તને યાદ છે એ મારા માટે બહુ મોટી વાત છે : ચિંતનની પળે

તને યાદ છે એ મારા
માટે બહુ મોટી વાત છે

57
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત તને યાદ છે?
– રમેશ પારેખ

કોઈ માણસ ક્યારેય પોતાની વ્યક્તિને દુ:ખી કરવા ઇચ્છતો નથી. માણસ જે કંઈ કરતો હોય છે એ માત્ર પોતાના માટે જ નથી કરતો હોતો, પોતાના લોકો માટે પણ કરતો હોય છે. મારી જાત ભલે ઘસાઈ જાય, પણ મારા અંગત લોકોને એની ઇચ્છા મુજબનું મળવું જોઈએ. એને કોઈ હેરાનગતિ ન થવી જોઈએ. એને એવું ન લાગવું જોઈએ કે મારી પાસે આ નથી. દરેક માણસ પોતાની કેપેસિટી મુજબ પોતાના લોકોની ઇચ્છા અને જરૂરિયાતો પૂરી કરવાના પ્રયાસો કરતા જ હોય છે. ઘણી વખત તો પોતાની ક્ષમતા કરતાં વધુ ખેંચાઈને પણ એ પોતાની વ્યક્તિ માટે કરી છૂટતો હોય છે.

પ્રેમ ક્યારેય ચીજવસ્તુઓ કે જરૂરિયાતો પૂરી કરવા માટે નથી. જોકે, તમે શું કરો છો એના પરથી તમારી લાગણી અને દાનત તો વ્યક્ત થતી જ હોય છે. એક યુવાનની વાત છે. એ ખર્ચ કરવામાં બહુ ધ્યાન રાખે. તેની પાસે જે ચીજ હોય એ ચાલતી હોય ત્યાં સુધી ચલાવે. એની પત્ની એને કહે છે, હવે આ ફેંકી દેને. બહુ થયું. પતિ કહે પણ હજુ ચાલે છે તો શા માટે ફેંકી દઉં. આ જ યુવાન એની પત્ની કંઈ પણ કહે તો એ ફટ દઈને એના માટે લઈ આવે, ખર્ચ કરવામાં જરા પણ વિચાર ન કરે.

માર્કેટમાં નવો મોબાઇલ આવ્યો. પત્નીએ વાતવાતમાં કહ્યું કે, આ મોબાઇલ મસ્ત છે, એનાં ફીચર્સ બેસ્ટ છે. પગાર આવ્યો એટલે એ મોબાઇલ ખરીદીને પત્નીને ગિફ્ટ આપ્યો. પત્નીએ કહ્યું, ગજબનો છે તું. મેં તો માત્ર વખાણ કર્યાં હતાં. જોઈએ છે એમ ક્યાં કહ્યું હતું. મારો મોબાઇલ તો હજુ ચાલે છે. આમ તો તું જ કહેતો હોય છે કે જે વસ્તુ ચાલતી હોય એને શા માટે બદલવી? તું પોતે કંઈ લેતો નથી અને મારે લેવું હોય તો જરાયે વિચાર કરતો નથી. આવું થોડું હોય? પતિએ કહ્યું, એવું હોય. હું મારા માટે ભલે વિચારું, પણ હું તારા માટે તો કંઈ જ ન વિચારું. તારાથી વધુ આ દુનિયામાં છે જ કોણ? તારા માટે તો આટલી મહેનત કરું છું. તને જે ગમે એ લઈ આપવું મને ગમે છે.

તમે ક્યારેય એ વિચાર કરો છો કે તમારી વ્યક્તિએ તમારા માટે ગજા બહાર જઈને શું કર્યું છે? મા-બાપ પાસે ડિમાન્ડ કરો એ પૂરી થઈ જાય છે. એ તમને ખબર પણ પડવા નથી દેતા કે તેમણે કેવી રીતે મેનેજ કર્યું છે. પૂછો તો કહેશે કે એનું તારે શું કામ છે? એની ચિંતા ન કર. આપણા મિત્ર પાસે કંઈ હોય અને એ વસ્તુ આપણી પાસે ન હોય ત્યારે તેની વેદના આપણાં મા-બાપ કે આપણી વ્યક્તિને કેટલી થતી હોય છે એનો અહેસાસ આપણને ક્યારેય હોતો નથી. વાત બાઇક લેવાની હોય કે લેપટોપ, એમણે કેટલી વખત હિસાબ કર્યો હોય છે કે ડાઉન પેમેન્ટ કેટલું ભરવું પડે અને ઇએમઆઈ કેટલો આવે? તમારો હસતો ચહેરો જોવા માટે એ હપ્તો ભરતા રહેશે.

પ્રેમ, લાગણી, સ્નેહ અને આત્મીયતા હોય ત્યારે માણસ પછેડી કરતાં પણ લાંબી સોડ તાણી દેતો હોય છે. તમે આવું કર્યું છે? કર્યું જ હશે. ક્યારેક થોડું તો ક્યારેક વધુ. આવું કર્યું હોય કે કરવાના હોવ તો પણ એક વાત યાદ રાખજો કે જે કંઈ કરો ત્યારે તમારા માટે કરતા હોવ એવું જ વિચારજો. કોઈ જ બદલા કે વળતરની આશા ન રાખતા. એના માટે મેં કેટલું કર્યું, પણ એને હવે મારી કંઈ પડી નથી. તેને કોઈ કદર જ નથી. આવી અપેક્ષા પીડા આપતી હોય છે. વેદના થતી હોય છે. તમે જે કર્યું હોય એ કોઈ યાદ રાખે તો એ સારી વાત છે, પણ એ યાદ રાખશે જ એવી અપેક્ષા ન રાખો.

બાય ધ વે, તમારા માટે કોઈએ કંઈ કર્યું હોય એ તમને યાદ છે? યાદ ન હોય તો થોડુંક યાદ કરજો. એના માટે કંઈ કરી ન શકો તો કંઈ નહીં, ફક્ત એની પાસે જઈને એટલું કહેજો કે તમે મારા માટે ઘણું કર્યું છે. મારી જરૂરિયાતના સમયે તમે ઊભા હતા. દરેક માણસને તેણે કર્યું હોય એ જ સ્વરૂપમાં બદલો જોઈતો હોતો નથી, થોડાક શબ્દો જોતા હોય છે. થોડોક અહેસાસ જોઈતો હોય છે. એને તમારા દિલમાંથી ઊઠતાં અવાજમાં એવું સાંભળવું હોય છે કે તમે મને ખૂબ પ્રેમ કર્યો છે. તમે મારું બહુ ધ્યાન રાખ્યું છે. તમે મારા માટે બહુ હેરાન થયા છો, તમે મારા માટે બહુ મુશ્કેલીઓ વેઠી છે. એને બીજું કંઈ જ જોઈતું હોતું નથી. એક વાર કહી જોજો અને તેની આંખોમાં જોજો, થોડીક ભીનાશ તેની આંખમાં જોવા મળશે અને એવું વાંચવા પણ મળશે કે મેં કર્યું એ વસૂલ. એને મનમાં થશે કે, તને ખબર છે એ મારા માટે ઘણું છે.

તમે કોઈના માટે કંઈ કરો એ પછી તમે એવું ઇચ્છો છો કે તમે તેના માટે જે કર્યું છે એ યાદ રાખે? તો બસ, એટલું કરજો કે ક્યારેય એને યાદ ન અપાવતા. ક્યારેય એવું ન કહેતા કે મેં તારા માટે આટલું કર્યું છે. યાદ અપાવતા રહેશો તો એ ભૂલી જશે. જતાવો નહીં, એને વર્તાવા દો. ઘણા લોકો સતત યાદ અપાવીને પોતે જે કર્યું હોય છે એનું મૂલ્ય શૂન્ય કરી નાખે છે. તને ખબર હોવી જોઈએ કે મેં તારા માટે શું કર્યું છે! તું ભૂલી જાય એ કેમ ચાલે. મારી જરૂર હતી ત્યારે તો બહુ આવતો હતો, બહુ વહાલો થતો હતો, હવે જરૂર નથી એટલે મારો ભાવ પણ પૂછતો નથી. ભાવ એનો જ પુછાતો હોય છે જે પોતાનું મૂલ્ય જાળવી રાખે છે.

જે કરો એ પોતાના માટે કરો. કોઈને મદદ કરવાની હોય તો પણ તમે ફીલ કરો. ફીલ કરાવો નહીં. કોઈ મદદે આવે એનાં કારણો હોય એમાં વાંધો નથી, પણ એ પોતાનાં પૂરતાં હોવા જોઈએ. એક ઓફિસની વાત છે. એક નવો છોકરો કામ પર આવ્યો. એને હજુ કામમાં બહુ ખબર પડતી ન હતી. ઓફિસનાે એક સિનિયર માણસ તેને સતત મદદ કરતો. બહુ બારીકાઈથી એને કામ શિખવાડતો. નાની નાની વસ્તુ એને સમજાવતો. પેલા છોકરાને ક્યારેય સમજાતું નહીં કે આ માણસ મારા માટે કેમ આટલું બધું કરે છે. મારી પાછળ એનો સમય અને શક્તિ વેડફે છે. મારી પાસેથી તો એને કંઈ જ મળવાનું નથી. એક દિવસ તેનાથી ન રહેવાયું, તેણે પૂછી નાખ્યું કે, તમે મારી પાછળ કેમ આટલી મહેનત કરો છો? એ સિનિયરે બહુ હળવાશથી કહ્યું કે, એક માણસનું ઋણ ઉતારવા હું તારી જેમ જ એક વખત નવોસવો નોકરીએ લાગ્યો હતો. મારા એક સિનિયરે મને બધું બહુ પ્રેમથી શિખવાડ્યું. એ માણસ હવે નથી. તું જોઇન થયો ત્યારે મેં નક્કી કર્યું કે મને એણે જેમ બધું શિખવાડ્યું હતું એમ જ હું તને બધું શિખવાડીશ. હું તને શીખવું છું, કારણ કે મને પણ કોઈએ શીખવ્યું છે. તને ગમ્યું હોય તો તું પણ આ આવડત બીજાને પાસે કરજે, આગળ વધારજે. મને તું ન ચૂકવ તો કંઈ નહીં, કોઈ બીજાને ચૂકવજે, કારણ કે કોઈએ મને ન આપ્યું હોત તો કદાચ હું આજે અહીં ન હોત!

દરેક વખતે માણસ માત્ર ફરજ જ નિભાવતો હોતો નથી. પ્રેમ અને સંબંધ પણ નિભાવતો હોય છે, એમાં કોઈ સ્વાર્થ પણ નથી હોતો. કોઈ વ્યક્તિ ગમે છે અને આપણે એના માટે કંઈક કરીએ છીએ. ઘણી વખત આપણે આપીને પણ સમૃદ્ધ થતાં હોઈએ છીએ. તમે કોઈ માટે કંઈ કર્યું હોય અને એવી ઇચ્છા હોય કે એ યાદ રાખે તો એટલું પણ કરજો કે તમારા માટે કોઈએ કંઈ કર્યું હોય એને ભૂલી ન જજો. સારા મોકાએ માત્ર એટલું કહેજો કે, મને યાદ છે, હું કંઈ ભૂલ્યો નથી, તમારા પ્રત્યે મને આદર છે. આટલું જ કહેવાથી એને તમારા પ્રત્યે જે આદર હશે એ અનેકગણો વધી જશે!

છેલ્લો સીન:
આપણું કામ, પછી ભલે તે ગમે તેટલું નાનકડું હોય, જો એ બીજાને સુખી બનાવે, તો તે ઉચ્ચ કક્ષાની મહત્ત્વાકાંક્ષા છે. માનવજાત માટે એ પ્રેરણાદાયી નીવડે છે. – જોન લબોક

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 ઓકટોબર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

26-october-2016-57

Krishnkant Unadkat

Krishnkant Unadkat

6 thoughts on “તને યાદ છે એ મારા માટે બહુ મોટી વાત છે : ચિંતનની પળે

  1. કૃષ્ણકાંતભાઇ,
    નમસ્કાર​…
    ખબર નહિ પણ શા માટે તમારા દરેક લેખનો મને ઇંતેજાર રહે છે.
    હુ તમને એક વાતના ખાસ અભિનંદન આપુ છુ કે હું તમારા લેખ વાંચી વાંચીને માનસિક રીતે એકદમ મજબુત બન્યો છુ.
    આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *