નક્કી કરી લે, તું મારી સાથે છે કે સામે છે? : ચિંતનની પળે

નક્કી કરી લે, તું મારી

સાથે છે કે સામે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દુ:ખતી નસ તેં ફરી દબાવી છે, બંધ મુઠ્ઠી વળી ઉઘાડી છે,

નીંદ પર સ્વપ્નના ગુના આવ્યા, જિંદગીને આમ તેં ફસાવી છે,

એક ખોબાને હું તરસતોતો, એણે આખી નદી પચાવી છે,

તું મને મારી પાસે રહેવા દે, માંડ પીડાને ફોસલાવી છે.

– શૈલેન રાવલ

 

સંબંધ, પ્રેમ, દોસ્તી, લાગણી અને આદર ઘણી વખત આપણી સામે સવાલ બનીને બેઠાં થઈ જાય છે. સંબંધ ફેવર માગે છે. તું મને ઓળખે છે, તને મારા પ્રત્યે લાગણી છે, મેં તને મદદ કરી છે, મેં તારું ધ્યાન રાખ્યું છે, તને જરૂર હતી ત્યારે હું જ સાથે હતો એટલે હવે તારે મને જ સાથ આપવો પડશે. દરેક સંબંધમાં નાનો કે મોટો સ્વાર્થ હોય છે. આપણે કેટલી બધી ઓળખાણ ક્યારેક કામ લાગે એટલા માટે રાખતા હોઈએ છીએ? સ્વાર્થ વગરના સંબંધ દુર્લભ બની ગયા છે. સંબંધ જ્યારે ત્રાજવે તોલાય ત્યારે આત્મીયતા લેવડદેવડ બની જતી હોય છે.

 

સંબંધ અત્યંત નજીકનો હોય કે થોડોક દૂરનો હોય, એમાં થોડી-ઘણી અપેક્ષા તો રહેવાની જ છે. અપેક્ષા વાજબી હોય ત્યાં સુધી વાંધો નથી, પણ અપેક્ષા જ્યારે ગેરવાજબી બને છે ત્યારે સજીવન સંબંધ પણ કણસવા લાગતો હોય છે. સંબંધ ખાતર તમે તમારા સિદ્ધાંત, આદર્શ, માન્યતા કે ઇચ્છા સાથે બાંધછોડ કરી છે? કરી જ હશે. બધાએ ક્યારેક તો આવું કર્યું જ હોય છે. હું એને ના ન કહી શક્યો. મારે એનું દિલ દુભાવવું ન હતું. મેં એટલે એને સાથ આપ્યો.

 

સંબંધ કે પ્રેમમાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે, તારા માટે હું કંઈ પણ કરી શકું. આઈ એમ ધેર ફોર યુ ઓલવેઝ. તું મારા માટે અપવાદ છે. મારા સિદ્ધાંતો અને મારા નિયમો દુનિયા માટે છે, તારા માટે નહીં. તું ખોટો હોય કે તું ખોટી હોય તો પણ હું તારી સાથે છું. હા, આવા સંબંધો હોય છે. આવી લાગણી હોય એ સ્વાભાવિક છે, પણ એ સ્વૈચ્છિક હોવી જોઈએ. તમે કોઈને પ્રેમ કરતા હોવ અને એને દરેક સંજોગોમાં સાથ આપો એ સમજી શકાય તેવી વાત છે, પણ જ્યારે પ્રેમનું વળતર માગવામાં આવે ત્યારે સ્થિતિ નાજુક બની જાય છે. તારે મને સાથ આપવો જ પડશે એવું કહેવામાં આવે ત્યારે જ સામે સવાલ ઊઠે છે કે સાથ ન આપું તો?

 

તટસ્થતા સુંદર શબ્દ છે, પણ તમને ખબર છે આપણે તટસ્થ રહેવાની વાત કરીને પણ ક્યારેક કોઈને અન્યાય કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે કોઈની ફેવર કરી શકીએ એમ ન હોઈએ ત્યારે ચૂપ રહીએ છીએ. તટસ્થતા એટલે સત્યની સાથે રહેવું. આપણી તટસ્થતા ઘણી વાર સગવડ બની જાય છે. બે મિત્રો હતા. એક મિત્રએ તેના એક નિર્ણય માટે તેનો સાથ માગ્યો. એ મિત્રની સામે જે હતો તે સાચો હતો. પોતાનો મિત્ર ખોટો હતો. ખોટી વાતમાં સાથ ન આપવો એવું એ મિત્ર માનતો હતો. તેણે કહ્યું કે સોરી દોસ્ત, હું તને આ મુદ્દે સાથ આપી નહીં શકું. મિત્રએ કહ્યું, ઇટ્સ ઓકે દોસ્ત, નો પ્રોબ્લેમ.

 

જે માણસ સાચો હતો એ એને મળ્યો. પેલા મિત્રએ કહ્યું કે, જો એ મારો દોસ્ત છે તો પણ મેં તેને સાથ નથી આપ્યો. હું તટસ્થ રહ્યો છું. પેલા માણસે કહ્યું સોરી, પણ તમે તટસ્થ નથી રહ્યા. તમે એના પક્ષે પણ નથી રહ્યા. એ સાચું પણ તમે જે સાચું છે એના પક્ષે પણ નથી જ રહ્યા. તમે તો માત્ર ને માત્ર તમારા પક્ષે જ રહ્યા છો. પોતાના પક્ષે હોય એને તટસ્થ કેવી રીતે કહેવાય? હા, એ વાતને એપ્રિસિએટ ચોક્કસ કરું છું કે તમે સાચા સાથે ભલે ન રહ્યા, પણ ખોટા સાથે તો ન જ રહ્યા. આવું પણ બધા ક્યાં કરી શકતા હોય છે!

 

કેટલા સંબંધો દાવ પર લાગીને તૂટતા હોય છે? સંબંધ કરતાં જ્યારે સત્ય ચડિયાતું હોય ત્યારે સંબંધનો અંત આણવામાં પણ ખોટું નથી હોતું. જ્યારે એવું લાગે કે મારાથી આ ન થાય, હું આવું ન કરી શકું ત્યારે સંબંધના ભોગે પણ માણસે પોતાની જાત સાથે રહેવું એ વધુ વાજબી હોય છે. બે ભાઈઓની આ વાત છે. વારસામાં મળેલા પિતાના બિઝનેસને બંને સાથે મળીને સંભાળતા હતા. એક વખતે મોટા ભાઈએ નાના ભાઈને ધંધામાં અમુક ખોટું કરવાનું કહ્યું. નાના ભાઈએ ના પાડી. મોટા ભાઈએ આખરે કહ્યું કે તું નક્કી કરી લે, તું મારી સાથે છે કે મારી સામે? નાના ભાઈએ નમ્રતાપૂર્વક કહ્યું કે, હું તારી સાથે નથી. તારે મને તારી સામે સમજવો હોય તો પણ મને વાંધો નથી! બંને ભાઈ વચ્ચે અણબનાવ વધી ગયો. આખરે બંને છૂટા પડી ગયા. પોતપોતાનો બિઝનેસ કરવા લાગ્યા.

 

મોટા ભાઈએ ધંધામાં જે ખોટું કરવું હતું એ કર્યું જ. આખરે એની ગોલમાલ પકડાઈ ગઈ. મોટાભાઈની ધરપકડ થઈ. એ જેલમાં ગયો. નાનો ભાઈ દરરોજ એના માટે ટિફિન લઈ જેલમાં જતો. એક દિવસ મોટા ભાઈએ નાના ભાઈને પૂછ્યું, તું મારી સાથે ન હતો તો હવે કેમ મને મળવા અહીં આવે છે? નાના ભાઈએ કહ્યું, હું તારી સાથે તારા ખોટા કામમાં ન હતો, પણ હું તારો ભાઈ તો છું જ ને! ત્યારે મને એવું લાગ્યું હતું કે મારે તને સાથ ન આપવો જોઈએ, આજે મને એમ લાગે છે કે તું મુશ્કેલીમાં છે તો મારે તારી સાથે રહેવું જોઈએ. સામે હોવું કે સાથે હોવું એ પરિસ્થિતિ અને સંજોગ પર આધારિત હોવું જોઈએ. એક મુદ્દે તારી સાથે ન હતો એનો મતલબ જરાયે એ નથી કે દરેક મુદ્દે હું તારી સામે છું. આપણે ઘણી વખત માની લેતા હોઈએ છીએ કે, એ તો હવે સામે જ છે. ક્યારેક હાથ લંબાવી પણ જુઓ, બીજા મુદ્દે એ સાથે પણ હોય. દરેકને પોતાની માન્યતા અને ઇચ્છાને વળગી રહેવા દેવું એ સંબંધનું સૌથી મોટું સત્ય છે.

 

બે બહેનપણીઓની આ વાત છે. બંને એક જ ઓફિસમાં સાથે કામ કરે. એક વખત ઓફિસની મિટિંગ ચાલતી હતી. શું કરવું જોઈએ એની ચર્ચા થતી હતી. એક ફ્રેન્ડે પોતાનો વિચાર વ્યક્ત કર્યો. તેને હતું કે મારી ફ્રેન્ડ તો મને મારા આ કામમાં સાથ આપશે જ. બીજા કલિગે બીજો આઇડિયા આપ્યો. બેમાંથી કોનો આઇડિયા સારો છે એ નક્કી થતું ન હતું. આખરે એવું થયું કે, બધાનો મત લઈએ કે કયો આઇડિયા સારો છે. પોતાનો વારો આવવાનો હતો ત્યારે ફ્રેન્ડ અવઢવમાં હતી કે મારે શું કરવું? તું શું કહે છે એવું પૂછવામાં આવ્યું ત્યારે ફ્રેન્ડે પોતાની દોસ્તની અગેઇન્સ્ટ મત આપ્યો અને બીજા કલિગના આઇડિયાને સાથ આપ્યો. પેલી દોસ્તને આઘાત લાગ્યો. તીરછી નજરે એણે પોતાની મિત્ર સાથે આંખ મિલાવી. એની નજરમાં સ્પષ્ટ રીતે નારાજગી તરવરતી હતી. મિટિંગ પૂરી થઈ અને બધા પોતપોતાના વર્ક સ્ટેશન પર ચાલ્યા ગયા.

 

ઓફિસ અવર્સ પૂરા થયા. જેણે આઇડિયા આપ્યો હતો એ ફ્રેન્ડ તેની ફ્રેન્ડ પાસે ગઈ. ચલ, આજે શોપિંગ માટે જવું છેને? બીજી ફ્રેન્ડને યાદ આવ્યું કે આજે શોપિંગ માટે જવાનું નક્કી થયું હતું. બંને સાથે શોપિંગમાં ગયાં. શોપિંગ કર્યું પછી કોફી પીવા એક કોફી શોપમાં ગયાં. એ વખતે તેની ફ્રેન્ડે કહ્યું કે, મને શોપિંગ માટે જવાનું યાદ હતું, પણ મને હતું કે આજે તું મારાથી નારાજ હશે એટલે નહીં આવે. મોઢું ચડાવીને ચાલી જઈશ. આખરે મેં તને સાથ આપ્યો ન હતોને! પેલી ફ્રેન્ડે એનો હાથ હાથમાં લઈને કહ્યું કે આપણો સંબંધ, આપણી દોસ્તી અને આપણો પ્રેમ એટલો નબળો છે કે આવી ઘટનાઓ આડી આવે? હા, મને થોડીક ક્ષણો નારાજગી થઈ હતી. સાવ સાચું કહ્યું, મારે તો તને સોરી કહેવું છે કે મારાથી તારી સામે તીક્ષ્ણ નજરોથી જોવાઈ ગયું હતું. યાર, તને જે સાચું લાગ્યું એ તેં કહ્યું. મને તો પ્રાઉડ ફીલ થાય છે કે મારી દોસ્ત એવી છે જે ઓલવેઝ એને જે સાચું લાગે એવું કરે છે. આપણે કોઈ મુદ્દે સંમત ન હોઈએ એનો મતલબ જરાયે એવો નથી કે આપણા પ્રેમમાં કોઈ ખામી છે. કદાચ સાચો પ્રેમ અને સાચી લાગણી એ જ છે જ્યાં બંનેને વ્યક્ત થવાની પૂરેપૂરી અને સાચેસાચી મોકળાશ મળે!

 

સંબંધોમાં પણ ગ્રૂપીઝમ થવા લાગ્યું છે. આ મારું ગ્રૂપ છે. મારા ગ્રૂપની વ્યક્તિ કંઈ પણ કરે એને ફેવર કરવાની! એનું સ્ટેટસ લાઇક કરવાનું. એની પોસ્ટમાં કમેન્ટ કરવાની. આપણી સામે હોય તેનો વિરોધ કરવાનો. વિરોધ ન કરવો હોય તો એને ઇગ્નોર કરવાના. ગ્રૂપ હોય એમાં કંઈ ખોટું નથી, માત્ર કઈ દિશામાં વધુ જાય છે એ તપાસતા રહેવું જોઈએ. ખરેખર રચનાત્મક કે હકારાત્મક હોય એવું કેટલું આપણી જિંદગીમાં હોય છે? આપણે કેમ કોઈ વાત આપણી નજરથી મૂલવતા નથી? કોને કેવું લાગશે? કોને ગમશે? મારા આ વર્તનની કેવી અસર થશે? આવું બધું આપણે વિચારવા લાગ્યા છીએ. ફેમિલીમાં આપણે કેટલી વખત બાયસ્ડ હોઈએ છીએ? એક જોઇન્ટ ફેમિલીની આ વાત છે. ઘરના એક સભ્ય વિશે નિર્ણય લેવાનો હતો. તેને કરિયર માટે વિદેશ જવા દેવો કે નહીં? બધાએ પોતપોતાનાં મંતવ્ય વ્યક્ત કર્યાં. એક દીકરાએ કહ્યું કે, અહીં આપણો સરસ જામેલો બિઝનેસ છે, એમાં સાથે રહે એ જરૂરી છે. ફોરેન જવાની કંઈ જરૂર નથી. એની પત્નીએ પણ પતિની વાતમાં જ સાથ પુરાવ્યો. રાતે પતિ-પત્ની એકલાં હતાં ત્યારે પત્નીએ કહ્યું કે, તમે ના પાડી એટલે મેં પણ ના પાડી દીધી. હકીકતે હું એવું માનું છું કે એ વિદેશ જાય એમાં કંઈ ખોટું નથી. એની કરિયર વિશે નિર્ણય લેવાનો એને અધિકાર હોવો જોઈએ. આપણે શા માટે આપણી પસંદગી અને આપણો નિર્ણય એના પર ઠોકી બેસાડીએ છીએ. પત્નીની આ વાત સાંભળીને પતિ થોડી વાર ચૂપ થઈ ગયો. તેણે પછી શાંતિથી કહ્યું કે, તો પછી તેં કેમ તને સાચું લાગતું હતું એ ન કહ્યું? પત્નીએ કહ્યું કે, તમને ન ગમે તો? વળી ઘરના લોકોને પણ એમ થાય કે આ બંને વચ્ચે ડિફરન્સીસ છે! પતિએ કહ્યું કે, મને કે કોને શું થશે એની ચિંતા તું શા માટે કરે છે? તારું ખુદનું એક વ્યક્તિત્વ છે. તારું મંતવ્ય અલગ હોઈ શકે છે અને એમાં નારાજ થવાની વાત જ ક્યાં છે? તું મારી જીવનસાથી છે એનો મતલબ જરાય એવો નથી કે તું મારી સાચી-ખોટી કે સારી-ખરાબ દરેક વાતમાં મારી હામાં હા પુરાવે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે કોને શું ગમશે! આપણે એ નક્કી કરવાનું હોય છે કે સાચું શું છે?

 

આપણે આપણો મત સ્પષ્ટ રીતે વ્યક્ત ન કરીએ તો એમાં પહેલો વાંક આપણો હોય છે. સાથોસાથ એ પણ મહત્ત્વનું બની રહે છે કે આપણે આપણી વ્યક્તિને વ્યક્ત થવાની હળવાશ અને મોકળાશ આપીએ છીએ ખરા? પ્રેમમાં કોઈ પણ પ્રકારનું પ્રેશર ન હોવું જોઈએ. માનસિક રીતે પણ જો આપણે આપણી વ્યક્તિ પર સીધું કે આડું આધિપત્ય જમાવતા હોઈએ તો એ એક પ્રકારનો મૂંગો અત્યાચાર જ હોય છે. સાથે હોય એ સામે આવી જાય એના માટે ઘણી વખત તો આપણે જ જવાબદાર હોઈએ છીએ. સાથે હોય એ સાથે જ રહે એ પણ આપણે જ જોવાનું હોય છે.

 

છેલ્લો સીન :

એકલો પડી જતો માણસ હંમેશાં બીજાને જ દોષ દેતો હોય છે, હકીકતે પોતાની હાલત માટે સૌથી મોટો જવાબદાર તો એ પોતે જ હોય છે.  –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 29 માર્ચ, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “નક્કી કરી લે, તું મારી સાથે છે કે સામે છે? : ચિંતનની પળે

  1. ‘ વ્યકિત ‘
    ના સ્વીકાર સાથે સંબંધ ની
    શરૂઆત તો થઇ જાય…

    પણ જયાં સુધી
    ‘ વ્યકિતત્વ ‘
    નો સ્વીકાર ના થાય ત્યાં સુધી
    સંબંધ મધુર બનતો નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *