સવાલો વગરની જિંદગીના જવાબો નથી હોતા!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દેખા હુઆ સા કુછ હૈ, તો સોચા હુઆ સા કુછ,
હર વક્ત મેરે સાથ હૈ, ઉલઝા હુઆ સા કુછ,
ફુરસત ને આજ ઘર કો સજાયા કુછ ઇસ તરહ,
હર શય સે મુસ્કુરાતા હૈ, રોતા હુઆ સા કુછ.
-નિદા ફાઝલી
જિંદગી છે તો સવાલો છે. સવાલો છે તો જવાબો છે. સવાલ વગર જવાબનું કોઈ મહત્ત્વ નથી. દુનિયામાં જે કંઈ છે એ કોઈના મનમાં ઉઠેલા સવાલોના જવાબો છે. જ્યાં સવાલ છે ત્યાં શક્યતા છે. આપણે કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે,આપણને બસ એ શોધતા આવડવું જોઈએ. ઉકેલની ત્યારે જ જરૂર પડે છે જ્યારે સમસ્યા કે સવાલ સર્જાય છે. એટલે જ સવાલોથી કે સમસ્યાઓથી ગભરાવા જેવું નથી. રસ્તો ન મળે ત્યારે જ માણસ રસ્તો શોધવાનો કે રસ્તો બનાવવાનો પ્રયાસ કરે છે. રસ્તો હોય તો પછી તેની શોધ કે તેના નિર્માણનો વિચાર જ નથી આવતો.
દરેક માણસમાં અજબ અને અઢળક શક્યતાઓ પડેલી હોય છે. સવાલ જ આ શક્યતાને સફળતામાં પલટાવે છે. જેને બધું તૈયાર મળી જાય છે એને નસીબદાર ગણવો કે બદ્નસીબ એ સૌથી મોટો સવાલ છે. જેની પાસે બધું જ છે એણે કંઈ કરવું પડતું નથી એટલે જ તેની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ એટલો થતો નથી. ‘દીવા પાછળ અંધારું’ એ એમ ને એમ નહીં થતું હોય! તમને ખબર છે કે તમારામાં કેટલું બધું પડેલું છે? તમે એનો ઉપયોગ ક્યારે કરો છો? તમને જરૂર પડે ત્યારે! જરૂર ન પડે તો તમારામાં જે છે એ એમ ને એમ પડયું રહે છે. કાટ ખાઈ જાય છે. કોહવાઈ જાય છે. કાટ એને જ લાગે છે જેનો ઉપયોગ નથી થતો. ઉપયોગ થાય છે એ ચકચકિત જ હોય છે. મન, મગજ અને જિંદગીનું પણ એવું જ છે. તમે જેટલું એક્ટિવ રાખશો એટલું એક્ટિવ રહેશે.
એક ડાહ્યો માણસ હતો. ગામમાં કોઈને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો લોકો તેની પાસે જાય. એક વખત એક બાળકે તેમને પૂછયું, “દાદા તમારી પાસે દરેક મુશ્કેલીનો ઉકેલ કેમ મળે છે? તમારામાં આટલી સમજ ક્યાંથી આવી?” પેલા માણસે કહ્યું કે “દીકરા, મેં જિંદગીમાં બહુ ઠોકરો ખાધી છે. જિંદગીએ મને ઘણા બધા સવાલો આપ્યા હતા. હું એક પછી એક જવાબ મેળવતો ગયો અને મને ખબર જ ન પડી કે મારામાં આટલી સમજ કેવી રીતે આવી ગઈ!” જ્ઞાાની માણસ એટલે જેણે વધુમાં વધુ સવાલોના સાચા જવાબ મેળવ્યા છે. એ ડાહ્યા માણસે પછી બાળકને એક સલાહ આપી કે, “દીકરા નાના-નાના પથ્થરોનું ધ્યાન રાખજે. ઠોકર ક્યારેય પર્વતથી નથી લાગતી, નાના પથ્થરથી જ ઠોકર વાગે છે. ઠોકર વાગે તોપણ ડરતો નહીં કારણ કે ઠોકર વાગશે તો જ તું તારા રસ્તે ચડેલા એ પથ્થરને ઉપાડીને બાજુમાં ફેંકી દઈશ. ઠોકરો તો આપણી જિંદગીનો રસ્તો સાફ કરતી હોય છે.”
સમાજમાં દરેક પ્રકારના માણસો હોય છે. સારા કામ માટે પણ માણસો મળી જાય છે અને ખરાબ કામ માટે પણ માણસો અવેલેબલ હોય છે. યજ્ઞા કરવા માટે સજ્જનો પણ મળી જાય છે અને ખૂન કરવા કોન્ટ્રાક્ટ કિલર પણ મળી જાય છે. એક ગુનેગાર માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે “તમે કહો છો કે જિંદગીના તમામ સવાલો શોધો તો જવાબો મળી જાય છે, તો પછી હું કેમ ગુનેગાર થઈ ગયો?” સંતે જવાબ આપ્યો કે “જવાબ તો તેં પણ શોધ્યો છે પણ તેં ખોટો જવાબ પસંદ કર્યો છે. જવાબ મેળવ્યા પછી પણ એ ખરાઈ કરવાની હોય છે કે જવાબ સાચો છે કે ખોટો? ખોટા જવાબના માર્ક્સ નથી મળતા. જિંદગીના ખોટા જવાબોનો તો હિસાબ પણ ચૂકવવો પડતો હોય છે અને સજા પણ ભોગવવી પડતી હોય છે. તારો જવાબ સુધારી લે તને પણ પૂરા માર્ક્સ મળશે.”
ઘર પણ એક મુકામ છે અને જેલ પણ એક મુકામ જ છે. માણસ અંતે તો તેના મુકામ સુધી જ પહોંચતો હોય છે. બધી જ જેલ સરકારોએ બનાવેલી હોતી નથી. અમુક જેલ તો માણસ પોતે સર્જે છે. કેટલાં બધાં ઘર જેલ જેવાં હોય છે? જે ચાર દીવાલો વચ્ચે ગૂંગળામણ થાય એ જેલ જ હોય છે, ઘર તો માત્ર આપણે કહેતા હોઈએ છીએ! શહેરોમાં આવી ‘જેલો’ની સંખ્યા વધતી જાય છે. આપણે આપણી માનસિકતાના બંધનમાં એવા જકડાઈ ગયા હોઈએ છીએ કે આપણને મુક્તિનો અહેસાસ જ થતો નથી. અમુક બંધનોથી તો આપણે એવા ટેવાઈ જઈએ છીએ કે આપણને ખબર પણ નથી હોતી કે આ બંધન છે.
જિંદગી એક નાનકડા કોચલામાં બંધાઈ જાય છે. આપણે કોચલાને જ સુરક્ષિત માની લઈએ છીએ. જિંદગીને સવાલ કરો અને જિંદગી પાસે જવાબ માગો કે હું કરું છું એ બરાબર છે? હું ડરતો તો નથી ને? હું મુક્ત તો છુંને? કયો ભય મને સતાવે છે? જિંદગી કેમ આટલી બધી અઘરી લાગે છે? આપણી મુક્તિનો માર્ગ આપણે જ શોધી શકીએ, કારણ કે આપણા બંધનની માત્ર આપણને જ ખબર હોય છે. દુનિયામાં સુખી દેખાતા કેટલાં લોકો ખરેખર સુખી હોય છે? ઘણાં લોકો આપણને પહેલી નજરે દુઃખી દેખાતા હોય છે પણ એ દુઃખી હોતા નથી.
એક અમીર માણસ હતો. દોમ દોમ સાહ્યબીમાં એ ઉછર્યો હતો. તેને ત્યાં મજૂરી, પટાવાળા અને ચોકીદારી કરતાં લોકોને જોઈને એને થતું કે આ બિચારા લોકોની જિંદગી કેટલી ખરાબ છે? કેટલા બધા અભાવમાં એ બધા જીવે છે. એક દિવસ તેણે પોતાના પટાવાળાને પૂછયું કે “તું સુખી છે?” પટાવાળો આખાબોલો હતો. તેણે ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું કે, “હું તમારા કરતાં વધુ સુખી અને ખુશ છું!” અમીર માણસે પૂછયું કે, “કેવી રીતે?” પટાવાળાએ કહ્યું કે, “હું સાજે ઘરે જાઉં પછી પરિવાર સાથે મજા જ કરું છું. અમારા ઘરની નજીક એક બગીચો છે. છોકરાંવને ત્યાં લઈ જાઉં છું. એ લોકો હીંચકા ખાય છે, લસરપટ્ટી રમે છે અને ખડખડાટ હસે છે, ત્યારે મને લાગે છે કે હું તમારાથી વધુ સુખી છું. તમારે તો ઘરમાં જ બગીચો છે. આ બગીચામાં કોઈ રમતું નથી. તમારી પાસે સમય જ ક્યાં છે? છોકરાંવ મોબાઇલ અને વીડિયો ગેઇમમાં પડયાં હોય છે અને તમે તમારા હિસાબકિતાબમાં. તમારા સંબંધો પણ દર તહેવારે કામ હોય એવા લોકોની યાદી બનાવી તેના ઘરે મીઠાઈ મોકલી દેવા પૂરતા મર્યાદિત છે. અમે ઘરે અમારી ત્રેવડ મુજબ મીઠાઈ બનાવીએ છીએ, ખાઈએ છીએ અને ખવડાવીએ છીએ. ઘરમાં કંઈ બને તો પાડોશમાં આપીએ છીએ અને પાડોશી પણ કોઈ વાનગી બનાવે તો આપી જાય છે. તમને તો બાજુમાં કોણ રહે છે એની પણ ખબર નથી!” આ વાત સાંભળીને અમીર માણસને સમજાયું કે પટાવાળા વિશેના સવાલોના જે જવાબો તેની પાસે હતા એ તો ખોટા હતા. સાચા જવાબો તો એ કહે છે એ જ છે. મને તો હવે એવું લાગે છે કે મેં પણ જે જવાબો મેળવ્યા છે એ સાચા છે કે કેમ?
જિંદગી જીવવાની મજા આવવી જોઈએ અને ન આવતી હોય તો માનજો કે તમારો કોઈ જવાબ ખોટો છે. સવાલો ક્યારેય ખોટા નથી હોતા, જવાબ જ સાચા કે ખોટા હોય છે. જિંદગીમાં જે છે એને ફીલ કરી શકતા હોય તો તમે સુખી છો. જિંદગીની સફરમાં નક્કી કરેલા માઇલસ્ટોન પર નજર નાખતાં રહેવું જોઈએ અને ચેક કરતાં રહેવું જોઈએ કે હું સુખ અને શાંતિના માર્ગે જ છુંને? આ સવાલનો સાચો જવાબ મેળવી લેજો અને ખોટો હોય તો જવાબ સુધારી લેજો.
છેલ્લો સીન :
જેનો સામનો કરવાનો આવે તે બધી જ વસ્તુઓ બદલી શકાતી નથી. જોકે, આમ જોવા જઈએ તો જ્યારે કોઈ પણ વસ્તુનો સામનો કરવાનો આવે ત્યારે જ તેને બદલી નાખવાનો વિચાર પેદા થાય છે. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 27 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com