મને તારા સમય સિવાય બીજું કંઈ જ નથી જોઈતું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને તારા સમય સિવાય

બીજું કંઈ જ નથી જોઈતું

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હવામાં ચોતરફ લોબાન જેવું,

ઉઘાડી આંખ છે અને દૃશ્ય ગાયબ, સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું,

ખબર અંતર પૂછે ખેરાત જાણે, કરે છે સ્મિત તે પણ દાન જેવું,

ઊભી પૂંછડીએ જે ભાગી રહ્યું છે, એ લાગે છે કોઈ ઇન્સાન જેવું.

-અદમ ટંકારવી

સમય સાથે દરેક માણસ સંવાદ કરતો હોય છે. હું આ કામ કરું? કે પછી પહેલાં પેલું કામ પૂરું કરું? સમય આપણી સામે ક્યારેક ખડખડાટ હસે છે અને ક્યારેક મોં મચકોડીને ઊભો રહે છે. એ કહે છે, મને શું પૂછે છે? તારે કરવું હોય એ કરને! હું તો તારી સાથે જ છું. મારો કેવો ઉપયોગ કરવો એ તારે નક્કી કરવાનું છે. તું મને કહે છે કે મારો તો સમય જ ખરાબ છે. હું ખરાબ નથી. હું સારો પણ નથી. હું તો જેવો છું એવો જ છું. મને તો તું જ સારો અથવા ખરાબ બનાવે છે. દુનિયા ભલે એવું કહે કે સમય કોઈના હાથમાં નથી. તું વિચાર કર, હું તો તારા હાથમાં જ છું. મારો ઉપયોગ કરવો હોય એ કર, હું તને ક્યારેય ફરિયાદ નહીં કરું. તારે તારી પ્રાયોરિટી નક્કી કરવાની છે. તું એકસાથે ઘણું બધું લઈને બેસ તો એમાં મારો શું વાંક? સમયને આપણે કહીએ છીએ, એ તો મને પણ ખબર છે. એકસાથે ઘણું બધું આવી જાય તો હું શું કરું? સમયે કહ્યું, એ તો થવાનું જ છે. તું મને મેનેજ કર, નહીંતર હું તને ડેમેજ કરી બેસીશ. આમ તો ડેમેજ પણ તું જ કરવાનો છે. મને ખબર છે કે છેલ્લે તો તું મને જ દોષ દેવાનો છે. બધા એવું જ કરતા આવ્યા છે.

સમયનાં ચોક્કસ રૂપ, રંગ કે આકાર નથી હોતાં, છતાં એનું અસ્તિત્વ તો હોય જ છે. આપણે માનીએ છીએ કે સમયને આપણે ઘડિયાળમાં કેદ કર્યો છે. ઘડિયાળ નહોતી ત્યારે પણ સમય તો હતો જ. માણસ આવે છે અને જાય છે, સમય તો ત્યાંનો ત્યાં છે. સમયને દોષ દેવો એ માણસની સૌથી મોટી મૂર્ખામી હોય છે. ખરાબ સમય હોય ત્યારે આપણે એને કોસીએ છીએ, સમય સારો હોય ત્યારે આપણે સમયને યાદ નથી કરતા. એ સમયે આપણે સમયને એન્જોય કરતા હોઈએ છીએ. સમય તો કહે છે કે મને એન્જોય જ કરવો જોઈએ. હું એટલા માટે તો છું. હું જ જિંદગી છું. તું એન્જોય કરને. તને ક્યાં કોઈ ના પાડે છે! તેં સમયના પ્રકાર પાડ્યા છે. વર્ક ટાઇમ, લેઝર ટાઇમ, ફેમિલી ટાઇમ, ઓફિસ ટાઇમ, માય ટાઇમ, યોર ટાઇમ અને બીજા કેટલા બધા પ્રકારો તું પાડે છે? કુદરતે કદાચ સંપત્તિ આપવામાં માણસ સાથે ભેદભાવ વર્ત્યો હશે, પણ સમય તો બધાને દિવસના 24 કલાક લેખે જ આપ્યો છે. આયુષ્ય વધુ કે ઓછું હોઈ શકે, પણ દિવસ તો બધા માટે સરખો જ છે. જે લોકો મહાન કામો કરી ગયા છે તેની પાસે પણ 24 કલાક જ હતા. આપણાં દુ:ખ, સ્ટ્રેસ કે ઉપાધિઓનું કારણ સમય નથી, એનું કારણ તો આપણે ઊભી કરેલી પરિસ્થિતિ જ છે. સમયની મર્યાદા છે, આપણું પ્લાનિંગ જો અમર્યાદિત હોય તો તણાવ સર્જાવાનો જ છે. આપણે બધું પકડી રાખવું છે. કંઈ છોડવું નથી. બધા લહાવા લઈ લેવા છે. છેલ્લે થાય છે એવું કે આપણે ક્યાંયના નથી રહેતા.

હા, લાઇફમાં ચેલેન્જીસ છે. દરેકે પોતાની જાત સાબિત કરવાની છે. એવું કયું ક્ષેત્ર છે જ્યાં સ્પર્ધા નથી? એ તો રહેવાની જ છે. ગઈ કાલે પણ સ્પર્ધા હતી, આજે પણ હરીફાઈ છે અને આવતી કાલે કદાચ આનાથી પણ વધારે કમ્પિટિશન હશે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ ઓફિસ કામમાં બહુ બિઝી રહેતો હતો. પત્નીની ઓલવેઝ એ ફરિયાદ રહેતી કે તું મને સમય નથી આપતો. મને તો લાઇફ જેવું કંઈ લાગતું જ નથી. તારી પાસે સમય નહોતો તો લગ્ન શા માટે કર્યાં? ઓફિસને જ પરણી જવું હતું ને? તારા બોસને કહે, ઓફિસમાં જ તારા માટે બેડ બનાવી દે, ત્યાં જ સૂઈ જજે. આ માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, મારાથી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ નથી રહેતું, હું શું કરું? સંતે કહ્યું, જિંદગીની કેટલીક બાબતોમાં માણસે પોતાની જાત સાથે જ સ્પષ્ટ થવું પડતું હોય છે. માણસે નક્કી કરવું પડતું હોય છે કે મારા માટે શું વધુ મહત્ત્વનું છે? આપણને એવું થાય કે પત્નીએ સમજવું જોઈએ. એ નહીં સમજે તો કોણ સમજશે? જ્યારે સાથ આપવાનો હોય ત્યારે જ ન આપે તો કેમ ચાલે? આપણને એમ પણ થાય કે એ સમજતી નથી. આપણને ક્યારેય એમ કેમ નથી થતું કે હું સમજતો નથી? આપણે સમજવાની જરૂર હોય છે, એવું કેમ આપણને લાગતું નથી?

ડિવોર્સ કે બ્રેકઅપનું એક કારણ એકબીજાને જે સમય આપવો જોઈએ એ ન આપતા હોવાનું છે. પ્રેમ આપણી ફુરસદે ન થાય. પ્રેમમાં આપણી વ્યક્તિની ફુરસદ પણ જોવી પડે. એક પ્રેમી-પ્રેમિકા હતાં. પ્રેમી ફ્રી હોય ત્યારે પ્રેમિકા બિઝી હોય. પ્રેમિકા કામમાં ઓતપ્રોત હોય ત્યારે પ્રેમી પાસે સમય હોય. સમય બંને પાસે હતો, પણ એકબીજા માટે નહોતો. પ્રેમિકાનો બર્થડે હતો. પ્રેમીએ પૂછ્યું, તને શું ગિફ્ટ આપું? પ્રેમિકાએ કહ્યું, કંઈ ખાસ નહીં, દરરોજ એટલિસ્ટ તારો એક કલાક મને આપ. 365 દિવસમાં 365 કલાક તારી પાસેથી માગું તો એ વધુ પડતું તો નથીને? અને હા, મને એકસાથે 365 કલાક નથી જોઈતા, રોજ થોડું થોડું જોઈએ છે. પ્રેમીએ એના ખીસામાંથી રેઝિગ્નેશન લેટરની કોપી કાઢી. પ્રેમિકાને કહ્યું, આજે જ રાજીનામું આપીને આવ્યો છું. હું હવે એ જ સમયની નોકરી કરવાનો છું, જે તારા જોબના ટાઇમિંગ છે.

જિંદગીને પૂરી રીતે જીવવા માટે પોતાની વ્યક્તિની સાથે હોવું જરૂરી છે. આજે એવું પણ વધુ થવા માંડ્યું છે કે, લોકો ફિઝિકલી તો હાજર હોય છે, પણ મેન્ટલી એકબીજાની સાથે નથી હોતા. મોબાઇલ લઈને બેઠા હોય છે. બે વ્યક્તિ સાથે હોય ત્યારે એકસાથે ત્રણ દુનિયા રચાતી હોય છે. એક તારી દુનિયા, એક મારી દુનિયા અને એક આપણી દુનિયા. પોતપોતાની દુનિયા છોડી એકબીજાની દુનિયામાં પ્રવેશી જવાય એ જ સાચું સાંનિધ્ય હોય છે. હાથ પકડીને બેઠા હોય છતાં સાથે ન હોય એવા કિસ્સાઓ હવે વધતા જાય છે. ઓતપ્રોત થવું એટલે પોતાનું અસ્તિત્વ પોતાની વ્યક્તિમાં ઓગાળી દેવું. દરેક માણસ એક જિંદગીમાં ઘણી બધી જિંદગી જીવતો હોય છે. પર્સનલ, પ્રોફેશનલ, સોશિયલ, ફેમિલી કેટલું બધું હોય છે જિંદગીમાં? ઘરની ચાર દીવાલ વચ્ચેની જિંદગી અદ્્ભુત અને અલૌકિક હોય છે. ઘરમાં પ્રવેશીએ ત્યારે ઘરની અંદર આવી ઘરનો જ દરવાજો બંધ કરી દેવાનો નથી હોતો, એ સાથે મગજના અનેક દરવાજાઓ પણ બંધ કરવાના હોય છે. આપણે શું કરીએ છીએ, ઘરમાં આવ્યા પછી પણ બહારના બધા દરવાજા ખુલ્લા જ રાખી દઈએ છીએ પછી, ઘરમાં હોવા છતાંયે ઘરમાં હોતા નથી!

સમયની સાથે સંબંધને વધુ બારીકાઈથી નિહાળવાની અને જાળવવાની જરૂર છે. ટેક્નોલોજીએ આખી દુનિયાને ઘરમાં લાવી દીધી છે. મોબાઇલ ફોનથી આપણે આખી દુનિયાને હથેળીમાં અનુભવીએ છીએ. એક યુવાન હતો. ઘરમાં આવે એટલે એ મોબાઇલ બંધ કરી દે. તેણે પોતાની દરેક અંગત વ્યક્તિને કહી રાખ્યું હતું કે, કંઈ અરજન્ટ હોય તો મને લેન્ડલાઇન પર ફોન કરજો. ટેક્નોલોજી મહત્ત્વની છે, પણ મારા ઘરના ભોગે નહીં. મારે મારા ઘરમાં આખી દુનિયાને ઘૂસવા નથી દેવી, કારણ કે મારે મારા ઘરમાં રહેવું છે. મારો સમય મારા માટે અને મારા લોકો માટે છે. મારા લોકોથી કટઓફ થઈને મારે દુનિયા સાથે સંબંધ રાખવો નથી. આપણી જિંદગીમાં આમ તો એવા ગણ્યાગાંઠ્યા લોકો જ હોય છે જેને આપણાથી ફેર પડે છે, આપણને પણ એનાથી ફેર પડતો હોય છે.

સમયને કંટ્રોલમાં નહીં રાખો તો તે તમને આઉટ ઓફ કંટ્રોલ કરી દેશે. સમયને સમજવા માટે પોતાને પણ સમય આપવો જોઈએ. તમારી પાસે તમારા માટે સમય છે? આપણા માટે પણ ન હોય તો આપણે બીજાને સમય શું આપી શકવાના? એક વસ્તુ માર્ક કરજો, પોતાના લોકોને અપાતો સમય મોટાભાગે આપણા માટે જીવાતો સમય બની જાય છે. આપણી વ્યક્તિ સાથે હોઈએ ત્યારે આપણે ખુશ હોઈએ છીએ. એ સમય આપણે આપણી વ્યક્તિને આપતા હોઈએ છીએ કે આપણે આપણો સમય જીવતા હોઈએ છીએ? આપણા લોકોની સાથેનો સમય જ આપણી જિંદગીને જીવવા જેવી બનાવતો હોય છે. સમય જિંદગીના બગીચાને પાણી પીવડાવવાનું કામ કરે છે, બહારના બગીચાને પાણી પીવડાવવામાં વ્યસ્ત રહેશો તો ઘરનો બગીચો સુકાઈ જશે. માણસે એ નક્કી કરવાનું હોય છે કે એ જે કંઈ પણ કરે છે એ કોના માટે કરે છે? પછી માત્ર એટલું વિચારવાનું રહે કે જેના માટે એ બધું કરે છે એના માટે ખરેખર કંઈ કરે છે ખરો? એને ગમે એવું કેટલું કરીએ છીએ? થોડોક સમય કાઢીને વિચાર કરી જોજો.

છેલ્લો સીન :

તમારી વ્યક્તિને તમારો સમય આપો. સમય જ તમને અને તમારા સંબંધને સજીવન રાખશે. સમયનો અભાવ પ્રેમનો અભાવ સર્જતો હોય છે.          -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 ઓકટોબર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “મને તારા સમય સિવાય બીજું કંઈ જ નથી જોઈતું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to Teshti Cancel reply

%d bloggers like this: