તમે શું માનો છો? રૂપિયાથી
ખુશી કે સુખ ખરીદી શકાય?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
માણસ રૂપિયા પાછળ સતત દોડતો રહે છે.
નો ડાઉટ, જિંદગી સારી રીતે જીવવા
માટે રૂપિયા જરૂરી છે, પણ શું
રૂપિયાથી ખુશી કે સુખ ખરીદી શકાય ખરું?
એનો જવાબ ‘હા’ પણ છે અને ‘ના’ પણ!
ખુશી કે સુખનો આધાર એના ઉપર નથી કે
તમે રૂપિયા કેવી રીતે અથવા તો કેટલા કમાવ છો
પણ એના ઉપર છે કે તમે રૂપિયા કેવી રીતે ખર્ચો છો!
‘નાણાં વગરનો નાથિયો, ને નાણે નાથાલાલ’ આ વાક્ય આપણે ત્યાં દાયકાઓથી કહેવાતું અને સંભળાતું આવ્યું છે. બુદ્ધિનો બારદાન હોય પણ જો એની પાસે સંપત્તિ હોય તો એને આપણા સમાજમાં માન-પાન મળતાં રહે છે. રૂપિયાના જોરે એ લોકો પોતાના ખેલ ખેલતા રહે છે. સામા પક્ષે અત્યંત પ્રતિભાસંપન્ન વ્યક્તિ જો સાવ ગરીબ હોય તો એને જેટલું માન મળવું જોઇએ એટલું મળતું નથી. અલબત્ત, જે જ્ઞાની છે કે કોઇપણ કલામાં માહેર છે એને કોઇ ને કોઇ રીતે આદર મળતો રહે છે. સંપત્તિવાન લોકો દુનિયાને ઝુકાવી શકે છે પણ બુદ્ધિમાન લોકો દુનિયાને ડોલાવી શકે છે. આમ છતાં રૂપિયાની તાકાતને તો કોઇ ઇગ્નોર કરી શકે એમ જ નથી.
આપણા દેશની વાત વળી દુનિયાના બીજા દેશો કરતાં અલગ છે. આપણે ત્યાં મોટાભાગના લોકો એવું માને છે કે રૂપિયાના જોરે તમે કંઇપણ કરી શકો છો. ‘પૈસા ફેંકો, તમાશા દેખો’માં માનવાવાળાની આપણા દેશમાં કમી નથી. આદર્શ, સિદ્ધાંત, મૂલ્યો અને માનવતાની એ લોકોની વ્યાખ્યા પણ કદાચ જુદી હોય છે. અમુક ધનવાનોને મન દરેકની એક ‘કિંમત’ હોય છે, એ ચૂકવો અને કામ કઢાવોની નીતિમાં જ એ માનતા હોય છે. બધા ધનવાનો એવા નથી એ વાત સાચી પણ બહુમતી તો એવા લોકોની જ છે. ગરીબ અને મધ્યમ વર્ગના માણસો સાચા હોય તો પણ એવું કહીને વાત પડતી મૂકી દે છે કે, રેવા’દોને એ બધા બહુ પહોંચેલા છે. પહોંચેલા એટલે એવા લોકો જેની પાસે કાં તો સત્તા છે અને કાં તો સંપત્તિ છે, અથવા તો બંને છે. આપણે ત્યાં તો વળી સત્તા પણ સંપત્તિનો જ સ્રોત છે!
ખેર જવા દો, એ બધી બબાલમાં પડવું નથી. આપણે તો એ વાત કરવી છે કે શું રૂપિયાથી ખુશી કે સુખ ખરીદી શકાય ખરું? એનો જવાબ ‘હા’ પણ છે અને ‘ના’ પણ છે. રૂપિયાથી ઇચ્છાઓ અને જરૂરિયાતો પૂરી થાય છે અને ઇચ્છાઓ સંતોષાય તેનો એક આનંદ તો હોય જ છે. માણસ આખો દિવસ એટલે તો દોડધામ કરતો હોય છે કે મહિને દહાડે સરખો પગાર મળે. હવે માત્ર રોટી, કપડાં અને મકાન જ બેઝિક જરૂરિયાત નથી, એ સિવાય પણ ઘણું બધું બધાને જોઇતું હોય છે અને એ બહુ સ્વાભાવિક પણ છે. કાર, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, મોબાઇલ, કીમતી ઘડિયાળ, મોંઘા દાગીના, બ્રાન્ડેડ કપડાં, ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, આ લિસ્ટ તો જેટલું લંબાવવું હોય એટલું લંબાવી શકાય. માણસ પોતાની આવક અને પ્રાયોરિટી નક્કી કરીને ખરીદી કરે છે અને ખુશી મેળવે છે. આપણે ત્યાં ‘સ્ટેટસ’ એની પાસે શું છે અને કેટલું છે એના પરથી જ નક્કી થતું આવ્યું છે. ચીજ-વસ્તુઓ લોકોને ગમે છે. એનાથી ખુશી, આનંદ, મજા મળે છે. સુખ આમ તો અલગ વસ્તુ છે પણ મોટાભાગના લોકો સાધનો અને સંપત્તિને સંપૂર્ણ સુખ નહીં પરંતુ સુખનો એક ભાગ તો માને જ છે. એટલે તો એવું કહેવાય છે કે રોડ પર ઊભાં ઊભાં રડવા કરતાં મર્સિડિઝમાં બેઠાં બેઠાં રડવું સારું! દરેક પાસે પોતાની વ્યાખ્યા છે, પોતાનો અર્થ છે અને દરેકને પોતે જે માનતા હોય એ માનવાનો અધિકાર પણ છે!
હવે બીજી વાત, રૂપિયાથી જો ખુશી અને સુખ ખરીદી શકાતું હોત તો કોઇ ધનવાન દુ:ખી જ ન હોત! સાચી વાત એ છે કે જેની પાસે અઢળક સંપત્તિ છે એ લોકો પણ કંઇ ઓછા દુ:ખી નથી. સુખ તો આપણી અંદર છે, સુખ તો સમજદારીમાં છે, સુખને સમજવું પડે. ફિલોસોફિકલ સુખ અને ભૌતિક સુખ એક જ ગાડીના બે અલગ અલગ કમ્પાર્ટમેન્ટ છે. બાકી સરવાળે તો આપણે સુખને કેવી રીતે સમજીએ છીએ એના ઉપર બધો આધાર છે.
હમણાં એક ઇન્ટરેસ્ટિંગ સર્વે થયો. શું નાણાંથી ખુશી ખરીદી શકાય? થોડીક જુદી રીતે થયેલા આ સર્વેનું તારણ એવું નીકળ્યું છે કે, હા નાણાંથી ખુશી ખરીદી શકાય પણ એનો મોટો આધાર એના પર રહે છે કે તમે નાણાં કેવી રીતે ખર્ચો છો. અમેરિકા, કેનેડા, ડેન્માર્ક અને નેધરલેન્ડના 6200 લોકોને સાંકળી આ સર્વે કરવામાં આવ્યો હતો. આ દેશોમાં મોટાભાગના લોકો પોતાનું દરેક કામ પોતાના હાથે કરે છે એટલે એની પાસે પોતાના માટે ઓછો સમય રહે છે. સમયની અછતના કારણે તેઓ ટેન્શનમાં રહે છે અને કામ પૂરું ન થતાં હતાશ થાય છે.
સર્વે દરમિયાન અમુક લોકોને પસંદ કરી તેમને શોપિંગ કરવા નાણાં અપાયાં. એ લોકોએ શોપિંગ કર્યું. બીજા વીકમાં એટલાં જ નાણાં આપીને કહેવાયું કે હવે તમે જે કામ કરો છો એ ન કરતાં અને આ નાણાં આપી બીજા પાસે કામ કરાવી લો. લોકોએ ભાડૂતી માણસો પાસે કામ કરાવ્યું. એટલે એ લોકોનો સમય બચ્યો અને એ સમયમાં તેઓએ પોતાને ગમે, ખુશી આપે, આનંદ મળે એવું કામ કર્યું. મોટાભાગના લોકોએ કહ્યું કે, અમને શોપિંગ કરતાં અમારું ગમતું કામ કરવાની વધુ મજા આવી. આના ઉપરથી એવું તારણ કાઢવામાં આવ્યું કે, તમારી પાસે જો પૂરતાં નાણાં હોય તો તમે ઘરમાં જે કામ કરો છો એ બીજા પાસે કરાવી લો. તમારો એટલો સમય બચશે. એ સમય તમે તમારા માટે વાપરો. આપણે ત્યાં જોકે ઘરકામ કરનાર બાઇ કે રામો, જમવાનું બનાવનાર મહારાજ, ગાડી ચલાવનાર ડ્રાઇવર તો જે લોકોને પોષાય છે એ રાખે છે, અને એનાથી બચતો સમય બીજા કામમાં વાપરે છે.
આ વાતને બીજી રીતે એમ પણ કહી શકાય કે સમય કીમતી છે, સમય મર્યાદિત છે, હવે એ સમય કેવી રીતે વાપરવો એ આપણે નક્કી કરવાનું હોય છે. સમય બચાવીને પણ એ સમય તમે કેવી રીતે અને ક્યાં વાપરો છો તેના પર પણ ખુશી, આનંદ, મજા અને સુખનો આધાર છે.
રૂપિયા જરૂરી છે પણ એનાથી પણ વધુ જરૂરી સમય છે. આજે કોઇની પાસે સમય નથી! બધા બીઝી છે. બધા જ લોકો એક અજાણી દોડમાં લાગેલા છે. તમારી પાસે તમારા માટે અને તમારા લોકો માટે સમય છે? જો હોય તો તમે સુખી છો! ન હોય તો સમય કાઢતાં શીખી જાવ કારણ કે સરકી ગયેલો સમય પાછો મળવાનો નથી! ટાઇમ મેનેજમેન્ટ માત્ર કામ કે સફળતા માટે જ જરૂરી નથી, જિંદગી, ખુશી અને સુખ માટે પણ મહત્ત્વનું છે!
પેશ-એ-ખિદમત
આંખે ખૂલી થી સબ કી કોઇ દેખતા ન થા,
અપને સિવા કિસી કા કોઇ આશ્ના ન થા,
તુમ પાસ થે તુમ્હેં તો હુઇ હોગી કુછ ખબર,
ઇતના તો અપના શીશા-એ-દિલ બે-સદા ન થા.
(આશ્ના: ઓળખીતું) -સૂફી તબસ્સુમ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 13 ઓગસ્ટ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com
Superb column by you…
Thank you.