ઠોઠ લોકોનું લોજિક : મહાન થવા માટે ભણવું થોડું જરુરી છે! – દૂરબીન

ઠોઠ લોકોનું લોજિક : મહાન થવા
માટે ભણવું થોડું જરુરી છે!

49

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિનર પી વી સિંધુના કોચ પુલેલા ગોપીચંદે કહ્યું કે
હું નસીબદાર છું કે હું ભણવામાં હોશિયાર ન હતો,
હોત તો આ મુકામે પહોંચ્યો ન હોત..
આવી વાતો ઠોઠડા લોકોને બહુ ગમે છે!

મહાન થયેલા અને ઓછું ભણેલા લોકોએ પણ એવું ક્યારેય કહ્યું નથી
કે ન ભણો તો ચાલે….

મહાન, જાણીતા કે ધનવાન બનવા માટે ભણવાની થોડી જરૂર છે? ધીરુભાઇ અંબાણી કયાં કોલેજનાં પગથિયાં ચડ્યા હતા! નિરમાવાળા કરશનભાઇ પણ કયાં બહુ ભણેલા છે! ગૌતમ અદાણીની જ વાત કરોને, એણે પણ કયાં ગ્રેજયુએશન કર્યું છે, તોયે અબજોનો બિઝનસ કરે છે ને! ઓછું ભણેલા લોકો મોટી મોટી કંપનીઓ સ્થાપે છે અને પછી મેનેજમેન્ટ કોલેજિસમાં ટોપ કર્યું હોય એવા લોકોને નોકરીએ રાખે છે. ભણવામાં ટપ્પો પડતો ન હોય એવા લોકો વળી એવું સ્ટેટસ રાખતા ફરે છે કે, આઇ વોઝ બોર્ન જિનિયસ બટ એજ્યુકેશન રુઇન મી! દરેક માણસ પાસે પોતાની વાત સાબિત કરવા પૂરતી દલીલો હોય છે. દલીલો તો એવી જોરદાર કરે કે આપણને પણ ધડીક તો એવું થઇ જ જાય કે સાલું વાત તો સાચી છે હોં!

રિયો ઓલિમ્પિકમાં પી વી સિંધુ સિલ્વર મેડલ જીતી લાવી. સિંધુની સાથે તેના કોચ પુલેલા ગોપીચંદને પણ લોકોએ સર-આંખો પર બેસાડી દીધા. નો ડાઉટ, એ બંને ડિઝર્વ કરે છે. સિંધુની સફળતા માટે ક્રેડિટ ઓલસો ગોઝ ટુ ગોપીચંદ. આ ગુરુ ગોપી હમણાં એવું બોલી ગયા કે હું નસીબદાર છું કે ભણવામાં બહુ હોશિયાર ન હતો, જો હોત તો આ મુકામે પહોંચ્યો ન હોત! આ વાતથી જે લોકો ભણ્યા નથી એ લોકોને મોજ પડી ગઇ છે. એક આડ વાત, ન ભણવું અને ભણી ન શકવું એ બંનેમાં હાથી-ઘોડાનો ફર્ક છે. તમને મા-બાપ કાળી મજૂરી કરીને ભણવાની તમામ તકો પૂરી પાડે અને તમે ન ભણો એનો મતલબ એ કે ભણવાની તમારી દાનત જ નથી. ખરાબ સંજોગોના કારણે તમે ભણી ન શકો એ સાવ જુદી જ વાત છે.

પુલેલા ગોપીચંદ અને તેના ભાઇએ આઇઆઇટીની એન્ટ્રન્સ એકઝામ આપી હતી. ગોપીચંદના ભાઇ પાસ થઇ ગયા અને ભણવામાં લાગી ગયા. ભણીને નોકરી કરી. ગોપીચંદ ફેઇલ થયા. તેને બેડમિન્ટન સિવાય કંઇ આવડતું ન હતું. તે રમ્યા અને પછી ખેલાડીઓ તૈયાર કરવા માટે એકેડમી બનાવી. દેશને શાઇના અને સિંધુ જેવી હોનહાર ખેલાડી આપી. ગોપીચંદ કરતાં તેના ભાઇ સારું બેડમિન્ટન રમતા હતા. તમે શું માનો છો કે ગોપીચંદના ભાઇ સ્ટડીમાં આગળ વધ્યા ન હોત અને ગેઇમમાં ધ્યાન આપ્યું હોત તો એ પણ ભાઇ પુલેલાની જેમ આગળ વધી શક્યા હોત? બિલકુલ જરૂરી નથી. એકેડેમી બનાવવા માટે ગોપીચંદે રાત-દિવસ એક કર્યાં. રૂપિયાનો મેળ કરવા ઘર ગીરવે મૂક્યું. તેનો ભાઇ આવી હિંમત કરી શક્યો હોય? માનો કે કરી હોત તો પણ શું એ બેસ્ટ કોચિંગ આપી સિંધુ અને શાઇના જેવી ખેલાડીઓને તૈયાર કરી શક્યો હોત? જોખમ લેતી વખતે દરેક પગલે હિંમતની જરૂર પડતી હોય છે અને એવી હિંમત બધા પાસે હોતી નથી. સેઇફ ગેમ રમવાવાળા ક્યારેય સિક્સર મારી શકતા નથી. એટલે ભણવાના લોજિકને એની સાથે જોડવું ન જોઇએ.

તમે મહાન લોકોના જીવન જોઇ જોવ, તેમની આત્મકથા વાંચી જાવ, તેઓ જો ભણી શક્યા નહોતા તો એના માટે તેમણે અફસોસ વ્યકત કર્યો હતો. એટલું જ નહીં, પોતાના જેવી હાલત બીજા લોકોની ન થાય એ માટે એમણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ પણ શરૂ કરાવી હોવાના અનેક દાખલા છે. જ્યોર્જ બર્નાડ શો સ્કૂલનો અભ્યાસ પણ પૂરો કરી શક્યા ન હતા. નામ થઇ ગયા પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની સ્થાપના કરી. કરશનભાઇ પટેલ પોતે ભલે બહુ ભણ્યા ન હોય પણ તેની નિરમા યુનિવર્સિટીની નોંધ એજ્યુકેશન ફિલ્ડમાં લેવાય છે. અંબાણી અને અદાણીના નામે પણ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે.

ઘણા એવા છે જે ભણ્યા નથી છતાં નામ કાઢ્યું છે અને મહાનતા મેળવી છે, જોકે એની સંખ્યા બહુ ઓછી છે. ન ભણવાના કારણે ક્યાંયના ન રહ્યા હોય એવા લોકોની સંખ્યા બહુ મોટી છે. તમારે કહેવું હોય તો કહી શકો કે હેનરી ફોર્ડ, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, રિચાર્ડ બ્રોસનન, સ્ટીવન સ્પીલબર્ગ ક્યાં વધુ ભણ્યા છે? ક્રિકેટર અને ભારતરત્ન સચિન, મહેન્દ્રસિંહ ધોની, હિરોઇન્સ દીપિકા પદુકોણ, ઐશ્વર્યા રાય-બચ્ચન, આલિયા ભટ્ટ, ગ્રેટ સિંગર લતા મંગેશકર ઓછું ભણ્યાં હતાં છતાં મહાન છે ને? હા, છે. પણ અપવાદો દરેકમાં હોય છે. આ અને આનાં જેવાં બીજાં નામો અપવાદ છે પણ અપવાદ ક્યારેય નિયમ ન બની શકે.

આપણો એક પ્રોબ્લેમ એ પણ છે કે આપણે ડિગ્રી અને નોકરી આપે એને જ ભણવાનું કહીએ છીએ. સિંધુએ ઓલિમ્પિક મેડલ જીતવા માટે જે મહેનત કરી તેને અભ્યાસ ન કહેવાય? એ અભ્યાસ જ છે. જરૂરી એ છે કે આપણા સંતાનોમાં જે કુનેહ હોય એને શોધી અને એ ક્ષેત્રમાં એ આગળ આવે એ માટે તેને પ્રોત્સાહન આપવું. આપણે તો બાળકોને રેસના ઘોડા બનાવીને રિંગમાં છોડી દીધા છે અને ચાબુક લઇને ઘોડાઓની પાછળ પડી ગયા છીએ. નંબર લાવવા માટે તેને એટલું બધું પ્રેશર કરીએ છીએ કે તેનો દમ નીકળી જાય. તમારું બાળક ભણવામાં હોશિયાર ન હોય તો એને શેમાં મજા આવે છે એ શોધીને એને આગળ વધવા દો તો એને સફળતા ચોક્કસ મળશે જ.

સ્ટડી અને નોકરીના કારણે ઘણા લોકો પોતાના શોખ પૂરા કરી શક્યા ન હોય અને જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એ ક્ષેત્રમાં આગળ વધી ન શક્યા હોય એવું બને પણ એના માટે ભણતરને કોઇ રીતે જવાબદાર ઠેરવી ન શકાય. જેને કંઇક કરવું હોય એ પોતાનો રસ્તો ગમે તે રીતે કરી લેતા હોય છે. આખરે સફળતા માટેનું ઝનૂન હોવું જોઇએ, એમાં કોઇ બહાનાબાજી ચાલતી નથી.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 11 સપ્ટેમ્બર 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
11-9-16_rasrang_26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: