તમારે આખરે કોને ઇમ્પ્રેસ કરવા છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ગો જરા સી બાત પર બરસોં કે યારાને ગયે
લેકિન ઇતના તો હુઆ કુછ લોગ પહેચાને ગયે
-ખાતીર ગઝનવી
દરેક માણસને વટ પાડવો હોય છે. દરેકને સીન મારવા હોય છે. માણસ હંમેશાં કોઈને ઇમ્પ્રેસ કરવા મથતો રહે છે. આમ જુઓ તો એમાં કશું જ ખોટું નથી. સવાલ એ જ હોય છે કે આપણે કેવી રીતે કોઈને ઇમ્પ્રેસ કરીએ છીએ? ઇમ્પ્રેસ કરવામાં કેટલી કૃત્રિમતા હોય છે અને આપણે કેટલા નેચરલ હોઈએ છીએ? હોઈએ એવા દેખાવામાં અને ન હોઈએ એવો દેખાડો કરવામાં ફરક છે. તમે કુદરતી રીતે જ એવા છો કે કોઈ તમારાથી અભિભૂત થાય? જો તમે એવા હોવ તો તેમાં કશું જ ખોટું, ખરાબ કે અજુગતું નથી. વટ પાડવા માટે વટલાઈ જવાની જરૂર નથી.
ઘણા લોકો અલગારી હોય છે. પોતાની મસ્તીમાં રહેતા હોય છે. આવા લોકો વિશે લોકો એવું પણ કહેતા હોય છે કે એ તો છે જ એવો. ઘણા લોકો એવા રંગ બદલતા હોય છે કે આપણે તેને જજ કરી શકતા નથી. અનપ્રિડિક્ટેબલ લોકો અઘરા હોય છે. કુદરત પ્રિડિક્ટેબલ છે એટલે જ એના તત્ત્વને કુદરતી કહેવાય છે. સવાર ઊગવાની જ છે, રાત પડવાની જ છે, સૂરજ ભલે ક્યારેક વાદળાંને કારણેે દેખાય નહીં પણ એ ઊગવાનો છે, પૂર્વમાંથી જ અને એના રસ્તે જ ગતિ કરીને આથમવાનો છે. તોફાન અનપ્રિડિક્ટેબલ હોય છે. કુદરતી હોય એ સહજ રીતે આવે છે અને જાય છે, અકુદરતી ત્રાટકે છે. જે કુદરતી નથી એ લાંબું ટકતું નથી. તોફાન, વાવાઝોડું કે જ્વાળામુખી કાયમી હોતા નથી, એ તોફાન મચાવી જાય છે. કેટલું તોફાન મચાવશે એ પણ નક્કી નથી હોતું. ઘણા માણસો પણ એવા હોય છે. એ ક્યારે વિફરે અને વિનાશ વેરે એ નક્કી હોતું નથી.
બે પ્રેમીઓ હતાં. પ્રેમીએ એક વખત પ્રેમિકાને કહ્યું કે તું મારી સાથે મેરેજ કરીશ? પ્રેમિકાએ કહ્યું, ના. હજુ હું તને સમજી શકી નથી. તું જેવો દેખાય છે એવો જ છે કે પછી કંઈક જુદો છે, એ હું નક્કી કરી શકતી નથી. હું એવું કહેવા માગતી નથી કે તું સારો નથી અથવા ખરાબ છે. મને એવું છે કે તું જેવો છે એવો જ પેશ આવે છે કે કેમ? તું સારો ન હોય તોપણ મને વાંધો નથી, પણ મને તું જેવો છે એવો જ જોઈએ છે. તું પ્રેમીનું પાત્ર ન ભજવ, જેવો છે એવો રહે. મને ઇમ્પ્રેસ કરવામાં તું તારી ઓરિજિનાલિટી ન ગુમાવ. જ્યારે મને પૂરેપૂરું સમજાશે તું કેવો છે ત્યારે હું તારી સાથે જિંદગી વિતાવવાનો નિર્ણય કરીશ.
ઘણા લોકો એવું કહે છે કે એ આવો નીકળશે તેનો મને અંદાજ ન હતો. એક વ્યક્તિએ આવી વાત કરી ત્યારે તેના મિત્રએ પૂછયું કે તો તને કેવો અંદાજ હતો? તારો અંદાજ ખોટો નીકળ્યો એમાં વાંક તારો છે કે એનો? એ તો એવો જ હતો. તું એને ઓળખવામાં થાપ ખાઈ ગયો. હા, કદાચ એ તને પટાવવા નાટક કરતો હશે પણ તને તો એ ખબર ન પડીને કે એ નાટક કરે છે, તો પછી એમાં હન્ડ્રેડ પર્સન્ટ એ દોષી ગણાય ખરો? આપણે મૂર્ખ બનીએ ત્યારે પણ આપણે એ તો સ્વીકારતા જ નથી કે હું મૂર્ખ બન્યો, ત્યારે પણ આપણે તો એવું જ કહેતા હોઈએ છીએ કે એણે મને મૂર્ખ બનાવ્યો!
ઘણી વખત તો માણસ છેતરવા માટે જ ઇમ્પ્રેસ કરતો હોય છે. અમુક લોકો તો વળી એવી બડાશ પણ હાંકતા હોય છે કે જાળમાં પંખી ફસાય એ માટે દાણા પણ વેરવા પડતા હોય છે. કોઈને રાજી કરવા માટે સારા દેખાવામાં અને કોઈને છેતરવા માટે સારા દેખાવામાં હાથી-ઘોડાનો ફર્ક છે. મોટાભાગે તો જે અયોગ્ય કે અક્ષમ હોય છે એ લોકો ખુશામત કે બીજી કોઈ રીતે ઇમ્પ્રેસન જમાવવા પ્રયત્નશીલ રહે છે. દરેક ઓફિસમાં બે પ્રકારના કર્મચારીઓ હોય છે. એક જે બોસને સારું લગાડી, વાહવાહી કરી, મસકાપોલિશ કરીને વહાલા થવા પ્રયાસ કરતા રહે છે અને બીજા એવા લોકો જે પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરીને પોતાની કાબેલિયત પુરવાર કરે છે. બોસ જો સમજું હોય તો એને ખબર જ હોય છે કે ખરેખર કોણ કામનો છે અને કોણ માત્ર નામનો છે. બોસ સમજું ન હોય તોપણ આવા લોકોની ચાપલૂસી લાંબી ટકતી નથી. આખરે પોત પ્રકાશી જ જતું હોય છે. શિયાળ સિંહનું મહોરું પહેરી લે એટલે એ સિંહ થઈ જતો નથી, આવું કરવા જતા તો એ શિયાળ પણ રહેતો નથી.
તમે ક્યારેય તમારી વ્યક્તિને એવું કહ્યું છે કે જો આ મારી ખામી છે, આ મારો પ્રોબ્લેમ છે, આ હું નથી કરી શકતો, આવું મારાથી થઈ શકતું નથી. આપણે આવું નથી કહેતાં, કારણ કે આપણને આપણી ઇમ્પ્રેસન ડાઉન થઈ જતી હોય એવું લાગે છે. જે માણસ પોતાની વ્યક્તિ સાથે પણ નિખાલસ થઈ શકતો નથી એ દુનિયા પાસે શું નિખાલસ થઈ શકવાનો છે? માણસ બે રીતે ઓળખાય છે, એક તો એ જેવો દેખાતો હોય એ રીતે અને બીજો એ જેવો હોય એ રીતે. આપણે જેવા હોઈએ એવા જ દેખાઈએ છીએ ખરા? ના, આપણે ઓલવેઝ જેવા છીએ એવા વર્તાઈ ન આવીએ એટલા માટે દેખાડો કરતા હોઈએ છીએ. આપણે એવી છાપ ક્રિએટ કરવી હોય છે કે આપણને બધી જ ખબર પડે છે. ખબર પડતી ન હોય તોપણ આપણે કહેતા નથી કે મને ખબર પડતી નથી. એક માણસ પહેલી વખત ફાઇવ સ્ટાર હોટલમાં ગયો. એનો જે રૂમ હતો તેના ટોઇલેટમાં અમુક નળ અને વાલ્વ કોમ્પ્લિકેટેડ હતાં. એણે રૂમના એટેન્ડન્ટને બોલાવીને કહ્યું કે જરાક મને આ સમજાવશો કે આ નળ અને વાલ્વ કેવી રીતે ખોલવાં અને બંધ કરવાં? એટેન્ડન્ટે બહુ પ્રેમથી બધું સમજાવ્યું. જતી વખતે એટેન્ડન્ટે કહ્યું કે સર, એક વાત કહું? તમારી નિખાલસતા અને વિનમ્રતા મને ગમી. આ હોટલમાં એવા અસંખ્ય લોકો આવે છે જેને ઘણી ખબર હોતી નથી, આમ છતાં એ પૂછતાં નથી, ચલાવી લે છે પણ પૂછવામાં એમને નાનપ લાગે છે. અમને ખબર હોય છે કે આ માણસને કંઈ ખબર પડતી નથી. અમે કહેવા જઈએ તોપણ એ એવો સીન ક્રિએટ કરશે કે અમને ખબર પડે છે, તારે શિખવાડવાની જરૂર નથી. અમારે કેમ કહેવું કે અમને અહીં તમને કંઈ શિખવાડવા માટે રાખ્યા નથી, પણ તમને તકલીફ ન પડે એટલા માટે રાખ્યા છે.
હવે એક બીજી વાત. માણસ આખી દુનિયાને ઇમ્પ્રેસ કરવા મથતો રહે છે, ન કરવાના ધંધા કરે છે, પણ કોઈ માણસ ક્યારેય પોતાને જ ઇમ્પ્રેસ કરવા પ્રયત્ન કરે છે ખરો? તમે તમારા કયા વર્તનથી ઇમ્પ્રેસ થયા છો? એવું કયું કામ કે એવું કયું વર્તન તમે કર્યું જેનાથી તમે તમારી જાત માટે જ ગૌરવ અનુભવો? તમે એવું કોઈ સારું કામ કર્યું છે જેની તમારા સિવાય કોઈને ખબર નથી? એવું ખરાબ કામ કદાચ કર્યું હશે અથવા થઈ ગયું હશે જેની કોઈને ખબર નહીં હોય પણ એવું કોઈ સારું કામ છે જેની તમારા સિવાય કોઈને ખબર નથી? શોધજો. કદાચ નહીં મળે, કારણ કે બહુ ઓછાં એવાં સારાં કામ હોય છે જે આપણે માત્ર આપણા માટે જ કરતા હોઈએ છીએ. સારાં કામ કરીને પણ આપણે એ જ સાબિત કરવા મથતાં હોઈએ છીએ કે હું સારો માણસ છું, એ રીતે પણ આપણે કોઈને ઇમ્પ્રેસ કરવા મથતાં રહીએ છીએ! તમારે ખરેખર કોઈને ઇમ્પ્રેસ કરવા છે? તો એને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્નો છોડી દો જેવા છો એવા રહો, કારણ કે આખરે તો માણસ જેવો હોય એ રૂપમાં પ્રગટ થઈ જ જવાનો છે. તમે સારા હશો તો સારા દેખાશો જ અને ખરાબ હશો તો ગમે એટલા સારા દેખાવવાના પ્રયાસ કરશો પણ વહેલા કે મોડા જેવા છો, એવા બહાર આવી જ જવાના છો, એટલા માટે કે કોઈને તમે કાયમ માટે મૂર્ખ બનાવી શકવાના નથી. નાટક જ કરતા રહેનારને પછી પોતાના નાટકનો જ ભાર લાગતો હોય છે. જે સહજ છે એ જ સાચું છે અને જે સાચું છે એ જ સહજ હોય છે. તમે સાચા અને સહજ છો? તો પછી તમારે કોઈને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી.
છેલ્લો સીન :
કાગડો ગમે તેટલા ધમપછાડા કરે તો પણ એ હંસ બની શકતો નથી અને હંસ જો કાગડો બનવાનો પ્રયત્ન કરે તો એ પણ સરવાળે મૂરખ જ ઠરે છે -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. ૨ નવેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)