75 વર્ષની લાઇફમાં આપણે સાત વર્ષ જ સાચું જીવીએ છીએ? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

75 વર્ષની લાઇફમાં આપણે સાત

વર્ષ જ સાચું જીવીએ છીએ?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

જિંદગી વિશે થયેલો એક અભ્યાસ જણાવે છે કે

75 વર્ષની લાઇફ હોય તો પણ આપણી સાચી

જિંદગી તો સાત વર્ષની જ હોય છે.

આ વાત તમને ગળે ઊતરે એવી છે?

જિંદગી તો દરેક ક્ષણે જીવી શકાય,

સવાલ એ છે કે લાઇફ પ્રત્યે

આપણો નજરિયો કેવો છે?

જિંદગી આમ તો હિસાબ કરવાનો કે ગણિત માંડવાનો વિષય જ નથી, જિંદગી તો જીવી લેવાનો વિષય છે. આમ છતાંયે જિંદગીમાં સરવાળા-બાદબાકી અને ગુણાકાર-ભાગાકારની વાતો થતી રહે છે. કેટલાક અભ્યાસો એવા હોય છે જે આપણને વિચારતા કરી મૂકે. પહેલી નજરે વાત સાચી લાગે, એની પાછળ જે મેસેજ હોય એ પણ સાવ ખરો જ હોય, છતાં થોડુંક લાંબું વિચારીયે તો થાય કે સાવ એવું પણ નથી. લાઇફ વિશેના એક એવા જ સ્ટડીની અહીં વાત કરવી છે.

વિદેશમાં થયેલા એક અભ્યાસમાં જિંદગીને 75 વર્ષની માનીને આપણે ખરેખર કેટલું સાચું અને સારું જીવીએ છીએ તેનો હિસાબ કરાયો છે. દિવસના ચોવીસ કલાકમાંથી આઠ કલાક આપણે ઊંઘીએ છીએ. મતલબ કે વર્ષના 365માંથી 121 દિવસ આપણે સૂવામાં વિતાવીએ છીએ. એ હિસાબે જિંદગીનો ત્રીજો ભાગ તો નીંદર જ ખાઇ જાય છે. 75માંથી 25 વર્ષ તો સૂવામાં ગયાં. બાકી બચ્યાં 50 વર્ષ. માણસ દરરોજ એવરેજ ચાર કલાક મોબાઇલ, લેપટોપ અને કમ્પ્યુટર પાછળ વિતાવે છે. એમાં કામ પણ આવી ગયું. એ હિસાબે બીજાં 12 વર્ષ આ બધી માથાકૂટમાં જાય છે. 50માંથી 12 વર્ષ ગયાં. હવે બાકી કેટલાં બચ્યાં? 38 વર્ષ! આપણે 14 વર્ષ જેટલો સમય ભણવામાં એટલે કે સ્કૂલ અને કોલેજમાં વિતાવીએ છીએ. ચાલો, 38માંથી એ 14 વર્ષ બાદ કરો. હવે રહ્યાં, 24 વર્ષ. 11 વર્ષ આપણું બચપણ અને નહાવા-ધોવામાં જાય છે. એ 11 વર્ષ પણ બાદ કરીએ તો બાકી બચે 13 વર્ષ. હવે નવો હિસાબ. જિંદગી દરમિયાન ખાવા-પીવા, ટ્રાવેલિંગ, શોપિંગ, ગ્રુમિંગ અને ક્લિનિંગમાં પસાર થાય છે, છ વર્ષ. 13માંથી આ છ ગયાં. હવે બચ્યાં માત્ર સાત વર્ષ!

આ આખા સ્ટડીનો જે ભાવાર્થ છે એ એવો છે કે, જિંદગી જીવવા માટે આપણી પાસે સાચો સમય તો આ સાત વર્ષનો જ છે, એટલે જિંદગીને મોજથી જીવો. હતાશા, નિરાશા, નારાજગી, ઉદાસી, ગુસ્સો અને નેગેટિવ બાબતોમાં તમારી જિંદગીનો અમૂલ્ય સમય ન વેડફો. આ સ્ટડીની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે, કદાચ તમે જોઇ પણ હશે. પહેલી નજરે તો એમ જ થાય કે સાલી વાત તો એકદમ સાચી જ છે હોં, જિંદગીને ભરપૂર જીવી લેવી જોઇએ. જોકે જરાક જુદી રીતે જોઇએ તો ખબર પડે કે સાવ એવું નથી.

જિંદગી જીવતા આવડે તો પૂરેપૂરાં પંચોતેર વર્ષ મોજથી જીવી શકાય. જે હિસાબ મંડાયો છે એમાં એવું શા માટે માનવાનું કે, એ બધામાં જિંદગી વેડફાય છે. એ જિંદગી પણ જિવાય જ છે ને? તમે કામનો પૂરેપૂરો આનંદ ઉઠાવી જ શકો છો. તમે ગ્રુમિંગને એન્જોય કરી શકો છો, ટ્રાવેલિંગને તમે એન્જોયેબલ બનાવી શકો છો, તો તમે જિંદગી જીવો જ છો. ખાવા-પીવામાં જે સમય જાય છે એ પણ મજાનો જ હોય છે. સરવાળે તો આપણે આપણા આયુષ્યનાં વર્ષો કેવી રીતે જીવીએ છીએ તેના પર જ બધો આધાર હોય છે.

ઊંઘની થોડીક વાત કરીએ. ત્રીજા ભાગની જિંદગી સૂવામાં જાય એ વાત સાવ સાચી, જોકે એ વાત પણ ન ભૂલવી જોઇએ કે સારી અને મીઠી ઊંઘ આવવી એ પણ સારી જિંદગીની નિશાની છે. સારી ઊંઘ લેવા માટે દિવસ સારો હોવો જોઇએ. રાત તો જ સ્વીટ રહે જો દિવસ કડવો ન હોય. દિવસે સારી રીતે જીવતા આવડે તો જ રાત આપણને રિલેક્સ કરી શકે. આપણો એક વાંધો એ પણ હોય છે કે આપણે અભ્યાસ, નોકરી કે કામ-ધંધાને ભારરૂપ ગણીએ છીએ, એ બધું બહુ ચેલેન્જિંગ લાગે છે. એમાં આપણને મજા આવતી નથી. જેમાં મજા ન આવે એ સજા જ લાગે. જેને એ બધામાં મજા આવે છે એ તો દરેક પળ જીવતા જ હોય છે.

આ અભ્યાસમાં જિંદગીને 75 વર્ષની માનવામાં આવી છે. કોણ કેટલું આયુષ્ય લઇને આવ્યું છે એ કોઇને ખબર નથી. આપણે જીવતા હોઇએ ત્યારે જિંદગીની ગેરંટી છે પણ મોતની કોઇ ખાતરી નથી. મોત આપણા હાથની વાત નથી પણ જિંદગી તો સો એ સો ટકા આપણા હાથમાં હોય છે. એ આપણે કેટલી જીવતા હોઇએ છીએ? સાત વર્ષ જ શા માટે, આપણે ઇચ્છીએ તો તેનાથી દસ ગણી એટલે કે સિત્તેર વર્ષની જિંદગી મોજથી જીવી શકીએ.

જિંદગી જીવવાનો રસ્તો તો સાવ સરળ જ છે. જે કંઇ કરો એ પૂરા દિલથી કરો. દરેક કામમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઇ જાવ. જમતી વખતે ફૂડને એન્જોય કરો. સ્ટ્રેસને નજીક ફરકવા ન દો. જિંદગીની દરેક પળ સોળે કળાએ જીવો. તમને સવાલ થશે કે એટલું સહેલું થોડું છે? જિંદગીમાં કેટલી બધી જફા છે, દરેક પગલે પડકારો છે. સાવ સાચી વાત છે, સહેલું તો નથી જ. જોકે સહેલું હોત તો તો સવાલ જ ક્યાં હતો? સહેલું નથી એટલે તો શીખવું પડે છે. શીખીએ તો આવડી જાય એવું પણ છે. જિંદગીને દરરોજ થોડીક નજીકથી જુઓ. કોઇ ક્ષણને છટકવા ન દો. તમારા સંબંધોને સાત્ત્વિક રાખો. તમારા લોકોને પ્રેમ કરો. જિંદગીની પ્રાયોરિટીઝ નક્કી કરો. સૌથી પહેલી પ્રાયોરિટી તો એ જ કે આ મારી જિંદગી છે અને એ મારે મસ્તીથી જીવવી છે. મારી એક દુનિયા છે, એ દુનિયાને મારે રળિયામણી બનાવવી છે. રોબોટની જેમ મારે જીવવું નથી. હું ચાવીવાળું રમકડું નથી કે કોઇ ચાવી ભરે અને હું ઠેકડા મારવા લાગું. મારી બધી જ ચાવી મારા હાથમાં છે. આપણે ફક્ત નક્કી કરવાનું હોય છે કે મારી જિંદગી મારા ઇશારે ચાલશે. બાય ધ વે, આજે તમે કેટલું જીવ્યા? કોઇ સમય વેડફાયો તો નથી ને?

એનો વિચાર એટલા માટે કરજો કારણ કે આપણે જિંદગીનાં તમામ વર્ષો જીવવું છે, માત્ર સાત વર્ષ જ નહીં! રાઇટ?

પેશ-એ-ખિદમત

વો રોશની કિ આંખ ઉઠાઇ નહીં ગઇ,

કલ મુજ સે મેરા ચાંદ બહુત હી કરીબ થા,

મેં ભી રહા હૂં ખલ્વત-એ-જાનાં મેં એક શામ,

યે ખ્વાબ હૈ યા વાકઇ મૈં ખુશ-નસીબ થા.

(ખલ્વત-એ-જાનાં= પ્રિયજન સાથે મિલન) -ઉબૈદુલ્લાહ અલીમ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 08 એપ્રિલ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: