ક્યારેક મન થાય એવું પણ કંઈક કરવું જોઈએ – ચિંતનની પળે

ક્યારેક મન થાય એવું
પણ કંઈક કરવું જોઈએ

48
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

અપને મન મેં ડૂબ કર પા જા સુરાગ-એ-જિંદગી,
તૂ અગર મેરા નહીં બનતા, ન બન, અપના તો બન.
(સુરાગ-એ-જિંદગી = જિંદગીનાં રહસ્યો) – અલ્લામા ઇકબાલ

મન થાય એવું આપણે કેટલું કરતા હોઈએ છીએ? મન ફાવે એવું કે મન પડે એવું કરવાની આ વાત નથી. વાત છે મનમાં સળવળતી સંવેદનાઓની, વાત છે મનમાં ઊછળતી ઇચ્છાઓની અને વાત છે મનના કોઈ ખૂણે ધરબાઈ ગયેલાં કેટલાંક સપનાંઓને સજીવન કરવાની! દરેક માણસમાં એક અત્યંત ઋજુ, ખૂબ જ સંવેદનશીલ અને પોતાની રીતે જીવવા ઇચ્છતો એક માણસ વસતો હોય છે. આપણી અંદરથી જ ક્યારેક એ માણસ બહાર આવવા માટે તરફડતો હોય છે, કરગરતો હોય છે, આપણને કહેતો હોય છે કે કંઈક તો મને ગમે એવું, તને ગમે એવું કર. આપણે એને ટાપલી મારીને બેસાડી દઈએ છીએ. હમણાં નહીં. હમણાં બીજાં કામ છે. હમણાં એટલો સમય નથી.

દરેક વાત, દરેક વસ્તુ, દરેક ઇચ્છા કે દરેક કામ માટે કારણ હોય જ એવું જરૂરી નથી. કોઈ કારણ વગર આપણે શું કરીએ છીએ? મોટાભાગે તો કારણ વગર જે થતું હોય છે એ જ આપણને જિંદગીની નજીક લઈ જતું હોય છે. કારણ વગર પણ ક્યારેક કંઈક કરતા રહેવું જોઈએ. વરસાદની મોસમમાં હાઈવે પર કાર રોકી ખુલ્લામાં ઠંડક ફીલ કરવા પાછળ કયું કારણ હોય છે? ચાની કીટલી પર દોસ્તો સાથે કોલેજની યાદો વાગોળીને આપણને શું મળતું હોય છે? કોઈ જૂનો ફ્રેન્ડ કે બહેનપણી મળી જાય ત્યારે થોડીક વાર બેસને એમ કહેવા પાછળ કયો સ્વાર્થ હોય છે? માર્ક કરજો, જ્યારે આપણને એમ થાય કે મજા આવી ત્યારે તેની પાછળનું કોઈ કારણ હોતું નથી. હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને મજા નથી આવતી એ મજા ક્યારેક એમ જ, અચાનક જ આવી જાય છે.

ક્યારેક કોઈ ગઝલ સાંભળીને મન બોલી ઊઠે છે કે વાહ! ક્યા બાત હૈ. વરસાદમાં કોઈ નાના બાળકને છબછબિયાં કરતું જોઈને ચહેરા પર એમ જ હાસ્ય છવાઈ જાય છે. પર્વતની ટોચે ઠંડા પવનનો સૂસવાટો વાતો હોય ત્યારે એવું થઈ આવે છે કે આંખો ખુલ્લી રાખીને આને માણી લઉં કે પછી આંખો બંધ કરીને આ ટાઢકને મારી અંદર ઉતારી લઉં. ખુશી ક્યારેક પ્લાનિંગથી નથી આવતી. એ બસ આવી ચડતી હોય છે. આપણને પકડતાં આવડવું જોઈએ. સમય આપણને તક પણ આપતો હોય છે, પણ આપણે આંખ આડા કાન કરી દેતા હોઈએ છીએ. હમણાં નહીં, નવરાશ મળે ત્યારે. નવરાશ મળતી નથી. હતાશ ન થવું હોય તો થોડીક નવરાશ મળતી રહે એનું ધ્યાન રાખજો.

બે મિત્રો કારમાં જતા હતા. અચાનક એક મિત્રએ કહ્યું કે એક મિનિટ, કાર રોક તો. કાર રોકાઈ. એ મિત્રએ પોતાની સાથે લીધેલા નાસ્તાનો ડબો હાથમાં લીધો. રોડના કિનારે એક પાગલ માણસ પાંદડાં સાથે રમતો હતો. તેની બાજુમાં બેસીને પૂછ્યું, નાસ્તો કરીશ? પાગલે કંઈ જ જવાબ ન આપ્યો. પલ-બેપલ સામે જોઈ પાછો પાંદડાં સાથે રમવા લાગ્યો. પેલા મિત્રએ નાસ્તો આપ્યો. પાગલે એ નાસ્તો લીધો અને પોતાની મસ્તીમાં જ રહીને ખાધો. મિત્ર એ દૃશ્યને ફીલ કરતો રહ્યો. થોડી વાર બેસીને એ ઊભો થયો. પાગલ સાથે બે ક્ષણ માટે આંખો મળી. મિત્રએ કહ્યું, બાય. પાગલે કંઈ જવાબ ન આપ્યો. કદાચ એના અલૌકિક વિશ્વમાં એવી કોઈ ફોર્માલિટીઝનો રિવાજ નહીં હોય!

કારમાં બેસીને મિત્રને કહ્યું, ચલ. ગાડી ચાલી. માત્ર પાંચ-દસ મિનિટનો જ આ પ્રસંગ હતો. મિત્રએ પૂછ્યું, કેમ તને અચાનક આવું મન થઈ ગયું? મિત્રએ જવાબ આપ્યો, બસ એમ જ. કોઈ કારણ ન હતું. એ પાગલને જોઈને વિચાર આવ્યો કે કેવો એની મસ્તીમાં છે, કેવો પાંદડાંથી રમે છે. મને પણ મન થઈ આવ્યું કે ચાલને હું પણ થોડીક મારી મસ્તીમાં જીવું. આપણે ડાહ્યા લોકો પાસે ડાહ્યા હોવાનો ડોળ કરતા હોઈએ છીએ. ક્યારેક એવો વિચાર આવે છે કે પાગલ સાથે થોડીક વાર પાગલ થઈ શકાતું હોત તો કેવું સારું છે? મિત્રએ હસીને કહ્યું કે તું કંઈ કમ પાગલ નથી! અચાનક સિરિયસ થઈને કહ્યું કે દોસ્ત, કદાચ આ જ સાચું છે, કદાચ આપણે આપણા માટે આટલું જ જીવતા હોઈએ છીએ! જી લે જરા… એવું ગીત ગાઈને મન મનાવી લઈએ છીએ કે થોડુંક જીવી લીધું, એવું કહીને પણ આપણે ભ્રમમાં જ જીવતા હોઈએ છીએ. ખરેખર આપણે કેટલું જીવતા હોઈએ છીએ?

મન મારીને જીવતા આપણને ફાવી ગયું છે. આપણે જ મનનું માથું કચડી નાખીએ છીએ અને પછી ફરિયાદો કરતા હોઈએ છીએ કે મજા નથી આવતી, લાઇફ જેવું કંઈ લાગતું જ નથી. એક પતિ-પત્ની ઘરે બેસીને ટીવી જોતાં હતાં. ટીવી પર એક હિલસ્ટેશનની સ્ટોરી આવતી હતી. અત્યારે ત્યાં આહ્્લાદક વાતાવરણ છવાઈ ગયું છે. મસ્ત નજારો છે. પ્રકૃતિનું સૌંદર્ય છલોછલ છે. આ જોઈને પતિ બોલ્યો કે, મન તો એવું થાય છેને કે તારી સાથે આ સ્થળે ચાલ્યો જાઉં, પણ મેળ ખાતો નથી. રજા મળે એમ નથી. પત્નીએ કહ્યું કે તારી વાત સાચી છે. અત્યારે તું નીકળી શકે એમ નથી. ત્યાં તો જ્યારે જવાશે ત્યારે જશું, પણ અત્યારે તને બહાર નીકળતા કોણ રોકે છે? અહીં પણ કુદરતી વાતાવરણ છવાયેલું છે, અહીં પણ એવાં સુંદર દૃશ્યો સર્જાય છે, આપણી પાસે હજુ બે કલાક છે. ચાલ, એક કલાક ચક્કર મારી આવીએ. મોટી ઇચ્છાઓ પૂરી થઈ શકે એમ ન હોય ત્યારે નાની નાની ખ્વાહિશો માણતાં આપણને કોઈ રોકી શકતું નથી. સમય ક્યારેક ચોરવો પડતો હોય છે. ઓફિસથી ઘરે આવતી વખતે ક્યારેક કુદરતનો નજારો માણી લેવાનો હોય છે, કાર ડ્રાઇવ કરતી વખતે રેડિયો પર આવતું કોઈ ગીત ગણગણી લેવાનું હોય છે, થોડીક ક્ષણો આંખો બંધ કરીને પોતાની અંદર નજર નાખી લેવાની હોય છે. જિંદગી સુંદર છે એ વાત યાદ કરીને આપણે દરરોજ એની સામે રાઇટની નિશાની કરતા રહેવાનું હોય છે. મનને મારો નહીં. મનને તો થોડી થોડી જ પળો જોઈતી હોય છે. રોજ થોડાક સમયને માણી લો તો જિંદગીનો થાક નહીં લાગે, રોજ મનને થોડું થોડું મારતા રહેશો તો એક સમય એવો આવશે કે મન સાવ જ મરી ગયું હશે. ડિપ્રેશન એ બીજું કંઈ નથી, પણ મનનું કામચલાઉ મોત છે. આ મોત એટલા માટે આવે છે, કારણ કે આપણે આપણા હાથે જ મનને મારી નાખ્યું હોય છે. એનું ગળું ઘોંટી નાખ્યું હોય છે. જિંદગી જીવવી હોય તો મનને મરવા ન દેશો.

એક છોકરી સમય મળે ત્યારે અનાથ આશ્રમ પહોંચી જાય. આશ્રમમાં રહેતાં બાળકો સાથે રમે. એમને વાર્તા કહે. મસ્તી કરે. એક વખત તેની ફ્રેન્ડ પણ એની સાથે અનાથ આશ્રમમાં ગઈ. બહેનપણીનું કામ જોઈને એ ખુશ થઈ. બંને ત્યાંથી નીકળ્યાં પછી બહેનપણીએ કહ્યું કે, ડિયર તું બહુ સરસ કામ કરે છે. આ મા-બાપ વગરનાં છોકરાં જોઈને દયા ઊપજે છે. તું એ લોકોને ખુશ કરીને પુણ્યનું કામ કરે છે. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું, એક મિનિટ, હું અહીં કોઈ પુણ્ય કમાવવા નથી આવતી, એટલા માટે પણ નથી આવતી કે અનાથ બાળકોને મજા કરાવું, હું તો મારા માટે આવું છું. મને અહીં મજા આવે છે. મને અહીં ગમે છે. એ છોકરાંવ તો એની રીતે મજા કરી જ લેશે, એકેય પાસેથી તેં એવી વાત સાંભળી કે એ મજામાં નથી? હું એ લોકો માટે કંઈ નથી કરતી, હું તો મારા માટે કરું છું. આઈ ફીલ ગુડ, આઈ ફીલ રિલેક્સ, આઈ ફીલ ચેન્જ એન્ડ આઈ ફીલ એનરિચ્ડ!

આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ સારું કામ પણ કોઈના માટે કરતા હોઈએ છીએ. આપણા માટે કરતા નથી. મંદિરે પણ જાણે આપણે ભગવાનને સારું લાગે એટલા માટે જતા હોઈએ એવું ક્યારેક લાગે! ભગવાન નારાજ ન થઈ જાય કે કોપાયમાન ન થાય અને આપણા પર કૃપા વરસાવતો રહે એ માટે મંદિર જનારાઓની સંખ્યા નાનીસૂની નથી.

એક માણસ હતો. ક્યારેય મંદિરે ન જાય. એક વખત એક વડીલે તેને પૂછ્યું, તું ક્યારેય મંદિરે નથી જતો? પેલાએ કહ્યું કે, જાઉં છું ને. જ્યારે મને એવી જરૂર લાગે કે હવે ભગવાને મને મદદ કરવી પડશે ત્યારે હું જાઉં છું. બાકી કારણ વગર હું એને હેરાન નથી કરતો. ડૉક્ટર પાસે પણ આપણે બીમાર પડીએ ત્યારે જ જઈએ છીએને? મંદિરે ન જાઉં ત્યારે હું ભગવાનને યાદ કરીને કહી દઉં છું કે, આજે મારી ચિંતા ન કરતા. હું ઓકે છું. કામ પડશે તો કહીશ. એ મને રોજ તથાસ્તુ કહે છે. એક વખત તો હું બગીચામાં ફૂલનો ક્યારો સાફ કરતો હતો ત્યાં ભગવાન આવ્યા અને મને પૂછ્યું કે કેમ છે? મેં તેમને સામો સવાલ કર્યો કે અરે ભગવાન! તમે અહીંયાં? ભગવાને કહ્યું કે મને પણ ક્યારેક બહાર આવવાનું મન ન થાય? હકીકતે હું તો બહાર જ હોઉં છું, એ તો એ લોકો માને છે કે હું ત્યાં છું.

તમે છેલ્લે તમને મજા આવે એવું શું કર્યું હતું? બીજો સવાલ, તમને મજા આવે એવું ક્યારે કર્યું હતું? દિલ કો સુકૂન મિલે એવું કંઈક કરતા રહો. રોજેરોજ થોડીક ક્ષણો તો જીવો, થોડુંક તો હસો, થોડાંક તો હળવા રહો. આપણે પરફેક્ટ થવાની પ્રેક્ટિસ કરતા રહીએ છીએ, પણ રિલેક્સ રહેવાની રિધમને સમજતા જ નથી. આપણી અંદર પણ એવું ઘણું બધું જીવતું હોય છે જેને ઝંખના જાગતી રહે છે, એને પંપાળતા રહો તો જિંદગીથી ક્યારેય કંટાળશો નહીં!

છેલ્લો સીન:
દરેક વખતે મનને મનાવવાને બદલે ક્યારેક મનનું માનવું પણ જોઈએ. – કેયુુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.24 ઓગસ્ટ, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

24 AUGUST 2016 48

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: