મને કહે તો ખરા, તું કેમ ઉદાસ છે?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ગૈર તો સિર્ફ હવા દેતે હૈં, આગ અપને હી લગા દેતે હૈં,
રોજ અચ્છે નહીં લગતેં આંસુ, ખાસ મૌકોં પે મઝા દેતે હૈં.
– મુહમ્મદ અલવી
ઉદાસી,ખામોશી અને નારાજગી ઘણી વખત આપણે ઇચ્છતા ન હોઈએ તો પણ ચડી આવતી હોય છે. ક્યારેક કોઈ કારણ વગર જ મજા આવતી નથી. આપણને એવું થાય છે કે કંઈ વિચારો જ ન આવતા હોત તો કેવું સારું હતું! મન પણ ક્યારેક મૂરઝાઈ જતું હોય છે. ઉદાસી પંપાળવાની ચીજ નથી. ઉદાસી ખંખેરવાની વસ્તુ છે. ઉદાસી હાવી થઈ જાય ત્યારે એ આપણને ધીમે ધીમે અંદર ખેંચતી જાય છે. ક્યાંય જીવ નથી લાગતો. કંઈક વાંચવાનું વિચારીએ તો લખાણ ઉપર માત્ર આંખો ફરતી હોય છે. શું વાંચીએ છીએ એની ખબર જ નથી હોતી. ટીવી જોવા બેસીએ તો અવાજ જાણે ઉપદ્રવ કરતો હોય એવું લાગે. હૃદયના ધબકારા સ્પષ્ટ સંભળાય એ રીતે દિલ ગાજતું હોય છે.
દરેક હસતો માણસ ખુશ હોય એ જરૂરી નથી. ઉદાસી ઢાંકી શકે એવો કોઈ મેકઅપ બન્યો નથી. ચહેરો ચાડી ખાઈ જતો હોય છે. જાણીતો માણસ પણ અજાણ્યો લાગવા માંડે છે. કેટલી બધી દ્વિધા,મૂંઝવણ અને પ્રશ્નો દિલમાં ધરબીને માણસ હસવાનો ડોળ કરતો હોય છે! આખી દુનિયાને હસાવનાર ચાર્લી ચેપ્લીને કહ્યું છે કે મને વરસાદ ગમે છે, કારણ કે હું રડતો હોવ તો કોઇને ખબર પડતી નથી! દરેક માણસ ક્યારેક તો કોઈને ખબર ન પડે એમ છાનાખૂણે રડયો જ હોય છે!
કેવું છે, માણસ જન્મે ત્યારે સૌથી પહેલાં એ રડે છે અને પછી રડી શકતો નથી! માણસ બધા સાથે હસી શકે છે પણ બધા સાથે રડી નથી શકતો. રડવું તો છે પણ કોની સામે રડવું? મારાં આંસુનો મતલબ એ સમજી શકશે? મારાં આંસુની ભીનાશ એને સ્પર્શશે! વખાણ ઘણી વખત ઓળખાતાં નથી પણ સાંત્વના છતી થઈ જતી હોય છે. ખોટાં વખાણ માણસ સહન કરી લે છે પણ નકલી સાંત્વના માણસથી સહન નથી થતી. ક્યારેય સાંત્વના આપવાનું નાટક ન કરવું જોઈએ, કારણ કે એ પકડાઈ જતું હોય છે! સાંત્વના દિલમાંથી ફૂટવી જોઈએ, દિમાગમાંથી નહીં. દિલમાંથી નીકળેલા શબ્દો જ દિલ સુધી પહોંચે છે.
ફોર્માલિટી ખાતર સાંત્વના આપવી એ કોઈના દુઃખી દિલને ઠેસ પહોંચાડવા બરાબર હોય છે. ઓફિસમાં કે પાડોશમાં કોઈ અપસેટ હોય ત્યારે આપણે એવું પૂછી લેતા હોય છીએ કે, આર યુ ઓલરાઈટ? આવું પૂછો ત્યારે જવાબ એવો જ મળે કે યસ યસ, આઈ એમ ફાઈન! આપણે સમજતા હોઈએ છીએ કે એ ફાઈન નથી છતાં આપણે એના જવાબથી આપણી ફરજ પૂરી કરી લીધાનો સંતોષ માની લઈએ છીએ! મિત્રો કારણ પૂછતાં નથી, એ કારણ શોધી લે છે અને ખબર ન પડે એમ એનું નિરાકરણ પણ કરી નાખે છે. બે મિત્રો સાથે કામ કરતાં હતા. એક મિત્ર એક દિવસે મજામાં ન હતો. બીજા મિત્રએ કહ્યું કે, ચલ કેન્ટીનમાં ચા પીવા જઈએ.આડીઅવળી વાતો કરી, ગપ્પાં માર્યાં પણ ઉદાસ મિત્રને બહુ અસર થતી ન હતી. આખરે એણે મિત્રનો હાથ પકડીને કહ્યું કે મારી સામે જો, આંખ સામે આંખ મંડાતા જ ઉદાસ મિત્રની આંખો ભીની થઈ ગઈ. આ વાત મને પરેશાન કરે છે એમ કહી બધી જ વાત કરી. મિત્રએ કહ્યું, ડોન્ટ વરી, થઈ રહેશે,નાઉ ચીઅર-અપ! ઓફિસેથી છૂટતી વખતે એના મિત્રએ કહ્યું કે મને ખબર છે કે મારી મૂંઝવણ એટલી મોટી ન હતી પણ મારી ઉદાસી મોટી હતી. તું મને તેમાંથી બહાર લઈ આવ્યો. જેની પાસે સાચા મિત્રો હોય તેને મનોચિકિત્સકોની જરૂર પડતી નથી!
જેની પાસે એવી એકેય વ્યક્તિ નથી જેને એ પોતાના દિલની બધી જ વાત કરી શકે એ માણસ દુનિયાની સૌથી ગરીબ વ્યક્તિ છે. ઘણાં લોકો પાસે તો વળી વાત કહી શકાય એવી અંગત વ્યક્તિ હોય છે પણ એ લોકો કોઇને પોતાની અંગત વાત કહેતા હોતા નથી. એક પાગલ માણસ હતો. રોડ ઉપર આંટા મારતો રહે અને બધાને કહેતો ફરે કે મારી સાથે બેસ, મારી વાત સાંભળ.પાગલ હતો એટલે એની પાસે કોઈ બેસતું ન હતું. એક માણસે એ પાગલના જૂના મિત્રને પૂછયું કે એ કેમ પાગલ થઈ ગયો? મિત્રએ કહ્યું કે જ્યારે એ ડાહ્યો હતો ત્યારે એ કોઈને કહેતો નહીં કે મારી વાત સાંભળ! અમે પૂછતાં તો પણ કંઈ ન કહેતો અને હવે બધાને કહેતો ફરે છે કે મારી વાત સાંભળો! પોતાની વ્યક્તિ પાસે ઓપન અપ થવું એ પણ નજદિકીયાંની જ એક નિશાની છે. કોઇએ તો તમને નજીક રાખવા જ હોય છે પણ તમે જ દૂર ભાગતા રહો તો એમાં વાંક બીજા કોઈનો હોતો નથી!
એક બીજી વાત એ કે ઉદાસી એ આખી દુનિયાને કહેવાની પણ વસ્તુ નથી, એ તો એક-બે લોકો વચ્ચે જ વહેંચવાની ચીજ છે. તમારી ઉદાસીથી જેને ફેર પડતો હોય એને જ વાત શેર કરવાનો મતલબ હોય છે. ફેસબુક પર આઈ એમ ફિલિંગ સેડના સ્ટેટસને લાઈક કરવાવાળા પણ ઘણાં હોય છે. પોતાની વ્યક્તિ તો મોબાઈલ પર ધીમો કે ઉદાસ અવાજ સાંભળીને એમ પૂછતી નથી કે શું વાત છે પણ એ તરત પહોંચી જાય છે. તું ક્યાં છે? ચલ હું આવું છું. એમ જ ફ્રી છું એટલે તારી પાસે આવવાનું મન થયું. બધાં જ મહત્ત્વનાં કામ બાજુએ મૂકીને એ આવી પહોંચે છે. તમારી પાસે એવી વ્યક્તિ છે જેની પ્રાયોરિટીઝ તમારી ઉદાસીથી ટોપ પર પહોંચી જાય છે, જો હોય તો તમે સૌથી વધુ નસીબદાર માણસ છો.
બે વ્યક્તિ જ્યારે મજામાં ન હોય ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે, વાંક બેમાંથી કોઈનો નથી હોતો. ઘણી વખત વાંક સમયનો હોય છે. આવા વખતે સમયને સાચવી લેતાં આવડવું જોઈએ. સમય માણસની પરીક્ષા લેતો રહે છે. પ્રેમ હોય છતાં ક્યારેક એવું થઈ જાય છે જે ન થવું જોઈએ.ઉદાસી પણ અથડામણ માટેનું એક કારણ હોય છે. ઘણી વખત તો ખુદ આપણને સમજાતું નથી કે આવું કેમ થયું? મારે આવું કરવું ન હતું. બે પ્રેમીઓ વચ્ચે ઝઘડો થયો. એક-બીજાં સાથે બોલાચાલી કરી બંને ચાલ્યાં ગયાં. બંનેએ વિચાર કર્યો કે આવું કેમ થયું? યુવાને કહ્યું કે મારો મૂડ ન હતો એમાં એણે એવી વાત છેડી કે મને ગુસ્સો આવી ગયો. યુવતીએ કહ્યું કે મારી એવી કોઈ દાનત ન હતી કે તેને નારાજ કરું. ઉદાસીને સંભાળતા ન આવડે તો એ ગુસ્સામાં પરિવર્તિત થઈ જાય છે. પ્રેમીઓ અને મિત્રો વચ્ચેના ઝઘડાનાં કારણો મોટાભાગે સામાન્ય હોય છે. ખરેખર ગંભીર બાબતે બહુ ઓછા મતભેદો થતાં હોય છે. વાત ગંભીર હોય ત્યારે વ્યક્તિ પણ ગંભીરતાથી વર્તે છે. મજાક નારાજગી અને ઉદાસીનું કારણ બની જતી હોય છે.
ઉદાસીથી કોઈ બચી શક્યું નથી. દરેકને ક્યારેક ને ક્યારેક ઉદાસી ઘેરી વળે છે. માણસને એક વાર તો જિંદગીમાં બધું જ છોડી દેવાનું મન થયું જ હોય છે. કોઈ વાતનો કોઈ મતલબ જ લાગતો નથી. આવું થાય ત્યારે વહેલી તકે આવી મનોવૃત્તિમાંથી નીકળી જવામાં જ સાર હોય છે. તમે કોઈની ઉદાસીને સમજી શકો તો માનજો કે તમે તેની નજીક છો. આવા સમયે શાંતિથી એને પૂછજો કે મને કહે તો ખરાં કે તું કેમ મજામાં નથી? ઘણી વખત માત્ર વાત કહી દેવાથી હળવાશ વ્યાપી જતી હોય છે. તમારી સંવેદના કોઈની સંજીવની બને તેમ હોય ત્યારે એ મોકો જવા ન દેતા, કારણ કે એવા સમયે જ સ્નેહ સાર્થક થતો હોય છે.
છેલ્લો સીન :
કોઈ પણ માણસ ગુસ્સે થઈ શકે છે. ગુસ્સે થવું બહુ સહેલું છે, પરંતુ ખરા માણસ ઉપર,ખરી હદ સુધી,ખરે સમયે,ખરા કારણ માટે અને ખરી રીતે ગુસ્સે થવું એ સહેલું નથી. –એરિસ્ટોટલ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 09 ફેબ્રુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com