રેડ લાઇટ એરિયા અને બ્લુ ફિલ્મની જાહેરમાં કરી શકાય એવી વાતો : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

રેડ લાઇટ એરિયા અને બ્લુ ફિલ્મની

જાહેરમાં કરી શકાય એવી વાતો

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

દરેક શહેરમાં એક એવો બદનામ એરિયા હોય છે,

જ્યાં ઘણુંબધું ચાલતું હોય છે.

તેના વિશે ચર્ચાઓ થતી રહે છે.

લોકો માટે આવા વિસ્તારો ઓલવેઝ

કૂતુહલનો વિષય રહ્યા છે.

તમને ખબર છે કે ‘રેડ લાઇટ એરિયા’ નામ

કેવી રીતે પડ્યું? ફિલ્મ જેવી જ ફિલ્મ હોવા છતાં

‘એવી’ ફિલ્મને બ્લુ ફિલ્મ કેમ કહે છે?

 

રેડ લાઇટ એરિયા એ એક એવી વાસ્તવિકતા છે જેને કોઇ નકારી શકે તેમ નથી. દુનિયાના મોટાભાગના દેશોમાં, જાહેરમાં કે ખાનગીમાં આવી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. એક વર્ગ એવો છે જે આવા વિષયની ચર્ચા કરવાનું ટાળે છે, અમુક લોકો નાકનું ટેરવું ચડાવે છે, તો સામા પક્ષે એક સમૂહ એવો પણ છે જે માને છે કે રેડ લાઇટ એરિયા જરૂરી છે. એટલું જ નહીં, આ વ્યવસાયમાં પડેલી મહિલાઓનું શોષણ ન થાય એ માટે પ્રોસ્ટિટ્યુશનને લીગલ કરવાની તરફેણ પણ કરે છે. દુનિયાના અમુક દેશોમાં સેક્સ ઇન્ડ્રીસ્ટ્રી ધમધમે છે. આ વ્યવસાયમાં મહિલાઓને જબરજસ્તીથી ધકેલવામાં આવે છે, તેનું માત્ર શારીરિક જ નહીં, માનસિક શોષણ પણ થાય છે. અમુક મહિલાઓ મજબૂરીના કારણે આવા કામ તરફ દોરવાય છે. બહુ ઓછા કિસ્સા એવા હોય છે કે મહિલાઓ રાજીખુશીથી આવું કામ કરે છે.

ખેર, આપણે એ બધી વાતોમાં નથી પડવું, આપણે તો એ વિસ્તાર, એના નામ, બ્લૂ ફિલ્મ, પોર્ન વિગેરેની થોડીક રસપ્રદ વાતો કરવી છે. બાય ઘ વે, તમને ખબર છે કે ‘રેડ લાઇટ એરિયા’ નામ કેવી રીતે પડ્યું? એના વિશે જાતજાતની વાતો છે. એક વાત એવી છે કે, 1894ના સમયમાં અમેરિકામાં એક વિસ્તારનાં અમુક ઘરોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી. જે ઘરમાં આવું ચાલતું હોય તેને લોકો આઇડેન્ટિફાઇ કરી શકે એ માટે એ ઘરોમાં લાલ લાઇટ લગાવવામાં આવતી. આ લાઇટના કારણે એ એરિયાનું નામ ‘રેડ લાઇટ એરિયા’ પડી ગયું અને ધીમે ધીમે એ આખા વિશ્વમાં પ્રચલિત થઇ ગયું.

રેડ લાઇટ વિશે એક બીજી વાત એવી છે કે, આ વ્યવસાયમાં જોડાયેલી મહિલાઓને સેક્સચ્યુલ ટ્રાન્સમિટેડ ડિસીઝના કારણે શરીરના અમુક ભાગોમાં લાલ ચકામાં થઇ જતાં. જો ગ્રાહકો એ જોઇ જાય તો પડખે ન ચડે. લાલ લાઇટ હોય તો આ ચકામાં તરત દેખાય નહીં. એટલા માટે લાલ લાઇટો લગાડવામાં આવતી અને તેના પરથી રેડ લાઇટ નામ પડ્યું. આપણા દેશમાં મુંબઇના ગ્રાન્ટ રોડ પર આવેલ કમાટીપુરા અને કોલકોતાના સોનાગાચીની ગણના એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયામાં થાય છે. કોલકતામાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પત્નીથી દૂર ભારતમાં રહેતા પોતાના સૈનિકોની શારીરિક ભૂખ સંતોષાય એ માટે સોનાગાચીમાં આ પ્રવૃત્તિ શરૂ કરાવી હતી. દિલ્હીનો જે.બી.રોડ પણ બહુ જાણીતી જગ્યા છે. એ સિવાય અનેક શહેરોમાં આવું બધું ચાલતું રહે છે. જવા દો, હવે થોડીક વાત બ્લૂ ફિલ્મની કરીએ.

એને બ્લૂ ફિલ્મ કેમ કહે છે? લાલ, પીળી કે ગુલાબી કેમ નથી કહેતા? વાત એવી છે કે ઇ.સ. 1920ના અરસામાં હોલિવૂડમાં જે ફિલ્મો બનતી એની રીલ (ફિલ્મની પટ્ટી) બહુ મોંઘી આવતી. આ રીલ પાછી લાંબો સમય સારી રહેતી પણ નહીં. અમુક રીલ્સ પડી પડી હલકી પડી જતી. ગંદી ફિલ્મો બનાવનારાઓ આ હલકી રીલ સસ્તા ભાવે ખરીદી લેતા. એના પર ન્યૂડ ફિલ્મો બનાવતા. થતું એવું કે રીલ નબળી પડી ગઇ હોય એટલે એમાં બ્લૂ શેડ પડતો. આથી ફિલ્મ થોડીક બ્લૂ દેખાતી. તેના પરથી આવી ફિલ્મોનું નામ બ્લૂ ફિલ્મ પડી ગયું.

આપણે ત્યાં, મતલબ કે ગુજરાતમાં આવી પ્રવૃત્તિ જ્યાં ચાલતી હોય છે એ જગ્યાને ખાંજરું કહે છે. હવે આ ખાંજરુંનો અર્થ શું? ખાંજરું એટલે ખૂણામાં કોઇ ન જુએ એવું સ્થાન. ખૂણામાં હોવાથી એ જાહેર ન હોય. આ ઉપરાંત કૂટણીનું ઘર અને કૂટણખાનું જેવો અર્થ પણ થાય છે. વેશ્યા માટે પણ ગુજરાતીમાં ઘણા શબ્દો છે. ગણિકા, નગરવધૂ, પાતર, રામજણી, રૂપજીવિની, રૂપલલના, વારાંગના (વીરાંગના નહીં, વીરાંગનાનો અર્થ બહાદૂર સ્ત્રી થાય છે), જારકામ કરનારી સ્ત્રી અથવા રૂપ સૌંદર્યનો વેપાર કરી આજીવિકા મેળવનારી સ્ત્રી. કેવું છે નહીં, આવાં કામો કરવા જવાવાળા પુરુષો માટે બહુ ઓછી ચર્ચા કે ટીકા-ટિપ્પણી થાય છે!

હવે વાત ઓનલાઇન પોર્નની. સમાજશાસ્ત્રીઓ અને સાયકોલોજિસ્ટસને આજની જનરેશન માટે સૌથી વધુ ખતરનાક કંઇ લાગતું હોય તો એ છે, ઓનલાઇન પોર્ન. મોબાઇલના કારણે આવું કન્ટેન્ટ હવે હાથવગું થઇ ગયું છે. તમે બીજું કંઇપણ સર્ફ કરતાં હોવ ત્યારે અચાનક સાઇડમાં કોઇ એવી તસવીર આવી જાય છે જે તમને લલચાવે છે. કિશોરવયનાં છોકરા-છોકરીઓને મુગ્ધાવસ્થામાં સમજ નથી પડતી કે આમાં પડવા જેવું નથી. એક વાર જોયું એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે એ તમારી સામે વારંવાર આવતું રહે છે. જો માણસ સમજુ ન હોય તો એને આવું જોવાની લત લાગી જાય છે અને એ લત વિકૃતિની હદ સુધી જઇ શકે છે.

એ પણ મોટો સવાલ છે કે, ઓનલાઇન કન્ટેન્ટમાં ટોટલ પોર્ન મટિરિયલ કેટલું છે? ‘ઇન્ટરનેટ સેફ્ટી’નો અંદાજ જોઇએ તો વેબ પર 30 ટકા કન્ટેન્ટ માત્ર પોર્નનું છે. આ વાત ખતરનાક છે. તેને રોકવાનું અત્યારે તો શક્ય નથી. ભવિષ્યમાં કોઇ વ્યવસ્થા થાય તો નવાઇ નહીં. અત્યારે તો આવું બધું ઇઝિલી એવેલેબલ છે એ નગ્ન સત્ય છે. સૌથી વધુ સર્ચ થતાં શબ્દોમાં ટોપ ટેનમાં પોર્ન શબ્દ મોખરે રહે છે. પોર્ન જોવામાં સ્ત્રીઓ પણ પાછળ નથી, અલબત એની સંખ્યા પુરુષો કરતાં થોડી ઓછી છે. યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલ દ્વારા થયેલા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે પુરુષ એક અઠવાડિયામાં સરેરાશ 40 મિનિટ પોર્ન કન્ટેન્ટ જુએ છે. કમિટેડ હોય એવા પુરુષો પણ વીકમાં વીસ મિનિટ આવું બધું જુએ છે. સરવાળે તો એટલું જ કહેવું પડે કે, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા આવા બધાથી દૂર રહેવામાં જ માલ છે! એક વાર લપસ્યા એટલે ગયા, પાછું વળવું અશક્ય નથી પણ અઘરું તો છે જ!

પેશ-એ-ખિદમત

દાગ દુનિયા ને દિએ જખ્મ જમાને સે મિલે,

હમ કો તોહફે યે તુમ્હેં દોસ્ત બનાને સે મિલે,

એક હમ હી નહીં ફિરતે હૈં લિએ કિસ્સા-એ-ગમ,

ઉન કે ખામોશ લબોં પર ભી ફસાને સે મિલે.

-કૈફ ભોપાલી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 11 માર્ચ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: