EMI : લોનના હપ્તા ભરવાનું
ટેન્શન તમને કેવુંક રહે છે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
આપણે ત્યાં લોનના હપ્તા ભરવાના નિયમો
બહુ કડક છે. હપ્તા ન ભરો તો જપ્તી આવે.
સારા માણસો માટે જપ્તી એ જિંદગીનો
મોટો આઘાત હોય છે. સરકાર હવે ઉઘરાણી માટે
થોડા હળવા કાયદા ઘડવાનું વિચારી રહી છે.
કરોડો-અબજોનું કરી જનારા મોજ કરે છે
અને મહેનત કરીને હપ્તા ભરનારા
સીધા-સાદા લોકો પર બેંક્સ સવાર થઇ જાય છે!
‘દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે! મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. વિજય માલ્યા, સુબ્રતો રોય અને બીજા અનેક મોટા દેવાળિયાનું નામ પડે એટલે તરત જ કવિ કરશનદાસ માણેકે લખેલી કવિતાની આ પંક્તિઓ જીભે ચડી જાય છે. મકાન માટે થોડાક લાખ અથવા તો બાઇક, ફ્રીજ કે વોશિંગ મશીન લેવા માટે થોડાક હજારની લોન લેનારથી ભૂલેચૂકેય એકાદ હપ્તો ચૂકી જવાય તો બેંકવાળા માથે ચડી જાય છે. નોકરી કે ધંધામાં કોઇ અણધારી આફત આવી જાય તો માણસને સૌથી મોટી ચિંતા એ જ સતાવે છે કે, હવે બેંકના હપ્તાનું શું કરીશું?
નોકરીથી તંગ આવી ગયેલા અનેક લોકોના મોઢે આપણને એવું સાંભળવા મળે છે કે, જો બેંકના હપ્તાની ચિંતા ન હોત ને તો આ નોકરીને લાત મારી દીધી હોત! નાછૂટકે આવી નોકરી કરવી પડે છે. બેંકના હપ્તા એ માણસની એવી મજબૂરી બની જાય છે કે એનાથી છુટકારો મળતો જ નથી. એમાંય જેની નોકરી સાથે અસલામતી જોડાયેલી છે એ લોકો તો સતત ટેન્શનમાં જ હોય છે. એને નોકરી જવાનો ડર નથી હોતો, ભય એ વાતનો હોય છે કે બેંકના હપ્તા ક્યાંથી ભરીશું.
કાર કે બાઇકના હપ્તા ભરી શક્યા ન હોય અને બેંકવાળા એ વાહન ઉઠાવી જાય ત્યારે લોન લેનારની માનસિક હાલત દયાજનક બની જાય છે. લોન લીધી હોય ત્યારે ગણતરીઓ માંડી હોય છે કે દર મહિને અમુક રકમ ભરવામાં વાંધો નહીં આવે. લોન ભરી દેવાની પૂરેપૂરી દાનત હોય છે. જોકે દરવખતે ગણતરી સાચી પડતી નથી. કંઇક એવું થાય છે કે ગણિત ગોટે ચડી જાય છે. અણધાર્યો ખર્ચ આવી જાય છે, ક્યારેક નોકરીમાંથી છૂટા કરી દેવાય છે. આ સમયે હાલત કફોડી થઇ જાય છે.
એક એવો વર્ગ પણ છે જેને જપ્તીથી કંઇ ફેર પડતો નથી. લઇ જાવ બીજું શું! અલબત્ત, મોટાભાગના લોકો સંવેદનશીલ હોય છે. એ ભલે લોન પર લીધું હોય પણ એ વાહન, ટીવી કે ઘર સાથે એનું એટેચમેન્ટ હોય છે. એના માટે તો બેંક જપ્તી લાવે એ એક કલંકરૂપ ઘટના છે. કાર લીધી હોય ત્યારે એની ડિલીવરી અને પૂજાના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા હોય, ફેમિલી સાથે એ વાહનમાં ફરવા ગયા હોય અને કાર લેતી વખતે ડ્રીમ કમ્સ ટ્રુ એવા સ્ટેટસ મૂક્યા હોય પછી એ કાર જ્યારે બેંકવાળા લઇ જાય ત્યારથી વેદના તો જેની સાથે આવી ઘટના બની હોય એ જ લોકો જાણતા હોય છે.
તમને ખબર છે, આપણા દેશમાં જેટલા પ્રકારની લોન લેવા કે આપવામાં આવે છે તેમાં હોમ લોનને સૌથી સેઇફ ગણવામાં આવે છે. સૌથી નિયમિત ઇન્સ્ટોલમેન્ટ ઘરની લોનના ભરાય છે. ઘર એ દરેક માણસનું સપનું હોય છે. નોકરી મળે એટલે માણસ સૌથી પહેલા ઘર લેવાનું વિચારે છે. પોતાની કેપેસિટી અને પગારની રકમની ગણતરી કરી કેટલી લોન પોષાશે એ ગણતરી માંડે છે. નાનકડું તો નાનકડું પણ પોતાનું ઘર હોવું જોઇએ એ આપણું સપનું હોય છે. ગમે એટલું ભવ્ય હોય તો પણ ભાડાનું કે કંપનીએ આપેલું ઘર પોતીકું લાગતું નથી. સરકારી કે બીજા કોઇ ક્વાર્ટર્સ ધ્યાનથી જોજો, એ બીજા ઘરો જેવા જીવંત નહીં લાગે. તેનું કારણ એ છે કે એમાં રહેનારા લોકોને ખબર હોય છે કે કોઇક ને કોઇ દિવસ આ છોડવાનું છે.
લોનથી પણ ઘરનો મેળ ખાઇ જાય એટલે લોકો પોતાને નસીબદાર માને છે. હોમલોનનું વ્યાજ ઇન્કમટેક્સમાં બાદ મળે છે. એ કારણે થોડીક રાહત મળી જાય છે. પગારમાંથી સીધા હપ્તા કપાઇ જાય છે. માણસ ઘર ખરીદે ત્યારે ઓલવેજ ખેંચાઇ રહેતો હોય છે. વડીલો અને મિત્રો પણ એમ જ કહે કે, ઘર લઇએ ત્યારે એવું જ થાય. થોડુંક જોર કરી લેવાનું. બધાયે એવું જ કર્યું હોય છે. ઘર કંઇ વારંવાર થોડું લેવાય છે. જિંદગીમાં એકવાર જ તો લેવાનું હોય છે. ભલે ખેંચાવું પડે પણ તું યાદ રાખજે ભવિષ્યમાં તને એવું થશે કે કેવું સારું કર્યું હતું! આપણને ગમે એવું ઘર તો થઇ ગયું.
હવે ખાનગી ક્ષેત્રે નોકરીનું પ્રમાણ વધ્યું છે. આ જોબ પરફોર્મન્સ આધારિત છે. સાથોસાથ નોકરીની કોઇ સ્યોરિટી હોતી નથી. ગમે ત્યારે ગડગડિયું પકડાવી દેવાય. ક્યારેય મંદીના નામે તો ક્યારેક કોસ્ટ કટિંગના નામે અથવા તો કોઇ જુદા જ કારણોસર બેકારીની તલવાર લટકતી રહે છે. નોકરી ગઇ તો હપ્તા ભરવાનું અઘરું થઇ જાય. બેંકવાળા પ્રેશર વધારી દે. ઇન્ડિવિડ્યુલ સોલવન્સી એટલે કે વ્યક્તિગત દેવાળાના આપણા નિયમો એક સદી જેટલા જૂના છે. લોન ન ચૂકવાય તો સિક્યોરિટાઇઝેશન એન્ડ ઇન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (સરફેસી) અનુસાર રિકવરી ટ્રિબ્યુનલ્સમાં કેસ જાય છે. આ તો ધારાધોરણ મુજબનું થયું. કેટલીક ખાનગી બેંકો તો ઉઘરાણી માટે માથાભારે લોકોને કામ સોંપતા હોવાની વાતો પણ થોડા સમય અગાઉ બહુ ચગી હતી. થેંક ગોડ, કે હવે સરકારે આ બાબતે વિચારણા કરીને હપ્તા ન ભરી શકે તો થોડીક રાહત આપવાના નિયમો બનાવવાનું નક્કી કર્યું છે.
એક તો નોકરી ગઇ હોય, ધંધામાં પ્રોબલેમ થયો હોય, અથવા તો કોઇ કારણસર આર્થિક સંકટ આવ્યું હોય ત્યારે માણસ ઓલરેડી ટેન્શનમાં હોય જ છે. જે લોકો ઓલરેડી ટેન્શનમાં હોય તેને લોનના હપ્તાનું વધુ ટેન્શન ક્યાં આપવું એવું વિચારીને નવા નિયમો બનાવવામાં આવશે. હપ્તા ભરવાનો સમય વધારી દેવાશે. સૌથી વધુ તો એ જોવાશે કે કોઇ માણસ લોન ભરી શકતો નથી તો તેની પાસે ન ભરવાનું જેન્યુઅન કારણ છે? દાનત હોય અને ભરી શકે તેમ ન હોય તેની સ્થિતિ જોઇને રાહત અપાશે. સિંગાપોર સહિત અન્ય દેશોમાં આવી સિસ્ટમ છે. કોઇ માણસે દસ વર્ષ નિયમિત હપ્તા ભર્યા હોય અને કંઇક એવું બને કે એ ન ભરી શકે તો કેસ હિસ્ટ્રી તપાસીને તેને લોન ભરવામાં રાહત આપવામાં આવશે.
આપણે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધુ પ્રામાણિક છે. એને કંઇ મફતમાં જોઇતું નથી. ઉછીનું લીધેલું પણ એણે દૂધે ધોઇને પાછું આપવું હોય છે. મોટાં માથાં ભલે મોટા ગફલા કરી જતા હોય પણ નાના માણસને મન તો એવું જ હોય છે કે કોઇના રૂપિયા કંઇ એમ ખાય ન જવાય. ખુદ્દારી વ્યક્તિગત હોય છે. અને આવા ખુદ્દાર લોકોની આપણે ત્યાં કમી નથી! આવા લોકોને કારણે જ આપણો દેશ મહાન બની રહ્યો છે.
પેશ-એ-ખિદમત
હાથ સે નાપતા હૂં દર્દ કી ગહરાઇ કો,
યે નયા ખેલ મિલા હૈ મેરી તન્હાઇ કો,
ખૈર બદનામ તો પહેલે ભી બહુત થે લેકિન,
તુજ સે મિલના થા કિ પર લગ ગયે રુસવાઇ કો.
-અહમદ મુસ્તાક.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 30 જુલાઇ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com