‘દિવ્ય ભાસ્કર’ના વિશેષ દિવાળી અંક
‘ઉત્સવ’માં પ્રસિધ્ધ થયેલી વાર્તા.
વાદળું – કૃષ્ણકાંત ઉનડકટ
મારા પ્રોફાઇલ પિક્ચરમાં હું વાદળું જ રાખું છું. મને વાદળું ગમે છે. નાની હતી ત્યારથી. દાદી વાર્તા કહેતાં. એમાં એક પરી હતી અને એક રાજકુમાર. પરી અને રાજકુમાર બંને મળતાં, નાચતાં, ગાતાં. બંને મારી આંખોમાં ઘૂમતાં રહેતાં. હું આકાશ તરફ જોતી. બે વાદળાં નજીક આવતાં ત્યારે એવું લાગતું કે એક પરી છે અને એક રાજકુમાર. બંને સાવ લગોલગ આવી જતાં ત્યારે મને કેમ રોમાંચ થતો હતો એ મને ત્યારે સમજાતું ન હતું. હવે સમજાય છે? કદાચ હા. કદાચ ખબર નહીં. આ ‘કદાચ’ છે ને એમાં આપણે કંઈ નક્કી કરી શકતા નથી. કદાચ ‘કાચ’ જેવું હોત તો આપણે તેની આરપાર જોઈ શકતા હોત. કદાચ કાચ જેવું નથી જ, અરીસા જેવું છે, આ કદાચવાળો અરીસો પણ પાછો સાવ ચોખ્ખો નથી. એના ઉપર જાણે વાદળું છવાઈ ગયું હોય એવું લાગે છે, એમાં પ્રતિબિંબ પણ જુદું ઊપસે છે. જવા દો. વાત કરતી હતી રાજકુમારની.
વાદળની વસાહત હોય? જો વસાહત હોય તો એમાં વાદળના લોકો હશે, વાદળનો રાજા હશે, વાદળની રાણી હશે અને વાદળનો રાજકુમાર પણ હશે. વાદળનો રાજકુમાર હોય તો એ મારો. હું એને સંતાડી દઉં? વળી, એવો વિચારેય આવે કે વાદળને ક્યાં સંતાડું? વાદળ કંઈ છૂપું થોડું રહે! તોયે હું પ્રયાસ તો કરું જ. બધાં વાદળોને ભેગાં કરીને એની વચમાં મારા વાદળને છુપાવી દઉં. મારા વિચારો ઘોડે ચડીને વાદળ પર પહોંચી જતા. વાદળ મને વીંટળાઈ જાય તો કેવું! વાદળ ઠંડું હોય કે ગરમ? કે પછી નરમ? વરસી ગયા પછી વાદળને હળવાશ લાગતી હશે કે ખાલીપો! હું વાદળને પકડવા જાઉં છું, પણ એ હાથમાં નથી આવતું. મને ઘરમાં વારંવાર એવું કહેવાતું કે તું હજુ નાની છે. વાદળની વાત આવે ત્યારે પણ મને થતું કે હું હજુ નાની છું. એટલે વાદળ મારા હાથમાં નથી આવતું. મોટી થઈશને ત્યારે આવી જશે. મારું વાદળ. એને હું સંતાડી રાખીશ. તેના પર અધિકાર જમાવી દઈશ. માત્ર મારા પર જ વરસવાનું. ગરજવાનું હોય તો પણ મારા ઉપર જ. આટલાં બધાં વાદળાંમાં મારું એકાદ વાદળું તો હોયને! બીજાં વાદળાને જે કરવું હોય એ કરે, જ્યાં વરસવું હોય ત્યાં વરસે, પણ મારું વાદળ મારા સિવાય કોઈનું નહીં!
વાદળ કોઈનું હોય? મારું વાદળ હશે? મારા વિચારો ગાંડાઘેલા તો નથીને? મને કેમ સાવ જુદા જ વિચારો આવે છે? સ્કૂલમાં કલમ ખડિયો ભણાવતા ત્યારે એવું બોલાતું કે ક કલમનો ક, ખ ખડિયાનો ખ… ણ આવતો ત્યારે એવું બોલાતું કે ણ કોઈનો નહીં! મને આઘાત લાગતો. મનમાં થતું કે ણ કેમ કોઈનો નહીં? એણે એવાં તે શું પાપ કર્યાં હતાં કે તમે એને એકલો કરી દીધો? તમને એક વાત કરું? કલમ ખડિયો બોલાય ત્યારે ણ આવે તો બધા એમ બોલતા કે ‘ણ’ કોઈનો નહીં. જોકે, હું મનમાં બોલતી કે ‘ણ’ મારો! દરેકનું કોઈક તો હોયને? ક્યારેક તો મને થતું કે મને જે વાદળ ગમે એનું નામ હું ‘ણ’ પાડી દઈશ! જોકે, પછી થતું કે વાદળને ‘ણ’નું નામ આપું તો પછી વ કોનો? હું કન્ફ્યૂઝ થતી ને આવા વિચારોને હડસેલી દેતી. નાની હતીને!
નાની હતી ત્યારે પહેલી વાર વિમાનમાં બેઠી હતી. મને આડાતેડા વિચાર તો પહેલેથી જ આવતા હતાને! મને થતું આનું નામ વિમાન કેમ પડ્યું હતું? તમે વિમાનમાં બેસો એટલે માન વિસ્તરી જાય એટલે? વિમાનમાં બેસીએ એટલે ગુમાન આવી જાય એટલે? મને ગુમાન થયેલું એટલે આવો વિચાર આવતો હતો. મારા આખ્ખા ક્લાસમાં હું જ તો પહેલી હતી જે વિમાનમાં બેઠી હતી! વિમાનનું ગુમાન તો થાય જ ને? જોકે, પેલું વાદળ છેને એ મન અને મગજમાંથી ખસતું જ નહીં. વિમાનને વાદળનું નામ કેમ નહીં આપ્યું હોય, એય અંતે તો આકાશમાં જ ઊડે છેને?
વિમાનમાં બેસવાનો રોમાંચ પણ કદાચ વાદળના કારણે જ હતો. હેં મા! વિમાન વાદળની વચ્ચે જાય? મા હા પાડતી. ત્યારે મન નાચી ઊઠતું કે તો તો હવે હું મારા વાદળને શોધી લઈશ. વિમાન ઊડ્યું અને ધીમે ધીમે વાદળાં તરફ જતું હતું. એક વાદળ જોઈને મને થયું અહાહા! આ તો મારું વાદળ છે. કેવું સુંદર! રૂપાળું. ગમે એવું. પકડવા માટે હાથ ફેલાવ્યો, પણ બારીનો કાચ દુશ્મન બની ગયો. એ વાદળું નજીક ને નજીક આવતું હતું. અચાનક વિમાન વાદળના જંગલમાં આવી ગયું. હું ગભરાઈ ગઈ. મારું વાદળ ક્યાં ખોવાઈ ગયું! આ બધામાં મારું વાદળ ક્યાં ગયું?
હું વાદળ શોધતી રહી. આજે પણ શોધું છું. મને તો દરેક ચહેરા પણ વાદળ જેવા લાગે છે. મારું વાદળ ક્યાં? એ તો હજુ મારા પ્રોફાઇલ પિક્ચરમાં જ છે. એના જેવું વાદળું તો મેં જોયું જ નથી. મારા ઘરની નજીક આવેલા પહાડ ઉપર હું ચક્કર મારતી હતી ત્યાં મને એક ચહેરો દેખાયો. અરે! આ તો મારું જ વાદળ! એણે મારી સામું જોયું તો મને એવું થયું કે, કંઈ હું જ એની રાહ જોતી ન હતી. એને પણ કદાચ મારો ઇન્તજાર હતો. મને થયું, અરે વાહ! વાદળ પણ રાહ જોતું હશે? હા, જોતું હશે, એને પણ વરસવું તો હોય જ છેને? વરસવા અને તરસવામાં અંતે તો તરત થવાની ખેવના હોય છેને?
મારાથી એ વાદળને પુછાઈ ગયું, મારું વાદળ થઈશ? વાદળ મને વીંટળાઈ ગયું. થોડુંક ઠંડું, થોડુંક ગરમ અને કેટલું બધું નરમ! મને થયું કે આ કોઈ ભરમ તો નથીને? મને જ કહેતી, ના ભરમ નથી. ભરમ આટલો આહ્્લાદક ન હોય! હવે હું કંઈ નાની ન હતી કે મને કોઈ ભરમ થાય! ભરમ નહોતો. મેં એને સ્પર્શ કરી જોયો હતો. મારા વાદળને સ્પર્શ. મેં એને અનુભવ્યો હતો. ટાઢક જેવું કંઈ એમ ને એમ તો નહીં લાગતું હોયને!
મારું વાદળ. મારું અંગત વાદળ, મારું પોતીકું વાદળ. મારી પાસે હોય ત્યારે તો હું પણ જાણે વાદળ જ બની જતી. એ આવતો ત્યારે નાની વયે આકાશમાં જોયેલું દૃશ્ય સાકાર થતું. મારું વાદળ મારી નજીક આવે છે. ધીમે ધીમે મારામાં વિલીન થઈ જાય છે. એ વિલીન થાય અને હું તલ્લીન! એ વાદળને ચોમાસાની ગરજ ન હતી. મારા માટે તો બારેમાસ મારું ચોમાસું હતું.
એક વાર મેં એને કહ્યું કે, તું મારું વાદળ અને હું તારી ધરતી. ના, ના. ધરતી નહીં. ધરતી પર તો બધાં વાદળાં અધિકાર જમાવે. હું તારી ધરતી નહીં, પણ તારો ટાપુ. સાવ નાનો ટાપુ. તારા પૂરતો જ. તું વરસે અને ભીંજાઈ જાય એવડો જ ટાપુ. તારા સિવાય કોઈ વાદળની મારે જરૂર જ ન પડે એવો ટાપુ. એ વરસી જતું અને આખો ટાપુ તરબતર થઈ જતો.
મને વાદળની આદત પડી ગઈ. વાદળ વગર મૂંઝારો થાય. મને થતું વાદળને ઓઢી શકાતું હોત તો કેવું સારું થાત? હું ઓઢી જ રાખત. જરાયે આઘું કે અળગું ન થવા દેત! વાદળને કંઈ ઓઢી થોડું રખાય છે? એ દૂર જાય ત્યારે સહન ન થતું.
ઘરે ચા પીતી ત્યારે ચાના મગમાંથી વરાળ ઊઠતી. જાણે વાદળાના રેસા ફૂટતા. જાણે કોઈક વાદળ ઊગતું. હું એમાં એક ચહેરો જોવા મથતી. મારા વાદળને શોધતી. મને થતું મગમાંથી ઊઠતી વરાળનું વાદળું થઈ જાય તો એ વરસે ખરું? હા, વરસી જતું, પણ મારી આંખમાંથી! વાદળને પણ તલસાટ થાય? વાદળને પણ મૂંઝારો થાય? ઘણા પ્રશ્ન થતાં! પછી થતું કે આવશે એટલે પૂછી જોઈશ! જોકે, એ આવે એટલે પ્રશ્નો તો રહેતા જ નહીં! જવાબો જ હતા! મારા બધા જ પ્રશ્નોનો જવાબ, મારું વાદળું!
એક વખત હું મજામાં ન હતી. આ વાદળ કાયમ માટે મારું ન થઈ જાય? કટકે કટકે ક્યાં સુધી જીવવાનું? હું ઉદાસ હતી. વાદળ આવ્યું. એ વરસવાના મૂડમાં હતું. વરસ્યું પણ ખરું. જોકે, મને એ માવઠા જેવું લાગ્યું. વરસતા પહેલાં મોસમનો મૂડ પણ જોવો જોઈએ કે નહીં? વાદળને પણ પછી સમજાયું કે એ કમોસમે વરસ્યું હતું! મને પહેલી વખત લાગ્યું કે વાદળને પણ વેદના થતી હોય છે! વાદળે આખી મોસમ જ ફેરવી નાખી.
હવે હું કાયમ છું. મારું વાદળ હવે મારું હતું. મારું જ. રોજ માટે. હું રોજ રાહ જોતી. એક દિવસ મારું વાદળ ન આવ્યું. મને કહેવાયું, મારું વાદળ હવે નથી. મને કહેવાયું કે તારું વાદળ આવતું હતું ત્યાં બીજાં વાદળોએ એને ઘેરી લીધું. વાદળાં તેની સાથે બેરહેમીથી અથડાયાં.
વાદળાંની અથડામણથી વીજળીઓ થઈ. વીજળી તારા વાદળને ભરખી ગઈ. તારું વાદળ બળી ગયું. હવે એ વરસશે નહીં. જોકે, એ વરસે છે માત્ર મારી આંખમાંથી. મને વીંટળાતું નથી. માત્ર બાઝી જાય છે મારા ગળામાં, એ વરસતું નથી અને મારી તરસ પણ હવે સુષુપ્ત થઈ ગઈ છે. હજુ મારા પ્રોફાઇલ પિક્ચરમાં તો વાદળ જ છે, કાળું વાદળ, એક આખા ટાપુને તરફડતું રાખે એવું કાળું વાદળ!
(ઉત્સવ -2016)