ઝડપ રાખજો પણ ઉતાવળા થતાં નહીં
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ.
નહીંવત્ કામિયાબી પર નકામો ગર્વ શા માટે ? જગે એવા વિજયની કોઈ મહત્તા થઈ નથી શકતી,
કે આવે પૂર ત્યારે વિસ્તાર પામે છે નદી કિંતુ, સમંદરના સમી એની ગહનતા થઈ નથી શકતી.
–દીપક બારડોલીકર
માણસને કઈ બે વસ્તુની સૌથી વધુ ઇચ્છા હોય છે? સફળતા અને સંપત્તિ. આ વસ્તુઓને મેળવવા માટે માણસ કઈ બે વસ્તુને દાવ પર લગાડતો હોય છે? એ છે સુખ અને શાંતિ. આપણે એક વાત વારંવાર કહીએ અને સાંભળીએ છીએ કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. અલબત્ત, એ વિચાર કરીએ છીએ કે આપણે શું મેળવવા માટે શું ગુમાવીએ છીએ? હા, સફળતા મેળવવા માટે માણસે પોતાની તમામ શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કરવો જોઈએ. મહેનત વગર સફળતા કે સંપત્તિ મળવાની નથી. પણ એ મેળવવા માટે તમે ઓવરસ્પીડ તો નથી જઈ રહ્યાને?
દરેક વસ્તુની એક નિશ્ચિત ક્ષમતા હોય છે. દરેક ક્ષમતાની એક હદ હોય છે. રબરને તમે ખેંચીને લાંબું કરી શકો પણ તેને વધુ પડતું ખેંચવા જાવ તો તૂટી જાય. રબર પાછળનું એક લોજિક જિંદગીને પણ લાગુ પડે છે, તમને ક્યારેક ને ક્યારેક રબરના આ લોજિકનો અનુભવ પણ થયો જ હશે. ન થયો હોય તો આ પ્રયોગ કરી જોજો. રબરને લઈને બંને તરફ જોરથી ખેંચજો. વધુ પડતું ખેંચશો એટલે રબર તૂટશે અને એના છેડા બંને હાથમાં ચમચમી જાય એવા વાગશે. જિંદગીનું પણ એવું છે. ઉતાવળ કરવા જઈએ તો બમણો પસ્તાવો થાય.
ઉતાવળ અને અધીરાઈ એ આધુનિક સમયની સૌથી વધુ સતાવતી સમસ્યા છે. બધાને બધું જ ઝડપથી મેળવી લેવું છે. માણસનું ચાલે તો ચોવીસ કલાકને તાણીને છત્રીસ કલાક કરી નાંખે. તમે માર્ક કરજો, કુદરત તેની રિધમ મુજબ જ ચાલે છે. સૂરજ એની સ્પીડે જ ચાલે છે, ફૂલ એની ઝડપે જ ખીલે છે. કોઈ પણ જીવ એના નિર્ધારિત સમય પછી જ જન્મે છે. જે વહેલું આવી જાય છે તેને આપણે પ્રિમેચ્યોર કહીએ છીએ અને જે પ્રિમેચ્યોર હોય છે એ હંમેશાં નબળું હોય છે.
ગુજરાતીમાં તો કેટલી બધી કહેવતો છે. ઉતાવળે આંબા ન પાકે. ધીરજનાં ફળ મીઠાં. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. આ જ કહેવતોના અર્થમાં ક્યાંય ધીરજનો મર્મ સમાયેલો છે. ધીરજનો મતલબ જરાયે એવો નથી કે બધું ચાલતું હોય એમ ચાલવા દેવું. જિંદગીમાં ઝડપ જરૂરી છે પણ એટલી ઝડપ નહીં કે તમે હાંફીને પડી જાવ. માણસ જે કંઈ કરે છે એ સરવાળે સુખ અને શાંતિ માટે કરે છે. જો તમને આ સુખનો અને શાંતિનો અહેસાસ જ ન થાય તો કોઈ સફળતા કે સંપત્તિ તમને કંઈ જ આપી શકવાની નથી.
સાચી વાત તો એ છે કે મહેનતની પણ મજા આવવી જોઈએ. જ્યાં સુધી તમે તમારી મહેનતને એન્જોય કરો છો ત્યાં સુધી બધું જ વાજબી છે, પરંતુ જ્યાં મજા પૂરી થાય છે ત્યાંથી મજૂરી શરૂ થાય છે. ઘણાં લોકોને કામ કરતાં જોઈ લોકો કહે છે કે એ વેઠ ઉતારે છે,વેઠ ઉતારનારો કામ તો કરતો જ હોય છે પણ જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કરતો હોતો નથી. ઝડપથી ચાલવું જરૂરી છે પણ એ પણ જોવું જોઈએ કે આપણે જે તરફ જઈએ છીએ એ દિશા તો બરાબર છેને?
માણસને થાક લાગે ત્યારે એણે પોરો પણ ખાવો જોઈએ, જો આવું ન કરે તો એ ચક્કર ખાઈને પડી જાય છે. ઝડપ પણ વાજબી હોવી જોઈએ અને જ્યાં જેટલી ઝડપની જરૂર હોય ત્યાં એટલી જ ઝડપ રાખવી જોઈએ. એક સરસ વાર્તા છે. એક માણસ ચાલીને એક ગામ જતો હતો. એ જે ગામ જતો હતો એ ગામના દરવાજા સૂર્યાસ્ત થાય એટલે બંધ થઈ જતા હતા. એ માણસને એ ચિંતા કોરી ખાતી હતી કે ગામના દરવાજા બંધ થઈ જાય એ પહેલાં હું એ ગામ પહોંચી શકીશ કે નહીં?
એ માણસ ઝડપથી ચાલતો હતો. માર્ગમાં એક સંતની ઝૂંપડી આવી. માણસે સંતને વંદન કરીને પૂછયું કે મહારાજ, સૂર્યાસ્ત થાય અને ગામના દરવાજા બંધ થઈ જાય એ પહેલાં હું એ ગામે પહોંચી જઈશ? સંતે કહ્યું કે ધીમે ધીમે જશો તો પહોંચી જશો. માણસને થયું કે આ સંતનું દિમાગ બરાબર કામ કરતું લાગતું નથી. એ તો મને ઊંધી સલાહ આપે છે.
સંતની સલાહને અવગણીને એ ઝડપથી ચાલવા લાગ્યો. આગળનો રસ્તો એકદમ ખાડા-ખબડાવાળો હતો. ઝડપથી ચાલવામાં એ માણસ ઠેબાં ખાઈને પડી જતો હતો. અધવચ્ચે જ એ માણસ ફસકી પડયો. સૂર્યાસ્ત થવાને હજુ વાર હતી પણ એ ચાલી શકે એવી ક્ષમતા જ એનામાં રહી ન હતી. ત્યારે એને સંતની વાત સમજમાં આવી કે ઉતાવળ કર્યા વગર ધીમે ધીમે ગયો હોત તો હું ચોક્કસ પહોંચી જાત, આ જ ઉદાહરણ સફળતા અને જિંદગીને લાગુ પડે છે.
પ્રયત્ન ચોક્કસ કરો, પૂરતા અને અઢળક પ્રયાસો કરો પણ એની રિધમ જાળવી રાખો. સંબંધોનું પણ એવું જ છે. સંબંધને પણ સમય આપવો જોઈએ. કોઈ સંબંધ ઉપર તરત જ ચોકડી મૂકી દેવી ન જોઈએ કે કોઈ સંબંધને તરત જ સાચા પણ માની લેવા ન જોઈએ.
એક કુંભાર હતો. સંબંધ વિશે તેણે કહ્યું કે હું માટલું બનાવું છું. માટીનો લોંદો ચાકડે ચડાવી તેને માટલાનો ઘાટ આપું છું પણ ચાકડા ઉપર માટલું બને કે તરત જ તેમાં પાણી ભરી શકાતું નથી. માટલાને ભઠ્ઠામાં પકાવવું પડે છે. જે માટલું આખેઆખું પાકે એમાં જ પાણી ભરાય છે. ઘણાં માટલાંમાં તો પકવતી વખતે જ તિરાડ પડી જાય છે. પાણી પૂરું ભરાય અને ટાઢક વળે એવું ઠંડું થાય તે માટે રાહ જોવી પડે છે.
એટલે જ વડીલો કહેતાં હોય છે કે કોઈ બાબતે કે કોઈ વિશે ફટ દઈને અભિપ્રાય આપી ન દેવો. ઉતાવળે આપેલો અભિપ્રાય ખોટા પડવાના સૌથી વધુ ચાન્સીસ હોય છે. આપણે ઘણી વખત એવી વાત કહીએ કે એ વ્યક્તિ તો ખરેખર ખૂબ જ સારી, સમજુ, ડાહી અને હોશિયાર છે. આવા વખતે આપણને ઘણી વખત એવો જવાબ મળે છે કે એ તો નીવડે વખાણ! મતલબ કે પહેલાં ઓળખવા દો.
કોઈ પણ બાબતમાં અધિરાઈ હંમેશાં અધોગતિ તરફ જ લઈ જતી હોય છે. નિર્ધારિત સમયે નિર્ધારિત સ્થળે પહોંચવું હોય તો સ્પીડ મેઇન્ટેઇન રાખો, ન ધીમી, ન અતિશય ફાસ્ટ. ધીરજ એટલે ઝડપ અને ઉતાવળ વચ્ચેનું સ્પીડબ્રેકર. આ સ્પીડબ્રેકર ઉપર જો ગાડી ધીમી નહીં પાડો તો ગાડી ઉલળી જશે અને યાદ રાખજો કે મહેનતની પણ મજા આવવી જોઈએ. મજા આવતી હોય એવા કામમાં ક્યારેય વેઠ ઊતરતી નથી. જો ધ્યાન ન રાખીએ તો જીવવામાં પણ વેઠ ઉતારતાં હોઈએ એવું થઈ જાય છે. બધી જ બાબતોને એન્જોય કરશો તો ક્યારેય કોઈ વાતનો અફસોસ નહીં થાય.
છેલ્લો સીન :
સામાન્ય માણસ જે કામ મુશ્કેલીથી કરી શકે, તેને જે સહજમાં કરી નાખે એ માણસ યોગ્ય અને હોશિયાર છે. પણ યોગ્ય અને હોશિયાર માણસ જેને અશક્ય કરે તેને કરી આપનાર પ્રતિભાશાળી છે. –એમાઈલ.
(‘સંદેશ’. તા.13મી જાન્યુઆરી,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com