મને કહેને, તને મારામાં શું નથી ગમતું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને કહેને, તને

મારામાં શું નથી ગમતું?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

લાખ ભલેને હોય કુટેવો, માણસ તોયે મળવા જેવો,

સૌ પૂછે છે: સારું છેને? સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલેને હોવ ગમે તે, હુંય નથી કંઈ જેવો તેવો,

દર્પણને ઘડપણ આવ્યું છે, હું તો છું એવો ને એવો.

-મકરંદ મુસળે 

દરેક માણસમાં થોડીક ખૂબીઓ હોય છે, થોડીક ખામીઓ હોય છે, થોડુંક સારું હોય છે, કંઈક ખરાબ હોય છે. આપણે સહુ થોડાક પોઝિટિવ હોઈએ છીએ. થોડાક નેગેટિવ પણ હોઈએ છીએ. માણસમાં એક ગજબનું મિક્સચર હોય છે. બધું થોડું થોડું હોવાનું. આપણી માન્યતાઓમાં થોડીક સારી હશે, અમુક માન્યતા જડ જેવી હશે. આપણે ક્યારેક જતું કરીએ છીએ અને ક્યારેક એવી જીદ પર આવી જઈએ છીએ કે આ તો નહીં જ! વટ, ઇગો, સન્માન, આત્મસન્માન, આબરૂ, ઇજ્જત એવું ઘણું આપણામાં સળવળતું રહે છે. કોઈ વાતને આપણે આપણી ઇમેજ સાથે જોડી દઈએ છીએ. તેં તો મારી આબરૂના કાંકરા કરી નાખ્યા, એવું કહીએ છીએ. આપણી ધારણાઓને આપણે ચોંટી રહીએ છીએ. આ ગમે અને આ ન ગમે, આ ફાવે અને એ તો બિલકુલ ના ફાવે, આવું કરાય અને આવું તો ન જ કરાય, આવું ઘણું બધું આપણે માનતા હોઈએ છીએ. પોતે જે માનતા હોય એ માનવાનો દરેકને પૂરો અધિકાર છે. આપણે જે માનતા હોઈએ એ માનીએ એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી, તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે એ બીજા ઉપર ઠોકી બેસાડીએ છીએ.

સંબંધનો અંત અથવા તો સંબંધમાં અંતર ત્યારે આવતું હોય છે જ્યારે આપણે આપણી વ્યક્તિ આપણે ઇચ્છીએ એવું જ કરે એવું ઇચ્છીએ છીએ. આપણે તો પ્રેમનો અને સંબંધનો આધાર જ ઘણી વખત આપણી માન્યતાને બનાવી દઈએ છીએ. તું મને ગમે એવું કરે છે તો જ તું મને પ્રેમ કરે છે! તું મારાથી જુદું વિચારી જ ન શકે! આવું વલણ એ હદે જઈ પહોંચે છે કે તારે હું કહું એમ જ કરવાનું! સંબંધ જ્યારે સબૂત માગવા માંડે ત્યારે સમજવું કે આ સંબંધ સમાપ્તિની નજીક છે. એક હદ સુધી કોઈ તમને પેમ્પર કરે, કોઈ તમારું માને, કોઈ તમારી જીદ પૂરી કરે, પણ એક તબક્કે એને થાય છે કે હવે બહુ થયું! દરેક વાતની એક હદ હોય છે! સાવ સાચી વાત છે, દરેક વાતની એક હદ હોય છે, એ હદ આવે એ પહેલાં આપણને સમજાઈ જવું જોઈએ કે આપણે શું કરવું છે? સંબંધ બચાવવો છે કે ઇગોને વળગી રહેવું છે? ગુજરાતીમાં એક કહેવત છે કે સીંદરી બળી જાય પણ વળ ન છોડે. આપણે ઘણી બળેલી સીંદરી જોઈ પણ હોય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે, ભલે બળેલી સીંદરી વળ ન છોડતી હોય, પણ અંતે તો એની રાખ જ થવાની હોય છે! બળેલી સીંદરીને અડો એટલે એ ખરી જ પડવાની છે. જિંદગીમાં એવા તબક્કા આવતા હોય છે જ્યારે આપણે નક્કી કરવું પડે કે, સંબંધ બચાવવો છે કે જીદને વળગી રહેવું છે? ઘણા લોકો મનમાં સોરી કહેતા હોય છે, પણ મોઢામોઢ કહી નથી શકતા! એવું ઇચ્છતા હોય છે કે એની વ્યક્તિ એને બોલાવે, એની સાથે વાત કરે, પણ સામેથી વાત કરવા તૈયાર નથી હોતા. આપણે જે ઇચ્છતા હોઈએ એ ઘણી વખત આપણી સાવ સામે અને તદ્દન નજીક હોય છે, જરાક હાથ લંબાવવાની કે એકાદ શબ્દ બોલવાની જ વાર હોય છે. આપણે એવું નથી કરતા, કંઈક આડું આવતું હોય છે, કંઈક અટકાવતું હોય છે. આપણો ઇગો, જીદ, માન્યતા, નારાજગી આપણને રોકતી હોય છે. એ માણસનું તમારી જિંદગીમાં કેટલું મહત્ત્વ છે એ વિચારજો. એના વગર તમને ચાલે છે એ સવાલ તમારી જાતને પૂછજો. જો એ તમારી જ વ્યક્તિ છે તો પછી શું એનું અને શું મારું? ઝઘડો થાય પછી બંને વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે જલદી આ વાત પતે તો સારું, ખેંચાતું એટલે જ હોય છે કે આપણે વાત મૂકવા તૈયાર નથી હોતા! કેવું છે નહીં, બોલવું હોય છે પણ પહેલાં તું બોલે તો, માનવું હોય છે પણ તું મનાવે તો, વાત પતાવવી છે પણ તું પતાવે તો! સાચો પ્રેમ એ છે કે આપણને એવું થાય કે જવા દે, હું જ શરૂઆત કરું, એના જેવા નથી થવું! એના જેવા ન થઈએ ત્યારે ઘણી વાર આપણે આપણા જેવા થતા હોઈએ છીએ! એના માટે એ જરૂરી હોય છે કે આપણે સારા, સાફ દિલના અને સંબંધની સંવેદનાને સમજનારા હોઈએ!

આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણને ખબર જ નથી હોતી કે આપણામાં શું ખામી છે! આપણે આપણી જાતને સંપૂર્ણ માનતા હોઈએ છીએ! આપણે જે માનતા હોઈએ એ માન્યતાને સાચી ઠેરવવા આપણી પાસે દલીલો પણ હોય છે. તમે ક્યારેય તમારી વ્યક્તિને પૂછ્યું છે કે, મને કહે તો, તને મારામાં શું નથી ગમતું? પૂછી જોજો. તમને અંદાજ ન હોય એવી વાત તમને જાણવા મળશે! પૂછીએ અને જવાબ મળે પછી આપણે શું કરીએ? મોટાભાગે તો એવું સાબિત કરવાનો પ્રયાસ કરીએ કે હું કેમ આવો છું? મને કેમ આવું લાગે છે? દલીલ કે ચર્ચા ન કરતા, જરાક વિચારજો કે એને આવું કેમ લાગ્યું? જો તમે એ સુધારી શકો તેમ હોવ તો સુધારજો.

તમે જરાક વિચાર કરો કે તમને આખી દુનિયામાં જે સૌથી વધારે વહાલું છે, એનું તમને શું નથી ગમતું? એ ખરેખર એની ખામી, નબળાઈ કે ખરાબી છે કે પછી એનો સ્વભાવ કે એની આદત છે? ઘણી વખત આપણે આપણી વ્યક્તિની આદતને ખરાબી સમજી લેતા હોઈએ છીએ. એક પતિ-પત્નીની વાત છે. પતિ જમ્યા પછી જોરથી ઓડકાર ખાય! પત્ની દરેક વખતે બોલે કે આ શું છે? આવી રીતે ઓડકાર ખવાય? એક વખત પતિએ કહ્યું કે, તું જેને ખરાબી સમજે છે એ હકીકતે ખરાબી નથી, કોઈ દુર્ગુણ નથી, પણ મારી આદત છે. જોરથી ઓડકાર ન ખાઉં તો મને સંતોષ જ નથી થતો! ઘણીવખત આપણે આપણી વ્યક્તિની સામાન્ય આદત પણ સ્વીકારી નથી શકતા, એનો વાંક જોઈએ છે, એવું માનીએ છીએ કે એ બરોબર નથી કરતો કે બરોબર નથી કરતી! ક્યારેય એવું વિચારીએ છીએ ખરા કે હું કેમ એને સહજતાથી નથી લઈ શકતો? મને કેમ એની સહજ વાત અસહજ અને અસહ્ય લાગે છે? જો એનામાં એ ખામી છે તો પછી મારામાં એને જેવો છે એવો ન સ્વીકારવાની ખામી નથી? આપણને ન ગમતું હોય ત્યારે આપણે એવું કેમ નથી વિચારતાં કે એને એ ગમે છે કે નહીં? આપણી વ્યક્તિના ગમા-અણગમાને આપણે આપણા ગમા-અણગમા સાથે પણ સરખાવતા હોઈએ છીએ! આપણે એ નથી સ્વીકારી શકતા કે એના ગમા-અણગમા પણ હોવાના. આપણને તો આપણા જેવા જ ગમા-અણગમા આપણી વ્યક્તિમાં જોઈતા હોય છે! માથાકૂટ, ઝઘડા, નારાજગી અને વિવાદની શરૂઆત જ મોટાભાગે ત્યાંથી થતી હોય છે. માત્ર પર્સનલ લાઇફની જ વાત નથી, પ્રોફેશનલ લાઇફમાં પણ આ વાત એટલી જ લાગુ પડે છે. આપણે ક્યારેય આપણી ઓફિસમાં આપણા બોસને પૂછ્યું હોય છે કે, મારામાં શું ખામી છે એ કહોને! આપણે એવું નથી પૂછી શકતા, કારણ કે સાચું સાંભળવાની કે સાચું સ્વીકારવાની આપણી તૈયારી નથી હોતી! આપણે તો આપણા મિત્રને પણ પૂછી નથી શકતા કે, મારામાં તને શું પ્રોબ્લેમ લાગે છે! શું કરું તો હું વધુ સારો માણસ બનું? મોટાભાગના લોકો એવું જ માને છે કે મને બધી સમજ પડે છે. આવું જે સમજે છે એણે એક વાત સમજવી જોઈએ કે આવી સમજ જ બતાવે છે કે તમને બધી ખબર પડતી નથી. કોઈ સાચું કહે તો આપણે એને આપણા વિરોધી કે હરીફ સમજી લઈએ છીએ!

બાય ધ વે, તમને તમારી વ્યક્તિ, તમારો મિત્ર કે તમારા કલીગ એવું પૂછે કે મને મારી ખામી કહો તો તમે સાચું કહી દો? માનો કે તમારા બોસ જ પૂછે કે મારામાં શું પ્રોબ્લેમ છે એ કહે તો તમે કહી શકો? સારી ભાષામાં સાચી વાત કહેવી એ પણ એક કલા છે. સાચું એ રીતે કહેવાવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને જરાયે છરકો પણ ન પડે. ઊલટું સારું લાગે કે એ વ્યક્તિ મારા સારા માટે કહે છે!

એક સ્ટુડન્ટ્સે એના ટીચરને પૂછ્યું કે સર, મારામાં તમને શું ખામી લાગે છે? આ વાત સાંભળી ટીચરે કહ્યું કે, તારામાં શું ખરાબી છે એ તો હું તને કહીશ, પણ પહેલાં મને એ કહી લેવા દે કે તું આ જે પૂછે છે એ તારી સારી વાત છે. તારે તારામાં સુધારો કરવો છે. તારામાં એટલું બધું સારું છે કે તું બહુ આગળ આવે. બસ, એક-બે વાત છે એને સુધારી લે તો તું બેટર છે એમાંથી બેસ્ટ થઈ જઈશ! આપણી દાનત પણ મોકો મળે એટલે મોઢામોઢ ચોપડાવી દેવાની ન હોવી જોઈએ. કોઈ કદાચ તમને એની ખામી પૂછે તો એનું ગૌરવ કરજો, એની લાગણીની અદબ જાળવજો. તમારા પ્રત્યે લાગણી છે એટલે તમને પૂછે છે. ક્યારેક આપણે આપણા લોકોની સારી વાતોને ગંભીરતાથી લેતા નથી એટલે એ આપણને ગંભીરતાથી લેવાનું બંધ કરે છે. આપણું ઇમ્પોર્ટન્સ ઘટાડવામાં મોટાભાગે આપણે જ કારણભૂત હોઈએ છીએ. આપણને આપણું જે માન હોય એનું ગૌરવ જાળવતા આવડવું જોઈએ. કોઈ તમારું માનતું હોય તો એનો આદર કરો. અનાદર કરવાની શરૂઆત આપણને અણગમતા કરી નાખે છે. દુનિયામાં કશું જ પરફેક્ટ નથી. કોઈ જ વ્યક્તિ સંપૂર્ણ નથી. દરેક મહાન માણસના પણ કોઈ ને કોઈ માઇનસ પોઇન્ટ મળી આવે. કુદરત પણ ક્યારેક તો સારા-નરસાનું મિશ્રણ જ લાગે. જુઓને, ક્યાંક રણ આપ્યું છે તો ક્યાંક જંગલ, ક્યાંક ગ્રીનરી આપી છે તો ક્યાંક વેરાની, ફૂલ આપ્યાં છે તો સાથે કાંટા પણ આપ્યા છે, ખુશબૂ વગરનાં ફૂલ પણ તેણે બનાવ્યાં છે અને અમુક પથ્થરો તરી શકે એવા પણ આપ્યા છે! દરિયાનાં મોજાં ક્યાં એકસરખાં હોય છે? એક પહાડમાં પણ કેટલી બધી જાતના પથ્થર હોય છે? જો સમગ્ર સૃષ્ટિમાં કંઈ જ પરફેક્ટ નથી તો આપણે પરફેક્ટ ક્યાંથી હોવાના? આપણામાં પણ કોઈ ને કોઈ ખામી હોવાની જ છે! આ ખામીઓ સુધારવાનો નમ્ર પ્રયાસ અને નેગેટિવિટી ઘટાડવાની પ્રામાણિક તૈયારી એ જ માણસમાંથી સારા માણસ બનવાની પ્રક્રિયા છે! બેઝિકલી દરેક માણસ સારો જ હોય છે, આપણે બસ આપણામાં જે અયોગ્ય છે એને દૂર કરવાની ખેવના હોવી જોઈએ!

છેલ્લો સીન :

જો આપણને આપણા માઇનસ પોઇન્ટ્સની ખબર પડે તો જ આપણે એને હટાવીને પ્લસ પોઇન્ટ્સમાં વધારો કરી શકીએ. નબળાઈ ઘટે તો જ સબળાઈ સજીવન થાય!      -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 28 ફેબ્રુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: