તમારા મોબાઇલમાં પાકિસ્તાની જાસૂસ તો નથી ઘૂસી ગયો ને? – દૂરબીન

તમારા મોબાઇલમાં પાકિસ્તાની

જાસૂસ તો નથી ઘૂસી ગયો ને?

53

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પાકિસ્તાન અમુક એપ્લિકેશનની મદદથી જાસૂસી કરતું હોવાનું
બહાર આવ્યા પછી આપણી સરકાર સતર્ક થઇ ગઇ છે

હવેની વોર માત્ર સરહદ પર જ નહીં લડાય પણ સાથોસાથ
હાઇટેક સાઇબર વોર પણ લડાતી રહેવાની છે

તમને કોઇ એવું કહે કે તમારી દરેક હિલચાલ પર પાકિસ્તાનની નજર છે તો તમને કેવું લાગે? બે ઘડી એમ પણ થાય કે મારા પર નજર રાખીને પાકિસ્તાન મારું શું બગાડી લેવાનું છે? દુશ્મનના ઇરાદા શું હોય એ ઘડીકમાં સમજાતું નથી પણ એક એ વાત બહાર આવી છે કે પાકિસ્તાન અમુક એન્ટરટેઇનમેન્ટ, મ્યુઝિક અને ગેઇમ્સ એપ્લિકેશન દ્વારા ઇન્ડિયન્સની જાસૂસી કરી રહ્યું છે.

આપણી સરકારના ગૃહ મંત્રાલયે તો ચાર એપ્લિકેશનનાં નામ જાહેર કરીને બાકાયદા એવું કહ્યું છે કે, સાવધાન રહેજો, આ એપ્સથી બચજો. ટોપગન નામની એક ગેઇમ એપ, બીડીજુંકી નામની વિડિયો એપ, ટોકિંગ ફ્રોગ નામની એન્ટરટેઇનમેન્ટ એપ અને એમપી જુંક નામની વિડિયો એપમાં માલવેયર વાયરસની મદદથી પાકિસ્તાન જાસૂસી કરતું હોવાનું બહાર આવ્યું છે. તેની મદદથી પાકિસ્તાન ડેટા અને બીજી સેન્સિટિવ ડિટેઇલ્સ કલેક્ટ કરી રહ્યું છે. આ સિવાયની બીજી એપ્લિકેશન્સ પણ હોઇ શકે છે, જો કે તેનાં નામ હજુ આઇડેન્ટિફાય થયા નથી.

સિક્યુરિટી એજન્સીઝ અને બીજા મહત્ત્વના અધિકારીઓને તો મોબાઇલનો ઉપયોગ કેવો કરવો અને કેટલો કરવો તેની ચોખ્ખી ગાઇડ લાઇન આપવામાં આવી છે. આપણા ઇ-મેલ્સથી માંડીને આપણો મોટા ભાગનો વ્યવહાર હવે મોબાઇલની મદદથી થવા લાગ્યો છે. હા, બધાની વિગતો કોઇ દેશની જાસૂસી માટે જરૂરી નથી પણ ક્યારેક કોઇ કામની ચીજ મળી પણ જાય એ હેતુથી મોબાઇલ ઉપર દુશ્મનો દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. દેશની અમુક હાઇલી સેન્સેટિવ એજન્સીઝના અધિકારીઓને તો મોબાઇલ વાપરવાની પણ મનાઇ છે. મોબાઇલ એવી વસ્તુ છે કે તમને એ ગમે ત્યારે ટ્રેસ કરી શકે છે. તમારી દરેક મૂવમેન્ટ મોબાઇલથી છતી થઇ જાય છે. તમને એમ થાય કે કોને ખબર પડવાની છે પણ તમારા હાથમાં કે તમારા ખીસામાં જે મોબાઇલ હોય છે એ તમારી એ ટુ ઝેટ ગતિવિધિ કહી દે છે. ક્રાઇમ કેસીઝને ઉકેલવા માટે સોથી વધુ ઉપયોગ મોબાઇલ નેટવર્કનો થાય છે.

હવેની વોર માત્ર સરહદ પર જ નથી લડાતી, પોતાના દેશમાં મસ્ત મજાની એરકન્ડિશન ઓફિસમાં બેસીને દુશ્મન દેશની વાટ લગાડી શકાય છે. આ વોર તો પાછી એવી છે કે એને ડિકલેર પણ કરવી પડતી નથી. એ તો દરેક સમયે ચાલુ જ હોય છે. આપણા સહિત કોઇ દેશ એમાંથી બાકાત નથી. અમેરિકા તો એના માટે ખૂબ બદનામ પણ થયું છે. અમેરિકા તો મિત્ર દેશોની પણ જાસૂસી કરતું હોવાનું બહાર આવતા અનેક દેશો નારાજ થયા હતા. જુલિયન એસાંજે અને એડવર્ડ સ્નોડેન જેવા વ્હીસલ બ્લોઅર્સે તો અમેરિકાની પોલ ખોલી નાખી હતી કે અમેરિકા માત્ર બીજા દેશોની જ નહીં પણ પોતાના દેશના લોકોની પણ હાઇટેક જાસૂસી કરે છે.

હેકિંગને આમ તો ગુનાહિત કૃત્ય ગણવામાં આવે છે પણ એને એથિકલ હેકિંગનું રૂપાળું નામ આપીને સરકારો જ હેકર્સને હાયર કરે છે. અમેરિકામાં તો હેકર્સનું રીતસરનું સંમેલન ભરાય છે અને અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએના એક્સપર્ટ્સ આ સંમેલનમાં સારા હેકર્સને શોધવા જાય છે. અમેરિકમાં સોની પિકચર્સ દ્વારા ‘ધ ઇન્ટરવ્યૂ’ નામની એક કોમેડી કમ એક્શન મૂવી બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં નોર્થ કોરિયાના ઘનચક્કર સરમુખત્યાર કિમ જોન ઉનની હત્યાનું ષડ્યંત્ર બતાવવામાં આવ્યું હતું. આ વાતની કિમ જોંગ ઉનને ખબર પડી એટલે એણે સોની પિકચર્સની સાઇટ્સ હેક કરીને હાલત ખરાબ કરી નાખી હતી અને ધમકી આપી હતી કે અમારી વિરુદ્ધ ફિલ્મમાં પણ જો કંઇ કર્યું છે તો તમારી હાલત બગાડી નાખશું. અમેરિકાની જેમ ચીન પણ સાઇબર એટેક્સ માટે કુખ્યાત છે. આમ તો કોણ આવું નથી કરતું એ જ સવાલ છે, ઇસ હમામ મેં સબ બગેર કપડે કે હી હૈ!

આપણા દેશની વેબસાઇટ્સ હેક કરવામાં પાકિસ્તાન અને ચીન મોખરે છે. બે વર્ષ અગાઉ તા. 6 નવેમ્બર 2014ના રોજ આપણા દેશની 22 વેબસાઇટ પર પાકિસ્તાની હેકર્સે કબજો કરી લીધો હતો. વેબસાઇટ ખોલો કે તરત જ એવો મેસેજ આવતો હતો કે, ફિલ ધ પાવર ઓફ પાકિસ્તાન, સાથે લખ્યું હતું કે અમે પાકિસ્તાની સાઇબર માફિયા છીએ. આ ઉપરાંત પાકિસ્તાન સાઇબર આર્મીના નામે પણ ઘણી વેબસાઇટ હેક થઇ છે. 2010માં સાઇબર આર્મીએ જ સીબીઆઇની વેબસાઇટ હેક કરી લાધી હતી. થોડા સમય અગાઉ ત્રણ મહિના દરમિયાન 112 વેબસાઇટસ પર એટેક કરવામાં આવ્યા હતા. આપણને એમ થાય કે વેબસાઇટ ઉપર તો બધુ પબ્લિશ થયેલું જ હોય છે પછી હેક કરવાનું કારણ શું? હેક કરવાનું સૌથી મોટું કારણ હેરાન કરવાનું જ હોય છે. હા, અમુક સરકારી વેબસાઇટસ કે સર્વરમાં મૂકેલી ખાનગી માહિતીઓ લીક થાય તો મુસીબત પણ ઊભી થઇ શકે છે.

ઉરીના એટેક પછી આપણી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી. તમને ખબર છે એ પછી પાકિસ્તાનના હેકર્સે સાઇબર વોરની પણ ધમકી આપી છે. ગયા સોમવારે મેદાનમાં આવી જવાની ચીમકી આપીને આપણા દેશના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વેબસાઇટ હેક કરી લેવામાં આવી હતી. તમને એમ થશે કે પાકિસ્તાન આવું કરે છે તો આપણે પણ સાઇબર વોર કેમ લડતા નથી? નેશનલ સાઇબર સેફટી સાથે જોડાયેલા એક વ્યક્તિએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે આપણા આઇટી એકસપર્ટ્સ પાકિસ્તાનના હેકર્સ કરતાં ચાર ચાસણી ચડે એવા છે, અમે ધારીએ તો પાકિસ્તાનની તમામ સરકારી વેબસાઇટ્સને ઘડીના છઠ્ઠા ભાગમાં હેક કરી શકીએ છીએ પણ સરકાર એમને એવું કરવાની મંજૂરી નથી આપતી. પાકિસ્તાનમાં તો આતંકવાદી સંગઠનોએ જ ભારત પર સાઇબર એટેક કરવા માટે સ્પેશિયલ વિંગ તૈયાર કરી છે જે ભાંગફોડ કરતી રહે છે.

આમ તો એવું જ કહેવાય છે કે એવરી થિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, જો કે આપણે નૈતિકતાના કારણે અમુક હદથી આગળ વધતા નથી. બાય ધ વે, તમે ચેક કરતા રહેજો કે ક્યાંક તમારા મોબાઇલમાં તો પેલી ચારમાંથી કોઇ એપ નથી ને? પાકિસ્તાનથી આવતા મેસેજ કે ફોનકોલ્સથી પણ સાવધાન રહેવાની જરૂર છે. પાકિસ્તાન એવો દેશ છે કે કોઇપણ કામમાં કે સંબંધમાં એનો ભરોસો કરવા જેવો નથી. પાકિસ્તાન કોલસા જેવું છે, તપે તો દઝાડે અને ઠંડો હોય તો પણ હાથ તો કાળા થાય જ!

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 09 ઓકટોબર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

9-10-16_rasrang_Doorbeen_Cine.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: