મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
સંદેશની વિશેષ અર્ધસાપ્તાહિક પૂર્તિ
મેઘમલ્હાર
માં પ્રસિધ્ધ થયેલો લેખ
-કૃષ્ણકાંત ઉનડકટ
વરસાદ વરસે અને પલળવાનું મન થઈ આવે તો માનજો કે તમે યુવાન છો. વાદળ ગરજે અને દિલનો એકાદ ધબકારો પણ વધે તો માનજો કે તમે યુવાન છો. ભીંજાયેલા શરીર સાથે સંવેદનાઓ ઉછળે તો માનજો કે તમે યુવાન છો. વરસતાં વરસાદમાં મન થોડુંક લપસે તો માનજો કે તમે યુવાન છો.
ચોમાસું તરસવાની અને વરસવાની મૌસમ છે. ચોમાસામાં તમામ પ્રકારની ભૂખ ઊઘડે છે. માશૂકાના ગાલ પરથી સરકતા બારીશના બુંદમાં ઉર્મિઓ વહેતી રહે છે. જે પ્રેમીઓ વરસાદમાં ભીંજાયા નથી તેનો પ્રેમ કોરો છે. ઉનાળો સૂકવે છે, શિયાળો સંકોચે છે પણ ચોમાસું વરસે છે અને ગરજે છે. વરસાદનાં વાણાં વાય ત્યારે આપણે કહીએ છીએ કે ચોમાસું બેઠું. હકીકતે ચોમાસું બેસતું નથી, ચોમાસું ઊગે છે,ચોમાસું ખીલે છે, ચોમાસું મહેકે છે. પહેલા વરસાદે ઊઠતી ભીની માટીની સુગંધનો કોઈ પર્યાય કે વિકલ્પ નથી. ઊંડો શ્વાસ લઈ માટીની એ મહેકને અંદર ઉતારીએ ત્યારે આપણે પણ થોડાક તરબતર થતાં હોઈએ છીએ.
દુનિયાનો કોઈ કવિ એવો નહીં હોય જેણે વરસાદ પર કવિતા ન લખી હોય. ચોમાસાની વાત આપણાં કવિ રમેશ પારેખની પંક્તિઓ વગર અધૂરી રહે. રમેશ લખે છે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. વરસાદની પળોમાં દરેક વ્યક્તિ આ પંક્તિઓ જીવે છે.
હિન્દી ફિલ્મોના દૃશ્યો યાદ કરો. હીરો અને હિરોઈન બગીચામાં ઊભાં છે. અચાનક વીજળીનો કડાકો થાય છે અને હિરોઈન હીરોને વળગી જાય છે. આવું શા માટે થાય છે? આ વિશે સંશોધન કરનાર અમેરિકાની સેક્સોલોજિસ્ટ ડોક્ટર જુડી કુરિયાંસી કહે છે કે એક તો પ્રેમીની હાજરીમાં પ્રેમિકા આમ પણ રોમાંચિત હોય છે, એવામાં ગરજતી વીજળી પ્રેમિકાના દિલમાં ભય ઉત્પન્ન કરે છે. અને તે પ્રેમીને વળગી જાય છે. પ્રેમી માટે અચાનક આવી પડેલી આ ક્ષણ વરસી જવા મજબૂર કરે છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડો. સ્ટુઅર્ટ કહે છે કે વરસાદ પ્રેમીઓ માટે રોમાંચક ક્ષણો પેદા કરે છે. વીજળીના કડાકાથી થતો પ્રેમિકાનો અણધાર્યો સ્પર્શ પ્રેમીમાં ઉત્તેજના પ્રગટાવે છે. આ ડોક્ટરનો અભ્યાસ કહે છે કે આવા સમયે શરીરમાં ઓક્સીટોન, એડ્રેનોલિન,ટેસ્ટોરેન્ટ જેવાં રસાયણોનો તીવ્ર સ્રાવ થાય છે અને એ શરીરની આગ ભડકાવે છે. આ બધી તો તનની વાત થઈ પણ ખરા અર્થમાં તો મન પુલકિત થતું હોય છે.
યુનિવર્સિટી ઓફ લંડનનો અભ્યાસ વળી એવું કહે છે કે વરસાદમાં ભીંજાયા પછી શરીરમાંથી એક અલગ પ્રકારની સુગંધ પ્રગટે છે. જે એકબીજા તરફ આર્કિષત કરે છે. યુનિવર્સિટી ઓફ પીટસબર્ગનો અભ્યાસ વળી એવું કહે છે કે વરસાદની પોતાની એક ખુશ્બુ હોય છે, જે માણસને રોમાંચિત કરે છે. ઉનાળામાં માણસનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે અને ચોમાસામાં એકદમ કૂલ.
ચોમાસામાં વિરહ વધુ વ્યાકુળ બનાવે છે. જુદાઈ વધુ જલદ બની જાય છે. આંખમાં યાદોનું એક વાદળ રચાય છે અને પાંપણોને જાણે પરસેવો બાઝી જાય છે. ભીની આંખોની મોસમ ભારેખમ હોય છે. પ્રેમીની હાજરીમાં જે વરસાદ લથપથ કરતો હોય છે એ જ વરસાદ પ્રેમીની ગેરહાજરીમાં લોથપોથ કરી નાખે છે. વિરહમાં વરસાદનો પણ થાક લાગે છે અને બારિશની બુંદ પણ ભારેખમ લાગે છે. તારા વગર આ વરસાદ વસમો લાગે વાલમ, તારી યાદ આવે અને એક વસવસો જાગે વાલમ. વરસાદ વરસે એ જોઉં કે તારા વગર હું એકલી એકલી રોઉં?
વરસાદ બાળકો માટે છબછબિયાંની મોસમ છે. ખાબોચિયામાં પગ પછાડવાની મજા અને આકાશ તરફ મોઢું રાખી ખુલ્લી આંખ અને મોંમાં વરસાદ ઝીલવાની મજા એ બચપણનું શ્રેષ્ઠ સંભારણું છે એટલે જ જગજિતસિંહે ગાયેલું ગીત, ‘વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની’ આપણામાં સંતાઈ ગયેલા બાળકને પાછું જીવતું કરી દે છે. આવો જ એક એસએમએસ એક મિત્રએ કર્યો, ‘બચપન કી વો અમીરી ન જાને કહાં ખો ગઈ, વરના કભી બારિશ કે પાની મેં હમારે ભી જહાજ ચલા કરતે થે.’ ઉંમરની સાથે વરસાદની વ્યાખ્યાઓ બદલાતી રહે છે. એક બુઝુર્ગે કહ્યું કે માણસના માથાના વાળ પહેલાં કાળા હોય છે પછી ધોળા થાય છે. વાદળ પણ પહેલાં કાળાં હોય છે અને વરસી ગયા પછી ધોળા થાય છે. વાદળ શીખવે છે કે વરસતા રહો તો ધોળા થવાનો વસવસો નહીં રહે. જિંદગી વરસવા માટે છે.
વરસાદની મોસમમાં પ્રકૃતિનો અણુએ અણુ ખીલી ઊઠે છે. ઝાડ જાણે હસતાં હોય એવું લાગે છે. મોર અને ચાતક તો વરસાદને વધાવનારા જીવ છે.વરસાદ તો માણસને પણ ખીલવા અને નાચવા મજબૂર કરી દે છે.
એની વે, જવા દો બધી વાત, એટલું કહો કે તમે આ વરસાદમાં ભીંજાયા કે નહીં? ન પલળ્યા હો તો વરસાદમાં તરબતર થઈ જજો. અને થોડીક ટાઢક દિલમાં સાચવી રાખજો, આવતાં ચોમાસા સુધી કામ લાગશે.
કૃષ્ણકાંતભાઈ ખુબ સરસ આપ ઘણા હકારાત્મક અભિગમ લોકોને આપો છો ..અને એટલેજ મેં આપનાં લેખમાંથી અમુક વાત મારા બ્લોગ પર મૂકી છે ..આપ અમારા બ્લોગની મુલાકાત જરૂર લેજો .http://shabdonusarjan.wordpress.com/about/
વાહ ઉત્તમ લેખ વાંચી ને મઝા આવી ગઈ
Thank you