જોજે હો, આ ફોટો ક્યાંય
અપલોડ નથી કરવાનો!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઝાંખો પાંખો પથ્થર જેવો માણસ છે આ,
શિલાલેખના અક્ષર જેવો માણસ છે આ,
વરસાદ પડે ને ઘાસ સમું પણ ના ઊગે,
રસ્તા પરના ડામર જેવો માણસ છે આ.
-લલિત ત્રિવેદી.
સંબંધોનાં સ્વરૂપ બદલાતાં રહે છે. કેટલાક સંબંધો જાહેર હોય છે. કેટલાક સંબંધો ખાનગી હોય છે. અમુક સંબંધો માત્ર દેખાડવાના હોય છે. સંબંધોનું પણ એક અનોખું રાજકારણ હોય છે. સંબંધોમાં રમત રમાય છે. સંબંધોમાં પણ હાર-જીત થાય છે. દેખાતા હોય છે એ સંબંધ દર વખતે સાચા નથી હોતા. સાચા સંબંધો ઘણી વખત છાના ખૂણે જીવાતા હોય છે. સંબંધો ગૂંચવાતા રહે છે. સંબંધોની ગૂંચ ઉકેલવામાં ઘણી વખત હાંફી જવાય છે. કેમેરાની ક્લિક દર વખતે સાચા સંબંધો ઝીલતી નથી. હસતા ચહેરાઓ પાછળ કંઈક છુપાયેલું હોય છે. એ જ્યારે બહાર આવે છે ત્યારે આંચકો લાગે છે, સવાલો થાય છે, મૂંઝવણ અનુભવાય છે.
સંબંધોની તીવ્રતા સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા ફોટોગ્રાફ્સ અને થોડાક શબ્દોથી મપાય છે. વોટ્સએપ સ્ટેટસ ચોવીસ કલાકમાં પૂરું થઈ જાય છે, પણ એના પડઘા ઘણી વખત લાંબા સમય સુધી સંભળાય છે. એક યુવતીની આ વાત છે. એક કઝિનનો બર્થ-ડે હતો. તેણે બર્થ-ડે વિશ કરી અને તેની સાથેનો ફોટો અપલોડ કર્યો. તેની સાથેનાં થોડાંક સંભારણાં વાગોળ્યાં. થોડા સમય પછી બીજી કઝિનનો બર્થ-ડે આવ્યો. એ સમયે પેલી યુવતી પર્સનલ કામમાં અટવાયેલી હતી. બીજી કઝિનનો ફોટો અપલોડ ન કરી શકી. રાતે બર્થ-ડે વિશ કરવા ફોન કર્યો તો એવું સાંભળવા મળ્યું કે, અત્યારે છેક યાદ આવી? પેલીનું સ્ટેટસ તો રાતે બાર વાગ્યે જ અપલોડ કરી દીધું હતું! મારા પ્રત્યે તને લાગણી જ નથી. એ જ તને વ્હાલી છે!
એક વિશે લખીએ અને બીજા વિશે લખવાનું રહી જાય ત્યારે ટેન્શન થઈ જાય છે. એને ખરાબ લાગશે. ગ્રૂપ ફોટો હોય અને એકાદનું નામ રહી જાય તો માઠું લાગી જાય છે. ક્યારેક એવું થાય કે આપણા સંબંધો કેટલા તકલાદી બની ગયા છે! બધું સોશિયલ મીડિયાથી મપાવવા લાગ્યું છે! બીજા કરતાં ઓછી લાઇક મળે તો કંઈક લૂંટાઈ ગયું હોય એવો અહેસાસ થાય છે. તમારે તમારા સંબંધો એફબી પર ઢોલનગારાં વગાડીને જાહેર કરવા પડે છે! ફોટો અપલોડ કરતી વખતે એ વિચારવું પડે છે કે આની કોના ઉપર કેવી અસર થશે!
પ્રેમીઓ પ્રેમ અને નફરત પણ સોશિયલ મીડિયાથી ઠાલવે છે. યંગસ્ટર્સમાં સાયબર લવ અને સાયબર હેટની નવી સાયકોલોજી વ્યાપી છે. એક યુવાનની આ વાત છે. તેને એક છોકરી સાથે લવ થયો. એના પ્રેમ વિશે બધાને ખબર. સોશિયલ મીડિયા ઉપર બિન્ધાસ્ત તસવીરો શેર કરે. થોડા સમય બાદ બંને વચ્ચે ઝઘડો થયો. બ્રેકઅપ થઈ ગયું. છોકરાએ શું કર્યું? બીજી છોકરી સાથેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવા લાગ્યો! એ બળે ને! સેડેસ્ટિક પ્લેઝરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. સોશિયલ મીડિયા માત્ર મેં શું કર્યું એ કહેવા માટે નથી રહ્યું, પણ કોણ શું કરે છે એ જાણવાનું માધ્યમ બનતું જાય છે. જાસૂસી હવે ખુલ્લેઆમ થાય છે.
સોશિયલ મીડિયા પર હાજરી પુરાય છે અને ગેરહાજરી નોંધાય છે. મેં સવારથી ફોટો અપલોડ કર્યો છે અને તેં જોયો નથી? કોણે જોયો, કોણે નથી જોયો, કોણે લાઇક કર્યો, કોણે કમેન્ટ કરી, કેવી કમેન્ટ કરી એના આધારે ગ્રંથિઓ બંધાય છે. ઓનલાઇન હોઈએ અને જવાબ ન આપીએ તો એવું સાંભળવા મળે છે કે તને હવે મારી કંઈ પડી નથી. લાસ્ટ સીન જોઈને સવાલો કરાય છે કે આટલા વાગ્યા સુધી શું કરતી હતી કે શું કરતો હતો? કોની સાથે ચેટ ચાલતી હતી. ફોન તો પાસવર્ડથી લોક કરી શકાય છે, પણ જે જાહેર થઈ ગયું છે એનું શું?
તમારા ફોનનો પાસવર્ડ કોની પાસે છે? એ તમારો ફોન જુએ તો ક્યારેય તમને તમારી પર્સનલ લાઇફમાં એન્ક્રોચમેન્ટ લાગે છે? ફોનમાં ફોટો બતાવતી વખતે તમારે એવું કહેવું પડે છે કે બીજા ફોટા નહીં ફેરવતો કે ફેરવતી પ્લીઝ. હા, આવું થાય છે. બધાની સાથે ક્યારેક તો આવું થયું જ હોય છે. દિલમાં બધું સંઘરી રાખી શકાય છે, પણ મોબાઇલમાં ઘણું બધું ડિલીટ કરવું પડે છે. સોશિયલ મીડિયા પર અપલોડ થયેલું ક્યારેક જખ્મ બની જાય છે અને એ ઘણા જખ્મો તાજા કરી દે છે.
ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની વોલ પરથી અમુક તસવીરો ડિલીટ થઈ જાય છે. તમારા ફેસબુકની દીવાલ પર કેટલાં બાંકોરાં છે? દીવાલનો કયો હિસ્સો જર્જરિત થઈ ગયો છે? દીવાલનો કયો ભાગ પાડી નાખવાનું મન થાય છે? ડિવોર્સ લઈ લીધા પછી લગ્ન અને હનીમૂનની અપલોડ થઈ ગયેલી તસવીરો ડિલીટ કરતી આંગળીનાં ટેરવાંનું કંપન કેટલું થથરાવી જાય છે? એક યુવતીએ લખ્યું, હા હું કેટલાક ફોટા ડિલીટ કરું છું. એને હવે અનફ્રેન્ડ કરું છું. હું નથી ઇચ્છતી કે, ઓલ્ડ મેમરીઝ તરીકે પણ એ ઊભરી આવે! ભૂલી જવું છે મારે! જોકે, મને કેમ એની એફબી વોલ જોવાનો વિચાર આવે છે? કેમ એમ થાય છે કે એણે મારા ફોટા ડિલીટ કર્યા હશે કે નહીં? શું હું ડિલીટ કરું એની રાહ જોતો હશે? કદાચ હું પહેલા ડિલીટ કરું, પણ સંબંધનો અંત તો એના તરફથી આવ્યો હતો! ડિલીટ કરી દેવાથી બધું ખતમ થઈ જશે ખરું? દિલમાંથી કંઈ કાઢી નાખવું એ ક્લિક કરીને ડિલીટ કરવા જેટલું ક્યાં સહેલું હોય છે? હનીમૂનની એક તસવીર ડિલીટ કરવા જતી હતી ત્યાં એ દિવસ યાદ આવી ગયો. ખુશ હતી હું. માત્ર હું જ નહીં, અમે બંને ખુશ હતાં. કેવું ગમ્યું હતું અપલોડ કરવાનું! કમેન્ટ પર નજર ગઈ. મેડ ફોર ઇચ અધર, રબને બના દી જોડી! સ્વીટ કપલ! બધી કમેન્ટ્સને લાઇક પણ કરી હતી. ડિલીટ કરતા પહેલાં એવો પણ વિચાર આવે છે કે, ડિલીટ કરવું જોઈએ કે નહીં? એ સમયે તો એ સાચું જ હતું! સારું જ હતું! આજે નથી. તો શું આજે બળાપો કાઢવો! એવું લખવું કે, હવે અમે સાથે નથી. થાકી ગઈ’તી હું. ત્રાસ હતો રોજનો! કે પછી એવું લખું કે હવે મને મુક્તિ લાગે છે, હાશ થાય છે! માનો કે એવું લખું તો ભવિષ્યમાં આ યાદો પણ જૂની થવાની છે, આ વેદનાની તીવ્રતા પણ ઘટવાની છે. ત્યારે કદાચ એમ પણ થાય કે, આવું લખવાની જરૂર નહોતી! અંતે એણે ફેસબુકનું એકાઉન્ટ જ ડિલીટ કરી દીધું. હવે નવું એકાઉન્ટ ખોલીશ, જેમાં બધી શરૂઆત આજથી જ હશે. નવી અને તાજી. કદાચ આ વાત જ સાચી છે!
ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી કે ન મોકલી, એ રિક્વેસ્ટ સ્વીકારવી કે ન સ્વીકારવી, વાંધો પડે ત્યારે અનફ્રેન્ડ કરવા કે નહીં, અનફ્રેન્ડ કરી દીધા પછી એનું સ્ટેટસ ચેક કરવું કે નહીં? કેટલા બધા સવાલો મનમાં ઘૂમરાતા રહે છે. અમુક ઘટનાઓ તો દિલમાં એક ટીસ ઊભી કરે છે. એક છોકરીની આ વાત છે. તેને લવમેરેજ કરવા હતા. ઘરના લોકો નારાજ હતા. મેરેજ કર્યા છે તો સંબંધ પૂરો. છોકરીએ ભાગીને મેરેજ કર્યા. પિયરના દરવાજા બંધ થઈ ગયા. પિતાએ બધાને સૂચના આપી દીધી કે કોઈએ એની સાથે સંબંધ રાખવાનો નથી. વર્ષો થઈ ગયાં. એક વખત અચાનક જ એક કાર્યક્રમમાં તેનો ભાઈ મળી ગયો. બહેનને સામે જોઈ એનાથી ન રહેવાયું. કેમ છો બહેન? એમ પૂછ્યું અને બહેન ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી. બંનેએ વાતો કરી. છુટ્ટાં પડતાં પહેલાં બહેને પોતાના મોબાઇલમાં ભાઈ સાથે ફોટો પાડ્યો. જતી વખતે ભાઈએ કહ્યું કે, જો જે હોં, આ ફોટો ક્યાંય અપલોડ ન કરતી! મારી હાલત કફોડી થઈ જશે! તમારા મોબાઇલમાં એવા કેટલા ફોટા છે જે માત્ર તમારે જોવાના હોય છે, કોઈને બતાવવાના હોતા નથી?
ચોવટ હવે ચેટિંગમાં થાય છે. ખુશામત હવે કમેન્ટ્સમાં થાય છે. નફરત સોશિયલ મીડિયાની વોલ પર ઢીમચું બનીને ઉપસે છે. કિસ હવે ઇમોજીથી થાય છે અને નારાજગી વખતે તમાચાનું ઇમોજી શોધી લેવાય છે. જીફ ફાઇલથી ગાળો કઢાય છે. આપણા સંબંધો એક એવા વિચિત્ર મોડ પર આવીને ઊભા છે જ્યાં આગળ અનેક રસ્તાઓ છે, કયો રસ્તો સાચો છે એ નક્કી નથી થઈ શકતું! તકલીફ તો એ છે કે બધા જ રસ્તા ખોટા હોય એવું લાગે છે! સાચું તો એ છે કે પ્રેમ, લાગણી, સ્નેહ, હૂંફ, આત્મીયતા, સંવેદના અને સગપણ માટે કોઈ દેખાડાની જરૂર જ નથી હોતી. સાચી લાગણી અપલોડ થતી નથી, એ તો અનુભવાતી હોય છે!
છેલ્લો સીન:
પ્રેમ અને લાગણીની ધાર તીવ્ર હોયને તો કોઈ આધારની જરૂર પડતી નથી. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 જાન્યુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com