આ રોજેરોજની માથાકૂટથી હવે હું કંટાળી ગયો છું – ચિંતનની પળે

આ રોજેરોજની માથાકૂટથી

હવે હું કંટાળી ગયો છું

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હોય કડવાશ ભલે ઘૂંટ ભરી તો લઈએ,

આંસુઓ માફ કરો, સહેજ હસી તો લઈએ,

કાલ જે નામ લઈ આંખ થવાની જ છે બંધ,

આજ એ નામ લઈ સહેજ જીવી તો લઈએ.

-સૈફ પાલનપુરી

માણસને ‘એકધારું’ કંઈ જ ગમતું નથી. રૂટિનથી માણસ વહેલો કે મોડો કંટાળતો જ હોય છે. માણસને  ‘વરાઇટીઝ’ જોઈતી હોય છે. નવું નવું કરતા રહેવું માણસને ગમે છે. એક વખત ફરી આવ્યા હોઈએ ત્યાં જવાનું આપણે ટાળતા હોઈએ છીએ. એ તો એક વાર જોઈ લીધું, હવે કોઈ નવી જગ્યાએ ફરવા જઈએ. એકનું એક ખાવાનું પણ આપણને ભાવતું નથી. સવાલ માત્ર પેટ ભરવાનો નથી હોતો, મજા આવવી  જોઈએ. માણસને પ્રકૃતિ કદાચ એટલા માટે જ ગમે છે, કારણ કે એ રોજેરોજ થોડી થોડી બદલાય છે. સૂરજ આખો દિવસ એકસરખો જ તપતો હોત તો આપણે કદાચ કંટાળી જાત. ફૂલ રોજ એકસરખું જ ખીલેલું હોત તો આપણને એનું બીજું રૂપ જ જોવા ન મળત. ચંદ્રનો આકાર રોજ બદલાય છે. દરિયાનાં મોજાંમાં રોજ પરિવર્તન આવે છે. એક મોજું બીજા જેવું હોતું જ નથી. આપણે પણ રોજ થોડા થોડા બદલતા હોઈએ  છીએ. માત્ર આંસુ જ આવતાં હોય એવી આંખ ચીમળાઈ જતી હોય છે. આંખોમાં ચમક પણ આવવી  જોઈએ.

પ્રકૃતિ આપણને એ જ પૈગામ આપે છે કે રોજેરોજ થોડાક ખીલતા રહો. દુનિયામાં બધું જ ગતિશીલ છે. પાંપણ દરેક પળે ફરકે છે. શ્વાસ સતત ચાલે છે. હાથના નખ અને શરીરના વાળ દરરોજ થોડા થોડા વધે  છે. આપણા ચહેરા પર મૂવમેન્ટ સતત ચાલતી રહે છે. હસો એટલે ચહેરો મજાનો બની જાય છે. ક્યારેક મોઢું મચકોડાય છે, ક્યારેક ભવાં તંગ થઈ જાય છે, મગજની નસો ક્યારેક તણાઈ જાય છે. એકસરખા જ  રહેતા ચહેરાઓને આપણે ‘પ્લાસ્ટિક ફેસ’ કહીએ છીએ. ઘણાંનાં મોઢાં તો જાણે બીબામાં ઢાળી જડબેસલાક બનાવી દીધાં હોય એમ સ્થિર જ રહે છે. કંઈ પણ ‘સ્થિર’ આપણને ‘જડ’ બનાવી દે છે. જડતા હોય એ  પ્રભુતા સુધી ક્યારેય ન પહોંચે. પ્રભુતા માટે પવિત્રતા હોવી જોઈએ.

કંટાળો ક્યારેક તો આવવાનો જ છે. ક્યારેક તો એવું થવાનું જ છે કે મજા નથી આવતી. મજા ન આવતી  હોય ત્યારે આપણે તેને વધુ ગાતા ફરીએ છીએ. મજા આવતી હોય ત્યારે કેટલી વાર આપણે કહીએ છીએ  કે મજા આવે છે! એકસરખી મજા પણ કંટાળાજનક બની જતી હોય છે. ક્યાંક ફરવા જઈએ એટલે એક-બે  દિવસ મજા આવે છે, કારણ કે ત્યારે બધું નવું હોય છે. નવું હોય એ થોડુંક જૂનું થાય એટલે કંટાળો  આવવાની શરૂઆત થાય છે. દોસ્તી એટલે ગમે છે, કારણ કે રોજ નવી વાતો હોય છે. પ્રેમ એટલે આકર્ષે  છે, કારણ કે રોજ નવી ઉષ્મા હોય છે. જોકે, રોજેરોજ ક્યાં નવું અને તાજું રહી શકાતું હોય છે? જિંદગીમાં તાજગી ન હોય તો જિંદગી પણ વાસી થઈ જતી હોય છે. શાકભાજી અને ફ્રૂટ્સને તાજાં રાખવા માટે પણ જો પાણી છાંટવું પડતું હોય તો પછી આપણે તો જીવતા જાગતા માણસો છીએ. ઘરની કોઈ પણ વસ્તુ  ઉપર જો સમયસર હાથ ન ફરે તો એના ઉપર ધૂળ બાઝી જતી હોય છે. જિંદગીનું પણ આવું જ છે.  જિંદગીને તાજી રાખવા માટે રોજ થોડું થોડું વધારે જીવવું પડતું હોય છે.

કોઈ પણ સંબંધ હોય કે કોઈ પણ કામ હોય ક્યારેક તો ‘માથાકૂટ’ થવાની જ છે. નજીકમાં નજીકનો સંબંધ પણ એકસરખો ચાલવાનો નથી. તીવ્ર પ્રેમ હોય તો પણ ક્યારેક તડાતડી થવાની જ છે. કદાચ એ જ તો  મજા છે, એ જ તો સંબંધોનું સત્ય છે. થોડાક દૂર ગયા પછી નજીક આવવાની મજા ઔર હોય છે. એકસરખું અંતર તો માત્ર રેલવેના પાટાનું હોય, જે ક્યારેય મળે જ નહીં, જમીન અને આકાશ ભલે  મળતાં ન હોય, પણ ક્ષિતિજ જોતાં એવું તો લાગે કે બંને મળી રહ્યાં છે.

એક પતિ-પત્નીની આ વાત છે. અઠવાડિયામાં એકાદ વખત તો બંને વચ્ચે તડાફડી થઈ જ જાય. સામાન્ય વાતમાં પણ બંને સામસામા આવી જાય. તને કંઈ ખબર નથી પડતી, તું કંઈ સમજતો નથી, તું માને એ જ સાચું, હું તો સાવ મૂરખ જ છું ને, મને તો ભગવાને બુદ્ધિ આપી જ નથી, બધી અક્કલ તારામાં જ છે. આવા સંવાદો દાંપત્યમાં આવવાના જ છે. પતિ ઓફિસે આવીને એના મિત્રને વાત કરે. આજે પાછી માથાકૂટ થઈ. એક વખત તેણે મિત્રને કહ્યું કે યાર, આ રોજેરોજની માથાકૂટથી ખરેખર હવે હું કંટાળી ગયો છું. આ વાત સાંભળીને મિત્રએ કહ્યું કે, રોજેરોજની માથાકૂટ? રોજ તમે ક્યાં ઝઘડો છો? હા, અઠવાડિયા દસ દિવસે એકાદ વખત થઈ જાય છે. બાકીના દિવસો તો તમે મજામાં જ હોવ છો! સારી રીતે રહેતાં હોવ ત્યારે તો તું ક્યારેય એમ નથી કહેતો કે રોજેરોજ પ્રેમથી રહેવાની મજા આવે છે! ઝઘડો થાય એટલે રોજની માથાકૂટ કેમ લાગે છે? યાર, સાચી વાત એ છે કે તને ઝઘડો ગમતો નથી, ઝઘડો કોઈને કરવો પણ હોતો નથી, એ તો થઈ જતો હોય છે. હવે એ વિચાર કે આ વાતને ખતમ કેમ કરવી? જો દોસ્ત, એના વગર તને અને તારા વગર એને ચાલવાનું તો નથી જ, તો પછી એક વાતનો અંત જેટલો બને એટલો વહેલો  આવે એ જ સારું છે. હવે ઝઘડવાના નહીં, મનાવવાના વિચાર કર એટલે મામલો વહેલો સુલઝશે. આપણને ખબર હોય છે કે એના વગર આપણને ચાલવાનું નથી છતાં આપણે એની સાથે જ બથોડા લેતા હોઈએ છીએ!

જિંદગીની બધી જ ‘માથાકૂટ’ આપણા હાથમાં નથી હોતી. ઓફિસની માથાકૂટથી કેટલાને મુક્તિ મળતી  હોય છે? દરેક માથાકૂટ આપણે અટકાવી નથી શકતા, પણ આપણે માથાકૂટમાં કેટલું પડવું એ તો આપણે નક્કી કરી જ શકતા હોઈએ છીએ. મિત્રોમાં આવું થાય ત્યારે આપણો એકાદ મિત્ર તો એવું કહેતો જ હોય છે કે યાર તું શા માટે એની સાથે માથાકૂટમાં ઊતરે છે. એનો સ્વભાવ તો તને ખબર જ છેને? આપણને કોઈ પ્રિય હોય ત્યારે એના સ્વભાવની પણ આપણને ખબર હોય છે. સ્વભાવ ન બદલાય તો અભાવ સર્જાય છે. આપણા પ્રોબ્લેમનું એક કારણ એ હોય છે કે આપણે બીજાના સ્વભાવમાં બદલાવ ઇચ્છતા  રહીએ છીએ, આપણા સ્વભાવનો આપણને અંદાજ જ નથી હોતો!

એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકા એકદમ મૂડી છે. મન થાય ત્યારે વરસી પડે અને મન થાય ત્યારે અતડી થઈ જાય. ક્યારેક ગુમ થઈ જાય. મોબાઇલ ડેટા ઓફ કરી દે. ક્યારેક તો ફોન જ સ્વિચ ઓફ કરી નાખે. ચેટનો જવાબ આપે તો આપે. પ્રેમીને આ વાતે ઝઘડો થાય. તું આવું કરે એ બરાબર નથી. પ્રેમિકા કહે કે હું તો આવી જ છું, મૂડી અને તરંગી. પ્રેમીએ ખૂબ કોશિશ કરી, પણ તેની પ્રેમિકામાં કોઈ બદલાવ ન થયો. પ્રેમીએ વિચાર્યું કે એનો સ્વભાવ બદલાવાનો નથી. હું મારો તો બદલાવી શકું ને! પ્રેમિકા જવાબ આપે કે ન આપે, એ તો એને યોગ્ય લાગે એ મેસેજ કરે જ. આ મુદ્દે નારાજ થવાનું એણે બંધ કરી દીધું. બંને બેઠાં હતાં ત્યારે પ્રેમિકાએ કહ્યું કે, તું બહુ સારો છે. નારાજ નથી થતો. મને અગાઉ એવું હતું કે હું મેસેજનો રેગ્યુલર જવાબ નથી આપતી એટલે તું પણ નહીં આપે. મને હતું કે તું એવું કરીશ કે, જા તું નથી જવાબ આપતી તો હું પણ નથી આપતો. તું એવું નથી કરતો. તને ખબર છે તેં તારા સ્વભાવમાં ચેઇન્જ કર્યો પછી મને પણ એવું થાય છે કે હવે હું પણ આવું નહીં કરું. પ્રેમીઓમાં ઝઘડા થવાનું એક કારણ એ  હોય છે કે બંને જરાયે બદલવા તૈયાર નથી હોતાં. બંને થોડાં થોડાં એક જેવા થાય તો જ બંને એક થઈ શકે. એક થવા માટે એકબીજામાં ઓગળવું પડતું હોય છે. પથ્થરો પીગળતા નથી એટલે એક થઈ શકતા નથી. મીણ પીગળે છે એટલે એક થઈ શકે છે. પથ્થરો તૂટે. મીણ તો પાછું એક થઈ જાય.

કંટાળો આવે તો કંટાળાનો ઉપાય શોધો. માથાકૂટનું નિવારણ લાવો. ભલે આપણને બધાને ક્યારેક એવું લાગતું હોય કે હવે સાવ એકલા રહેવું છે, પણ આપણે એકલા રહી શકતા નથી. અજાણ્યા સ્થળે જવાનું હોય ત્યારે સૌથી પહેલો એ જ વિચાર આવે છે કે ત્યાં જાણીતું કોણ છે? ક્યારેક એવું થાય છે કે એવી  જગ્યાએ જવું છે જ્યાં કોઈ ઓળખતું ન હોય. હા, એવું કરવું ગમે છે, પણ એ થોડા સમય માટે જ, પછી તો કોઈક જોઈતું જ હોય છે. માણસ એકધારો ‘કટઓફ’ પણ રહી શકતો નથી. ઘણા લોકો એવું વિચારે છે કે હવે કોઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું નથી. મોબાઇલ ડેટા ઓફ કરી દે છે. જોકે, થોડા જ સમયમાં પાછા આવી જાય છે. રૂટિનમાંથી બ્રેક ગમે છે, પણ આપણી જાત આપણને છેલ્લે તો રૂટિન તરફ  જ લઈ જતી હોય છે. આપણે ગમે એવા ઝઘડીએ પણ છેલ્લે તો પાછા આપણી વ્યક્તિ તરફ જ જવાના છીએ. ક્યારેક થોડા દૂર જવાય તો વાંધો નહીં, પાછા કેમ નજીક આવવું એ જ નક્કી કરવાનું હોય છે. આપણને અમુક વ્યક્તિના વિકલ્પ ક્યારેય મળવાના જ નથી, કારણ કે એ વ્યક્તિ ‘આપણી’ હોય છે.  નજીક ઘણા હોય છે, પણ બધા ‘આપણા’ નથી હોતા. સંબંધનું પતન ન ઇચ્છતા હોવ તો પોતાના હોય એનું જતન કરો!

છેલ્લો સીન:

‘એકાકાર’નો પણ એક આકાર હોય છે. એકબીજામાં ઓતપ્રોત થયા વગર એકાકાર થઈ શકાતું નથી.        -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 ઓગસ્ટ 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *