જિંદગીમાં ક્યારેક મનને પણ મનાવવું પડે છે 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આંખો મેં પાની રખોહોઠો પે ચિનગારી રખો
જિંદા રહના હૈ તો તરકીબે બહુત સારી રખો,
રાહ કે પત્થર સે બઢકેકુછ નહીં હૈ મંઝિલે
રાસ્તે આવાઝ દેતે હૈસફર જારી રખો.
રાહત ઈન્દૌરી
આપણું કોઈ માને નહીં ત્યારે ઘણી વખત આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. આપણને ખબર હોય કે આ સાચું છે અને આ ખોટું છે. આનાં પરિણામ સારાં નહીં આવે, આપણે સમજાવીએ છતાં કોઈ આપણું ન માને ત્યારે આપણે ખુલ્લી આંખે ઘણું બધું જોવું પડતું હોય છે. આંખ આડા કાન આપણે કરી શકતા નથી. ન તો આંખ બંધ કરી શકીએ છીએ, ન તો કાનમાં પૂમડાં ભરાવી શકીએ છીએ. આપણે બસ સાક્ષી બનીને બધું જોવું પડે છે. આ તો થઈ કોઈ આપણી વાત ન માનતું હોય ત્યારની વાત પણ ઘણી વખત તો આપણું જ મન આપણી વાત માનતું નથી. આવા કેટલા બધા સમયે આપણે આપણા મનને મનાવતાં હોઈએ છીએ? મન અને મગજ, દિલ અને દિમાગ, વાસ્તવિકતા અને અપેક્ષા ઘણી વખત આપણી સામે સવાલોનાં ઝૂંડ લઈને આવી જાય છે.
તમે છેલ્લે ક્યારે તમારા મનને મનાવ્યું હતું? નાની-મોટી વાતે આપણે આમ તો રોજે રોજ મન મનાવતા હોઈએ છીએ. એ મન,આમાં બીજું તું કંઈ કરી શકે તેમ નથી. જે થતું હોય એ થવા દે. આપણા હાથની વાત હશે ત્યારે આપણે આપણાથી જે થઈ શકશે એ કરીશું. અત્યારે તો તું કે હું કંઈ કરી શકીએ એમ નથી. આપણું આપણી જાત સાથે જ ઘર્ષણ થતું રહે છે, આ ઘર્ષણમાં છેલ્લે તો આપણે જ ઘાયલ થવાનું હોય છે. કેવું છે, આપણા હાથે જ આપણે ઘાયલ થઈએ છીએ અને પછી આપણી સારવાર પણ આપણે જ કરવી પડે છે! મનને મનાવી, પટાવી, બહેલાવી અને ક્યારેક છેતરીને આપણે આશ્વાસન મેળવતા હોઈએ છીએ. આપણે આપણી પાસેથી જ આશ્વાસન મેળવતા હોઈએ છીએ. આપણે આપણી પાસેથી જ આશ્વાસન અને સાંત્વના મેળવવી પડે છે. જેને આવી ફાવટ હોય છે એને બીજાની હમદર્દીની ઓછી જરૂર પડે છે!
બધું આપણું ધાર્યું થતું નથી. આપણી શરતો દર વખત ચાલતી નથી. અમુક ઘટનાઓ એવી રીતે બનતી હોય છે કે આપણી પાસે એને સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો હોતો નથી. આવા સમયે આપણે આપણા મનને મનાવવું પડે છે. મન જ્યાં સુધી માનતું નથી ત્યાં સુધી આપણો જીવ બળ્યેે રાખે છે. તમને તમારા મનને મનાવતાં આવડે છે? મન પર જબરજસ્તી થતી નથી. ઘણાં લોકો મન પર દાદાગીરી કરીને પોતાને જ હેરાન કરતાં રહે છે. ઘૂંટાયા રાખે છે. પીડાયા રાખે છે. ધમાલ કરે છે અને ક્યારેક આપઘાત સુધી પણ પહોંચી જાય છે. શાયર જાવેદ અખ્તરની એક રચના છે. આ રચના જાવેદ અખ્તરના દીકરા ફરહાન અખ્તરની ફિલ્મ ‘જિંદગી મિલેગી ના દોબારા’માં સમાવવામાં આવી છે. ‘એ દિલ આખિર તૂ ક્યૂં રોતા હૈ…’ રચનામાં પોતાના દિલને જ મનાવવાની વાત છે, ‘જબ જબ દર્દ કા બાદલ છાયા, જબ ગમ કા સાયા લહેરાયા, જબ આંસુ પલકો તક આયા, જબ યે તન્હા દિલ ગભરાયા, હમને દિલ કો યે સમજાયા, દિલ આખિર તૂ ક્યૂં રોતા હૈ, દુનિયા મેં યૂં હી હોતા હૈ. યે જો ગહરે સન્નાટે હૈ, વક્ત ને સબકો બાંટે હૈ, થોડા ગમ હૈ સબ કા કિસ્સા, થોડી ધૂપ હૈ સબ કા હિસ્સા, આંખ તેરી બેકાર હી નમ હૈ, હર પલ ઈક નયા મૌસમ હૈ, ક્યૂં તૂ ઐસે પલ ખોતા હૈ, દિલ આખિર તૂ ક્યૂં રોતા હૈ?’
દિલ રડતું હોય ત્યારે એને છાનું રાખવું બહુ આકરું હોય છે, કારણ કે સવાલ પણ આપણી પાસે હોય છે અને જવાબ પણ આપણી પાસે હોય છે. આપણા જવાબને સાચો મનાતો નથી. જવાબ સાચો હોવા છતાં આપણે કંઈ કરી શકતા નથી. આપણી સમજદારી જ ઘણી વખત આપણાં પર ભારી પડતી હોય છે. આપણે હાથ ખંખેરી શકતા નથી, આપણે પીછો છોડાવી શકતા નથી. તમારી નજર સામે બધું થતું હોય છે અને તમે કંઈ જ કરી શકતા નથી. કંઈ જ કરી ન શકે ત્યારે માણસ મનને મનાવે છે.
જિંદગીમાં કેટલી બધી વાર એવું બનતું હોય છે કે આપણને પૂછવામાં આવે છે પણ પછી આપણે જે કહીએ એ રીતે કરવામાં આવતું નથી. મોટાભાગે લોકોને આપણી સંમતિ જ જોઈતી હોય છે, એને એ જ કરવું હોય છે જે એણે નક્કી કરી નાખ્યું હોય છે. કોઈ માણસે કંઈ નક્કી કરી નાખ્યું હોય પછી તમે તેને રોકી ન શકો. આપણે એવું કહીએ છીએ કે દરેક વાતનું સોલ્યુશન હોય છે. મોટાભાગે તો સોલ્યુશન બંને પક્ષે સ્વીકારાય તો જ ઉકેલ નીકળે છે. જ્યારે બંનેનાં સોલ્યુશન અલગ અલગ હોય ત્યારે ગાંઠ સર્જાય છે. કોઈ ગાંઠ એક છેડાથી છૂટતી નથી અને છૂટે તોપણ બહુ વાર લાગે છે. બંને છેડા એક સાથે ફરે તો જ ગાંઠ ફટાફટ છૂટે છે.
બ્રેક-અપ કે ડિવોર્સના કિસ્સામાં આવું જ થતું હોય છેને? એક વ્યક્તિ વાત ન સમજવાનું કે ન સ્વીકારવાનું નક્કી કરી લે પછી હાથ છોડવા સિવાય કોઈ રસ્તો હોતો નથી. બે પ્રેમીઓ હતાં. થોડાં વર્ષોની રિલેશનશિપ પછી બંનેને થયું કે આપણે શાંતિથી નહીં રહી શકીએ. પ્રેમીએ કહ્યું કે જે પ્રોબ્લેમ છે એનો માર્ગ શોધીએ. સાથે બેસીને એની ચર્ચા કરીએ. છૂટાં પડવાનો નિર્ણય તો અંતિમ હોવો જોઈએ. કોઈ ચાવી ન લાગે પછી જ આપણે તાળું તોડવાનું નક્કી કરીએ છીએ. પ્રેમિકા કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી. આખરે પ્રેમીએ કહ્યું કે તો તારી મરજી. કોઈ જ્યારે એની મરજી મુજબ કરે ત્યારે આપણે કાં તો મનને મારવું પડે છે અને કાં તો મનને સમજાવવું પડે છે.
દરેક માણસને છુટકારો જોઈએ છે. કોઈને ઘરમાં શાંતિ નથી તો કોઈને ઓફિસમાં કામ કરવાની મજા આવતી નથી. આપણું દિલ રોજ આપણને કહે છે કે તું શું કરે છે? ક્યાં સુધી બધું જતું કરવાનું છે? ક્યાં સુધી બધું સહન કરવાનું છે? પછી આપણું મન જ આપણને રોકે છે કે ના, ઉતાવળ કરવામાં કોઈ માલ નથી, રસ્તો નીકળી આવશે. આપણી પાસે બે જ રસ્તા હોય છે, કાં તો રસ્તો કાઢી લેવાનો અને કાં તો રસ્તો નીકળી આવે એની રાહ જોવાની. બંને વસ્તુ અઘરી અને આકરી છે. ક્યારેક રસ્તો કાઢી લેવાની ઉતાવળમાં ખોટો રસ્તો પસંદ થઈ જાય છે અને જિંદગીની સફર વધુ અઘરી બની જાય છે. ઘણી વખત રસ્તો નીકળવાની રાહમાં ને રાહમાં પીડાતા રહેવું પડે છે. મન દરરોજ પડકાર ફેંકે છે કે બસ, હવે બહું થયું, હવે ફાઈટ ટુ ફિનિશ સિવાય બીજો કોઈ ઉકેલ નથી! મન પણ દરેક વખતે આપણું માને જ એવું જરૂરી થોડું હોય છે? મન પણ બળવો કરતું હોય છે! આવા સમયે પણ છેલ્લે તો મનનું ચાલતું હોય છે. એક પોઈન્ટ એવો આવે છે જ્યારે તમારે નિર્ણય કરવો પડતો હોય છે.
મનને મનાવો પણ મન થાકી જાય કે મન મરી જાય ત્યાં સુધી નહીં. તમારા હાથની વાત ન હોય તો મનને મનાવવા સિવાય કોઈ માર્ગ નથી હોતો. કવિ હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે. જીવન મેં ઈક સિતારા થા, માના વહ બેહદ પ્યારા થા, વહ ડૂબ ગયા તો ડૂબ ગયા, અંબર કે આંગન કો દેખો, કિતને ઈસકે તારે તૂટે, કિતને ઈસકે પ્યારે છૂટે, જો છૂટ ગયે ફિર કહાં મિલે, પર બોલો ટૂટે તારોં પર કબ અંબર શોક મનાતા હૈ, જો બીત ગઈ સો બાત ગઈ… મનને મનાવો અને જલદી મનાવી લો. જેટલું જલદી મનાવી લેશો એટલા જલદી એમાંથી બહાર નીકળી જશો.
આપણો પ્રોબ્લેમ એ હોય છે કે જે બની ગયું હોય છે એને પણ આપણે છોડતા નથી. પકડી રાખીએ છીએ. આપણે મનને મનાવતા નથી પણ મનને માર મારતાં રહીએ છીએ. માર મારવાથી મન માનતું નથી. ધીમે ધીમે આપણને પીડાતા રહેવાની આદત પડી જાય છે. ઘણાં લોકોને પોતાને દુઃખી માનવાનો પણ એક આનંદ આવતો હોય છે. સેડેસ્ટિક પ્લેઝર માત્ર બહારના લોકોને જ પીડા આપવાથી નથી મળતું, ઘણી વખત આપણે આપણી જાતને જ હેરાન કરી, પરેશાન કરી, પીડા આપી, ગૂંગળાવ્યે રાખીને સેડેસ્ટિક પ્લેઝર મેળવતા હોઈએ છીએ. જુઓને, મારે કેટલી તકલીફ છે? મારું તો ક્યાંય ધ્યાન જ પડતું નથી? નસીબ ખરાબ છે અને સમય જ મારો દુશ્મન છે, એવું કહેતાં રહીએ છીએ. આવું કહેનારા ખોટા હોય છે. મોટાભાગે તેને તેમાંથી નીકળવું જ હોતું નથી.
ક્યારેક ક્યારેક મનને મનાવવું જરૂરી હોય છે, મનને મનાવો, ફોસલાવો અને એને એવી રીતે મનાવો કે એ જલદીથી માની જાય. મનને પણ માની જ જવુું હોય છેે પણ આપણે એને છંછેડતા રહીએ છીએ. સમસ્યા, મુશ્કેલી, પીડા, વેદના, દુઃખમાંથી બહાર નીકળવાનો બેસ્ટ માર્ગ એ જ છે કે બને એટલા જલદી એમાંથી બહાર નીકળી જાવ. જિંદગી તો તમારી રાહ જ જોતી હોય છે કે આવો અને જીવી લો!           
છેલ્લો સીન : નક્કી કરી લો કે તમારે હસતાં રહેવું છે કે રડતાં રહેવું છે? આખરે તમે એ જ કરતાં રહેવાના છો જે તમે નક્કી કર્યું હશે! -કેયુ    
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 14 સપ્ટેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)


Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: