ગોસિપ અને રડવું લેડીઝને
મસ્ત અને સ્વસ્થ રાખે છે!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
એક વાત જગજાહેર છે કે
પુરુષો કરતાં મહિલાઓ સરેરાશ વધુ જીવે છે.
સ્ત્રીઓમાં કેટલીક પ્રકૃતિગત ખૂબીઓ છે જે એમને
વધુ જિવાડે છે. લેડીઝ કૂથલીને એન્જોય કરે છે
અને સહજતાથી રડી શકે છે.
લેડીઝની ગોસિપ્સ અને ક્રાંઇગની
અમુક લોકો ભલે મજાક કરતાં હોય,
પણ એ મહિલાઓના બહુ મોટા પ્લસ પોઇન્ટ્સ છે.
લેખની શરૂઆતમાં જ એક નોંધ. આ લેખને સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદભાવ તરીકે જોવો કે વાંચવો નહીં. દુનિયાની તમામ લેડીઝ પ્રત્યે અમને ભારોભાર આદર છે. કોઈનું જરાયે ઘસાતું લખવાનો ઇરાદો નથી. રડવું એ નબળાઈ નથી અને ગોસિપ એ કોઈ પાપ નથી. આ બે વસ્તુ તો મહિલાઓના પ્લસ પોઇન્ટ્સ છે જે એમને વધુ જિવાડે છે અને હળવાં રાખે છે. સો પ્લીઝ ટેઇક ઇટ પોઝિટિવલી.
સ્ત્રીના પેટમાં કોઈ વાત ટકતી નથી એવું કહેવામાં આવે છે. જોકે, આ વાત સંપૂર્ણપણે સાચી નથી, ઘણા પુરુષો પણ એવા હોય છે જેને વાત કરો એટલે એ જગજાહેર થઈ જાય. ઓલ ઇન્ડિયા રેડિયોનું બિરુદ પામેલા ઘણા પુરુષો આપણી આજુબાજુમાં હોય છે. જોકે, એ વાત એક સંશોધનથી પ્રૂવ થઈ છે કે સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં વધુ વાતો કરે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ પછી કહ્યું કે, પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ 19 ગણી વધુ વાતો કરે છે. તેનું કારણ પણ શોધી કાઢવામાં આવ્યું છે. મહિલાઓના મગજમાં ફોકસપી-2 નામનું લેંગ્વેજ પ્રોટીન પુરુષોની સરખામણીમાં 30 ટકા વધુ હોય છે. આ પ્રોટીન મહિલાઓને વધુ ટોકેટિવ બનાવે છે.
જરાક જુદી રીતે કહીએ તો આ જ વસ્તુ મહિલાઓને વધુ સહજ અને સ્વસ્થ રાખે છે. પુરુષો મનમાં બધુ ભરી રાખે છે. અંગતમાં અંગત વ્યક્તિને વાત કરતાં પહેલાં પણ સો વાર વિચાર કરે છે. હું વાત કરીશ તો સામેની વ્યક્તિ શું સમજશે, મારા વિશે શું ધારી લેશે એવા બધા વિચારો કરતો રહે છે. મહિલાઓ જેને અંગત વ્યક્તિ કે બહેનપણી માને છે તેને બધી વાતો કરી શકે છે. પુરુષોને કંઈક ‘નડતું’ હોય છે. કોઈને વાત કરી દેવાથી હળવાશ લાગે છે. ઘણા લોકોને બધું જ ખાનગી રાખવાની આદત હોય છે. અમુક વાતો એવી હોય છે કે એ જો જાહેર થઈ જાય તો કંઈ બહુ મોટો ફેર પડી જતો હોતો નથી. બહુ થોડી વાતો એવી હોય છે જે દિલના કોઈ ખૂણા કે દિમાગની કોઈ જગ્યાએ સચવાઈ જતી હોય છે. હા, બધાને બધી વાત ન કરાય, પણ જે પ્રૂવ્ડ છે, જેનો આપણને કોઈ ખરાબ અનુભવ નથી અથવા તો જે સિક્રેટ સાચવી શકે એમ છે એને વાત કહેવામાં કંઈ ખોટું હોતું નથી. આમ તો પુરુષ હોય કે સ્ત્રી, દરેકના મનમાં એક ડર તો હોય જ છે કે મારી વાતનો મીસ યુઝ તો નહીં થાય ને, અથવા તો મારી વાતને ખોટી રીતે નહીં લેવાય ને!
લેડીઝ વિશેના આ સંશોધનમાં એક બીજી રસપ્રદ વાત પણ બહાર આવી છે. છોકરા કરતાં છોકરી વહેલા બોલવાનું શીખે છે! છોકરી 20 મહિનાની હોય ત્યારથી બોલતા શીખી જાય છે. છોકરાને વધુ વાર લાગે છે. એટલું જ નહીં, 20 મહિનાની ઉંમરે છોકરીઓમાં શબ્દને સમજવાનું જ્ઞાન છોકરાં કરતાં ત્રણ ગણું વધારે હોય છે. આ હકીકત એ બતાવે છે કે આ મામલામાં છોકરીઓ છોકરા કરતાં વધુ સક્ષમ હોય છે. બીજાં અનેક સંશોધનોમાં એ વાત બહાર આવી છે કે ગોસિપ અને વધુ વાતો કરવાની ટેવ મહિલાઓને સ્વસ્થ રાખે છે. આવું જ રડવા વિશે છે.
મહિલાઓ બહુ સરળતાથી રડી શકે છે. મન જરાકેય ભારે થાય, કંઈ માઠું લાગે કે ન ગમે એવું થાય તો સ્ત્રીઓ સરળતાથી રડી શકે છે. આ નાની-સૂની વાત નથી. પુરુષ રડી શકતો નથી અને અંદર ને અંદર ઘૂંટાયા અને પીડાયા રાખે છે એટલે વધુ દુ:ખી અને ડિસ્ટર્બ રહે છે. પુરુષ અને સ્ત્રીઓના રડવા વિશે થયેલા એક સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, સ્ત્રી વર્ષમાં સરેરાશ 47 વખત રડે છે, એની સરખામણીમાં પુરુષ આખા વર્ષમાં સરેરાશ કેટલું રડે છે એ ખબર છે? માત્ર સાત વખત! પુરુષો રડી શકતા નથી એટલે વહેલા મરે છે. આખી દુનિયાના પુરુષો અને ખાસ તો આપણા દેશના જેન્ટ્સ એવું માને છે કે ભાયડાઓથી થોડું રડાય? આંસુ એ નબળાઈ નથી. યુનિવર્સિટી ઓફ મિનેસોટાના પ્રોફેસર વિલિયમ ફ્રે કહે છે કે, રડવાથી કે રડી લેવાથી ઇમોશનલ સ્ટ્રેસ રિલીઝ થઈ જાય છે. એક સર્વેમાં 88.8 ટકા લોકોએ એવો સ્વીકાર કર્યો હતો કે, રડ્યા પછી અમને રિલેક્સ લાગે છે.
રડવા વિશે થોડીક બીજી વાતો પણ જાણવી ગમે એવી છે. માણસ આખા દિવસમાં સૌથી વધુ કયા સમયે રડે છે અને ક્યાં રડે છે? સામાન્ય રીતે એવું મનાય છે કે લોકો રાતે સૂતી વખતે રડી લે છે, ઓશિકાની સાક્ષીમાં આંસુ સારતાં હોવાની વાતો બહુ થાય છે. જોકે, એવું નથી. એક અભ્યાસ એવું કહે છે કે, લોકો સાંજના સમયે વધુ રડે છે. સાંજે 6થી 8નો ગાળો રડવા માટેનો કોમન સમય છે! રડવા માટે ઘણા લોકો ખૂણો ગોતી લે છે, પણ એ ખૂણો પણ ઘરનો હોય તો લોકોને વધુ ઇઝી રહે છે. 77 ટકા લોકો ઘરમાં હોય ત્યારે જ રડે છે. 15 ટકા લોકો કામના સ્થળે અથવા તો કારમાં રડે છે. 40 ટકા લોકો કોઈને ખબર ન પડે એમ એકલા રડે છે.
એક સવાલ એ પણ થાય કે માણસ રડી રડીને કેટલું રડી શકે? મોટાભાગના લોકોનું રડવું દસ-પંદર મિનિટ માંડ ચાલે છે. જોકે, 20 ટકા એવા છે જે અડધા કલાકથી વધુ રડે છે. આઠ ટકાનું રડવું તો એક કલાક થઈ જાય તો પણ બંધ થતું નથી. જોકે, એમાં તો શા માટે રડે છે એ કારણ પણ મહત્ત્વનું છે.
હવે એ વાત નવી નથી રહી કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધુ જીવે છે અને સ્ત્રીઓને હાર્ટએટેક પણ ઓછા આવે છે. લેડીઝનું સ્વાસ્થ્ય સારું રહે છે તેની પાછળ જે કારણો છે એની ભલે ઘણા પુરુષો મજાક ઉડાવતા હોય, પણ એ હકીકત છે કે પુરુષ કરતાં સ્ત્રીઓને કુદરતે વધુ સંવેદનશીલ બનાવી છે. રડવું એ સંવેદનાની જ એક રીત છે. ભલે ગમે તે કહેવાતું હોય પણ સ્ત્રીઓ ઇમોશનલી સ્ટ્રોંગ હોય છે. એનામાં સંવેદના છે એટલે જ એ વ્યક્ત થઈ જાય છે, ક્યારેક વાતોથી તો ક્યારેક આંસુઓથી. કોઈ પુરુષ આ મુદ્દે ટોણો મારે તો સ્ત્રીઓ ગૌરવભેર કહી શકે એમ છે કે, રડી જુઓ, રડી પડવું કે રડી લેવું એ કંઈ ખાવાના ખેલ નથી!
પેશ-એ-ખિદમત
હદફ ભી મુજ કો બનાના હૈ ઔર મેરે હરીફ,
મુઝ સે તીર મુઝ સે કમાન માંગતે હૈ,
કુબૂલ કૈસે કરું ઉન કા ફૈસલા કિ યે લોગ,
મેરે ખિલાફ હી મેરા બયાન માંગતે હૈ.
(હદફ-નિશાન/ટાર્ગેટ) -મંજૂર હાશમી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 17 સપ્ટેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com