હેલ્થ માટે જેટલા સતર્ક છીએ એટલા જાગૃત હેપીનેસ માટે છીએ? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

હેલ્થ માટે જેટલા સતર્ક છીએ

એટલા જાગૃત હેપીનેસ માટે છીએ?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

હેલ્થ પ્રત્યે અવેરનેસ ખૂબ વધી છે.

આપણે જિમ જઇએ છીએ, હેલ્ધી ફૂડ ખાઇએ

છીએ, સુગર અને કોલેસ્ટરોલ કંટ્રોલમાં રાખીએ છીએ,

પણ હેપીનેસ પ્રત્યે બેદરકાર રહીએ છીએ!

 

મન સ્વસ્થ નહીં હોય તો તન ગમે એટલું તગડું

હશે ને તો પણ જીવવાની મજા નહીં આવે!

તમને જીવવાની મજા આવે છે?

એક યુવાનની આ વાત છે. એનું વજન થોડું વધી ગયું હતું. તેના પિતાએ તેને કહ્યું કે, તારા વજનનું ધ્યાન રાખ. જિમમાં જા. શારીરિક શ્રમ તો કંઇ કરતો જ નથી! એ યુવાને બીએમઆઇ (બોડી માસ ઇન્ડેક્સ) કરાવ્યો અને હાઇટ મુજબ વજન કરવા માટે જિમ જવાનું શરૂ કર્યું. આ જ યુવાન થોડા દિવસો પછી ડિસ્ટર્બ રહેવા લાગ્યો. એને જોબની ચિંતા હતી. ખૂબ અપસેટ રહેતો હતો. ઘરમાંથી કોઇએ પૂછ્યું નહીં કે, તને શું થાય છે? ઊલટું એવા ટોણા માર્યા કે શું આમ મૂઢની જેમ બેઠો રહે છે! આ તે કોઇ રીત છે? આપણા સમાજમાં આજકાલ આવું બહુ જોવા મળે છે કે હેલ્થ પ્રત્યે લોકો અવેર થયા છે પણ પોતાની કે પોતાના લોકોની માનસિક સ્વસ્થતા ઓકે છે કે નહીં એની કોઇ ચિંતા કરતું નથી!

સમાજશાસ્ત્રીઓના એક સંમેલનમાં હમણાં આ મુદ્દે ગહનતાથી ચર્ચા થઇ. જો આપણે મેન્ટલી સ્ટ્રોંગ ન હોઇએ તો ફિઝિકલી સજ્જ હોવાનો કોઇ ફાયદો મળતો નથી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું બેલેન્સ જળવાવું જોઇએ. બેમાંથી એકેય નબળું પડે તો સમસ્યાઓ સર્જાય છે. હવે આપણે તંદુરસ્તી પ્રત્યે તો સજાગ થયા છીએ પણ મનદુરસ્તી પ્રત્યે હજુ એલર્ટ થયા નથી. દર વર્ષે રેગ્યુલરલી બોડી ચેકઅપ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. સારી વાત છે પણ મેન્ટલ ચેકઅપનું શું? ક્યારેય આપણે વિચારીએ છીએ કે મારી માનસિક હાલત તો ઠીકઠાક છે ને? શરદી થાય, છીંકો આવે, ઉધરસ આવે તો આપણે તરત જ ડોક્ટર પાસે પહોંચી જઇએ છીએ પણ અચાનક ગુસ્સો આવવા માંડે કે ક્યાંય ગમતું નથી એવું થવા લાગે ત્યારે આપણે કંઇ કરીએ છીએ? બિહેવ્યર ચેકનો કોઇ કન્સેપ્ટ જ આપણે ત્યાં નથી. કોઇ અચાનક ચૂપ થઇ જાય કે વાતવાતમાં રડવા લાગે ત્યારે આપણને એવો વિચાર જ આવતો નથી કે એની તબિયત સારી નથી.

બ્રિધમ યંગ યુનિવર્સિટીના જુલિયન હોલ્ટ લુન્સ્ટેડ દ્વારા 10,000 યુવાનો ઉપર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે એ બધા જ હેલ્થ પ્રત્યે ખૂબ જ કેરફુલ હતા પણ હેપીનેસ માટે શું કરવું એનો ખયાલ બહુ ઓછા લોકોને હતો! આપણે નાના હોઇએ ત્યારથી જ હેલ્થ સારી રહે એના પ્રયાસો ચાલતા રહે છે. સમજતા થાય એ પહેલાં જ ઘરના લોકો જાતજાતની વેક્સિન અપાવે છે જેથી ભવિષ્યમાં બીમારી ન થાય. મોટા થઇએ પછી આપણે ડાયટ, એક્સરસાઇઝ, લાઇફ સ્ટાઇલ તરફ પૂરતું ધ્યાન આપીએ છીએ. જંકફૂડ નહીં ખાવાનું, પાણી ચોખ્ખું જ પીવાનું, પોલ્યુશનથી દૂર રહેવાનું, કુટેવો નહીં રાખવાની અને બીજું ઘણુંબધું ધ્યાન આપણે રાખતા હોઇએ છીએ. હેલ્થ પ્રત્યે અવેરનેસ વધી છે એટલે જ હવે ડાયટ ફૂડ, સુગર ફ્રી ડ્રિંક અને ઓર્ગેનિક ફૂટનું માર્કેટ રાતે ન વધે એટલું દિવસે અને દિવસે ન વધે એટલું રાતે વધી રહ્યું છે. બીજી તરફ લોકો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ને વધુ બેદરકાર બની રહ્યા છે.

મજા આવે એના માટે તમે શું કરો છો? મજામાં ન હોવ ત્યારે તમને ખબર હોય છે કે તમે મજામાં નથી? ડિપ્રેશન કે બીજી માનસિક બીમારીઓ વધવાનું એક કારણ એ પણ છે કે આપણને ખબર જ નથી હોતી કે આપણા વિચાર, વાણી અને વર્તનમાં ફેરફાર થયો છે. માનસિક અસ્વસ્થતા દેખાતી નથી એ વરતાય છે. એને ઓળખતા આવડવું જોઇએ અને જરૂર પડ્યે એની સારવાર પણ કરાવવી જોઇએ. દવા નહીં માત્ર કાઉન્સેલિંગથી પણ માનસિક હાલત સુધારી શકાય છે. આપણે ત્યાં મનોચિકિત્સકોને હજુ ગાંડાના ડોક્ટર જ સમજવામાં આવે છે એ કરુણતા છે.

હેપીનેસ એટલે શું? સાવ સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો મજામાં રહેવું. મજામાં એમ ને એમ નથી રહેવાતું. મજામાં રહેવાનું પણ શીખવું પડતું હોય છે. જો માણસ પોતે સમજુ હોય તો એને ખબર પડી જાય છે કે મજા આવતી નથી એટલે મારે મને ગમે એવું કંઇક કરવું પડશે. અપસેટ હોય તો ઘણા લોકો ખુલ્લામાં ફરવા ચાલ્યા જાય છે, મિત્રોને મળે છે, પોતાને ગમતી કંઇક પ્રવૃત્તિ કરે છે. એના માટે સૌથી પહેલા તો એ ખબર પડવી જોઇએ કે મને શું ગમે છે? શું કરું તો હું રિલેક્સ ફીલ કરું છું? દરેક માટે એ અલગ અલગ હોવાનું. તમને ખબર છે કે તમને શેમાં મજા આવે છે? તમે મજામાં હશો તો જ તમારું કામ સારી રીતે કરી શકશો. અપસેટ કે ટેન્શનમાં હશો તો કામમાં પણ લોચા જ થવાના. કામ પણ મજાથી થવું જોઇએ. આપણી લાઇફ સ્ટાઇલ જ એવી થતી જાય છે કે ક્યારેક આપણે બોર થઇ જઇએ, બધું મૂકીને ક્યાંક ભાગી જવાનું મન થાય, જિંદગીનો કોઇ મતલબ ન લાગે, કામમાં સખત સ્ટ્રેસ લાગે, ગોલ પૂરા થાય નહીં, ટાર્ગેટ એચિવ ન થાય, સરવાળે આપણે ડિસ્ટર્બ રહીએ.

અત્યારના સમયમાં રિલેશનશિપના ઇસ્યુઝ પણ વધી ગયા છે. સંબંધોમાં તનાવ છે. અપેક્ષાઓ પૂરી નથી થતી. પ્રેમ અને શાંતિ મેળવવા લોકો ધમપછાડા કરે છે. મનથી જ્યાં સુધી ખુશ નહીં હોવ ત્યાં સુધી કોઇ સુખનો અહેસાસ થવાનો નથી. ગમે એવી સફળતા તમને ખુશી આપશે નહીં. શારીરિક રીતે સારા હશો અને માનસિક રીતે નબળા પડશો તો તમે ટકી નહીં શકો, નેગેટિવિટી તમારી ઉપર સવાર થઇ જશે. સામા પક્ષે માનસિક રીતે મજબૂત હશો તો તમે શારીરિક બીમારીને આસાનીથી હરાવી શકશો. ગંભીર બીમારીમાં પટકાયા હોય, બચવાની કોઇ ઉમ્મીદ ન હોય અને સાજા થયા હોય એવા લોકોને વિશે આપણે કહીએ છીએ કે એનું મનોબળ જબરજસ્ત મજબૂત હતું એટલે બીમારી સામે ફાઇટ આપી. જિજીવિષા એ મનની મજબૂતી જ છે. મારે જીવવું છે એવી લગન માણસને મરવા નથી દેતી. તમને ખબર છે માણસ ખરેખર મરે એ પહેલાં મનથી મરી જતો હોય છે, મનથી મરી જાય એ લાંબું જીવી ન શકે. લાંબું જીવવું હોય તો હેપીનેસની ફોર્મ્યુલા અપનાવો.

હેપીનેસની કોઇ યુનિવર્સલ ફોર્મ્યુલા નથી. તમારે તમારી હેપીનેસ શોધવાની છે. તમે ખુશ રહેવા જોઇએ. બધું પકડી ન રાખો, હળવા રહો, લોકો સાથે વાતો કરો, મજામાં રહેવાના દરેક નુસખાઓ અજમાવો, તમારા સંબંધો મજબૂત રાખો, પૂરી મહેનત પછી પણ સંબંધો મજબૂત ન રહે તો પણ બહુ ચિંતા ન કરો. હેલ્થની સાથોસાથ હેપીનેસ વિશે પણ વિચારો. હેપીનેસ વધી શકે છે, જો તમને જિંદગી જીવતા આવડે તો! રોજ એવો વિચાર કરજો કે હું હેપી તો છું ને? જવાબ હા હોય તો વાંધો નથી પણ ના હોય તો કંઇક એવું કરજો કે મજા આવે. આપણી ખુશી છેલ્લે તો આપણે જ શોધવાની હોય છે.

પેશ-એ-ખિદમત

મુઝે માલૂમ હૈ ઉસ કા ઠિકાના ફિર કહાં હોગા,

પરિંદા આસમાં છૂને મેં જબ નાકામ હો જાયે,

ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો,

ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે.

-બશીર બદ્ર

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 29 એપ્રિલ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: