બધા લોકો સારા હોય એવું પણ જરૂરી નથી – ચિંતનની પળે

બધા લોકો સારા હોય
એવું પણ જરૂરી નથી

49

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

વો ચૌંકને લગે બેવક્ત કી હવા સે ભી,
જો કહ રહે થે કે ડરતે નહીં ખુદા સે ભી,
વફા કી તુજસે તો ઉમ્મીદ ખૈર થી હી નહીં,
હમારા કુછ નહીં બિગડા તેરી જફા સે ભી.
– મંજર ભોપાલી

તમને ક્યારેય કોઈ ખરાબ માણસનો અનુભવ થયો છે? થયો જ હશે. તમે કોઈના પર ભરોસો મૂક્યો હોય અને એણે તમારો વિશ્વાસ તોડ્યો હોય, તમે કોઈને પ્રેમ કર્યો હોય અને એ માણસ તમારી લાગણી સાથે રમ્યો હોય, તમે કોઈને સારો માણસ સમજ્યો હોય અને તેણે તમારા સારાપણાનો ફાયદો ઉઠાવ્યો હોય. આવું થતું હોય છે. આવું થતું આવ્યું છે અને થતું જ રહેવાનું છે. દરેક માણસ માટે માણસને ઓળખવો એ સૌથી મોટી કસોટી હોય છે. આ કસોટીમાં આપણે દરેક વખતે ખરા ઊતરતા હોતા નથી!

દરેક માણસ જેવો દેખાતો હોય છે એવો હોતો નથી. સારો લાગતો હોય એ ખરાબ હોઈ શકે. ખરાબ લાગતો માણસ ઘણી વખત સારો સાબિત થતો હોય છે. કેટલાક લોકો તો એવા હોય છે કે આપણે નક્કી ન કરી શકીએ કે આ ખરેખર કેવો છે? કળી ન શકાય એવા લોકોય આપણને મળી જતા હોય છે. માણસને માપવાની કોઈ ફોર્મ્યૂલા નથી. કોને સારો કહેવાય તેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. કોને ખરાબ કહેવો એના માટે પણ કોઈ આધાર નથી. માણસ પાછો બદલાતો પણ રહે છે. સારા અનુભવો થયા હોય એ પણ અચાનક બદલી જાય છે. જેની ઉપર આપણે ખરાબ, અયોગ્ય કે બૂરા માણસનું લેબલ મારી દીધું હોય એ પણ ક્યારેક સારો બનીને સામે આવી જાય છે.

શંકા રહેવાનું એક કારણ એ પણ છે કે આપણે માણસને ઓળખી નથી શકતા. પ્રોમિસીસ ઘણી વખત છેતરામણાં સાબિત થાય છે. વચન ઘણી વખત સાવ ખોખલાં હોય છે. કોર્ટમાં થતા કરારો એ ગેરંટી નથી આપતા કે બધું સમુંનમું પાર ઊતરશે. ઊલટું અદાલતમાં નોંધાતા દસ્તાવેજો એ વાતના પુરાવા છે કે ગમે ત્યારે ગમે એ થઈ શકે છે. આપણે સેફટી ખાતર સહી-સિક્કા કરતા હોઈએ છીએ. સહીનું મૂલ્ય દરેક માટે સરખું હોતું નથી. પાટિયું ફેરવી નાખનારા અને ખંખેરીને ઊભા થઈ જનારા લોકોની કમી નથી. આપણે કહીએ છીએ કે, તેં આવું કર્યું?

એક યુવાન સાથે તેના મિત્રએ દગો કર્યો. આ વાત સામે આવી ત્યારે દગો કરનાર મિત્રને તેણે કહ્યું કે, મને તારી પાસે આવી અપેક્ષા ન હતી. મેં તને મિત્ર માન્યો હતો. તારા પર આંખો મીંચીને ભરોસો મૂક્યો હતો. મેં તો જે ગુમાવ્યું એ ગુમાવ્યું, પણ તને ખબર છે તેં શું ગુમાવ્યું છે? તું મારી સાથે આંખ પણ મિલાવી શકતો નથી. રૂપિયા ગયા એનું દુ:ખ નથી, પીડા એ વાતની છે કે હવે કોઈના પર ભરોસો મૂકતાં પહેલાં મને શંકા જાગશે, હું હવે કોઈના પર વિશ્વાસ મૂકતાં અચકાઈશ, દર વખતે મને એવું થશે કે એ પણ તારા જેવું કરશે તો?

આપણને ક્યારેક એવું થતું હોય છે કે કોઈ ઉપર ભરોસો કરવા જેવું જ નથી. આવો વિચાર આવે ત્યારે તમે તમારી જાતને એવો સવાલ પૂછજો કે હું ભરોસો કરવા જેવો માણસ છું? જો એનો જવાબ હા હોય તો માનજો કે એકાદ-બે અનુભવો પરથી બધા માણસો ઉપર ચોકડી મૂકી દેવા જેવું હોતું નથી. બધા સારા હોય એવું જરૂરી નથી. બધાને ખરાબ માની લેવા જેવું પણ નથી. ફૂલ હોય ત્યાં કાંટા હોય જ છે. ગામ હોય ત્યાં જેલ હોય જ છે. જેલ એ વાતની સાબિતી છે કે દરેક વ્યક્તિ શહેરમાં રહેવા માટે લાયક નથી. બદમાશ લોકો હોવાના જ છે. અગાઉના જમાનામાં પણ હતા અને જ્યાં સુધી જગત છે ત્યાં સુધી રહેવાના છે. અગાઉ રાક્ષસો હતા. હજુ પણ છે. રાક્ષસના માથે શિંગડાં હોતાં નથી. એના ડોળા મોટા અને રાતા હોતા નથી. એનું હાસ્ય ક્રૂર હોતું નથી. રાક્ષસ તો એક કલ્પના છે, પણ આ કલ્પનાને સાચી પાડે એવા લોકો ચોક્કસપણે હોય છે. અમુક માણસની અંદર જ એક રાક્ષસ વસેલો હોય છે, જે મોકાની તલાશમાં જ હોય છે.

આપણે ઘણી વખત આપણા સ્વાર્થ ખાતર પણ ખોટા માણસ પર ભરોસો મૂકતા હોય છે. એક મિત્રને તેના મિત્રએ કહ્યું કે, તું જેના ઉપર ભરોસો મૂકે છે એ માણસ ભરોસાપાત્ર નથી. પેલા મિત્રએ કહ્યું કે એ દુનિયા સાથે ગમે તેવો હોય, મારી સાથે તો સારો છેને? એ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, ના એવું હોતું નથી. દરેક માણસમાં અમુક બેઝિક ગુણ કે અવગુણ હોય છે. એ જતા નથી. જે માણસ બીજાને છેતરી શકે છે એ તને પણ છેતરી શકે છે. પારધીએ પાથરેલી જાળમાં દાણા તો હોય જ છે, કયા દાણા ખાવા જવાય અને કયા દાણાથી દૂર રહેવાય તેની સમજ આપણામાં હોવી જોઈએ.

ખરાબ માણસ જ્યારે સારા હોવાનો ઢોંગ કરતો હોય ત્યારે એ વધુ ખતરનાક હોય છે. સારા માણસથી ક્યારેક ભૂલ થઈ શકે છે, પણ ખરાબ માણસ તો મોકાની રાહ જોઈને જ બેઠો હોય છે. બૂરો માણસ કંઈ ખોટું કરે ત્યારે નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે એની તો પ્રકૃતિ જ એવી છે. કોઈ માણસને છેતરે ત્યારે દર વખતે એની બદમાશી જ જવાબદાર નથી હોતી, ઘણી વખત આપણી મૂર્ખતા પણ કારણભૂત હોય છે. આપણે આપણી દાનત પણ ચકાસતા રહેવું જોઈએ. કેટલાક તો સંબંધો જ એવા હોય છે જેમાં રાહ જોવાતી હોય છે કે પહેલો દગો કોણ કરે છે. સંબંધોનો પાયો જ સ્વાર્થ ઉપર નભેલો હોય એવી ઇમારતો લાંબો સમય ટકતી નથી. એવા સંબંધો તો રચાય ત્યારે જ તેનું ભાવિ નક્કી થઈ જતું હોય છે.

કોઈ છેતરે ત્યારે આર્થિક નુકસાન તો સહન થઈ શકતું હોય છે, પણ સંબંધો તૂટે ત્યારે એની વેદના વર્ષો સુધી અને ઘણી વખત આજીવન વર્તાતી હોય છે. પ્રેમ, દોસ્તી અને દિલના સંબંધો પર જ્યારે ઘા લાગે છે ત્યારે માણસ આખેઆખો તૂટી જતો હોય છે. આપણે જેને જીવવાનું કારણ માનતા હોઈએ એ જ માણસ તકલાદી નીવડે ત્યારે માણસજાત ઉપરથી ભરોસો ઊઠી જતો હોય છે. દરેક બેવફાઈનું કારણ મજબૂરી નથી હોતું અમુકનું કારણ દાનત હોય છે. મજબૂરીને હજુએ માફ કરી શકાય, પણ દાનતનો ડંખ ઘણી વખત દૂઝતો રહે છે અને આપણને વલોવતો રહે છે. અગ્નિની સાક્ષી પણ દરેક વખતે સાચી નથી પડતી. દરેક સંબંધનો અંત સુખદ હોતો નથી અને સુખદ હોય એવા સંબંધનો અંત જ હોતો નથી.

રસ્તા ફંટાતા હોય છે. માણસ બદલતા હોય છે. એની સાથે એક સત્ય એ પણ હોય છે કે કોઈ એક વ્યક્તિના જવાથી જિંદગીનો અંત નથી આવતો. સુખનો અંત નથી આવતો. જિંદગીની કથાનું એકાદ ચેપ્ટર, એકાદ કેરેક્ટર નબળું આવી જાય તેનાથી જિંદગીને જતી કરી દેવી ન જોઈએ. મારી કથાનો લેખક કે લેખિકા હું છું. એનો અંત પણ મારી ઇચ્છા મુજબનો જ હશે. જિંદગીમાં નરસા માણસો ક્યારેક ને ક્યારેક તો ભટકાઈ જ જવાના છે, એનાથી જિંદગી અટકવી ન જોઈએ, જિંદગી ભટકવી ન જોઈએ. કોઈ એકાદ વ્યક્તિના કારણે દુનિયા કે નસીબને દોષ ન દો. જિંદગીની મજા એમાં જ છે કે અમુક વ્યક્તિ અને અમુક ઘટનાને ભૂલીને આગળ નીકળી જવું. ભૂતકાળમાંથી નીકળીએ તો જ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ અને તો જ વર્તમાન સાથે તાલ મિલાવી શકીએ. કોઈ ઘટનાથી રોકાઈ ન જાવ, એનાથી આગળ નીકળી જાવ. સુખ માટે અઢળક કારણો હોય છે અને તેને ઓળખવા માટે દુ:ખનાં કારણોને વિદાય આપવી પડે છે. દુ:ખ, પીડા, વેદના, દર્દ અને હતાશાને હટાવશો નહીં ત્યાં સુધી આનંદ, ખુશી, સુખ અને ઉત્સાહનો અણસાર નહીં આવે!

છેલ્લો સીન:
કોઈ તમારી સાથે ખરાબ, અયોગ્ય કે બેહૂદું કરે ત્યારે તમે એટલું જ નક્કી કરજો કે હું એના જેવું નહીં કરું, કારણ કે મારે એના જેવું નથી થવું. મારે મારા જેવા જ રહેવું છે. – કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.31 ઓગસ્ટ, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

31 AUGUST 2016 49

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “બધા લોકો સારા હોય એવું પણ જરૂરી નથી – ચિંતનની પળે

Leave a Reply to dipesh jangam Cancel reply

%d bloggers like this: