મૂડ ખરાબ હોય ત્યારે કેવાં ગીતો સાંભળવાં જોઇએ? – દૂરબીન

મૂડ ખરાબ હોય ત્યારે કેવાં

ગીતો સાંભળવાં જોઇએ?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

આપણે જે ગીતો ગણગણતાં હોઇએ છીએ

એ ગીત આપણો મૂડ રિફ્લેક્ટ કરે છે.

ગીત સાથે આપણી લાઇફ ગજબ રીતે જોડાયેલી રહે છે. અમુક સમયે અચાનક જ આપણને

અમુક ગીત કેમ યાદ આવી જાય છે?

 

મૂડ ખરાબ હોય ત્યારે સેડ સોંગ્સ આપણને

વધુ ઉદાસ બનાવી દે છે.  અમુક ગીતોને

આપણા પર હાવી થવાં દેવાં ન જોઇએ.

આ એક સાવ સાચી ઘટના છે. એક યુવાન બીમાર પડ્યો. એને હોસ્પિટલમાં દાખલ કરાયો. બીમારી બહુ ગંભીર ન હતી. જોકે સારવારની જેટલી અસર થવી જોઇએ એટલી થતી ન હતી. સ્લો ઇમ્પ્રૂવમેન્ટનું ડોક્ટરને પણ આશ્ચર્ય હતું. ડોક્ટરને સમજાતું ન હતું કે આખરે આ યુવાન પર દવાની ઝડપી અસર કેમ થતી નથી? ડોક્ટરે એ યુવાન ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. એ યુવાન બેડ પર પડ્યો પડ્યો હેડ ફોન ભરાવીને ગીતો સાંભળ્યા રાખતો હતો. ડોક્ટર તેની પાસે ગયા. યુવાનને પૂછ્યું, શું સાંભળે છે? જવાબ મળ્યો, સોંગ્સ. ડોક્ટરે કહ્યું, તને વાંધો ન હોય તો તારા મોબાઇલના પ્લે લિસ્ટના સોંગ્સ જોવા દે. યુવાને મોબાઇલ આપ્યો. ડોક્ટરે જોયું તો બધાં જ સોંગ્સ સેડ મૂડનાં હતાં. ગઝલો હતી. ડોક્ટરે યુવાનને કહ્યું કે બીમાર છે ત્યાં સુધી આવાં સોંગ્સ નહીં સાંભળ. આવાં ગીત તને વધુ અપસેટ કરે છે અને એની અસર સારવાર પર થાય છે. મૂડ સારો બને એવાં ગીત સાંભળ. યુવાને સોંગ્સની પસંદગી બદલી અને સાજા થવાની ઝડપમાં પણ વધારો થયો.

ગીત અને સંગીત માણસની સાથે જન્મથી જોડાયેલાં હોય છે. હાલરડું સાંભળીને બાળકને મીઠી ઊંઘ આવી જાય છે. દરેક માણસ દિવસમાં એકાદી વખત તો કોઇ ને કોઇ ગીત ગણગણતો જ હોય છે. તમે જે ગીત ગણગણો છો એના વિશે કોઇ દિવસ વિચાર કર્યો છે કે આ ગીત મને કેમ યાદ આવી ગયું? ઘણી વખત એવું પણ થાય છે કે સવારના સમયે કોઇ ગીત સાંભળ્યું હોય પછી આખો દિવસ આપણે કોઇ કારણ વગર એ ગીત ગણગણતા હોઇએ છીએ. મિત્રો કે ઘરના સભ્યો એવી મજાક પણ કરે છે કે સવારથી જ આ ગીત ઉપર એની પિન ચોંટી ગઇ છે. એનું કારણ એ પણ હોય છે કે આપણે ગીત ગણગણવું હોય છે અને એ ગીત હાથવગું નહીં પણ હોઠવગું હોય છે!

આપણી લાઇફમાં અમુક ગીત તો કોઇ સિચ્યુએશન સાથે કનેક્ટ થઇ ગયાં હોય છે. કોઇ ગીત સાંભળીએ અને એ ઘટના તાજી થઇ જાય છે. કોઇ પ્રસંગ, કોઇ મુલાકાત, કોઇ ક્ષણ, કોઇ સફર વખતે અમુક ગીત વાગતું હોય એ આપણા સ્મરણમાં અંકિત થઇ જાય છે. એક યુવતીએ કહેલી આ વાત છે. ‘મુજે કુછ કહેના હૈ’ ફિલ્મનું એક ગીત છે. મેરા મન ડોલે, મેરા તન ડોલે… એમાં એવું આવે છે કે, રંગ દે દુપટ્ટા મેરા! હવે આ ગીત જ્યારે આવ્યું ત્યારે અમે બધી કઝીન્સ ડ્રેસની ચુનરી ઓઢીને ડાન્સ કરતાં. દુપટ્ટા મેરા… એવું આવે ત્યારે ચુનરી ખેંચીને સ્ટાઇલ મારતાં. આ ગીત જ્યારે વાગે ત્યારે કઝીન્સ સાથે ડાન્સની એ ઘટના યાદ આવી જાય છે. તમે યાદ કરજો, તમારી લાઇફ સાથે પણ અમુક ગીત જોડાયેલાં હશે, જે વાગે કે તમે ભૂતકાળની કોઇ ઘટના સાથે કનેક્ટ થઇ જાવ છો.

ગીતને મૂડની સાથે સીધોને સટ સંબંધ છે. મૂડ સારો ન હોય ત્યારે સેડ સોંગ્સ સાંભળવા ન જોઇએ. જો આવું કરીએ તો આપણી ઉદાસી બેવડાઇ જાય છે. ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે જોડાયેલી સેન્ડ્રા ગેરિડોએ આ અંગે રસપ્રદ સંશોધન કર્યું છે. ડિસ્ટર્બ લોકો અમુક ગીતો સાંભળી વધુ અપસેટ થયા હતા તેવું તેના સંશોધનમાં બહાર આવ્યું હતું. સેન્ડ્રા કહે છે, ક્યારે કેવાં ગીત સાંભળવાં તેના ઉપર પણ આપણે નજર રાખવી જોઇએ. માત્ર મૂડ ખરાબ હોય ત્યારે જ ધ્યાન રાખવાનું નથી. મૂડ સારો હોય ત્યારે હેપી, રોમેન્ટિક અને મજા આવે તેવાં સોંગ્સ સાંભળવાં જોઇએ. મૂડ સારો હોય અને સેડ સોંગ્સ સાંભળીએ તો મૂડ બગડી જવાની શક્યતાઓ રહે છે.

મહાન ગઝલગાયક સ્વ. જગજિતસિંઘની ગઝલો દિલને સ્પર્શી જાય એવી છે. એમની ગઝલ વિશે એક વાત વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર બહુ ફરી છે અને હજુ પણ ફરે છે. આપણે ગમે એટલા પ્રેમમાં હોઇએ, આપણું દિલ જરાયે તૂટ્યું ન હોય અને આપણી લવલાઇફ એકદમ સ્ટ્રોંગ હોય છતાં પણ જગજિતની ગઝલ સાંભળીએ ત્યારે એવું થાય કે સાલ્લું બધું જ લૂંટાઇ ગયું છે! ગમ, જુદાઇ અને તન્હાઇની ગઝલો એવું ફીલ કરાવી દે જાણે આપણે પણ સાવ એકલા થઇ ગયા છીએ. ખેર, આ તો મજાકની વાત છે પણ એક વાત તો સાચી છે કે જેનું દિલ તૂટ્યું છે એને ગઝલો સાંભળવી વધુ ગમવા માંડે છે. યુ સી, તમે સીધા રિલેટ કરી શકો ને! અલબત્ત, જગજિત જેવા ગાયકો તો લિજેન્ડ છે, એના અવાજમાં એવી તાકાત છે કે આપણે ખોવાઇ જઇએ. કેવું છે નહીં, જગજિતસિંઘની વિદાયને છ વર્ષથી વધુ સમય થઇ ગયો છતાં અવાજથી એ હજુ એવા ને એવા આપણી સાથે જીવે છે. એની નજીક જઇ શકે એવો બીજો વિકલ્પ પણ આપણને હજુ મળ્યો નથી!

ગીત ગાવાની અને સાંભળવાની વાત નીકળી જ છે તો ચલો થોડીક વાત બાથરૂમ સિંગિંગની પણ કરી લઇએ. બાથરૂમમાં તમે ગીત ગાવ છો? નહાતાં નહાતાં જોશથી ગીત ગાવ છો કે મનમાં ગણગણો છો? જેમ કરતાં હોય એમ પણ બાથરૂમમાં ગાનારા લોકો વધુ ઝિંદાદિલ હોય છે. એ થોડાક મસ્ત હોય છે. આજનો માણસ સતત સ્ટ્રેસમાં રહે છે. જો નહાવા પૂરતો પણ એની મસ્તીમાં રહે તો એ ઉમદા છે. બાથરૂમ સિંગિંગ હળવાશ આપે છે. મ્યુઝિકના શોખીન તો બાથરૂમમાં મોબાઇલ સાથે લઇ જાય છે અને ડાન્સ કરવા જેવું ગીત હોય તો શાવર નીચે નહાતાં નહાતાં થોડુંક નાચી પણ લે છે. મજાની વાત એ છે કે જાહેરમાં ગાતા કે નાચવામાં અચકાતા હોય એવા લોકો પણ બાથરૂમમાં મસ્ત રીતે ગાઇ અને નાચી લે છે. ગીત અને ડાન્સ આમ તો મસ્તી માટે જ હોય છે. કોઇ મધુર ગીત સાંભળીને માથું એમ ને એમ કંઇ ઝૂમવા માંડતું નથી. કુછ તો અસર હૈ જો દિલ કો છૂ જાતી હૈ!

જૂનાં ગીતો ગમતાં હોય કે નવાં ગીત, ગઝલ ગમતી હોય કે કવ્વાલી, જે ગમે એ સાંભળવું જોઇએ. માણસે પોતાના ગમતાં મ્યુઝિક માટે પણ સમય કાઢવો જોઇએ. ગીત એ માત્ર કારમાં જતાં હોઇએ ત્યારે જ સાંભળવાની ચીજ નથી. અલબત્ત, ગીતો સાંભળતી વખતે તમારા મૂડની અને ગીતાનો પસંદગીનો થોડોક ખ્યાલ રાખજો. ઉદાસ હોઇએ ત્યારે ઉદાસીભર્યાં ગીતો ગમતાં હોય તો પણ ટાળવું જોઇએ. ભલે પેલા ગીતની પંક્તિમાં એવું કહેવાતું કે, હે સબ સે મધુર વો ગીત જિન્હે હમ દર્દ કે સૂર મેં ગાતે હૈ પણ મસ્તીમાં રહેવા માટે તો મસ્ત ગીતો જ સાંભળવાં! ઉદાસ હોઇએ ત્યારે એમાંથી બહાર નીકળવા માટે પણ તકેદારી રાખવી જોઇએ. આપણી ઉદાસી આખરે તો આપણે જ ખંખેરવી પડતી હોય છે!

 

પેશ-એ-ખિદમત

કોઇ હમ-નફસ નહીં હૈ, કોઇ રાજ-દાં નહીં હૈ,

ફક્ત એક દિલ થા અબ તક સો વો મેહરબાં નહીં હૈ,

ઇન્હી પથ્થરોં પે ચલ કર અગર આ સકો તો આઓ,

મેરે ઘર કે રાસ્તે મેં કોઇ કહકશાં નહીં હૈ.

– મુસ્તફા જૈદી

(હમ-નફસ=મિત્ર. રાજ-દાં=રહસ્ય જાણનાર. કહકશાં-કલરવ)

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 26 નવેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *