ક્યાં સુધી મારે મારી જાતને સાબિત કરવાની છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ક્યાં સુધી મારે મારી જાતને

સાબિત કરવાની છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

અમે તો ક્યારના ડૂબી ગયા તો આ તરે છે શું?

અમારી નાવ છે કે લાશ છે, આ આખરે છે શું?

પથારીથી નથી ઊઠતો કદી મારોય પડછાયો,

છતાંયે ઓરડામાં રાત આખી આ ફરે છે શું?

રાજલખતરવી

શ્રદ્ધા ન હોય ત્યાં સાબિતીઓની જરૂર પડતી હોય છે. પ્રેમ પણ પુરાવાઓ માગવા માંડે ત્યારે લાગણીઓ લંગડાય છે. તું સારો છે તો સાબિત કર. તને પ્રેમ છે તો પ્રૂવ કર. માણસને દરેક વાતમાં પરીક્ષા કરવાની આદત પડી ગઈ છે. એ વાત જુદી છે કે ઘણા ‘ચોરી’ કરીને પણ પાસ થઈ જતાં હોય છે. ખોટું બોલીને કે સારું લગાડીને ઘણા લોકો નજીક હોવાનો દાવો કરતા રહે છે. સમય આવ્યે માણસ ઓળખાઈ જતો હોય છે, પણ દરેક સમય તરત જ નથી આવતો. ઘણી વાર સમય આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

માણસનું ચાલે તો પ્રેમ પણ માપીને કરે. તેં આટલો કર્યો એટલે હું આટલો કરીશ. પ્રેમને માપી શકાતો નથી, પ્રેમને તો પામી શકાય છે. એનો પ્રેમ જ નિષ્ફળ જાય છે જે પ્રેમને પામતો નથી, પણ માપતો ફરે છે. આઈ લવ યુ એક વાર કહી દીધાથી પતતું નથી, વારંવાર કહેવું પડે છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે દરરોજ કે વારંવાર આઈ લવ યુ કહેવું જરૂરી છે? હા, હોય છે. દરરોજ આપણને અહેસાસ જોઈતો હોય છે. એનો પડઘો પણ જોઈતો હોય છે. આપણે ઇચ્છતા હોઈએ છીએ કે આપણે આઈ લવ યુ કહીએ પછી એવો જવાબ મળે કે લવ યુ ટુ. આપણે એ રીતે પણ પુરાવો મેળવવાની કોશિશ કરતા રહીએ છીએ કે એ પ્રેમ કરે છે કે નહીં? પડઘો ન પડે ત્યારે આપણે અંદર જ પિસાઈએ છીએ. સો વખત આઈ લવ યુ કહ્યા પછી એક વાર પણ લવ યુ ટુ જેવો જવાબ ન મળે ત્યારે દિલની સરવાણીઓ ધીમે ધીમે સુકાતી જાય છે. લાગણી, પ્રેમ અને સ્નેહ ત્યારે મૂરઝાઈ જાય છે જ્યારે તેને પોતાની વ્યક્તિની હવા અને હૂંફ નથી મળતી.

એક ઝાડને હવા સાથે બહુ સારી દોસ્તી હતી. રોજ હવા ધીમે ધીમે વહે અને ઝાડના દરેક પાન ફરફરતા રહે. હવાના કારણે જાણે ઝાડ નૃત્ય કરતું હોય. પ્રેમ હોય ત્યારે આપણે પણ ઝૂમતા અને ખીલતા રહેતા હોઈએ છીએ. હવા ક્યાં કાયમ એકસરખી રહેતી હોય છે? હવા ધીમે ધીમે પલટાઈ. ઝાડે હવાને કહ્યું કે, તું આટલી બધી ગતિથી ન ફેંકાતી રહે. હવાને તો જોર આવતું હતું. એક સમયે હવાએ વાવાઝોડાનું રૂપ લીધું. હવાની તીવ્રતા સામે ઝાડ ટકી ન શક્યું. અંતે ઝાડ પડી ગયું. પડેલા ઝાડને હવાએ કહ્યું કે બસ, સાથ થોડી દીધોને? ઝાડ હળવેકથી બોલ્યું, હું પડી ગયું એમાં મારો જ વાંક છે? તારો કંઈ નહીં? આપણે પણ ઘણી વખત આવું જ કરતા હોતા નથી? કંઈક તૂટે કે કંઈક છૂટે ત્યારે આપણે કારણભૂત હોઈએ તો પણ વાંક તો બીજાનો જ કાઢતા હોઈએ છીએ. એણે સાથ ન આપ્યો. એણે સંબંધ તોડી નાખ્યો. એ દૂર ચાલ્યો ગયો.

પ્રેમ, દોસ્તી, લાગણી અને સંબંધમાં અપેક્ષા હોય છે. એ અપેક્ષાઓ પૂરી થવી જોઈએ. બધી નહીં તો થોડી અને વાજબી હોય એવી અપેક્ષાઓ તો પૂર્ણ થવી જોઈએ. એમાં પણ જ્યારે સામે પક્ષેથી આપણી દરેક અપેક્ષાઓ પૂર્ણ થતી હોય ત્યારે આપણે પણ એની અપેક્ષાની દરકાર કરવી જોઈએ. હાથમાં જ્યારે હૂંફ ન વર્તાય ત્યારે જ હાથ છૂટતા હોય છે. પગલાં સાથે પડે તો જ સાથ ટકે. કોઈ વ્યક્તિ ક્યારેય એમ ને એમ બદલતી નથી. તેની પાછળ ઘણાં કારણો હોય છે. આપણને ઘણી વખત કદર કરતા આવડતું નથી, આવડતું હોય તો પણ આપણે કરતા નથી.

એક યુવતીની આ વાત છે. તેની સાથે સ્ટડી કરતા યુવાન સાથે એને પ્રેમ થયો. બંનેએ લગ્ન કર્યાં. યુવાન જોઇન્ટ ફેમિલીમાં રહેતો હતો. યુવતીએ ઘરના બધા જ લોકો સાથે મિક્સ થવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. બધાનું ધ્યાન રાખે. દરેકની નાની નાની વાતોની કેર કરે. કોઈને ઠેંસ ન પહોંચે તેનું ધ્યાન રાખે. પોતે દુ:ખી થઈને પણ બીજાને સુખી કરવાના સતત પ્રયાસો કરે. વર્ષો સુધી તેણે બધાને રાજી રાખવા માટે ખૂબ મહેનત કરી. એક સમય આવ્યો જ્યારે તેણે બીજાની ચિંતા કરવાનું બંધ કરી દીધું. થાય એટલું કરવાનું, વધુ ઉપાધિ કરવાની નહીં. પતિએ એક દિવસ પૂછ્યું કે કેમ હમણાં તારામાં બહુ મોટો ચેઇન્જ દેખાય છે? પત્નીએ કહ્યું કે એટલા માટે કે જ્યાં સુધી મારામાં કંઈ ચેઇન્જ નહોતો ત્યાં સુધી કોઈને કંઈ દેખાતું જ નહોતું! મને એક વાત કહેશો, ક્યાં સુધી મારે મારી જાતને સાબિત કરતા રહેવાનું છે? થાક લાગે છે હવે બધું પ્રૂવ કરવામાં! કંઈ જ કદર નહીં? બધા જાણે મારી નિષ્ઠા, મારી દાનત અને મારી લાગણીને એવી રીતે લે છે જાણે તેમનો અધિકાર ન હોય? બસ, હવે નથી કરવું કંઈ મારે! નથી થાવું સારું મારે! મને સારી તો ક્યારેય નથી કહી, હવે ભલે ખરાબ કહેવી હોય તો કહે. માણસ ત્યારે પણ ખરાબ થઈ જતો હોય છે જ્યારે એને કોઈ સારો ન કહે! આમેય મને ક્યાં કોઈ સારી માને છે! હવે ભલે ખરાબ માનવા માંડે!

કોઈને ખરાબ કહેતા પહેલાં આપણે જરાકેય એવું વિચારીએ છીએ ખરા કે એ શા માટે ખરાબ થયો? ક્યાંક આપણે તો કંઈક ચૂક્યા નથીને? ઘરના લોકો આપણા માટે કંઈ કરતા હોય ત્યારે આપણે એના માટે શું કરીએ છીએ? માણસ સૌથી વધુ મા-બાપને ટેકન ફોર ગ્રાન્ડેટ લેતો હોય છે. એ આપણા માટે ગમે એટલું કરે તો પણ આપણને એમાં કંઈ નવાઈ લાગતી નથી. કરે જ ને! જન્મ આપ્યો છે તો! જન્મ આપ્યો એટલે ગુનો કર્યો? આપણો ભાઈ કે આપણી બહેન ગમે તે કરશે તો પણ આપણે તેને થેંક્યૂ કહેતા નથી. આપણી ફોર્માલિટીઝ પણ સ્વાર્થી હોય છે. આખા ગામને સારું લગાડતા ફરીએ છીએ, પણ આપણું જે સતત સારું કરતા હોય એને ઇગ્નોર કરતા રહીએ છીએ. જે રોજનું હોય એને આપણે કેટલું સહજ માની લેતા હોઈએ છીએ. કોઈના ઘરે જઈએ અને એ ઘરની વ્યક્તિ આપણને ચા આપે તો પણ આપણે થેંક્યૂ કહીએ છીએ અને ઘરે રોજ પત્ની, મા કે બહેન ચા આપે ત્યારે એની સાથે આંખ મિલાવીને જરાક હસતા પણ નથી. કેમ? રોજનું થયું એટલે? લાગણી અને પ્રેમને પણ આપણે રોજનો માની લઈએ છીએ ને એટલે જ એના તરફ બેદરકાર રહીએ છીએ. લવમેરેજ પછી ઘણાને પ્રેમમાં ઓટ આવી હોય એવું લાગે છે ને એનું કારણ પણ એ જ હોય છે કે એ પ્રેમ પછી રોજનો થઈ જાય છે! પ્રેમમાં હોય ત્યારે બધું સ્પેશિયલ અને એક્સક્લુઝિવ લાગતું હોય છે. પછી એ જ બધું રૂટિન લાગવા માંડે છે. તમારી રોજિંદી ઘટનાઓને સ્પેશિયલ બનાવી રાખો તો પ્રેમ સુકાતો નથી. સરવાણીઓ ફૂટતી રહે તો જ તરબતર રહેવાય.

આપણા સંબંધોમાં કેટલી બધી ગણતરીઓ હોય છે? સારું લગાડવાના પણ આપણા ક્રાઇટેરિયા હોય છે! આપણા પ્રેમની પ્રાયોરિટી પણ ઘણી વખત ભેદી હોય છે. આપણે દરેક સંબંધને સંબંધની નજરે જોઈ શકતા નથી, એમાં પણ આપણે વ્યક્તિની હેસિયત જોતા હોઈએ છીએ. એક ઓફિસની આ વાત છે. એ ઓફિસનો એક પ્યૂન હતો. બધા સાથે બહુ સારી રીતે રહે. બધાનું કામ પ્રેમથી કરે. એક દિવસ તેને બધાને નાસ્તો કરાવવાનું મન થયું. ઓફિસે આવી બધાને નાસ્તો આપ્યો. એકાદ-બે લોકોએ કારણ પૂછ્યું તો કહ્યું કે એમ જ! તમે બધા ઘણી વાર નાસ્તો કરાવો છો તો આજે મને થયું કે ચાલો હું પણ નાસ્તો કરાવું. બધાએ નાસ્તો કર્યો. ઓફિસના બધા લોકો પાછા કામે ચડી ગયા. ઓફિસમાં જ સાથે કામ કરતા બીજા પ્યૂને નાસ્તો કરાવનાર પ્યૂનને પૂછ્યું કે, કેટલો સ્કોર થયો? પેલાએ જવાબ આપ્યો કે, ઝીરો! બીજા એક માણસે કહ્યું, શેના સ્કોરની વાત કરો છો? પ્યૂને કહ્યું કે, નાસ્તો કર્યો એમાંથી કેટલા લોકોએ થેંક્યૂ કહ્યું એનો સ્કોર! કોઈએ થેંક્યૂ નહોતું કહ્યું!

આ જ ઓફિસમાં થોડા સમય અગાઉ જ ઓફિસના બોસે બધાને નાસ્તો કરાવ્યો હતો. નાસ્તો કરીને બધા જ કર્મચારીએ બોસ પાસે જઈ થેંક્યૂ કહ્યું હતું! ત્યાં તો સારું લગાડવું પડેને! પ્યૂનને કોઈએ ન કહ્યું! બોસને બધા થેંક્યૂ કહેતા હતા ત્યારે જ એ પ્યૂને કહ્યું હતું કે આપણે નાસ્તો કરાવીએ તો કોઈ કંઈ ન કહે! આપણી વળી શું હેસિયત? કોઈ કહે છે કે નહીં એ ચેક કરવા જ પ્યૂને બધાને નાસ્તો કરાવ્યો હતો. આપણે અમુક વર્તન કરીને ક્યારે કોઈની નજરમાં ‘ફેલ’ થઈ જઈએ છીએ એનો આપણને અહેસાસ પણ નથી હોતો. આપણને એવું થાય કે એક પ્યૂન કક્ષાની વ્યક્તિ પાસે ‘પાસ’ કે સારા થઈ આપણે શું સાબિત કરવું છે? આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આપણે અમુક નાની વ્યક્તિ પાસે જેવું વર્તન કરીએ છીએ એવું વર્તન જ આપણી પોતાની વ્યક્તિ પાસે કરવા માંડતા હોઈએ છીએ. આપણું વર્તન દરેક વ્યક્તિને અસર કરતું હોય છે. પછી એ નાની હોય કે મોટી, પોતાની હોય કે પારકી, નજીકની હોય કે દૂરની, આપણું વર્તન આપણી એક છાપ છોડીને જતું હોય છે. આપણે ચાલ્યા જઈએ પછી પણ એ છાપ ત્યાં હાજર હોય છે અને એ આપણી આપણે કેવા છીએ એની ગવાહી પૂરતી રહે છે.

સારી વ્યક્તિ સારી રહે એવું ઇચ્છતી હોય તો એની સાથે સારા રહો. સાબિત થઈ ગયેલા માણસને વારંવાર સાબિત કરવાનો પ્રયાસ ન કરો. એને સાબિતી આપી દો. કહી દો કે તું સારો છે, કે તું સારી છે, તારી લાગણીની મને કદર છે, મારી લાઇફમાં તારું હોવું એ મારા માટે ખુશીની વાત છે. કોઈને છોડીને જવું હોતું નથી, આપણે રસ્તો કરી દઈએ તો કોઈ ક્યાં સુધી રોકાય? તમારા તૂટેલા સંબંધો કે પ્રેમમાં આવી ગયેલા ડિસ્ટન્સ ઉપર બારીકાઈથી નજર કરજો, તમારા પક્ષે ક્યાંક કોઈ છીંડું પડી ગયું હોય તો એને બૂરી દેજો. દૂર લાગતી વ્યક્તિ ઘણી વખત એટલી દૂર પણ ગઈ હોતી નથી કે એનો હાથ ફરીથી પકડી ન શકાય! જરાક હાથ લંબાવી તો જુઓ!

છેલ્લો સીન :

ભલે એવું કહેવાતું હોય કે દરેક સંબંધની એક ‘એક્સપાયરી ડેટ’ હોય છે, પણ એ ડેટ આપણા હાથથી લખાઈ ન જાય એનું ધ્યાન રહે તો ઘણું!    -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 સપ્ટેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “ક્યાં સુધી મારે મારી જાતને સાબિત કરવાની છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. dear Sir,
    since last 2/3 month,
    whenever i download pdf image, it is having blur image So that not able to read the whole post clearly. pl do needful to update the Pdf Image Quality..
    thanks
    with warm regards,

    Dilip M Ashar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *