‘ફન’ માટે થતું ફાયરિંગ
 ‘ફેટલ’ બની જાય ત્યારે શું?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 ‘હર ઈક ગોલી પે કિસીકા નામ લિખા હોતા હૈ.’ એવો એક ડાયલોગ હિન્દી ફિલ્મમાં સાંભળ્યો હતો. જોકે, દરેક ગોળી કંઈ કોઈને નિશાન બનાવવા માટે જ નથી છોડવામાં આવતી, ઘણાં ફાયરિંગ ‘ફન’ માટે પણ થતાં હોય છે. છાકો પાડવા કે સીન મારવા માટે થતા ધડાકા-ભડાકાઓમાં ક્યારેક મિસ ફાયર થઈ જાય છે અને પ્રોસેશન
જોવા આવેલા વ્યક્તિનો ભોગ લેવાય છે. કરવું હોય કંઈ અને થઈ જાય કંઈ, એવી આ દેખાડાના ધડાકાની ઘટનાઓમાં એવું પણ બન્યું છે કે, જાનમાં ઘરના કોઈ સભ્ય જ ઢળી ગયા હોય! લગ્નગીતની જગ્યાએ મરસિયા ગાવા પડે એવા અનેક બનાવો
નોંધાયા છે, ચર્ચાયા છે અને થોડાક દિવસોમાં
ભુલાયા પણ છે. કોઈ અજુગતિ ઘટના બને ત્યારે
હો-દેકીરો કરનારા આપણે ક્યારેક એની ચિંતા
નથી કરતા કે હવે આનો કોઈ કાયમી ઉકેલ ખરો? કોઈ નિયમ-કાયદા-કાનૂન જેવું હોવું જોઈએ ખરું?
 હવામાં છોડેલી ગોળી જ્યારે કોઈના માથામાં કે
છાતીમાં ઘૂસી જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાય છે. કેસ
ચાલે છે. કોર્ટમાં એવી દલીલ થાય છે કે આ તો અમારી પરંપરા છે, દાદા-પરદાદાઓથી ચાલી આવી છે.માની લઈએ કે આ ટ્રેડિશન છે તો પણ સવાલ એ થાય
કે ટ્રેડિશન ખોટી કે અયોગ્ય હોય તોપણ ચાલવા દેવાની? એમ
તો આપણે ત્યાં એક સમયે સતી પ્રથા પણ હતી. રાજા રામમોહન રૉય જેવા વિરલ વ્યક્તિએ લડત આપી
અને એ કુપ્રથા બંધ થઈ. સમયની સાથે ઘણી રૂઢિઓ, રિવાજો, પરંપરા અને બીજું ઘણું બદલાયું છે તો પછી હજુ અમલમાં છે એવી અયોગ્ય પ્રથાઓ શા
માટે બંધ થતી નથી? મોટા અવાજ કરવાના જ અભરખા હોય તો બીજા ઘણા નિર્દોષ
રસ્તા પણ છે. બંદૂક અને રિવોલ્વરમાંથી ફાયરિંગ કરીને તમે સાબિત શું કરવા માંગો છો?

 ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં લગ્ન થોડા સમય પહેલાં
જ રાજકોટના રિવાબા સાથે થયાં.
વરઘોડા દરમિયાન જાનમાં આવેલા એક વ્યક્તિએ રિવોલ્વર
કાઢીને ઊંચો હાથ રાખી હવામાં ફાયરિંગ કર્યું. જાડેજાનાં
લગ્નમાં ઓછી ધામધૂમ હતી કે ધડાકા કરવા પડ્યા? પોરબંદરના
જાણીતા મુંજા પરિવારમાં થોડા સમય અગાઉ જ ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે સોનાના દાગીનાઓથી લથબથ અને જાજરમાન મેરાણીઓ પણ બંદૂકો હાથમાં લઈને
જોવા મળી હતી. આ મહિલાઓના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા હતા. મેરાણીઓનો
દબદબો ખરેખર કાબિલેદાદ હતો.
તસવીરો અત્યંત સુંદર અને મેર જ્ઞાતિનું શૌર્ય
સાકાર કરે એવું હતું. સવાલ એ છે કે આવું બધું કેટલું વાજબી છે અને
કેટલું જોખમી છે?

લગ્નના વરઘોડા, ચૂંટણીમાં
વિજય પછી નીકળતાં સરઘસોમાં અને બીજા કેટલાય પ્રસંગોએ આવા ‘સેલિબરેટરી
ફાયરિંગ’ કરવામાં આવે છે.
બિહાર, યુપી
અને હરિયાણામાં તો આવી ઘટનાઓ બહુ સામાન્ય છે. એ
વાત જુદી છે કે આવા ધડાકાઓએ અનેકના જીવ લઈ લીધા છે. આવી
ઘટનામાં જ પોતાની 17 વર્ષની લાડકી દીકરી ગુમાવનાર એક પિતાએ અદાલતમાં
પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરીને દાદ માંગી છે કે, આવી
ઘટનાઓ રોકવા માટે કાયદાઓ બનાવવામાં આવે.
દિલ્હીના મોંગોલપુરી વિસ્તારમાં રહેતા શ્યામસુંદર
કૌશલની દીકરી અંજલિ ઘર નજીકથી પસાર થતો વરઘોડો જોવા ઊભી હતી. વરઘોડામાં અમુક લોકો બંદૂકોના ભડાકા કરતા હતા. ગમે
તે થયું અને ગોળી સનનન કરતી અંજલિને વાગી. અંજલિ
દવાખાને તો પહોંચી ગઈ, પણ ડૉક્ટર્સ તેને બચાવી ન શક્યા. પિતા શ્યામસુંદરે કોર્ટમાં પીઆઈએલ કરી. દિલ્હી
હાઇકોર્ટના ન્યાયાધીશ જી.
રોહિણી અને જયંત નાથે આ મામલે કેન્દ્ર સરકાર
અને દિલ્હીની રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. જોઈએ
હવે સરકાર આનો શું જવાબ આપે છે અને આ કેસના આધારે કેવા કાયદા બનાવાય છે!
ઉત્તરપ્રદેશના લખનઉમાં વરઘોડામાં ફાયરિંગ કરાયું. બંદૂકમાંથી છૂટેલી ગોળી સીધા 28 વર્ષના વરરાજા અમિત રસ્તોગીને વાગી અને તેનું
મોત થયું. લગ્નનો પ્રસંગ મરણની દુર્ઘટના બની ગયો. મધ્યપ્રદેશના
ઉજ્જૈનમાં એક વરઘોડામાં ફાયરિંગ કરાતા વરરાજાના પિતા મૃત્યુ પામ્યા. ઉત્તરપ્રદેશમાં નગરપાલિકાના ઇલેક્શનમાં વિજય મેળવનાર એક ઉમેદવારના સરઘસમાં ફાયરિંગ
કરાતા આઠ વર્ષની બાળા મૃત્યુ પામી.
આ યાદી ખૂબ લાંબી છે. આવી ઘટના બને પછી ઇરાદા વગરની હત્યાનો ગુનો નોંધાય છે. કેસ ચાલે છે. અમુકમાં સજા પણ પડે છે. જોકે, આવા ફાયરિંગ રોકવા માટે કંઈ થતું નથી. જે
રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં લોકો છાકટા થઈને સરઘસોમાં જોડાય છે અને પીધેલી અવસ્થામાં
આડેધડ ફાયરિંગ કરે છે.
આપણે ત્યાં ઘણાં લગ્ન-પ્રસંગો તો બાકાયદા તમાશા જેવા હોય છે. આખો
રસ્તો રોકી સરઘસો નીકળે છે.
કાન ફાટી જાય એવા અવાજે ડીજે વગાડાય છે અને ડાન્સ
થાય છે. ફટાકડાની લૂમ્સ ધડાધડ ફૂટે છે અને બાકી રહી જતું હોય તો બંદૂક, રિવોલ્વર કે પિસ્તોલથી હવામાં ફાયરિંગ પણ કરવામાં આવે છે.
ફાયરિંગની ઘટનાઓ બાદ એક ભાઈએ તો એવી દલીલ કરી
હતી કે આપણે ત્યાં શહીદી વહોરનારની ચિતા પાસે ઊભા રહી તેને માન આપવા માટે પોલીસમેન્સ
જ હવામાં ફાયરિંગ કરે જ છે ને!
અરે ભાઈ, એ
લોકો ટ્રેન્ડ હોય છે અને આવી ઘટનામાં મિસફાયર થયું હોય અને કોઈને ગોળી વાગી હોય એવી
ઘટના ક્યારેય બની નથી એટલે આવી વાહિયાત દલીલો ન કરવી જોઈએ!
 શુભ પ્રસંગોએ મોજમજા થાય એમાં કંઈ ખોટું નથી, પણ કોઈના જીવ ઉપર જોખમ ખડું થાય એવાં કરતૂતો બંધ થવાં જોઈએ. વહાલસોયી દીકરી અંજલિ ચાલી ગઈ પછી શ્યામસુંદરને થયું કે હવે
બીજા કોઈની દીકરી, દીકરો
કે સ્વજન આ રીતે ન મરવા જોઈએ. હવે મામલો અદાલતમાં છે, કોઈ કડક કાયદો બને અને આવી ‘બહાદુરી’ઓ બંધ થાય એ જ અંજલિને સાચી ‘અંજલિ’ ગણાશે!! {
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 15 મે 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
Email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *