આજનો યંગસ્ટર્સ સમજુ, હોશિયાર, ડાહ્યો અને થોડોક કન્ફ્યુઝ છે : દૂરબીન

આજનો યંગસ્ટર્સ સમજુ, હોશિયાર,

ડાહ્યો અને થોડોક કન્ફ્યુઝ છે

 64

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

યંગસ્ટર્સ સામે સૌથી મોટા બે સવાલ છે,

એક તો કરિયર અને બીજો રિલેશનશિપ.

આપણે જો આ બે મુદ્દે એની સાથે રહીએ તો આપણે

તેનાં ખરાં મા-બાપ, વડીલ, મિત્ર કે હમદર્દ છીએ.

 

યંગસ્ટર્સ એનો રસ્તો શોધી જ લેવાના છે .

હૂંફ હશે તો એને પોતાના માર્ગે

ચાલવામાં આસાની રહેશે.

 

ઇન્ડિયા યંગસ્ટર્સનો દેશ છે. આપણા દેશમાં દર ત્રણ વ્યક્તિમાં એક યંગ છે. 2011માં થયેલી વસતી ગણતરીમાં 42 ટકા વસતી 20 વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર્સની હતી. 2020 સુધીમાં આપણા દેશમાં યંગસ્ટર્સની બહુમતી થઇ જશે. આપણો દેશ સુપરપાવર બનશે એવી આશા રાખવાનું સૌથી મોટું કારણ આજના યંગસ્ટર્સ અને તેની આંખોમાં અંજાયેલાં સપનાઓ છે. એક ગજબનો થનગનાટ, તરવરાટ અને કંઇક કરી છૂટવાની લગન આજના યુવાનોમાં છે. છોકરો હોય કે છોકરી એનું વિઝન એકદમ ક્લિયર છે, એનું મિશન તદ્દન સ્પષ્ટ છે, એના ગોલ સેટ છે અને એનો પાથ એની નજર સામે છે.

 

આજનો યંગસ્ટર્સ અગાઉની તમામ જનરેશન કરતાં વધુ સમજુ, ડાહ્યો, હોશિયાર, સંવેદનશીલ અને ‘ટચી’ છે. યંગસ્ટર્સમાં દેશ પ્રત્યેની ‘દાઝ’ પણ ભારોભાર છે અને પરિવાર પ્રત્યેની ‘લાજ’ પણ છલોછલ છે. એની પોતાની માન્યતાઓ છે, એના પોતાના સિદ્ધાંતો છે, એનું પોતાનું સત્ય છે અને એનું પોતાનું સત્ત્વ છે. કાનમાં ઇયર ફોન ભરાવીને ડોલતા ડોલતા જતાં યંગસ્ટર્સને જોઇને જો કોઇ એને કેરલેસ કે બેદરકાર ગણતું હોય તો એ એની ભૂલ છે. કાંડા ઉપર કે ગળા પર ટેટૂ જોઇને યંગસ્ટર્સ માટે કોઇ ‘ઇમેજ’ બાંધી લેતાં પહેલાં આપણે બહુ એલર્ટ રહેવાની જરૂર છે. એને કૂથલીમાં રસ નથી, કોણ શું કરે છે એની પરવા નથી, કોણ શું કહેશે એની દરકાર નથી, એને તો એટલી ખબર છે કે મારે શું કરવાનું છે. મારે મારી લીટી લાંબી કરવાની છે અને એના માટે કોઇની લીટી ટૂંકી કરવામાં મારે મારી શક્તિ વેડફવી નથી. મારે તો મારા માર્ગે ચાલીને જ આગળ નીકળવું છે. પોતાનું સપનું સાકાર કરવા માટે સંઘર્ષ કરવાની અને દુ:ખી થવાની પણ એની તૈયારી છે.

 

યંગસ્ટર્સ પાસે પોતાના સવાલો છે અને પોતાના જવાબો પણ છે. આમ છતાં અમુક સવાલો એવા પણ છે જેમાં એ ગૂંચવાઇ જાય છે. કન્ફ્યુઝ પણ થાય છે. કઇ તરફ જવું? કઇ બાજુ ઝૂકવું? યંગસ્ટર્સની સમસ્યાઓ અંગે થયેલા રિસર્ચ અને સર્વે એવું કહે છે કે, યંગસ્ટર્સને મુખ્યત્વે બે બાબતો ઘણી વખત મૂંઝવી દે છે. એક તો કરિયર અને બીજી રિલેશનશિપ. કરિયરની બાબત કરતાં પણ વધુ એ સંબંધોના મામલે અટવાય જાય છે. લવ અને બ્રેક-અપ સાથે ડિલ કરવામાં ક્યારેક થાકી જાય છે. અમુક નાજુક સ્થિતિએ જો યંગસ્ટર્સને સંભાળવામાં, સાંભળવામાં અને સાચવવામાં આવે તો એ તૂટતા નથી. એક વિદ્વાને સરસ વાત કરી છે કે યંગસ્ટર્સ જો તૂટે, હતાશ થાય કે પોતાના માર્ગેથી વિચલિત થઇ જાય તો મોટાભાગે એમાં વાંક યંગસ્ટર્સનો હોતો નથી પણ તેનાં મા-બાપ, વડીલો અને હમદર્દોનો હોય છે.

 

હમણાંની જ એક વાત છે. એક છોકરીનાં લગ્ન બાબતે ઘરમાં વાત ચાલતી હતી. એ જ વખતે છોકરીએ હિંમતપૂર્વક અને સ્પષ્ટ રીતે કહી દીધું કે મારા મેરેજ કરાવવા છે ને? મને એક છોકરો ગમે છે એની સાથે કરાવી દો. દીકરીની વાત સાંભળીને મા-બાપે ચોખ્ખે ચોખ્ખી ના કહી દીધી. લવમેરેજની વાત જ ન કરવી. છોકરીએ કહ્યું કે, તમે મને એ તો પૂછો કે એ કોણ છે? શું કરે છે? એનું બેકગ્રાઉન્ડ શું છે? એને મળો તો ખરાં? તમારે ના પાડવી હોય તો મને એનાં કારણો સમજાવીને ના પાડજો ને! કંઇ જ જોયા, જાણ્યા કે સમજ્યા વગર સીધી ના જ પાડી દેવાનું વાજબી છે? આખા કિસ્સામાં મા-બાપ કરતાં એ છોકરી વધુ મેચ્યોરલી બિહેવ કરતી હતી!

 

બીજો એક કિસ્સો પણ સાંભળવા જેવો છે. એક છોકરો ઉદાસ રહેતો હતો. એનો જીવ ઠેકાણે રહેતો ન હતો. એનાં મોમ-ડેડે એક વખત પૂછ્યું, શું થયું છે? કેમ અપસેટ રહે છે? એ છોકરાએ નિખાલસતાથી કહ્યું કે, એક છોકરી સાથે બ્રેક-અપ થયું છે. અમે બહુ નજીક હતાં. હવે નથી. અઘરું લાગે છે. આ વાત સાંભળીને તેના ડેડે કહ્યું, તારા ધંધા જ ખોટા છે. લફરાંમાંથી જ તું નવરો નથી પડતો! તને આવી જ જરૂર હતી. હવે મહેરબાની કરીને બીજા લફરામાં ન પડતો! દીકરાને સંભાળવાને બદલે એને ખખડાવવાનો માર્ગ જોખમી છે. છોકરા-છોકરીઓ બીજેથી હૂંફ મેળવવા એટલા માટે જાય છે કારણ કે એના પોતાના લોકો એને સમજી શકતા નથી. આપણે જો એવું પણ ઇચ્છતા હોઇએ કે આપણાં સંતાનો આપણી પાસે ખોટું ન બોલે તો એ સાચું બોલી શકે એવી મોકળાશ તેને આપો.

 

દીકરો હોય કે દીકરી, એની રિલેશનશિપને સમજો. એના મિત્રોને ઓળખો. સંતાનોની પસંદ અને નાપસંદ વિશે વિચાર કરો. ધરાર કંઇ ઠોકી ન બેસાડો. તેની કરિયર વિશે માર્ગદર્શન આપો પણ જબરદસ્તીથી કોઇ સ્ટ્રીમમાં ધકેલો નહીં. એક તાજી જ સાચી ઘટના છે. એક યુવાને એન્જિનિયરિંગનું સ્ટડી પૂરું કર્યું. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ તેને જોબ મળી ગઇ. એક વર્ષ કામ કર્યું. કામ દરમિયાન તેને સમજાયું કે, આ કામ મને નહીં ફાવે. તેણે તેના ફાધરને કહ્યું કે, મને લાગે છે કે આના કરતાં હું એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં જાઉં. તેના ફાધરે કહ્યું કે, નો પ્રોબ્લેમ. તારું મન થાય એમ કર. ભવિષ્યમાં એન્જિનિયરિંગ ટીચિંગ ન ફાવે તો ત્રીજો રસ્તો પણ વિચારજે. હું તારી સાથે છું. તું જે કર એમાં તને મજા આવવી જોઇએ. હજુ તારી પાસે એવો અવકાશ છે કે તું નક્કી કરી શકે કે તારે કઇ દિશામાં જવું છે. હું તને પ્લસ-માઇનસ પોઇન્ટ સમજાવીશ પણ એ મારી માન્યતા મુજબના હશે. તું મને તારી ઇચ્છા પણ કહેજે. આપણે ડિસકસ કરીશું અને પછી ફાઇનલ ડિસિઝન તું લેજે. ડિસિઝન તું જ લેજે અને તને ગમતું હોય એ જ લેજે.

 

આજના યંગસ્ટર્સ વચ્ચે જે દોસ્તી છે એ જબરજસ્ત સ્ટ્રોંગ છે. દાદ દેવાનું મન થાય એવી દોસ્તી એ યંગસ્ટર્સની તાકાત છે. સાથોસાથ જો ફેમિલીનો પૂરેપૂરો સાથ મળે તો તેને છલાંગ ભરતાં કોઇ અટકાવી શકે તેમ નથી. તમારી સાથે જે યંગસ્ટર્સ જોડાયેલા છે એને તમે સમજો છો? દરેક યંગસ્ટર્સની જિંદગીમાં એકાદ નાજુક તબક્કો આવતો હોય છે, એ સમયે એને તમારી જરૂર હોય છે. આપણે બસ એનો એ સમય સાચવી લેવાની તકેદારી રાખવાની હોય છે, બાકીનું બધું એ સંભાળી લેવા ખમતીધર છે.

 

પેશ-એ-ખિદમત

તુમ મેં હિંમત હૈ તો

દુનિયા સે બગાવત કર લો,

વર્ના મા-બાપ જહાં કેહતે હૈ

વહાં શાદી કર લો

– સાહિર લુધિયાનવી

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 25 ડિસેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

25-12-16_rasrang_26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “આજનો યંગસ્ટર્સ સમજુ, હોશિયાર, ડાહ્યો અને થોડોક કન્ફ્યુઝ છે : દૂરબીન

  1. Thanks kk sir to understand youngsters about their lifestyle, ideals & strengths.
    Great you are… Dil se.

Leave a Reply

%d bloggers like this: