હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે! – ચિંતનની પળે

હવે બસ, મેં મારા

ભાગનું રડી લીધું છે!

36

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 

ગોફણો વીંઝી સળગતા સૂર્ય નામે એક છાણું પાડીએ,

ચાલ લઈ લે હાથમાં ખીલા, દિવસમાં આજ કાણું પાડીએ.

અનિલ ચાવડા

 

દુ:ખ,પીડા, વેદના અને જુદાઈ એ જિંદગીના એવા હિસ્સા છે જે ક્યારેક ઓચિંતા ત્રાટકે છે. બધું જ સડેડાટ ચાલતું હોય અને કંઈક એવું થાય છે કે જિંદગી રોકાઈ જાય. આપણે ક્યારેય કલ્પના કરી ન હોય એવું કંઈક બની જાય છે. જિંદગી ઉપર કરવત ફરતી હોય એટલી પીડા થાય છે. આપણને ખબર હોય છે કે આ સમય પણ ચાલ્યો જવાનો છે. જોકે, એ સમય જ્યાં સુધી હોય ત્યાં સુધી બહુ અઘરો, આકરો અને અસહ્ય હોય છે. ઘડિયાળના કાંટા ઘણી વખત વાગતા હોય છે. ક્ષણોના ઉઝરડા ક્યારેક વર્ષો સુધી રુઝાતા નથી. અમુક ઘા દૂઝતા રહે છે. માણસે ટકવું પડે છે, લડવું પડે છે, ઝઝૂમવું પડે છે. આંખો પણ આપણને એવો મેસેજ આપે છે કે હવે મને રડવાનો થાક લાગે છે. આંખોમાં પડી ગયેલા ખાડા કહે છે કે, હવે તો તળિયું આવી ગયું.

 

વેદનાનો અંત હોય છે, પણ એ અંત આવે એ પહેલાં આપણે ઘણા ઓગળી ગયા હોઈએ છીએ. પીગળવું સહજ છે, ઓગળવું અઘરું છે. હૃદય જાણે આપણી જ મુઠ્ઠીમાં દબાઈ રહ્યું હોય છે. વેદના થવી જોઈએ. તમને વેદના ન થતી હોય તો માનજો કે તમારામાં સંવેદનાનું ઝરણું સુકાઈ ગયું છે. કંઈક મૂરઝાઈ ગયું છે. અમુક ઘટનાઓથી આંખો ભીની થવી જોઈએ. હૃદય ધબકારો ચૂકી જવું જોઈએ. વેદના એ વાતનો પુરાવો છે કે આપણામાં સંવેદના સજીવ છે. જડ જેવા લોકો જમ જેવા હોય છે. અંદરથી સરસ હોય એને જ બહારથી અસર થાય. દુ:ખને ફીલ કરો, પણ એક હદ પછી તેના પર પણ વિજય મેળવી લો. જખમને જીરવવા અને જીવવા પડતા હોય છે અને એક તબક્કે તેને મારવા પણ પડતા હોય છે. કુદરતે દરેકમાં સંઘર્ષની અને સહનશીલતાની શક્તિ મૂકી હોય છે. આપણને ઘણા લોકોની વાત સાંભળીને એટલે જ એવું થાય છે કે એ માણસને હદ છે, એની જગ્યાએ હું હોઉં તો ક્યારનોય તૂટી ગયો હોઉં. ખબર નહીં કુદરતે એને કઈ માટીમાંથી બનાવ્યો છે! માટી તો કદાચ એક જ હશે, પણ આ માટી ઘણામાં પાકી થઈ ગઈ હોય છે. મરવાના વિચાર માત્ર કાચી માટીના લોકોને જ આવે. પાકી માટીના તો પડકાર ઝીલવા જ પેદા થયા હોય છે.

 

એક કપલની વાત છે. અત્યંત સુંદર અને બધી જ રીતે એકબીજાને લાયક. જાણે એકબીજા માટે જ ઈશ્વરે તેમનું સર્જન કર્યું ના હોય! સમય ઘણી વખત મજબૂત દીવાલમાં પણ તિરાડ પાડી દેતો હોય છે. થોડાં વર્ષો પછી બંને વચ્ચે ડિસ્પ્યૂટ થયા. વાત વણસતી ગઈ અને ડિવોર્સ થઈ ગયાં. યુવતી વધુ પડતી સંવેદનશીલ હતી. બધા મિત્રોને લાગ્યું કે, એ તૂટી જશે, ભાંગી પડશે. આ ઘટનામાંથી બહાર નીકળતા તેને બહુ વાર લાગશે.

 

થોડોક સમય ગયો. એક વખત એક ફ્રેન્ડે પૂછ્યું, તું ઓકે છે? યુવતીએ કહ્યું, હા હું ફાઇન છું. મેં મારા ભાગની પીડા ભોગવી લીધી છે. એક સમયે મને થયું કે હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે. હવે વધારે નહીં. આવું મને એક ઘટના પછી ફીલ થયું. હું એક વખત ટ્રેનમાં જતી હતી. એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. હું બારી પાસે બેઠી હતી. મેં સ્ટેશન પર એક દૃશ્ય જોયું. એક પતિ-પત્ની ઝઘડતાં હતાં. બંને ઊંચાં અવાજે બોલતાં હતાં. પતિએ અચાનક પત્નીને થપ્પડ મારી. હું હચમચી ગઈ. ડિસ્ટર્બ થઈ ગઈ. એટલી જ વારમાં ટ્રેન ઊપડી અને એ દૃશ્ય ધીમે ધીમે મારી નજર સામેથી સરકી ગયું.

 

નજર સામેથી તો એ હટી ગયું, પણ મગજમાંથી એ દૃશ્ય ખસતું ન હતું. માણસની માનસિકતા અંગે સવાલો થતા હતા. ટ્રેન આગળ ધસતી હતી. થોડી જ વારમાં બીજું સ્ટેશન આવ્યું. ટ્રેન ઊભી રહી. મેં એક બીજું દૃશ્ય જોયું. એક યુવાન તેની પત્ની સાથે ઊભો હતો. પત્નીના હાથમાં પ્લાસ્ટર હતું. એને તરસ લાગી હતી. પતિએ બોટલમાંથી પાણી ગ્લાસમાં કાઢી પોતાના હાથે પત્નીને પીવડાવ્યું. પાણી પી લીધા પછી પત્ની પ્રેમથી પતિ સામે હસી. મને થયું કે પત્નીની માત્ર તરસ નથી શમી, બીજી ઘણી બધી તૃપ્તિ પણ થઈ ગઈ. પોતાની વ્યક્તિના પ્રેમની અનુભૂતિ મોટાભાગે સહજ રીતે થતી હોય છે, એના માટે પ્રયત્ન કરવા પડતા નથી. મારી નજર સામે એક સુંદર દૃશ્ય હતું. થોડી વારમાં ટ્રેન ઊપડી ગઈ.

 

આ બે ઘટનાએ મને વિચારતી કરી દીધી કે, બે સ્ટેશને જોયેલી બે ઘટનામાંથી હું કઈ યાદ રાખું? પહેલી ઘટના મારે શા માટે યાદ રાખવી જોઈએ? મને થયું કે ડિવોર્સ તો થઈ ગયા. સમયની ટ્રેન આગળ નીકળી ગઈ છે. હું શા માટે એ દૃશ્ય મારા દિલમાંથી ખસેડતી નથી. મેં એ દૃશ્યને હટાવી દીધું. મારી મંજિલનું સ્ટેશન આવ્યું ત્યારે હું જુદી હતી, હળવી હતી. મેં એને માફ કરી દીધો. આમ તો મને એવું લાગ્યું કે મેં મને જ માફ કરી દીધી છે.

 

તમે આવાં કેટલાંક દૃશ્યો સાથે લઈને જીવો છો? સમયની ગાડી આગળ નીકળી ગયા પછી પણ તમે તો ક્યાંક હજુ એ સ્ટેશન પર રોકાયેલા નથીને? આપણે નીકળવું પડે છે. આપણામાંથી જ આપણે ઘણી વખત બહાર નીકળવું પડે છે. અઘરું પડતું હોય છે, પણ અશક્ય નથી. ઘણું બધું ખંખેરવું પડતું હોય છે. ખંખેરવા માટે હલવું પડતું હોય છે અને ઘણી વખત ઝાટકો પણ મારવો પડતો હોય છે. પ્રયત્નથી ઘણું ખંખેરાઈ જતું હોય છે. તમે પ્રયત્ન તો કરો. જિંદગી પાટી જેવી છે, જિંદગી બ્લેકબોર્ડ જેવી છે, નવું લખવા માટે ઘણી વખત જૂનું ભૂંસવું પડતું હોય છે. આપણે હાથમાં એક ડસ્ટર રાખવું પડતું હોય છે. ભૂંસી નાખો. લખ્યા ઉપર જ લખતા રહેશો તો કંઈ નહીં વંચાય. ગૂંચવાઈ જવાશે, ગુમ થઈ જવાશે, ગભરાઈ જવાશે, એવું કંઈ થાય એ પહેલાં મુક્ત થઈ જાવ. જિંદગી તો રાહ જ જોતી હોય છે, આપણે ક્યાંક અટકી ગયા હોઈએ છીએ.

 

ઘણી વખત નાની નાની ઘટનાઓ પણ આપણને જિંદગીના પાઠ શીખવી જતી હોય છે, મોટા મેસેજ આપી જતી હોય છે. આપણું ધ્યાન એના પર હોવું જોઈએ. એક યુવાન હતો. એ કોલ સેન્ટરમાં કામ કરતો હતો. એક વખત એનો દીકરો તેની ઓફિસમાં આવ્યો. પપ્પા શું કામ કરે છે એ ધ્યાનથી નીરખતો હતો. પિતા દરેક કોલનો ખૂબ જ સારી રીતે પ્રતિસાદ આપતા હતા. એક લેડીનો કોલ આવ્યો. યસ મેમ, હું તમારી શું સહાય કરી શકું? અત્યંત નમ્રતાપૂર્વક તે વાત કરતો હતો. કોલ પૂરો થયો. દીકરો જતો હતો. પિતાએ હેડફોન હટાવીને દીકરાને બાય કહ્યું. દીકરાને પૂછ્યું કે, કેવું લાગ્યું મારું કામ? દીકરાએ સામો જે સવાલ કર્યો તે એને હચમચાવી ગયો. દીકરાએ કહ્યું, તમે મમ્મી જોડે કેમ આટલી સરસ ભાષામાં વાત નથી કરતા? તમે અહીં તો કેવી સરસ રીતે વાત કરો છો! પિતા દીકરાની સામે જોઈ જ રહ્યા. તેને નજીક લઈ કિસ કરી અને કહ્યું કે, સારું થયું તું અહીં આવ્યો. તારા પ્રશ્નના જવાબમાં એટલું જ કહું છું કે, તને હવે આવો સવાલ ક્યારેય નહીં થાય!

 

જિંદગી આપણને સતત કંઈ શિખવાડતી રહે છે. ક્યારેક સુખ શિખવાડે છે, તો ક્યારેક દુ:ખ પણ આપણને પાઠ ભણાવે છે. આ બધામાંથી આપણે સરવાળે શું શીખીએ છીએ તેના ઉપર જિંદગીના સુખનો આધાર હોય છે. દર્દ થવાનું, પીડા આવવાની અને વેદના પણ થવાની જ છે. આપણે છેલ્લે એને અતિક્રમી જવાનું હોય છે, વિદાય આપવાની હોય છે અને આગળ વધી જવાનું હોય છે. કોઈ મુકામ કાયમી રહેતો નથી, એટલે નરસા મુકામને વહેલી તકે નજર સામેથી હટાવી દેવો અને દિલમાંથી કાઢી નાખવો એ જ જિંદગી જીવવાનો રાઇટ એટિટ્યૂડ છે.

છેલ્લો સીન:

ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે,સમય તો જાતે જ સુધારવો પડે.     – અજ્ઞાત

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 1 જુન 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

12 thoughts on “હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે! – ચિંતનની પળે

  1. Its really very good moral & inspirational message from Krushnkant Sir …….
    Its give spirit to live life in difficult time ..

  2. Dear sir,
    I am liking your writing on different subject with deep understandably words.
    I will request you to write on the WRONG use of IPC 498A and following by laws related to divorce & life long maintenance (legal & financial terrorism) by educated persons. The phenomenon of this kind is increasing day by day.

Leave a Reply to YAUVAN H DAVE Cancel reply

%d bloggers like this: