પ્રેમ, લાગણી અને હૂંફની પણ
કોઇ મર્યાદા હોય ખરી?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
માણસને ખોરાક, પાણી અને હવાની જેટલી
આવશ્યકતા હોય છે એટલી જ જરૂર
પ્રેમ, હૂંફ, લાગણી અને આત્મીયતાની હોય છે.
જોકે વધુ પડતો પ્રેમ પણ
ગૂંગળામણનું કારણ બનતો હોય છે.
ગાઢ, તીવ્ર અને ઉગ્ર પ્રેમમાં પણ
થોડીક ‘સ્પેસ’ હોવી જોઇએ.
અતિરેક હંમેશાં આત્મઘાતી સાબિત થાય છે.
‘ઢાઇ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય…’ એવું આપણે સાંભળતા આવ્યા છીએ, જોકે પ્રેમમાં કેટલા પંડિત થવું અને કેટલા પાગલ થવું એ મોટો સવાલ છે. આમ તો આજના સમયમાં પ્રેમ દુર્લભ બનતો જાય છે, પ્રેમની બધાને ઝંખના છે, એક આહ ઊઠતી રહે છે, એક પ્યાસ વધતી રહે છે, એક તડપ સળગતી રહે છે. સવાલ શારીરિક સંતોષનો નથી, પ્રશ્ન માનસિક તૃપ્તિનો છે. સાંનિધ્ય જોઇએ છે, વાત કરવી છે, હૂંફ અનુભવવી છે, એવો અહેસાસ માણવો છે કે એ મારા મનથી લગોલગ છે. બધાની ખોવાઇ જવું છે, એવી અનુભૂતિ કરવી છે કે મારી પાસે બધું જ છે. જિંદગીને આપણે વ્યાખ્યાઓમાં શોધીએ છીએ. પ્રેમને પિક્ચરમાં જોઇએ છીએ. કોઇ અનુપમ દૃશ્ય જોઇને આપણી આંખોમાં ભેજ સર્જાય છે. બધું જ બહારી થતું જાય છે. અંદર તો હજુ ઘણું બધું ખાલીખમ જ છે. ક્યાંક કંઇક ખૂટતું હોય એવું લાગે છે.
સાવ એવું પણ નથી કે પ્રેમ તદ્દન ગુમ છે. જીવવાવાળા દિલથી જીવે છે. જિંદગીની દરેક ક્ષણને માણે છે. એકબીજાને સમજે છે. પ્રેમના બેલેન્સને મેન્ટેઇન કરે છે. એકબીજામાં ઓતપ્રોત હોવું એ સારી વાત છે. આમ છતાં દરેકને પોતાની સ્પેસ અને પ્રાઇવસી સાથે પણ વળગણ હોય છે. અધૂરપ જેટલી ઘાતક છે, અતિરેક એટલો જ જોખમી છે. કેર કાતિલ બનવી ન જોઇએ. ધ્યાન રાખવું એ એક વાત છે અને વોચ રાખવી એ બીજી વાત છે. જતન કરવામાં પણ જક્કી બનવાની જરૂર હોતી નથી.
એક-બે કિસ્સા જોઇએ. એક હસબન્ડ એની વાઇફને કાર ડ્રાઇવ કરવા આપતો નથી. તને કંઇ થઇ જાય તો? ડ્રાઇવર રાખી દઉં છું ને! તું ક્વીનની જેમ રહે ને! આપણે ક્યાં કંઇ કમી છે? એક્સિડન્ટ થઇ જાય તો? મારા માટે તું બહુ મહત્ત્વની છે. તેની સામે વાઇફ એવું કહે છે કે, પણ હું ડ્રાઇવિંગ એન્જોય કરું છું. મને મજા આવે છે. ડ્રાઇવર હોય તો મને મારી પ્રાઇવસીમાં એન્ક્રોચમેન્ટ લાગે છે. મારે તો ફુલ વોલ્યુમથી મારું ગમતું ગીત સાંભળતાં સાંભળતાં ડ્રાઇવ કરવું હોય છે. તું મને મારે કરવું છે એમ કરવા દે ને!
હવે એક બીજો કિસ્સો. એક વાઇફ એના હસબન્ડનું એટલું બધું ધ્યાન રાખે છે કે પેલો માણસ કંટાળી ગયો છે. તું આ ખાઇ લે. એક ફ્રૂટ તો ખાવાનું જ. આઠ કલાક ઊંઘ તો કરવાની જ. અમુક પ્રકારનું ડ્રેસિંગ તો જોઇએ જ. સન્ડેના પણ શેવિંગ તો કરવાની જ. હસબન્ડ કહે છે કે યાર, શું છે આટલું બધું? બધું નિયમ મુજબ જ કરવાનું? મનની મરજી મુજબ જીવવાનું જ નહીં? રોજ નહાવાનું જ એવું જરૂરી થોડું છે, મારું મન ન થાય તો હું નાવ પણ નહીં! મને થોડોક તો મારી રીતે રહેવા દે!
હવે આમ જુઓ તો આ બંને ઘટનામાં પ્રેમ તો છે જ. પોતાની વ્યક્તિનું ધ્યાન રાખવાની ખેવના પણ છે. જો કંઇ નથી તો એ છે એકબીજાની સ્પેસ. ચોખ્ખાઇ જરૂરી છે પણ કેટલી ચોખ્ખાઇ? નાની નાની વાતોમાં વાંધા પડે છે. એક પતિ વોશબેસીનમાં મોઢું ધોવે ત્યારે પાણી બેસીનની બહાર ઊડે. ફરશ ભીની થઇ જાય. પત્ની કહે કે, આ તું શું ફદરક ફદરક મોઢું ધોવે છે. બધું ભરી મૂકે છે. જરાક સોફેસ્ટિકેટેડ વેથી મોઢું ધોતો હોય તો? પતિ તાડુકે. નથી આવડતું મને એ રીતે મોઢું ધોતા! મને ગમે એ રીતે જ ધોઇશ! તું બહુ ટક ટક ન કર. મોજાં, ટુવાલ અને નેપકીન રાખવા જેવી બાબતમાં પણ ધમાલ થઇ જાય છે.
પ્રેમીઓને પણ નાની નાની વાતમાં પ્રોબ્લેમ થાય છે. ચા પીતા હોય ત્યારે સબડકો ન બોલાવને! ચાવતો હોય ત્યારે ચપ ચપ અવાજ આવે છે. તું પગ સરખો વાળીને બેસને! યુ સી, મને એવું જોઇએ છે કે તું એકદમ સરસ અને પરફેક્ટ લાગે! પરફેક્શનની લાયમાં પ્રેમનું પતન થઇ ગયું હોય એવાં અનેક પ્રકરણો આપણી આજુબાજુમાં હોય છે. પ્રેમમાં જ્યારે એકબીજાને બદલી નાખવાની શરૂઆત થાય છે ત્યારે લાગણીમાં ઓટ આવવાનો પ્રારંભ થાય છે. જેવા છે એવા સ્વીકારવાની તૈયારી એ જ પ્રેમનું મુખ્ય તત્ત્વ છે.
જે લોકો ખરેખર પ્રેમ કરે છે એ લોકો પણ ક્યારેક વધુ પડતો પ્રેમ કરવા લાગે છે. હમણાં થયેલો એક સર્વે એવું કહે છે કે, પ્રેમમાં પણ એક મર્યાદા જરૂરી છે. તમારી વ્યક્તિને એટલી ન જકડી રાખો કે જરાયે મુક્ત ફિલ ન કરી શકે! અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના હ્યુમન સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા સંશોધનમાં એ વાત બહાર આવી છે કે પ્રેમમાં પણ એક લિમિટ રાખવી જોઇએ. પ્રેમને પણ ચેક કરતા રહેવું પડે. પ્રેમ આડે રસ્તે તો ફંટાઇ જતો નથી ને? વધુ પડતો પ્રેમ હવે ડિવોર્સ અને બ્રેકઅપનું કારણ બનવા લાગ્યો છે. પ્રેમીને એમ થાય કે એ પોતાની વ્યક્તિનું ધ્યાન રાખે છે પણ તેના પાર્ટનરને એ પોતાની આઝાદી પરનું અતિક્રમણ લાગે છે.
આ સર્વે દરમિયાન એક બીજી રસપ્રદ વાત પણ બહાર આવી છે. જે વ્યક્તિ પોતાની પત્ની કે પ્રેમિકાને અનહદ પ્રેમ કરે છે તે એવી પણ અપેક્ષા રાખે છે કે તેની વાઇફ કે લવર પણ તેને એની જેમ જ પ્રેમ કરે. હવે બે વ્યક્તિ ક્યારેય એકસરખી તો હોવાની જ નહીં. પ્રેમ કરવાની પણ દરેકની પોતાની રીત હોય છે. કોઇનો પ્રેમ બોલકો હોય છે તો કોઇનો પ્રેમ મૌન હોય છે. આપણા પ્રેમનો પડઘો આપણે ઇચ્છીએ એ જ રીતે પડે એવું જરૂરી નથી. આવું જે નથી સમજતા એ એવું માનવા લાગે છે કે હું એને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ એને મારા માટે નથી. મારા પ્રેમની એને મન કોઇ કિંમત જ નથી એવું લાગવા માંડે છે અને ધીમે ધીમે બંને વચ્ચે અંતર સર્જાય છે.
ઘણા પ્રેમીઓ પોતાના પાર્ટનર માટે અત્યંત પઝેસિવ બની જાય છે. પોતાની વ્યક્તિ શું કરે છે, ક્યાં જાય છે એની બધી ખબર હોવી જોઇએ એવું માનવા લાગે છે. એમાં શંકા હોતી નથી, માત્ર ને માત્ર પ્રેમ જ હોય છે. એકબીજાની બધ્ધે બધી ખબર હોવી જોઇએ એવું માનવા લાગે છે. હવે એક આવું માનતું હોય અને બીજી વ્યક્તિને આવું ન ગમતું હોય તો મુશ્કેલી સર્જાય છે.
સમય, સંજોગ અને સ્થિતિ મુજબ પ્રેમમાં પણ થોડું થોડું પરિવર્તન આવવું જોઇએ. ઘણા લોકોનો સમય બદલે છે પણ સ્વભાવ બદલતો નથી. બાળકના જન્મ પછી પત્નીનું ધ્યાન સંતાન તરફ ડાયવર્ટ થાય છે એ ઘણા પુરુષોથી સહન થતું નથી. મજાની વાત એ છે કે, આવા બધા કિસ્સામાં પ્રેમ તો હોય જ છે, પ્રેમની બસ સમજ નથી હોતી. સાચો પ્રેમ એ છે જે એકબીજાને સમજે, જેવા છે એવા સ્વીકારે અને એકબીજાને આદર કરે. જે માત્ર ને માત્ર પોતાની રીતે પ્રેમ ઇચ્છે છે એના માટે ઘણી વખત પ્રેમ ગુમાવવાનો વારો આવે છે!
પેશ-એ-ખિદમત
ઇક ઇક કદમ ફરબે-એ-તમન્ના સે બચ કે ચલ,
દુનિયા કી આરઝુ હૈ તો દુનિયા સે બચ કે ચલ,
લમ્હે ઉદાસ ઉદાસ ફઝાએં ઘુટી ઘુટી,
દુનિયા અગર યહી હૈ તો દુનિયા સે બચ કે ચલ.
-શકીલ બદાયૂની
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 10 ડિસેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com