો એ આંકડાનો ભાર લાગતો નથી. રોમાંચ અને રોમાન્સને ઉંમરની અસર થવા દેતા નથી એ લોકો આખી જિંદગી પ્રેમીઓ બનીને જ રહે છે.
છેલ્લો સીન :
તમે ઇચ્છતા હોવ કે તમારી કદર થાય તો સૌથી પહેલાં બીજાની કદર કરતાં શીખો. –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 જાન્યુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com