દિલ પર હાથ મૂકીને કહેજો,
તમને નેટ વગર ચાલે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
મોબાઇલ અને ઇન્ટરનેટ આપણા સહુની જિંદગીનો
એવો હિસ્સો બની ગયાં છે કે એના વગર
લાઇફની કલ્પના જ ન થઈ શકે!
82 ટકા લોકોએ હમણાં એવું કહ્યું કે,
ઇન્ટરનેટ વગર જિંદગી બેકાર છે!
ઇન્ટરનેટે સંબંધોથી માંડી જિંદગીની
વ્યાખ્યા જ બદલી નાખી છે.
હજુ તો ઘણુંબધું બદલાવાનું છે.
જસ્ટ વેઇટ એન્ડ વોચ!
આપણા દેશમાં અને આખી દુનિયામાં અત્યારે જો કંઈ ‘મોસ્ટ હેપનિંગ’ હોય તો એ છે મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં આવતાં પરિવર્તન! દરરોજ નહીં, દરેક મિનિટે અહીં કંઈક નવું ને નવું આવતું જાય છે. એક-બે દિવસ તમે અપડેટ ન રહો તો તમે આઉટડેટડે થઈ જાવ છો. યંગ જનરેશનને સતત નવું જોઈએ છે. આજે જે નવું છે એ કાલે જૂનું જ નહીં, વાસી થઈ જાય છે. માણસની આંગળીઓ મોબાઇલના સ્ક્રીન પર સતત ફરતી રહે છે. ટેરવાની સંવેદનાઓ પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. આંગળી ફરે એટલે આખી દુનિયા મોબાઇલના પડદે ઊઘડી જાય છે. નો ડાઉટ, બધું જ બહુ રોમાંચક અને જલસો પડે એવું છે. દુનિયામાં જે કંઈ નવું આવે છે એ બધું આખરે તો લોકો માટે જ છે ને! દરેકના ફાયદા અને ગેરફાયદા તો હોવાના જ છે. દરેકની પોતાની ચોઇઝ હોય છે કે ખાડામાં પડવું છે કે પછી ટોચ ઉપર પહોંચવું છે? સમજનું એવું છે ને કે એ રાતોરાત નથી આવતી, એ તો આવતાં આવતાં આવે છે. મોબાઇલ અને નેટ વાપરવાની જેને ગતાગમ નથી એને પણ સમય આવ્યે સમજાઇ જશે કે આ ટચૂકડા ગેઝેટને કેટલો સમય આપવો!
બાય ધ વે, તમારા દિલ પર હાથ રાખીને જવાબ આપો તો, તમને મોબાઇલ અને નેટ વગર ચાલે ખરું? આપણા દેશમાં થયેલા એક સર્વેમાં સોમાંથી બ્યાંસી લોકોએ કહ્યું છે કે, ભાઈ અમને તો ન ચાલે. મોબાઇલ વગર તો જિંદગી બેકાર લાગે, વ્યર્થ લાગે! મોટાભાગના લોકો માટે હવે તો નેટ એ જીવન જરૂરિયાતની વસ્તુ જેવું બની ગયું છે! મોબાઇલ હાથની આદત બની ગયો છે અને ટેરવાં સ્ક્રીન માટે તડપતાં રહે છે. મોટાભાગના લોકો ઊઠીને પહેલું કામ વોટ્સએપ ચેક કરવાનું કરે છે. મોબાઇલની વાત નીકળે કે સવારે આવતા ગુડ મોર્નિંગના મેસેજની ચર્ચા થાય ત્યારે મોટાભાગના લોકોનું કહેવું એવું હોય છે કે માથાનો દુખાવો છે. મોબાઇલ બહુ સમય ખાઈ જાય છે. વર્ચ્યુલ વર્લ્ડના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ છે. લોકો વખાણે કે વગોવે પણ એક હકીકત એ છે કે મોબાઇલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વગર માણસને મજા આવતી નથી. એ ન હોય તો એવું લાગે છે કે જાણે દુનિયાથી સાવ કટ્ઓફ થઈ ગયા છીએ.
નેટ વગર ન ચાલે એવું કહેવામાં આપણા દેશના લોકો આખી દુનિયામાં સૌથી મોખરે છે! માર્કેટિંગ રિસર્ચ ફર્મ ઇપ્સોસ દ્વારા હમણાં દુનિયાના 23 દેશોમાં એક ઓનલાઇન સર્વે થયો. 25થી 35 વર્ષના 18180 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો. આપણા દેશમાં સૌથી વધુ 82 ટકા લોકોએ કહ્યું કે, નેટ વગર ન ચાલે. નેટ વગર બધું નક્કામું લાગે. આપણી પાછળ કોણ છે? યુનાઇટેડ કિંગડમના 78 ટકા લોકો, ચીનના 77 ટકા, જર્મની અને અમેરિકાના 73 ટકા, રશિયાના 66 ટકા, સ્પેનના 65 ટકા, ઇટલી અને જાપાનના 62 ટકા લોકોએ એવું કહ્યું કે નેટ તો જોઈએ જ. એના વગર બધું અટકી જાય! એક દિવસ પણ નેટ વગર રહી ન શકાય!
નેટની વાત નીકળી છે તો સાઇબર વર્લ્ડમાં દુનિયા ક્યાં છે અને ક્યાં જઈ રહી છે તેની થોડીક વિગતો પર પણ નજર નાખવા જેવી છે. 2016માં દુનિયામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 3.5 અબજ હતી. મતલબ કે દુનિયાની 45 ટકા વસ્તી ઇન્ટરનેટ વાપરતી હતી. આપણા દેશની વાત કરીએ તો 2016માં આપણે ત્યાં 46 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા. આ આંકડો 2021માં 64 કરોડ સુધી પહોંચશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. સોશિયલ નેટવર્કિંગ પણ સતત વધી રહ્યું છે. આપણા દેશમાં 2016માં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ટોટલ યુઝર્સ 21.65 કરોડ હતા. 2021 સુધીમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના યુઝર્સની સંખ્યા 36 કરોડથી વધી જશે એવું માનવામાં આવે છે. એટલે જ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતની તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની નજર આપણા દેશ પર મંડાયેલી છે. લોકોને પકડી અને જકડી રાખવા માટે એ લોકો નવા નવા નુસખાઓ અજમાવી રહ્યા છે. એક વખત એપ ખોલે પછી માણસ ચીપકી રહેવો જોઈએ!
આપણા દેશના લોકો ઓનલાઇન શોપિંગમાં પણ બહુ આગળ છે. દુનિયાના દેશો દ્વારા થતી ઓનલાઇન ખરીદીની ગ્લોબલ સરેરાશ 38 ટકાની છે. જોકે, આપણા દેશમાં 49 ટકા લોકો ઓનલાઇન ખરીદી કરે છે. 2016માં આપણા દેશમાં એક લાખ કરોડ ઓનલાઇનું શોપિંગ થયું હતું. આપણા દેશમાં મોલને જે સૌથી મોટો ફટકો પડ્યો છે તેનું સૌથી મોટું કારણ ઓનલાઇન શોપિંગ છે. ઘરબેઠા વસ્તુઓ મળી જતી હોય તો કોઈ ધક્કો શા માટે ખાય? શાકભાજી અને કરિયાણું પણ ઓનલાઇન મંગાવાય છે એ હવે નવી વાત નથી રહી.
મોબાઇલ અને ઇન્ટરનેટે લોકોની લાઇફ-સ્ટાઇલ જ સંપૂર્ણપણે ચેન્જ કરી નાખી છે. લોકો ટેલિવિઝન જોવાનું પણ ટાળી રહ્યા છે તેનું કારણ એ છે કે ટીવી પર આવતી સિરિયલ્સ કરતાં વધુ સારી અને સાસુ-વહુ અને નાગીન કરતાં વધુ સેન્સિબલ સિરિયલ્સ હવે મોબાઇલની જુદી જુદી એપ્લિકેશન્સમાં આવવા માંડી છે. મોબાઇલની મજા એ છે કે એ હાથવગું છે અને સતત આપણી સાથે હોય છે. કંઈક થાય તો તરત નોટિફિકેશન આવે છે અને બધી ખબર પડી જાય છે. જોકે, હવે રોમાંચ પણ જલદીથી પૂરો થઈ જાય છે! બધુ જાણે દૂધના ઊભરા જેવું થઈ ગયું છે.
મોબાઇલ અને નેટનું બિલ એ હવે આપણા બજેટનો નાનકડો હિસ્સો પડાવી જાય છે. ઘર કે ઓફિસમાં વાઈ-ફાઇ ન હોય તો લોકોને આશ્ચર્ય થાય છે. મોબાઇલ ટેધરિંગ હવે નાનાં બાળકોને પણ આવડી ગયું છે. ઓવરઓલ જોઈએ તો મજાની વાત છે. ગેરફાયદા ઘણા છે, પણ હવે એ તો લોકોએ સમજવું પડે ને કે કેટલો સમય ચોંટી રહેવું! કોઈ જબરજસ્તી થોડી કરે છે. થાય છે એવું કે આપણે પોતે જ વળગેલા રહીએ છીએ અને વાંક મોબાઇલનો કાઢીએ છીએ. હજુ નવું છે એટલે ક્રેઝ છે, સમય જશે એમ મોબાઇલ ડિસિપ્લિન પણ આવશે જ. બાય ધ વે, આપણા દેશમાં 82 ટકા લોકોએ કહ્યું કે ઇન્ટરનેટ વગર ન ચાલે! આ વાત પછી એક સવાલ એ ઊઠ્યો છે કે આ બાકીના 18 ટકા કોણ હતા? અલબત્ત, એ વિશે કોઈ ખુલાસો થયો નથી! એ લોકો આ 82 ટકા કરતાં વધારે સુખી અને ખુશ હતા કે કેમ એ પણ સવાલ તો છે જ! ગમે તે હોય, એક વાત તો સાચી છે કે મોટાભાગના લોકોને મોબાઇલ અને નેટ વગર ચાલતું નથી. અલબત્ત, એમાં કંઈ ખોટું પણ નથી, જરૂરી તો છે જ, બસ કેટલો અને કેવો ઉપયોગ કરવો એનું પ્રમાણભાન રહેવું જોઈએ. અચ્છા એક વાત કહો તો, તમે કેટલા કલાક મોબાઇલ વાપરો છો? ગમે એટલો વાપરો, તમારું કામ અને તમારું મગજ ન બગડે એનું ધ્યાન રાખજો. મોબાઇલ આપણા માટે છે, આપણે મોબાઇલ માટે નથી એટલું યાદ રહે તો ઘણું છે!
પેશ-એ-ખિદમત
મેરા ઝમીર બહુત હૈ સજા કે લિયે,
તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિયે,
વો કશ્તિયાઁ મેરી પતવાર જિન કે તૂટ ગયે,
વો બાદબાઁ જો તરસતે રહે હવા કે લિયે.
– શાજ તમકનત
(નસીહત-સલાહ, બાદબાઁ-હોડીનું સઢ)
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 10 સપ્ટેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com