સપનાં ધીરે ધીરે પૂરાં થાય એમાં જ મજા છે : ચિંતનની પળે

સપનાં ધીરે ધીરે પૂરાં થાય
એમાં જ મજા છે

Concept: Successful business trend. Happy talented businesswoman

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

એવું છે થોડું, છેતરે રસ્તા કે ભોમિયા, એક પગ બીજાને છળે એમ પણ બને,
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
– મનોજ ખંડેરિયા

સાચી મજા મંજિલની નહીં, પણ સફરની હોય છે. મંજિલ પહેલાં જેટલા મુકામ આવે છે, એ જ જિંદગીના ઉમદા અનુભવો છે. માગો એ મળી જાય એ વ્યક્તિને નસીબદાર સમજી લેવાની ભૂલ કરવા જેવું નથી. એ કદાચ કમનસીબ હોય છે. ઇચ્છાઓ ફટ દઈને પૂરી થઈ જાય તો કોઈ રોમાંચ રહેતો નથી. તરસ લાગી હોય ત્યારે જ પાણી વધુ મીઠું લાગે છે. તરસ જેટલી તીવ્ર, તૃપ્તિ એટલી વધુ. જમવાની મજા ભોજન કરતાં ભૂખમાં વધુ છે. જિંદગીમાં તરસ અને તડપ ઉગ્ર અને સક્રિય રહેવી જોઈએ. જિંદગીમાં યોગ્ય સમયે જ યોગ્ય વસ્તુ અને સફળતા મળે એમાં મજા છે. નાના બાળકને તમે અત્યંત મોંઘું બાઇક લઈને આપો તો એને કોઈ રોમાંચ થતો નથી, એને તો સરસ મજાની સાઇકલ જ થ્રિલ આપે છે.

એક અત્યંત ધનવાન માણસ એક સમયે તેના પુત્રને પોતાના સંઘર્ષની કથા કહેતો હતો. તેણે કહ્યું કે મારી પાસે કંઈ જ ન હતું. રાત-દિવસ હું સખત મહેનત કરતો હતો. એક જ સપનું હતું કે એક વખત સફળતા મેળવવી છે, ગામમાં નામ કાઢવું છે અને રૂપિયા કમાવવા છે. એક પછી એક પગથિયાં ચડતો ગયો અને હું આજે આ કક્ષાએ પહોંચ્યો છું. તું નસીબદાર છે કે તને બધું તૈયાર મળ્યું છે. દીકરાએ કહ્યું કે મને નસીબદાર તો તમે માનો છો, હકીકતે તો હું કમનસીબ છું. મને બધું મળી ગયું એ સાચું, પણ હું તમારા જેટલો હોશિયાર નથી. તમે જિંદગીમાં કેટલી ચેલેન્જીસ જોઈ છે. તેનો સામનો કર્યો છે, સફળતાના એક એક શિખરને એન્જોય કર્યા છે, તમારી પાસે કહેવા માટે તમારી કથા છે, તમારી સફળતા છે. મારી પાસે શું છે? પિતાએ વારસામાં આપેલો બિઝનેસ અને આ જાહોજલાલી! મેં તો કોઈ દિવસ દુ:ખ જોયું જ નથી! કોઈ પડકાર ઝીલ્યો જ નથી. હું લકી નહીં, અનલકી છું.

જિંદગીની એક રિધમ હોય છે. કામની એક ગતિ હોય છે. સફળતાનો એક માર્ગ હોય છે. કુદરતના દરેક ક્રમમાં એક લય છે. સવાર ઊગે છે. દિવસ ચડે છે. એ પછી સૂરજ ધીમે ધીમે આથમે છે. રાત પણ ઊઘડતી હોય છે. સાંજ રાતના દરવાજે દસ્તક દે છે અને અંધારાનો ધીમે ધીમે પ્રવેશ થાય છે. કૂંપળ ફૂટે છે. પાંદડાં ઊગે છે. કળીનું સર્જન થાય છે. પાંખડીઓ ઊઘડે છે અને ફૂલ ખીલે છે. ફટ દઈને કંઈ થતું નથી. ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે, ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.

આપણે ઇન્સ્ટન્ટના આદી થતા જઈએ છીએ. આપણને બધું જ તત્કાલ જોઈએ છે. ગુજરાતી વેપારીઓ સંતાનને શીખવે છે કે, શાંતિથી થળે બેસી રહેવું. થળો તપવો જોઈએ. ઊડતું પતંગિયું ફૂલમાંથી મધ ચૂસી શકતું નથી. પતંગિયાએ ફૂલ પર બેસવું પડે છે. કોઈ પણ જંગલી જનાવરને જોઈ લો, શિકાર માટે તેણે દોડવું પડે છે. લાગની રાહ જોવી પડે છે. ઉતાવળા ન થાવ. જે કામ કરો છો એ ધીરજ અને ખંતથી કરતા રહો. એક મેનેજમેન્ટ ગુરુએ સરસ વાત કરી છે. તમારે સફળ થવું છેને? તો તમે અત્યારે જે કરો છો એ પૂરી લગનથી કરતા રહો. નેક્સ્ટ સ્ટેજ ઓટોમેટિક આવશે. સફળતા વીડિયો ગેમ જેવી છે. તમે જેમ જેમ આગળ વધતાં જશો તેમ તેમ વધુ અઘરું સ્ટેજ આવતું જશે. તમારે અગાઉ કરતાં વધુ એલર્ટ રહેવું પડશે. વધુ મહેનત કરવી પડશે. તેના માટે છેલ્લા સ્ટેજની ચિંતા કરવાની નથી, અત્યારે જે છે એ જ કરતા રહો, તેમાં જ ધ્યાન આપો, એને પાર કરવાનો જ પ્રયાસ કરો.

સફળતા મેળવવાની ઉતાવળ ઘણી વખત નિષ્ફળતાનું કારણ બનતી હોય છે. ઝડપથી સફળ થવામાં માણસ પોતાની શક્તિ વેડફી નાખે છે, એ પછી જ્યારે જરૂરત હોય ત્યારે શક્તિ હોતી નથી. માણસ થાકી જાય છે. મેરેથોન દોડના એક સફળ ખેલાડીએ કહેલી આ વાત છે. દોડ શરૂ થાય ત્યારે તમને ખબર હોવી જોઈએ કે દોડ બહુ લાંબી છે, મારે ધીમે ધીમે શરૂઆત કરવાની છે. શરૂઆતમાં એવું પણ બને કે થોડાક લોકો ઝડપથી દોડીને આગળ નીકળી જાય. જે લોકો શરૂઆતથી જ ઝડપી દોડતાં હોય એ અધવચ્ચે જ થાકી જાય છે. તેને પાછળ રાખી દેવા માટે તમારી પાસે પૂરતો સમય હોય છે. ભડકો છે એ દીવાથી વધુ મોટો પ્રકાશ આપે છે, પણ ભડકો તરત બુઝાઈ જાય છે. તેનું આયુષ્ય ઓછું હોય છે. દીવો એકધારો સળગતો રહે છે અને જરૂર પૂરતો પ્રકાશ આપતો રહે છે.

સફળતા માટે આવડતની સાથોસાથ ડહાપણની પણ જરૂર પડે છે. પડશે એવા દેવાશે કે જોયું જશે એવું દર વખતે ચાલતું નથી. કેવું પડશે તો કેવું દેશું એની તૈયારી પણ હોવી જોઈએ. એક જ્વેલર્સના પરિવાર સાથે બનેલી આ સાવ સાચી ઘટના છે. તેનો શો રૂમ ધમધોકાર ચાલતો હતો. આખો પરિવાર આ બિઝનેસ સાથે જોડાયેલો હતો. બજારમાં મંદી આવી. સાથોસાથ નવા હરીફો માર્કેટમાં આવી ગયા. જે ગણતરીઓ માંડી હતી એ બધી ઊંધી પડી. એક તબક્કો એવો આવ્યો કે દેવાળું ફૂંકવું પડે. ઘર માંડ માંડ ચાલતું હતું. ધીમે ધીમે બધું વેચાતું જતું હતું.

ઘરના મોભીએ એક દિવસે બધાને ભેગા કર્યા. તેણે કહ્યું કે, આમ ને આમ તો આપણે સાવ ખતમ થઈ જશું. હવે આપણે જરાક જુદી રીતે કામ કરવું પડશે. આપણને બધાને ઘરેણાં ઘડતાં તો આવડે જ છે. એક કામ કરો. બધા લોકો ક્યાંક ને ક્યાંક ઘરેણાં ઘડવાની નોકરી કરવા માંડો. દર મહિને આપણે થોડી થોડી બચત કરતાં જશું અને પછી થોડીક મૂડી થશે એટલે ફરીથી ધંધો શરૂ કરી દેશું. વડીલની આ વાત બધાએ માન્ય રાખી. બધા નોકરી કરવા લાગ્યા. પગાર આવવા લાગ્યો. ઘર ચલાવવાની ચિંતા મટી ગઈ. ધીમે ધીમે બચત કરીને પાછો પોતાનો બિઝનસ શરૂ કરી દીધો.

દરેક માણસ જે કોઈ પોઝિશન ઉપર પહોંચ્યો હોય ત્યાં કંઈ એમ ને એમ પહોંચ્યો હોતો નથી. કોઈ પણ સફળ માણસને પૂછશો તો ખબર પડશે કે એ ધીમે ધીમે જ આગળ વધ્યો અને અહીં સુધી પહોંચ્યો છે. સપનાને સાકાર થતાં જોવાની પણ એક અનોખી મજા છે. આપણને એવું ફીલ થવું જોઈએ કે મેં એક એક પળ જીવી છે. મારા સંઘર્ષને મેં જીવ્યો છે. હું સ્ટ્રગલ કરતો હતો ત્યારે મેં મારામાં એ વિશ્વાસને જીવતો રાખ્યો હતો કે હું સફળ થઈશ. સફળ થઈ ગયા પછી જેની પાસે કહેવા માટે જે કથાઓ હોય છે એ કથા જ તેની કક્ષા બતાવતી હોય છે.

તપ વગર કોઈ સાધના સિદ્ધ થતી નથી. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે સાધનાને બોજ ગણીએ છીએ. જેને સાધનામાં મજા આવતી નથી તે સફળતાનો સાચો આનંદ માણી શકતો નથી. આનંદ તો તપમાં જ છે. બે મિત્રો હતા. બંને સાથે ફરવા જાય. એક મિત્ર બહુ બિઝી રહેતો. તેની પાસે સમય ન હોય. બીજો મિત્ર ફરવા માટે સમય કાઢી લેતો. એ ફ્રેન્ડ પોતાની કાર લઈને નીકળી પડે. આરામથી ફરતાં ફરતાં બે-ચાર દિવસે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચે. એ જ્યારે નિયત સ્થળે પહોંચે ત્યારે બીજો ફ્રેન્ડ બાય એર ત્યાં આવી જાય. કારમાં આવનાર ફ્રેન્ડે એક વખત તેના મિત્રને કહ્યું કે, મજા આ સ્થળે પહોંચી જવામાં નથી, મજા આ સ્થળ સુધી પહોંચવામાં છે. જે સૌંદર્ય છે એ તો છવાયેલું છે, એ ફીલ કરવા માટે તો એની નજીકથી પસાર થવું પડે. મજા માત્ર ફરવાની કે જોવાની નથી, મજા લોકોની સંવેદનાને નિહાળવાની છે. તને ખબર છે, લોકો પણ સ્થળ સાથે બદલતા હોય છે. અમુક વિસ્તારના લોકો અમુક પ્રકારના છે એવી માન્યતા એમ ને એમ સર્જાતી હોતી નથી, કંઈક હોય છે. એ લોકોને મળ્યા વગર તું એ કેવી રીતે અનુભવી શકે? ફરવાની મજા સફરમાં છે.

કોઈ સફળતા નજીક નહીં હોવાની. ધ્યેય જેટલું વધુ મોટું અને લક્ષ્ય જેટલું વધુ ઊંચું એટલો વધુ સમય સફળતામાં લાગવાનો છે. સફળતા તો મળવાની હશે ત્યારે મળશે જ, પણ જો તમે સફળતા સુધીના માર્ગને એન્જોય કરશો તો મહેનતનો થાક નહીં લાગે. સુખ માત્ર મોટાં સપનાંઓમાં જ નથી હોતું, સુખ નાનાં-નાનાં સપનાંઓમાં પણ હોય છે. એ સપનાં ધીમે ધીમે પૂરાં થતાં હોય છે. એ સપનાં પૂરાં કરવાનો રોમાંચ હોય છે. નવું ઘર લીધા પછી એક એક વસ્તુ લાવીને ઘર સજાવવાની જે મજા છે એ રાચરચીલાવાળું ઘર લઈ લેવામાં નથી. મારી આસપાસ છે, એ મારું છે, મેં સજાવ્યું છે, મેં જીવ્યું છે, દરેક વસ્તુને મારો સ્પર્શ થયો છે. હું તેની સાથે હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વ છું. સપનાં પૂરાં થવાની દરેક ક્ષણને માણો તો દરેક ક્ષણ સજીવન અને ધબકતી લાગશે.

છેલ્લો સીન:
ઝડપ અને ઉતાવળમાં ફરક છે. ધીરજપૂર્વક અધીરા રહેતા આવડે એ ઝડપથી મંજિલે પહોંચે છે.- કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 જુલાઇ, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

06 JULY 2016 41

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *