હવે તું પહેલાં જેવો નથી રહ્યો!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ,
કાન તો કાપી લીધા‘તા ભીંતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?
હું કળી માફક જરા ઊઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ?
આંસુનો સરવે કર્યો તો જાણ્યું કે, આંખમાં વસ્તી વધારે ગીચ થઈ.
–અનિલ ચાવડા
દુનિયામાં ક્યારેય કશું જ એકસરખું રહેતું નથી. ઘડિયાળનો ફરતો કાંટો અને તારીખિયાનાં ખરતાં પાનાં એ વાતનો અહેસાસ કરાવે છે કે બધું સતત બદલાઈ રહ્યું છે. જિંદગી આગળ ધપતી રહે છે. શ્વાસમાં ઉમેરો થતો રહે છે. હૃદયના ધબકારામાં વધારો થતો રહે છે. માણસમાં સતત કંઈક ઉમેરાતું રહે છે. એની સાથે જ ઘણું બધું ઘટતું રહે છે, વિસરાતું રહે છે. દૂધની તપેલીમાં ઉભરો આવે પછી જ્યારે એ ઉભરો શમી જાય ત્યારે દૂધ થોડુંક ઘટી ગયું હોય છે. ગતિ એ જિંદગીનો નિયમ છે. ગતિ પ્રગતિ તરફની પણ હોઈ શકે અને અધોગતિ તરફની પણ હોઈ શકે છે. ગતિ સનાતન છે. એ તો ચાલતી જ રહેવાની છે. કૂંપળ ફૂટે પછી એ ખીલવાનું શરૂ કરે છે. ધીમે ધીમે એમાં નિખાર આવતો જાય છે. એક સમય એવો આવે છે જ્યારે એ પૂર્ણ કળાએ ખીલી જાય છે. ગતિ તો પછી પણ ચાલુ જ રહે છે. સંપૂર્ણ ખીલી જાય પછી મુરઝાવવાની ગતિ શરૂ થાય છે. પ્રકાશની ગતિ પણ સાંજ પડયે ઘટે છે અને અંધારાની ગતિ પણ વહેલી પરોઢે અંત પામે છે. બધું જ બદલાતું હોય ત્યારે આપણે એવી આશા કેમ રાખી શકીએ કે માણસ ક્યારેય ન બદલાય?માણસ પણ આખરે તો પ્રકૃતિનો જ એક અંશ છે. પ્રકૃતિના નિયમો બીજાં તત્ત્વોની જેમ જ માણસને અસર કરે છે. માણસ તો વળી બુદ્ધિશાળી પ્રાણી છે એટલે તેના ઉપર કદાચ વધુ અસર કરે છે.
બુદ્ધિ માણસ પર હાવી રહેતી હોય છે. દરેક માણસ પોતાની બુદ્ધિ મુજબ વર્તતો રહે છે. મંદબુદ્ધિ ધરાવતો માણસ પણ એની પાસે જેટલી બુદ્ધિ હોય એનો ઉપયોગ તો કરતો જ હોય છે. એ માણસ પણ ક્યારેય અગ્નિમાં હાથ નહીં નાખે, કારણ કે એને એટલું ભાન હોય છે કે આમાં હાથ નાખીએ તો દાઝી જવાય. ક્યાં હાથ નાખવો અને ક્યાં હાથ ન નાખવો એની દરેકની પોતપોતાની સમજ હોય છે. માણસની સમજ જ એને બીજા માણસ કરતાં જુદો પાડે છે. માણસ જજ થઈ શકતો નથી. આપણી સામે ભડકો લઈને આવેલો માણસ બીજા દિવસે દીવો લઈને પણ આવે અને કહે કે હું જે ભડકો લાવ્યો હતો એ તો આ દીવો પ્રગટાવવા આવ્યો હતો, કંઈ સળગાવવા માટે આવ્યો ન હતો!
આપણે માણસને એની ગઈકાલ સાથે સરખાવતાં રહીએ છીએ. ઘણા વળી આવતીકાલે એ ક્યાં હશે એ વિચારીને સંબંધ બાંધતા હોય છે. બહુ ઓછા લોકો માણસ આજે કેવો છે એ વિચારે છે. અમુક અનુભવ પછી માણસ એવું કહે છે કે હવે એ પહેલાં જેવો નથી રહ્યો. એ હવે બહુ બદલાઈ ગયો છે. પહેલાં તો એ કેવો સીધો અને સરળ લાગતો હતો. હવે એના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે. મળવાની વાત તો દૂર રહી, હવે તો તેની પાસે ફોન કરવાનો પણ સમય નથી. એ એવડો મોટો માણસ થઈ ગયો કે મારા મેસેજનો પણ જવાબ ન આપે? માણસ ઘડીકમાં માઠું લગાડી દે છે અને ઘડીકમાં એને સારું લાગી જાય છે. માણસ ઓલ્વેઝ માણસને પોતાની નજરથી જ માપતો રહે છે, સામેવાળા માણસની નજરથી માપતો નથી.
બે મિત્રો હતા. સાથે ભણતાં હતા ત્યારે બંને રોજ મળતાં હતા. એકબીજા વગર જરાયે ન ચાલે. બંનેને એકબીજા વિશે બધી જ ખબર હોય. બંનેએ ભણી લીધું. એક મિત્ર ભણવામાં હોશિયાર હતો. એ આગળ નીકળી ગયો. સરસ મજાની જોબ મળી. જવાબદારી અનેકગણી વધી ગઈ. જૂનો મિત્ર ધીરે ધીરે દૂર થઈ ગયો. એક વર્ષ પછી બહું બિઝી થઈ ગયેલો મિત્ર અચાનક જ એના જૂના મિત્રના ઘરે પહોંચી ગયો. પેલો મિત્ર એને વળગી પડયો. જૂના મિત્રને મળી એની ખુશીનો પાર રહ્યો નહોતો. બિઝી મિત્રએ કહ્યું કે મને તો એમ હતું કે તું મારાથી નારાજ થઈ, મારા પર ગુસ્સો કરીશ. મેં કોઈ કોન્ટેક્ટ ન રાખ્યો એ વાત કરીને ઉશ્કેરાઈ જઈશ. પેલા મિત્રએ કહ્યું કે એક વર્ષ તો શું, દસ વર્ષ થઈ ગયાં હોત તોપણ હું તેને આટલી જ ઉષ્માથી મળ્યો હોત! સમય મહત્ત્વનો નથી. સ્નેહ મહત્ત્વનો છે. તારી જવાબદારી વધી ગઈ છે. તને સમય મળતો નથી. એનો મતલબ હું એવો શા માટે કાઢું કે તારો સ્નેહ ઘટી ગયો હશે. મને તો ઊલટું એવું થતું હતું કે મારા મિત્રને મને મળવાનું મન થતું હશે પણ એ આવી શકતો નહીં હોય! તારા વિશે હું ખોટું અનુમાન બાંધું તો એમાં વાંક મારો છે, તારો નહીં!
આપણે આવું સ્વીકારી શકીએ છીએ? બીજાનો વિચાર કરીએ છીએ? દીકરાનાં લગ્ન પછી મા-બાપને એવું લાગે છે કે દીકરો વહુનો થઈ ગયો! બહેનને એવું ફીલ થાય છે કે ભાઈને મારી પડી નથી. મિત્રોને એવું લાગે છે કે એ મોટો માણસ થઈ ગયો છે. પત્ની પણ એવું કહે છે કે એને કામમાં જ રસ છે. વાંધા-વચકા કાઢી આપણે જે સમય મળતો હોય એ સમય પણ ઝઘડામાં જ કાઢીએ છીએ. હા,ઘણા માણસો ખરેખર બદલાઈ પણ જતાં હોય છે. જે બદલાઈ જાય એનો અફસોસ કરવો વાજબી છે ખરો? માણસ સમય અને સ્થિતિ પ્રમાણે બદલાતો પણ હોય છે અને એ સારો જ રહે એવું પણ જરાયે જરૂરી નથી.
સંબંધોની કરુણતા એ છે કે મોટાભાગના સંબંધો ખરાબ ન લાગે એટલા માટે નિભાવતા હોય છે. આપણે સારું પણ એટલા માટે રાખતાં હોઈએ છીએ કે કોઈને ખરાબ ન લાગે. પારદર્શકતાની વાતો બધાને ગમે છે પણ પારદર્શકતા કોઈનાથી સહન થતી નથી. હકીકતને સ્વીકારવી બહુ અઘરી હોય છે. આપણા દુઃખનું એક કારણ એ હોય છે કે માણસમાં આવતાં પરિવર્તનને આપણે સ્વીકારતાં નથી. માણસમાં આવેલા બદલાવને આપણે સહન કરી શકતા નથી. બે મિત્રો હતા. સાથે કામ કરતાં હતા. બાજુ બાજુમાં બેસીને જ રોજનું કામ કરતા. એક મિત્ર પરીક્ષાઓ આપી આગળ નીકળી ગયો. તેનાં ફટાફટ પ્રમોશન થયાં. એક સમય એવો આવ્યો કે સાથે કામ કરનારા મિત્રનો જ એ બોસ બની ગયો. પેલો મિત્ર ત્યાં ને ત્યાં જ હતો. એની સાથે જે લોકો કામ કરતાં હતા એ બધા બોસને સર કહીને સંબોધતા હતા. જૂના મિત્રએ પણ તેને સર કહેવાનું જ શરૂ કર્યું. બોસે તેને કહ્યું કે તું તો મને નામથી બોલાવતો હતો. હજુ પણ તું મને નામથી બોલાવી શકે છે. પેલા મિત્રએ કહ્યું કે, ઘરે આવીશ ત્યારે નામથી બોલાવીશ પણ અહીં તો હું સર જ કહીશ. પરિવર્તનને મારે સ્વીકારવું જ જોઈએ. તું મિત્ર હતો અને મિત્ર જ છે પણ ઓફિસમાં તું સર છે! સંબંધોની મર્યાદા જાળવવી એ પણ સંબંધોનું જ એક સત્ય છે. કદાચ હું નામથી બોલાવું અને તને આજે નહીં ને કાલે, હર્ટ થાય. વાજબી ન લાગે. એવું કહીને મારે મારી દોસ્તી શા માટે દાવ પર લગાડવી?
યાદ રાખવા જેવી વાત એ છે કે માણસ જે ગઈકાલે હતો એ આજે નથી અને આજે છે એવો આવતીકાલે રહેવાનો નથી. તમે પણ ગઈકાલે હતા એવા આજે ક્યાં છો? માણસ સાથેના સંબંધો એને આજે એ છે એ જ નજરમાં રાખીને સ્વીકારવા જોઈએ. હા, જે સંબંધમાં સાર્થકતા ન લાગે એને સંપૂર્ણ કરી દેવા જોઈએ પણ જે સંબંધમાં સત્ત્વ બચ્યું હોય તેને વર્તમાન સ્થિતિમાં જ સ્વીકારીને સાચવવા જોઈએ. કોઈ પહેલાં જેવું ક્યારેય હોતું નથી. માણસ દરરોજ નવો હોય છે, દરરોજ જુદો હોય છે, દરરોજ થોડોક બદલાતો રહે છે. મોટા ભાગના સંબંધોનો અંત એટલા માટે આવે છે કે આપણને એ ‘જૂની’ વ્યક્તિ જ જોઈતી હોય છે! નવાને સ્વીકારો. સંબંધો તો જ જળવાય છે જો બદલાતાં રહેતા સંબંધને આપણે બદલેલા સ્વરૂપમાં જ સ્વીકારીએ.
છેલ્લો સીન :
તમારા અભિપ્રાયો તમારી સમજણ અને તમારા સ્વભાવને વ્યક્ત કરી દેતા હોય છે. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 8 ફેબ્રુઆરી, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
email : kkantu@gmail.com
Hello Sir
you had nice thought sir
i like to read your thought on supplement of Sandesh
i like to give you some my thought if you like!!
Thanking you sir