હું એને સમજતી હતી એવો એ જરાયે નથી!
|
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
કુછ ઇસ તરહ મૈંને જિંદગી કો આસાં કર લિયા,
કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા.
-મિર્ઝા ગાલીબ
આ પણે બધાં જ આપણી વ્યક્તિને ઓળખતાં હોવાનો દાવો કરતાં હોઈએ છીએ. મને ખબર છે કે એ કેવો માણસ છે, હું એને ઓળખું છું. અમુક સંજોગોમાં આપણી વ્યક્તિ કેવું વર્તન કરશે, એની આપણે પૂર્વધારણા બાંધી લઈએ છીએ. અમુક વખતે તો આપણે જ કોઈના વતી નિર્ણય સુણાવી દઈએ છીએ. રેવા દેને, એ નહીં આવે. ખોટી મહેનત કરવાનો કોઈ મતલબ નથી. આપણે સોનાની જાળ શા માટે પાણીમાં નાખવાની? દરેક વ્યક્તિ માટે આપણે એક અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ અને આપણે એને સાચો જ માનવા લાગીએ છીએ.
મોટાભાગના લોકો પોતાના પ્રેમી, ઘરના સભ્ય, બોસ, સાથી કર્મચારી અથવા તો કોઈને પણ કોઈ પ્રશ્ન પૂછવા જાય એ પહેલાં એનો જવાબ શું હશે તેની કલ્પના કરી લેતા હોય છીએ. હું આમ કહીશ એટલે એ આવું કહેશે. કોઈના તરફથી આપણે જ જવાબ આપી દેતા હોઈએ છીએ. મોટાભાગનાં સંતાનો પિતા પાસે કોઈ વાતની મંજૂરી લેવા માટે માતાનો ઉપયોગ કરતાં હોય છે. એ ધારી લે છે કે હું પપ્પાને આ વાત કરીશ તો એ નહીં માને. ઘણી વખત તો પપ્પા સામેથી કહેતાં હોય છે કે તું મને ડાયરેક્ટ કેમ નથી કહેતો?તારી વાત કહેવા માટે તારે કેમ મમ્મીની જરૃર પડે છે? તને તારા કન્વિન્સિંગ પાવર પર ભરોસો નથી?
એક આશ્રમમાં ગુરુ તલવારબાજી શીખવતા હતા. એક શિષ્ય પાસે તલવાર હતી. તે સરસ તલવારબાજી કરતો હતો. એ શિષ્યને હરીફ સાથે સ્પર્ધામાં ઊતરવાનું હતું. ગુરુએ પૂછયું, તારી ઢાલ ક્યાં છે? શિષ્યએ કહ્યું કે મારી પાસે ઢાલ નથી. હું મિત્રની ઢાલ લઈ લઈશ. ગુરુએ કહ્યું કે લડાઈમાં તલવાર પણ તારી જ હોવી જોઈએ અને ઢાલ પણ. કોઈની ઢાલ તને ન ફાવે તો? માત્ર ઘોડો સારો હોય એ પૂરતું નથી, લગામ પણ મજબૂત હોવી જોઈએ. પરીક્ષા આપતી વખતે આપણને આપણી જ પેન ફાવે છે. તમે કોઈના પર આધાર ન રાખી શકો. સંતાનોને પણ પહેલેથી એ જ શીખવવું પડે છે કે તમારા નિર્ણયો તમે લો. મોટાભાગે મા-બાપ સંતાનો વતી નિર્ણયો લઈ લેતાં હોય છે અને પછી આદેશ આપી દેતાં હોય છે. એ લોકો એવું જ ધારી લે છે કે સંતાનો એ જેવું વિચારે છે એવું જ વિચારતાં હશે. પૂર્વધારણાઓ મોટાભાગે ખોટી પડતી હોય છે.
આ કામ મારાથી નહીં થાય એવું વિચારી માણસ ઘણાં કામોની શરૃઆત કરવાનું જ મુલતવી રાખે છે. માણસ પોતાના વિશે પણ કંઈ ઓછા અભિપ્રાય બાંધી નથી લેતો! પ્રયત્ન પહેલાં જ નિષ્ફળ થઈ જનારા લોકોની સંખ્યા મોટી છે. આપણે બધું આપણી રીતે જ માની લેતા હોઈએ છીએ. તમને ખબર છે દુનિયામાં સૌથી વધુ સંવાદો માણસના માની લેવાને કારણે જ થતા હોતા નથી! એટલે જ ઘણી વખત લોકો એવું કહેતાં હોય છે કે તું એક વાર મળ તો ખરો. તેની સાથે વાત તો કરી જો. ટ્રાય કરવામાં શું જાય છે? થઈ થઈને શું થવાનું છે? આમ છતાં આપણે ઇનિસિએટિવ નથી લેતા. આપણે જ ધારી લઈએ છીએ કે આવું થશે!
ઘણાં પ્રેમીઓ આવી ધારણાઓને કારણે જ મા-બાપને કહી નથી શકતાં કે હું એને પ્રેમ કરું છું. પોતાની રીતે મેરેજ કરી લે અને ભાગી જાય, પણ મા-બાપને કહેવાની હિંમત નથી કરતાં. ઘણી વખત તો કંઈ બની જાય પછી મા-બાપ કહેતાં હોય છે કે અમને એક વાર વાત તો કરવી હતી! અમને પૂછયું હોત તો કંઈ ના પાડત? ના પાડી હોત અને પછી આવું કર્યું હોત તોપણ ઠીક છે, પણ તેં તારી રીતે જ બધું ધારી અને માની લીધું!
કોઈ કેવું વર્તન કરશે એ તમે નક્કી કરી ન લો. એક વખત એ જ બાબતમાં ના થઈ ગઈ હોય તો બીજી વખત પણ ના જ હશે એવું ધારી ન લો. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે માણસ બદલતો હોય છે, સમજ બદલતી હોય છે, સંજોગો બદલતા હોય છે. ઘણી વખત તો ના પાડનારને પણ સમજાતું હોય છે કે પોતે ભૂલ કરી છે. એને એ ભૂલ સુધારવી પણ હોય છે. તમે એને મોકો જ ન આપો તો શું થાય? દિલની વાત દિલમાં દબાવી ન રાખો. પોતાના લોકોથી જ ભાગીને તમે જશો તો ક્યાં જશો?
દાંપત્યજીવનમાં અત્યારે સૌથી મોટો જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ સંવાદનો અભાવ છે. એકબીજા વિશે ધારણાઓ બાંધીને કોઈ વાત જ નથી કરતું. એને વાત કરવાનો કોઈ મતલબ જ નથી. એ મારી વાત માનવાનો જ નથી. એને ક્યાં કોઈ દિવસ મારી વાત સાચી લાગે છે. એને તો બસ એ કહે એ જ સાચું, એ કહે એમ જ મારે કરવાનું. વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે હવે તેને કંઈ પૂછવું જ નથી. કંઈ વાત છેડીએ તો માથાકૂટ થાય ને? આપણે સંવાદ ટાળીએ છીએ અને ધીમે ધીમે આપણાં મનમાં જ અણગમાનો એક ગઠ્ઠો જામવા દઈએ છીએ. એક જ ઘરમાં કેટલા બધા ભ્રમ લઈને આપણે જીવતા હોઈએ છીએ? સંવાદ અટકાવવો એ ઉકેલ નથી, છટકબારી છે, ભાગેડુવૃત્તિ છે અને તેના માટે ઘણી વખત આપણી વ્યક્તિ કરતાં આપણે વધુ જવાબદાર હોઈએ છીએ.
બે બહેનપણીની વાત છે. મેરેજ પછી એક બહેનપણી બીજી બહેનપણીને મળી. બંને વેલ એજ્યુકેટેડ અને સુખી સંપન્ન હતી. એક બહેનપણીએ કહ્યું કે ચલ સાથે મળીને કોઈ બિઝનેસ વેન્ચર શરૃ કરીએ. આમ પણ આપણે આખો દિવસ ફ્રી હોઈએ છીએ. કંઈક કામ કરીશું તો મજા આવશે. બીજી બહેનપણીએ કહ્યું કે ના, મારે નથી કરવું. મારો હસબન્ડ ના પાડશે. મેં પહેલાં વાત કરી જોઈ હતી,તેણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. આપણે એવું કંઈ કરવાની જરૃર નથી. તું મજા કરને. એ મને ફરી પાછો એ જ જવાબ આપશે. બીજી બહેનપણીએ કહ્યું કે તું વાત તો કર. ના પાડશે તો નહીં કરીએ. પૂછવામાં શું જાય છે! આખરે મોકો જોઈ બહેનપણીએ એના પતિને પૂછયું. પતિનો જવાબ સાંભળીને તેને આશ્ચર્ય થયું. પતિએ કહ્યું કે તું કઈ રીતે એ કામ શરૃ કરવાનું વિચારે છે? તું તારે કર. હું ક્યાંય ઉપયોગી થઈ શકું તો મને ગમશે. પત્નીએ કહ્યું કે મને તો એમ હતું કે તું ના પાડી દઈશ. તારો જવાબ મારા માટે અનએક્સ્પેક્ટેડ છે. પતિએ કહ્યું, તારી વાત સાચી છે. મેં તને અગાઉ ના પાડી હતી. જોકે, પછી મને જ થયું હતું કે મારે તને એવી રીતે ના પાડી દેવી જોઈતી ન હતી. મારે તારી સાથે આ મુદ્દે વાત પણ કરવી હતી. હું કહી ન શક્યો અને તું પૂછી ન શકી.
આપણે કેટલું બધું ખોટું માની લેતા હોઈએ છીએ? બોસના જવાબ વિશે અંદાજ બાંધી આપણે આપણા આઇડિયાને મનમાં જ ધરબી દઈએ છીએ. એને કંઈ ફેર નથી પડતો. એ ના જ પાડશે. ના પાડે ત્યારે આપણે એવો સંવાદ કરવાનું પણ ટાળીએ છીએ કે તમને કેમ મારી વાતમાં દમ ન લાગ્યો? મારે વધારે શું કરવું જોઈએ? સાચી વાત એ છે કે આપણી પૂર્વધારણાઓની બેડી આપણે જ આપણા પગમાં બાંધી દઈએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે કોઈ મને ચાલવા દેતું નથી. મનમાં કંઈ રાખશો તો એ મનમાં જ રહી જશે અને તમને જ મૂંઝવતું રહેશે. સાચું લાગે ત્યારે બોલી દેવામાં અથવા પૂછી લેવામાં પણ બહુ વિચાર કરવો જોઈએ નહીં. ઊડવા માટે આપણી પાંખો આપણે જ ફફડાવવી પડે છે. વાતાવરણ તો હળવું જ હોય છે. મોટાભાગે આપણે જ ભારેખમ થઈ જતા હોઈએ છીએ.
છેલ્લો સીન :
કોઈ પણ વાત, વિચાર કે વ્યક્તિ સારી કે ખરાબ હોતી નથી, તે અંગેની આપણી માન્યતાઓ જ તેને તેવી બનાવે છે. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 20 એપ્રિલ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com