તમે શું માનો છો? તમારી ‘પ્રાઇવસી’નું રક્ષણ થાય છે? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

તમે શું માનો છો? તમારી

‘પ્રાઇવસી’નું રક્ષણ થાય છે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

પ્રાઇવસી એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે

એવું હમણાં આપણા દેશની અદાલતે ઠરાવ્યું.

આજની આ હાઇટેક અને સેટેલાઇટ કંટ્રોલ્ડ

દુનિયામાં સંપૂર્ણ પ્રાઇવસી શક્ય છે ખરી?

એનો જવાબ છે, ના!

 

ભલે આપણી ઉપર કેમેરા મંડાયેલા ન હોય

પણ આપણી હાજરીથી માંડી આપણું બિહેવ્યર પણ

‘અંડર સર્વેલન્સ’ જ હોય છે!

 

દરેક વ્યક્તિ પોતાની લાઇફમાં બે જિંદગી જીવતો હોય છે. એક પર્સનલ અને બીજી પ્રોફેશનલ. બંનેની પોતાની પ્રાઇવસી હોય છે. બંનેમાં થોડીક સિક્રસી હોય છે. બધું જ બધાને કહેવાતું હોતું નથી. અમુક વાતો અમુક લોકો પૂરતી જ મર્યાદિત હોય છે. અમુક પ્રસંગોમાં અને થોડીક ઘટનાઓમાં આપણે અંગત લોકો સિવાય કોઇનો ચંચૂપાત કે ખલેલ ઇચ્છતા નથી. થોડુંક એવું હોય છે જે પોતાના પૂરતું મર્યાદિત હોય છે. અમુક વાતો ઘરની દીવાલો વચ્ચે જ થતી હોય છે. બેડરૂમની પણ એક ગરિમા હોય છે. પ્રાઇવસી એ વ્યક્તિગત પવિત્રતા છે. કોઇની દખલથી એ અભડાવવી ન જોઇએ. પ્રાઇવસી પર એન્ક્રોચમેન્ટ એ એક પ્રકારનું ગંભીર દુષ્કૃત્ય છે. સવાલ એ છે કે, આજના અત્યંત હાઇટેકમાં આપણી પ્રાઇવસીનું કેટલું જતન થાય છે?

પ્રાઇવસીની વ્યાખ્યા શું? પ્રાઇવસી કોને કહેવાય? પ્રાઇવસી એટલે એકાંત કે ખાનગી ખૂણો નહીં, પ્રાઇવસી એટલે તમારી વાતથી માંડી તમારું વર્તન અને તમારી તમામ માહિતી ગોપનીય રહે. પ્રાઇવસીની વ્યાખ્યા તો આના કરતાં પણ વિશાળ અને વિસ્તૃત છે. રાઇટ ઓફ પ્રાઇવસીના મામલે હમણાં દેશની સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું કે, પ્રાઇવસી એ દરેક નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. આ અધિકાર આપણા બંધારણમાં આર્ટિકલ 21 હેઠળ આપવામાં આવ્યો છે. જોકે અદાલતે એવું પણ કહ્યું કે, પ્રાઇવસીના અધિકારની સ્પષ્ટ વ્યાખ્યા કરવી અઘરી છે.

સરકાર આપણા આધાર કાર્ડને બધા સાથે જોડવા ઇચ્છે છે. સરકારનો ઉદ્દેશ કદાચ સારો હશે. બધા લોકોની ચોક્કસ માહિતી હોય તો યોજના અને તેના અમલમાં સરળતા રહે. જોકે બધી માહિતી બધાને મળે તો પછી લોકોની પ્રાઇવસીનું શું? આધાર કાર્ડ અને પ્રાઇવસી વિશે તો જે નિર્ણય લેવાવાનો હશે એ લેવાશે. પ્રશ્ન એ પણ છે કે, લોકોની બીજી પ્રાઇવસીનું શું? ઇન્ટરનેટ, મોબાઇલ અને સોશિયલ મીડિયાની આ હાઇટેક દુનિયામાં કંઇ છૂપું છે ખરું? તમને ખબર છે મોબાઇલ અને તેના ઉપયોગના કારણે તમારા વિશેની તમામે તમામ માહિતી કોઇપણ આસાનીથી મેળવી શકે છે. લોકોનો ડેટા તો રીતસરનો વેચાય છે.

માત્ર આપણી માહિતી જ નહીં, આપણું બિહેવ્યર પણ ચેક થતું રહે છે. તમે મોબાઇલ પર રોજ શું જુઓ છો? ઓનલાઇન શું ખરીદી કરો છો? તમારા શોખ અને તમારી આદતો શું છે એ બધું જ તપાસાઇ રહ્યું છે. તમે માર્ક કરજો, તમે ગૂગલમાં કંઇપણ સર્ચ આપશો કે તરત જ તમને ચારે તરફથી એના વિશે માહિતી મળવા લાગશે. ટ્રાય કરવી હોય તો ગૂગલ પર કોઇપણ મોબાઇલ ફોન સર્ચ કરજો. તેનો ભાવ અને ફિચર જાણજો. એ પછી તમને એ અને બીજા મોબાઇલની માહિતી તમારા સોશિયલ મીડિયા ઉપર ચમકતી જોવા મળશે. એક-બે મેલ પણ આવી જશે. ગૂગલને બસ ખબર પડવી જોઇએ કે આપણને શેમાં રસ છે અને શેની આપણને જરૂર છે એ તમારી સમક્ષ હાજર થઇ જશે. આપણને બે ઘડી એવું થાય કે એ તો સારી વાત છે ને, આપણને કેટલી સરળતા રહે? આપણને એ વિચાર નથી આવતો કે ભાઇ તમે કેમ અમારી પાછળ પડ્યા છો?

ફેસબુકની તમારી પ્રોફાઇલમાં તમે એટલો બદલાવ કરો કે, મેં જોબ ચેન્જ કરી છે અને હવે આ કંપનીમાં જોડાયો છું. એ સાથે જ એ કંપનીમાં બીજા કર્મચારીઓનાં નામ ચમકવા લાગશે, જેથી તમે એને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલો. એરપોર્ટ પર સ્ટેટસમાં લોકેશન મૂકો એ સાથે તમને કહી દેવામાં આવે કે તમારા ફેસબુક ફ્રેન્ડ્સમાંથી આટલા લોકો અત્યારે એરપોર્ટ પર જ છે. વિદેશમાં કોઇ શહેરમાં જાવ તો ત્યાં તમારા ફ્રેન્ડ્સ કોણ છે એની પણ નોંધ આવવા માંડે! નો ડાઉટ, એ તમને પૂછે છે કે તમારે આમ કરવું છે? એરપોર્ટ પર જાવ તો તરત કહે કે, તમારું સ્ટેટસ મૂકો. લોકો ભોળાભાવે અને ક્યારેક સીન મારવા એવું સ્ટેટસ મૂકે છે કે હું અહીંથી અહીં જાઉં છું. એ સમયે આખી દુનિયાને ખબર પડે છે કે આપણે ક્યાં છીએ અને ક્યાં જઇએ છીએ. આપણે ગમે ત્યાં જઇએ એમાં કોઇને શું?

ઓનલાઇન શોપિંગ કરનારાઓને શું ખરીદવાની આદત છે, કેટલા દિવસે કેટલી ખરીદી કરે છે એ વિશે એટલે કે માણસનું બિહેવ્યર ચેક કરી અમુક ઓનલાઇન કંપનીઝ આગોતરા ઓર્ડર પણ આપી દેતી હોય છે! મોબાઇલ દ્વારા તમે ક્યાંથી ક્યાં ગયા અને કેટલું રોકાયા તેની માહિતી સુધ્ધાં આરામથી મળી રહે છે. મોબાઇલ નેટવર્ક એ એક પ્રકારનું ‘ટ્રેકર’ જ છે. ગુનાખોરીનો ભેદ ઉકેલવામાં અત્યારે સૌથી મજબૂત અને અત્યંત હાથવગું કોઇ હથિયાર હોય તો એ મોબાઇલ છે. એ તમારી તમામ પોલ પકડી લે છે.

હવે તો એવી ઢગલાબંધ એપ્સ આવી ગઇ છે જેનાથી કોઇપણ વ્યક્તિ કોને ફોન કે મેસેજ કરે છે, શું મેસેજ કરે છે, ક્યાં ફોટા કે ડોક્યુમેન્ટની આપ-લે કરે છે એના સહિત તમામ બાબતો આરામથી જાણી શકાય છે. આવી એપ્સ એ પ્રાઇવસીનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. એની ઉપર કંટ્રોલ કેવી રીતે કરવો એ પણ સૌથી મોટો સવાલ છે. તમારા મોબાઇલથી પડતો એક પણ ફોટો ખાનગી રહે એ ભ્રમમાં રહેવા જેવું નથી. આપણે હાઇડ ફોલ્ડર કે પાસવર્ડ કંટ્રોલ રાખીને આપણા મોબાઇલને બંધ રાખી શકીએ પણ એ જ તસવીરોની બારોબારથી કોઇ ઉઠાંતરી કરી શકે છે અને એના માટે હવે તો હેક કરવાની પણ જરૂર નથી, બીજા ઘણા રસ્તા છે.

પ્રાઇવસીના મુદ્દાની આપણે તો બહુ ચિંતા કરતાં નથી પણ પ્રાઇવસીને પ્રાયોરિટી ગણતાં અમેરિકન્સ પણ આ મુદ્દે ચિંતિત છે. થોડા સમય અગાઉ તો સુરક્ષાના નામે સરકાર જ જાસૂસી કરતી હોવાનો ઊહાપોહ જામ્યો હતો. કોઇ શું મેઇલ કરે છે અને કેવા વ્યવહારો ચાલે છે એ જાણવા અમુક લોકોનાં ઓનલાઇન કામો ઉપર નજર રખાતી હોવાની વાત બહાર આવતા ધમાલ મચી ગઇ હતી. અમેરિકા તો બીજા દેશોની જાસૂસી કરતો હોવાના પણ ખુલ્લેઆમ આક્ષેપો થયા હતા.

આપણે કોઇ એપ ડાઉનલોડ કરીએ ત્યારે મોટાભાગે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચ્યા વગર એગ્રી આપી દઇએ છીએ. આપણી પાસે શું લખાવી લીધું એની આપણે તસુભારની ચિંતા કરતા નથી. લોકેશન આપી દઇએ છીએ અને ફોન નંબર સહિત બીજી માહિતી પણ આરામથી આપી દઇએ છીએ.

આપણને એમ થાય કે, શું ફેર પડી જવાનો છે. આપણે ક્યાં એવડી મોટી તોપ છીએ કે કોઇ આપણને કંઇ કરે. વાત નાના હોવાની કે મોટા હોવાની નથી, વાત પ્રાઇવસીના ભંગની છે. સુપ્રીમના આદેશ પછી સરકારને કદાચ બ્રેક લાગશે પણ એ સિવાયની ગાડીઓ જોવી સડસડાટ દોડે છે ને કે એને બ્રેક મારવી અઘરી છે. યાદ રાખજો, આપણા બધાનું કંઇ જ છૂપું નથી, આપણે રાતે કેટલા વાગે સૂઇએ છીએ અને ક્યારે ઊઠીએ છીએ એ પણ ગૂગલને ખબર છે. આપણને પ્રાઇવસીની કોઇ પરવા જ નથી. અલબત્ત, એક સમય આવશે જ્યારે લોકો સવાલ કરશે કે આ બધું શું ચાલી રહ્યું છે? સાઇબર વર્લ્ડ ઉપર કોઇનો અંકુશ કે કંઇ લગામ નથી, છુટ્ટા ઘોડા દોડી રહ્યા છે. સામાન્ય માણસ જોકે આમાં કંઇ કરી શકે એમ નથી, આમ છતાં જેટલી સાવચેતી રહે એટલી રાખવી જોઇએ. બાકી તો આપણા હાથમાં જે મોબાઇલ છે ને એ તો એક પ્રકારની હાથકડી જ છે, તમને ઘડી-બે-ઘડીમાં પકડી લે. આખી દુનિયા સામે અત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે આનાથી બચવું કેવી રીતે? ભવિષ્યમાં કદાચ ટેક્નોલોજી જ આનો કોઇ ઉકેલ લાવી શકે, બાકી અત્યારે તો આપણી પ્રાઇવસી સંપૂર્ણપણે ભગવાન ભરોસે જ છે!

 

પેશ-એ-ખિદમત

ન જાને કિસ કી હમેં ઉમ્ર ભર તલાશ રહી,

જિસે કરીબ સે દેખા વો દૂસરા નિકલા,

હજાર તરહ કી મય પી હજાર તરહ કે જહર,

ન પ્યાસ હી બુઝી અપની ન હૌસલા નિકલા.

– ખલીલ-ઉર-રહમાન આઝમી.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 03 સપ્ટેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: